પ્રેમની સુંદરતા એકમેકના દિલમાં ~ ( ભાગ – 1 )

સવારની મદહોશતા, સાંજની શાલીનતા અને મોસમની ગરિમાને લઈને જાણે કુદરતે કોઈ કલ્પના કરી હોય અને તેને વાચા આપી હોય એવી તેની સુંદરતા હતી, હસે તો જાણે ફૂલ ખીલે છે, બોલે તો જાણે મોતી સરે છે, અરે, એ પાણી પણ પીવે તો આરપાર દેખાય એવી તેની કમનીય કાયા, જેનું નામ ‘અનોખી’.ગુલાબની પંખુડી જેવા હોઠ ખોલીને અનોખી જયારે બોલે છે ત્યારે લાગે કે તેને સાંભળ્યા કરીએ, એ જયારે ચાલે ત્યારે લાગે કે તેને નિહાળ્યા કરીએ, પણ જયારે એ નિહાળે છે ત્યારે? ત્યારે સર્વત્ર અંધકાર છે, તેની માટે બધા કુદરતના રંગો એકસમાન છે.હા, અનોખી જોઈ નથી શકતી.તેની મૃગ જેવી અણીયાળી આંખોમાં તેજ નથી.હવે આને કુદરતની કરામત કહેવી કે કુદરતની રમત?પણ અનોખી કંઈક જુદી જ માટીની હતી.તેણે કુદરતની સામે હાર માનવને બદલે પોતાની કમીને પોતાની હિમ્મત બનાવી લીધી હતી.અને જીવનને માત્ર જીવવાને બદલે માણતી હતી.અનોખી આજના જમાનાની યુવાન તેમજ સ્વતંત્ર વિચારો ધરાવતી છતાં ભગવાનમાં અતૂટ શ્રધ્ધા રાખતી, આત્મવિશ્વાસથી ભરપૂર અને હંમેશા બીજાને મદદરૂપ થવા તત્પર એવી નરમાશ સ્વભાવની અને સાદગીસભર યુવતી છે.

                 અનોખી જ્યારે બે વર્ષની હતી ત્યારે તેણે એક રોડ અકસ્માતમાં પોતાના માતા -પિતા બંન્નેની છત્રછાયા ગુમાવી દીધી હતી.અને ત્યારે તે નાનકડી બાળકીનો હાથ ‘ગીતાંજલિ’ નામનું અનાથાશ્રમ ચલાવતા દિલદાર અને સરળ સ્વભાવનાં મિ. ડિસોઝાએ પકડ્યો હતો.અને એ બે વર્ષની નાનકડી અનોખી એ દિવસે ‘ગીતાંજલિ’માં પ્રવેશ કરે છે.અનોખી ‘ગીતાંજલિ’ ને જ પોતાનું ઘર માનીને આરામપૂર્વક અને ખુશીથી રહેવા લાગે છે.તેણે મિ.ડિસોઝાને પોતાના માતા-પિતા અને આશ્રમના બાકી સાથીઓને પોતાના ભાઈ-બહેન માની લીધાં છે, ગીતાંજલિ જ તેનો પરિવાર છે.  તેણે ભગવાનના દરેક નિર્ણયનો સ્વીકાર કરીને જીવનમાં આગળ વધવાનો જાણે સ્વભાવ જ બનાવી લીધો છે.   

ચંદ્રની કળાઓ આકાર બદલતી જાય છે, ઝીંદગીની કિતાબમાં  અનેક રાતોના પાના પલટાઈને અનેક દિવસો નવા ઉમેરાતા રહે છે.સમય પોતાનું કામ કરતો જાય છે, અને આજે અનોખી 23 વર્ષની થઇ ચુકી છે. એમ.એ.બીએડ સુધીની ડિગ્રી મેળવીને એક શાળામાં શિક્ષકની ફરજ નિભાવે છે.સાથે -સાથે પોતાનો આગળનો અભ્યાસ ચાલુ રાખે છે.અનોખી પી.એચ.ડી કરવા માંગે છે.અનોખી ભણવામાં અને અન્ય ઈત્તરપ્રવૃત્તિમાં પહેલેથી જ હોંશિયાર રહી છે.

