અભય અને નેહા નવપરણિત યુગલ હતું. હજી હમણાજ હનીમુન પરથી પરત આવ્યા હતા. નેહા માદક અદાથી બેડરૂમમાં દાખલ થઇ અને અભયને પૂછ્યું, “અભય,તું,આપણું ડુંગરપુરનું મકાન વેચવા માટે જવાનો છો?”

“હા પપ્પા સાથે વાત થઇ છે.”

“તો,મારે પણ તારી સાથે આવવું છે. મેં નાનું શહેર કે ગામડું જોયું નથી. અને લોકલ ટ્રેઈનની મજા પણ માણવી છે. તું,પપ્પા સાથે વાત કરજે.” એમ કહીને નેહા અભયને ગળે વળગી ગઈ.” અભયે પણ સામો પ્રતિભાવ આપીને કહ્યું,“હા,હું પપ્પા સાથે વાત કરી લઈશ.પપ્પા,ના નહી કહે.”

“પપ્પા હું અને નેહા આપણું ડુંગરપુરનું ઘર વેચવાનું છે એટલે ડુંગરપુર જવાનું વિચારીએ છીએ.”

“બેટા તમે નવપરણિત યુગલ છો. તમારે તો હિલસ્ટેશન જેવા ફરવાના સ્થળો એ જવાનું હોય. આપણે ડુંગરનું ઘર વેચવાની ક્યાં ઉતાવળ છે.”

“પપ્પા આ વિચાર નેહાનો છે. તેણે ગામડું કે નાનું શહેર જોયું નથી. તેમજ ધીમે ચાલતી,સ્ટેશને-સ્ટેશને ઉભી રહેતી લોકલ ગાડીમાં પણ મુસાફરી કરી નથી એટલે નેહા ડુંગરપુર જવાના બહાને નવો અનુભવ કરવા માંગે છે.”

“સારું બેટા રમેશકાકા સાથે વાત કરી લેજે. તમને સ્ટેશને લેવા આવવા માટેની વ્યવસ્થા કરે. તું,ઘણા સમય પછી ડુંગરપુર જા છો. તને તો ખબર છે કે આપણું રેલ્વે સ્ટેશન ડુંગરપૂરથી દૂર અને સુમસામ જગ્યામાં છે. અભય આ વખતે તું મકાન વેચીને જ આવજે,વારંવાર આપણને ત્યાં જવા માટેનો સમય નહી મળે અથવા તને જે રીતે યોગ્ય લાગે એ નિર્ણય કરજે.”

“હા પપ્પા તમે ચિંતા કરોમાં. હું કાકા સાથે વાત કરી લઈશ.”

###########

“અભય આજે ટ્રેન કઈક ધીમી ચાલે છે. આપણે સમયસર ડુંગરપુર તો પહોચી જઈશું ને?”

“નેહા રસ્તો તો ફક્ત ત્રણ કલાકનો છે પણ જે રીતે ટ્રેનની ગતિ છે એ જોતા આપણે સાંજના સાત વાગ્યા પહેલાં તો નહી પહોચીએ એવું લાગે છે. તું ચિંતા ન કરતી મેં અને પપ્પાએ રમેશકાકા સાથે વાત કરી લીધી છે એટલે કોઈક તો આપણને સ્ટેશને લેવા આવશે જ.” અભયે નેહાને કહ્યું તો ખરું પણ તેને પણ મનમાં દ્વિધા હતી કે કાકા સાથે વાત થયા પ્રમાણે કોઈકને સ્ટેશને અમને લેવા મોકલેશે તો ખરા ને?

ટ્રેન મંથર ગતિએ ચાલતી સાંજે સાત વાગે ડુંગરપુર પહોચી. ડુંગરપુર ઉતારવામાં ફક્ત અભય અને નેહા બે વ્યક્તિ જ હતા. એક બેગ અને થેલો લઈને બંને સ્ટેશને ઉતર્યા. અભયે બહાર જઈને જોયું તો બહાર કોઈ નહોતું કે તેમને લેવા માટે વાહન આવ્યું હોય એ પણ ઉભેલું દેખાતું  નહોતું.