              આંખોમાં તેજ નહિ હોવા છતાં એક તેજસ્વી સ્વપ્ન અનોખીના મનમાં ઝળહળે છે.અને તેને પૂર્ણ કરવાં તે હંમેશા પ્રયત્નશીલ રહી છે.ભવિષ્યમાં એક પોતાની શાળા ખોલીને ત્યાં ગરીબ અને દિવ્યાંગ બાળકોને ભણાવાનું અનોખીનું સપનું છે.આ દરેક વિચારોમાં મિ.ડિસોઝાનો એક આગવો ફાળો રહ્યો છે.અનોખી તેમને જ પોતાનાં આદર્શ માનતી આવી છે.પોતાના દરેક વિચારને કાર્યમાં પલટાવતાં પહેલાં તે તેમનો અભિપ્રાય ચોક્સપણે લે છે.મિ.ડીસોઝાનું સ્થાન અનોખીનાં જીવનમાં આગવું અને મહત્વનું છે.અહીં સુધી કે તે પોતાનો જન્મદિવસ પણ એજ દિવસે ઉજવે છે જે દિવસે મિ.ડિસોઝા તેને ‘ગીતાંજલિ’માં લાવ્યા હતાં.

અનોખી નવરાશની પળોમાં મિ.ડિસોઝાની ઓફિસમાં આવે છે અને તેમને આશ્રમનાં કામમાં મદદરૂપ થઈને સમય વિતાવે છે.ક્યારેક મિ.મહેતા પણ ત્યાં હાજર હોય છે જે એક સરકારી શાળામાં શિક્ષકની ફરજ બજાવે છે તેમજ મિ.ડિસોઝાનાં ખાસ મિત્ર છે.તો અનોખી, મિ.મહેતા અને મિ.ડિસોઝા ક્યારેક ભેગા થઈને હસી મજાકની વાતો કરીને હળવાશનો સમય પણ પસાર કરે છે.

                 જિંદગીની સફર હવે, કંઈક અલગ દિશામાં મોડ લે છે.પોતાની નોકરીની ફરજ, અભ્યાસ તેમજ સ્વપ્ન પૂરું કરવાની ભાગદોડમાં અનોખીની મુલાકાત એક કિરણ નામનાં યુવક સાથે થાય છે.કિરણ એ ખુબજ સાદગીસભર પણ ખુબજ જિંદાદિલ વ્યક્તિ છે એ મસ્કરો છતાં લાગણીસભર યુવાન છે.કિરણ હંમેશા હસતો અને હસાવતો જ રહે છે.કિરણે એમ.બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ એક નામાંકિત કંપનીમાં ફરજ બજાવે છે અને સંગીતપ્રેમી કિરણ સંગીતની સાથે – સાથે લખવાનો પણ શોખ ધરાવે છે.

પોતાનાં વિચારોને કાગળ પર કલમથી કંડારી ઘણાં શબ્દોને કવિતા સ્વરૂપે કાલ્પનિક છતાં જાણે જીવંત કર્યા છે.કિરણનાં પિતા કિરણના નાનપણમાં જ ગુજરી ગયાં છે.ત્યારબાદ તેની માતાએ તેને ઘણાં દુઃખ સહન કરીને, કપરી આર્થિક પરિસ્થિતિ માંથી પસાર થઈને કિરણને આ જગ્યા પર પહોંચાડ્યો છે અને તેનું કિરણને ઘણું માન છે.કિરણના કુટુંબમાં માત્ર તેની માતા છે, જેને તે દુઃખી નથી જોઈ શકતો તેવી જ રીતે, તે અનોખીને હંમેશા હસતી જોવા માંગે છે.તેનાં જીવનમાં માત્ર બે જ સ્ત્રીઓ છે, એક તેની માતા અને બીજી અનોખી.બસ આજ છે સરળ કિરણની સરળ દુનિયા.