અભય સામે જોઈને નેહાએ પુંછ્યું “શું? કોઈ વાહન આપણને લેવા માટે નથી આવ્યું?”

“ના બહાર તો કોઈ વ્યક્તિ કે વાહન ઉભેલું દેખાતું નથી. રમેશકાકા એ મોકલેલ માણસ આવતો જ હશે. આપણે આ લેમ્પપોસ્ટ નીચેના બાંકડા પર બેસીને તેની રાહ જોઈએ.”

ડીસેમ્બર મહિનો શરુ થઇ ગયો હતો અને ધીમે ધીમે ગુલાબી ઠંડી પડવાની પણ શરુ થઇ ગઈ હતી. સંધ્યા આથમીને રાત ધીરે ધીરે તેનું દામન ધરતી પર ફેલાવી રહી હતી. ઠંડી તેનો ચમકારો બતાવી રહી હતી. બંને નવપરણિત હતા અને ઉષ્માનો અનુભવ કરી ચૂક્યા હતા. વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક વધી રહી હતી જે ડરામણા લાગતા વાતાવરણમાં પણ બંનેને એકાંત માણવા માટે વિહ્વળ કરી રહી હતી. બંનેની આંખોમાં માદકતાની ચમક ચમકી રહી હતી.પણ પરિસ્થિતિ અત્યારે વિપરીત હતી જે મનમાં ડર અને દ્વીધ્ધા ઉભી કરી રહી હતી.

“અભય મને ઠંડી લાગે છે.” નેહા ધ્રુજી રહી હતી. તેણે થેલામાંથી સ્વેટર કાઢીને પહેર્યું. નેહાને સમજાતું નહોતું કે આ ધ્રુજારી ઠંડીની છે કે પછી મનની અંદર છુપાયેલા ડરની છે. અભય પણ આવોજ અનુભવ કરી રહ્યો હતો પણ નેહાની હિંમત ટકાવવા માટે બહાદુર બનીને બેઠો હતો.

સ્ટેશનમાસ્ટરે જોયું કે હમણાં ગયેલી ટ્રેનમાંથી એક નવ પરણિત યુગલ ઉતર્યું છે અને બાંકડા પર કોઈની રાહ જોઈને બેઠું છે. એ અભય પાસે આવ્યા અને પૂછ્યું,“તમે કોની રાહ જોઈ રહ્યાં છો. અહીયા તો બે જ ટ્રેન આવે છે એક સવારે અને એક બપોરે; પણ બપોરની ટ્રેન મોડી હતી  જે હમણાં આવી ને ચાલી ગઈ. અમે હવે સ્ટેશન બંધ કરીને જતા રહીશું પછી આ સુમસામ જગ્યામાં ચકલુય નહી ફરકે. અમારી સાથે આવવું હોય તો ચાલો. અમે બાજુના ગામમાં રહીએ છીએ.”

“ના અમારે તો ડુંગરપુર જવું છે અને અમને લેવા માટે મારા કાકા વાહન મોકલવાના છે; કોઈ કારણસર હજી એ વાહન આવ્યું નથી.”

“તો સારું.” એમ કહીને સ્ટેશનમાસ્ટર અને માણસો જતા રહ્યાં.

સ્ટેશન પર અભય અને નેહા બેજ રહ્યાં. નેહાને ડર લાગી રહ્યો હતો. દૂર વગડામાં શિયાળની લાળી,તમરાનો અવાજ અને પવનના લીધે ખખડતાં ઝાડના પાંદડાનો અવાજ વાતાવરણને વધુ બિહામણું બનાવી રહ્યું હતું. નેહા થરથર ધ્રુજી રહી હતી. અભય પણ નિરવ શાંતિ ભર્યા વાતાવરણથી ભય અનુભવી રહ્યો હતો. અભય સતત રમેશકાકાને ફોન લગાડી રહ્યો હતો પણ લાગતો નહોતો. પશુઓના અવાજ અને ઝાડીઓમાં થતા ખખડાટથી નેહા ડરીને વારેઘડીએ અભયને વળગી જતી હતી. બીજે ક્યાય હોત તો અભય પણ રોમેન્ટિક બનીને જવાબ આપત પણ અત્યારે તો……અભય પોતે જ દ્વીધ્ધા અને ચિંતામાં હતો.

આમ ચિંતા,ડર અને દ્વિધામાં અડધોએ કલાક પસાર થઇ ગયો. અભયે અને નેહાએ જોયું તો દૂર ધૂળીયા રસ્તા પર કોઈ વાહન આવી રહ્યું હતું. તેની લાઈટ અને અવાજ સંભળાય રહ્યો હતો. નેહાના જીવમાં જીવ આવ્યો. નેહાએ દુપટ્ટાથી ગુલાબી ઠંડીમાં વળેલ પરસેવાને લૂછી નાખ્યો. આખરે વાહન સ્ટેશન બહાર આવીને ઉભું રહ્યું એ રમેશકાકાએ મોકલેલ રિક્ષાવાળો હતો. બંને હાશકારો કરીને રિક્ષામાં બેઠા. ધૂળ ઉડાડતી રિક્ષા ડુંગરપુર તરફ  દોડવા લાગી. નેહાની નાના શહેર કે ગામડાની મજા માણવાની ઈચ્છા ઠંડી થઇ ગઈ હતી. તેનું ચાલત તો તે અત્યારેજ ઘરે પાછી ચાલી જાત.નેહાએ અભય સામે જોયું. અભયે હાથમાં હાથ લઈને નેહાને સાંત્વના આપી. નેહાને સારું લાગ્યું.

“આવી ગયા બેટા. અભય તે જોયુંને કેવી છે અમારી વ્યવસ્થા અને અવ્યવસ્થા.”

“કાકા એવું તો ચાલ્યા જ કરે. અમે હેમખેમ ઘરે તો પહોચી ગયા ને.”

“અભય, હું,ભાઈ સાથે વાત કરી લઉં અત્યાર સુધીમાં તેના દશ ફોન આવી ગયા. તારો ફોન લાગતો નહોતો.”

“હા કાકા,નેટવર્કમાં કંઈક તકલીફ હશે. મને પણ તમારો ફોન લાગતો નહોતો.”

“કાકા તમે આપણું પ્લોટનું મકાન છોડી અહીયા કેમ રહેવા આવી ગયા? મકાન તો ચાલુ છે ને? જમીને હું,અને નેહા ત્યાં જતા રહીશું. નેહાને એ મકાનમાં રહેવાની બહુ ઈચ્છા છે.”

“અરે! બેટા તને શું?વાત કરું. એ આપણું પ્લોટનું મકાન ભૂતિયું મકાન થઇ ગયું છે. ખબર નહી તેમાં ભૂતનો વાસ કેવી રીતે થઈ ગયો. તારી કાકીને બહુ બીક લાગતી હતી. હું,તો કંઈ આખો દિવસ ઘરે રહી શકું નહી. ક્યારેક બીજે ગામ ગયા હોઈએ તો રાત્રી રોકાણ પણ થઇ જાય એટલે પછી અહીયા રહેવા આવતા રહ્યાં.”

“તો કાકા કાલે કોઈને કહીને એ મકાન સાફ કરાવી નાખશું. મકાન વેચવું હોય તો કોઈને દેખાડીએ તો સાફસુથરું તો હોવું જોઈએ ને.”

“હા બેટા. મે કહી જ રાખ્યું છે. કાલે મકાન સાફ થઇ જશે. મેં બે-ચાર જણાને વાત કરી રાખી છે પણ મકાન ભૂતિયું થઇ ગયું હોવાથી કોઈ મફતમાં પણ લેવા તૈયાર નથી.”


ક્રમશ:

Leave a comment