                    અનોખી અને કિરણની મુલાકાત એક શાળામાં થઈ હતી જ્યાં અનોખી ભણાવે છે.કિરણ પણ હાલની કંપની સાથે જોડાયા પહેલાં ત્યાં ભણાવતો હતો.કિરણને અનોખી પેહલી જ નજરમાં ગમી ગઈ હતી, અનોખી હતી જ એટલી સરસ.અને આ બાજુ કિરણ પણ કાંઈ કમ ન હતો, પણ અનોખી એ સ્માર્ટ,ગુડલૂકિંગ યુવાનને જોઈ નહોતી શકતી કે તે કેટલો હેન્ડસમ છે, તે તો પોતાની સુંદરતાને જ ક્યાં જોઈ શકતી હતી.તેને તો કિરણનાં સ્પર્શ માત્રથી પ્રેમ હતો.અને કિરણની વાકછટાએ અનોખીનું દિલ જીતી લીધું હતું.ધીમે – ધીમે દોસ્તી વધી અને પ્રેમમાં પરિણમી હતી.પ્રેમનાં બીજ અંકુરમાંથી ફૂલ બની તેની સુવાસ કિરણ અને અનોખી બંન્નેની દુનિયાને મહેકાવી પ્રફ્ફુલિત કરી રહ્યા હતાં.અનોખી અને કિરણ ખુબ મહેનત કરતાં હતાં આખા દિવસના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને સમી સાંજે બંન્ને દિલ શહેરની કોઈ શાંત જગ્યાએ મળતાં અને એક-મેકનાં મનની વાત એકબીજાને કરી જાણે હળવાશ અનુભવતાં.

           “દિલકે બાગમેં જો હંસકર ખીલ ઉઠા હૈ,
             તુમ વો સુંદરસા રંગીન, માસુમ ફૂલ હો
             સાથ હી ચાહતે હે હમ તો સિર્ફ આપકા,
             રૂપ જો હો, હમેતો હર જન્મમેં કુબૂલ હો.”

પ્રેમમાં માત્ર શરીરની નહી પણ મનની આત્મીયતા વધારે અસર કરે છે, તેનું સાર્થક ઉદાહરણ જાણે કિરણ અને અનોખી આપી રહ્યા હોય તેમ બંનેનો નિઃસ્વાર્થ પ્રેમ એકબીજાને કોઈ પણ અપેક્ષા વગર ઝંખે છે.

               આમને આમ ત્રણ વર્ષ ક્યાં વીતી જાય છે તેનો પણ ખ્યાલ નથી રહેતો.અનોખી અને કિરણનો નિત્યક્ર્મ એકબીજાને રોજ મળવાનો બરકરાર હોય છે અને દિવસે દિવસે બંનેનો પ્રેમ એકબીજા માટે વધતો જાય છે.રોજની જેમ એક સમી સાંજે કિરણ અને અનોખી મળે છે.

કિરણ મનમાં વિચારે છે કે આજે અનોખીની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દેશે.અનોખીને મળીને તે એને કહે છે કે, અનોખી મારે તને એક વાત કહેવી છે ઘણાં દિવસથી મનમાં વિચારું છું કે આજે કહું, કાલે કહું બસ આજે કહી જ દઉં.

અનોખી જાણે એના મનની વાત જાણી ગઈ હોય એમ એક મુંજવણની લહેર તેનાં ચહેરા પર આવી ગઈ, પણ તરતજ પોતાની જાતને સ્વસ્થ કરતાં હળવા સ્મિત સાથે તેણે કહ્યું, હા બોલને મને કહેવામાં વિચાર શું કરવાનો? કહીદે ને જે કહેવું હોય તે.આ સાંભળીને કિરણનાં ચહેરા પર પણ સ્મિત આવી ગયું.                                          
                                                          ક્રમશ:
                                                  (વધું આવતા અંકે)


  

Leave a comment