પ્રેમની સુંદરતા એકમેકના દિલમાં ( ભાગ – 2)

(વાચકમિત્રો, ભાગ — 1માં આપડે જોયું કે, અનોખી કે જે જોઈ નથી શકતી છતાં તેનામાં ગજબની હિમ્મત છે, અને જે કિરણ નામનાં યુવકને દિલથી ચાહે છે,કિરણ જે એક સાદગીસભર પણ જિંદાદિલ વ્યક્તિ છે, તે પણ અનોખીને ખુબ પ્રેમ કરે છે, અને ત્રણ વર્ષનાં પોતાના સબંધને આગળ બરકરાર રાખવા માટે તે અનોખીને સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકવાનું વિચારે છે, અને અનોખીને આ વાતની જાણ છે, તેને પણ તે મંજૂર છે તો તે મનમાં કેમ મુંજાઈ રહી છે, એ આગળ  જોઈએ…)

કિરણ પોતાની વાત આગળ વધારતાં અનોખીને પોતાનાં મનની વાત જણાવે છે,

કિરણ: અનોખી છેલ્લાં ત્રણેક વર્ષથી આપણે એકબીજાને                      જાણીએ છીએ અને એકબીજાનાં પ્રેમમાં છીએ, તો હવે આપણે એ પ્રેમરૂપી કડીને લગ્નરૂપી સાંકળથી બાંધી દેવી જોઈએ.

મારી માતા અને મી. ડિસોઝા બંન્ને આપણાં સબંધને ઓળખે છે, તો પછી હવે વાર શા માટે તું કહે તો હું મારી માતાને કહું એ સારો દિવસ જોઈને આશ્રમમાં આવે અને મી. ડીસોઝાને મળે અને આપણાં વિશે વાત કરે, જેથી કરીને આપણો પરિણય લગ્નનાં અંજામ સુધી પહોંચી શકે.

(અનોખી વિચારમાં પડી જાય છે કે કિરણને શું જવાબ આપવો, અનોખીને વિચારમાં પડેલી જોઈને કિરણ તેને બોલાવે છે…)

kiran:અનોખી…..અનોખી ક્યાં ખોવાઈ ગઈ ? તારે વિચારવા માટે સમય જોઈતો હોય તો, ખુલીને વાત કર, હું રાહ જોવા માટે  તૈયાર છું…
(અનોખી જાણે તંદ્રામાંથી જાગી હોય તેમ એક ઊંડો શ્વાસ લઈને કહે છે…)

અનોખી:ના ના, કિરણ એ તો મારે તને કેહવું જોઈએ, કે તું એકવાર વિચાર કરી જોજે, કેમકે, પ્રેમ અને લગ્નમાં ફેર છે.

અત્યાર સુધીની આપણી પરિણય સફર તો અદ્ભૂત રહી જ છે, પણ લગ્નરૂપી સફર કદાચ એવી ન પણ હોય, તો કાલ ઉઠી ને તને તારી પસંદગી પર અફસોસ ન થાય,

સામાન્ય રીતે લગ્નજીવનમાં પતિ-પત્ની હાથોમાં હાથ પરોવીને, એકબીજાનાં કદમથી કદમ મેળવી ડગ માંડતા હોય છે, જેમાં આંખોથી જોયેલાં કેટલાંક સપનાં સાકાર કરવાની ભાવના, સુખદુઃખમાં સાથ આપવાનાં વાયદા અને એક ડગમગે તો બીજો તેને સંભાળી લેશે તેવો વિશ્વાસ, આ બધાં નો સમન્વય જાણે લગ્નરૂપી સફરને મંજિલથી પણ વધારે ખુબસુરત બનાવી દે છે.

પણ કિરણ આપણી બાબત થોડી અલગ છે, જેમાં રસ્તો અને મંજિલ તો એવા જ હશે, પણ સફર કદાચ સમાન ન પણ હોય.કારણકે, તેમાં સપનાં તો આપણે બન્ને એ જોયેલાં હશે પણ હકીકત જોવા માટે માત્ર તારી આંખો જ હશે, એટલે મુશ્કેલી પણ તને વધારે પડશે,ત્યારે તને એમ ન થાય કે હું તારી કાબિલ નથી.

શું તને મંજુર છે? હકીકતને મારી ખામી સાથે સ્વીકારી આપણાં ભવિષ્યરૂપી કાલને જોવા માટે તું તૈયાર છે???

કિરણ અનોખીની વાત પર હસ્યો, અને તેનાં શાયરનાં અંદાજમાં કહ્યું,
“હસતે જાઓ, ગમ ભુલાતે જાઓ,
કલ ક્યા હો કિસને દેખા યહાં…..
બસ આજકી દુનિયા સજાતે જાઓ.”

(અનોખી હસતાં -ગાતાં કિરણને સાંભળી રહી છે, અને મનની આંખોથી જાણે નિહાળી રહી હોય તેમ તેની સામે જોઈ રહી છે, અને વિચારી રહી છે કે આ કઈ માટીનો માણસ છે હું આટલી ગંભીર વાત કરું છું અને એ હસી રહ્યો છે…)

કિરણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે,

કિરણ:અનોખી તું પણ ને આટલીક વાત મનમાં ભરીને બેઠી છે.મારી આજ અને કાલ બંન્ને તું જ છે.કાલ સુંદર હોવા માટે આજ સુંદર હોવી જોઈએ અને મારી આજ મને સ્વર્ગ સમાન અનુભવ કરાવે છે.

અને રહી વાત ખામીની તો અનોખી, તારામાં જે ખામી છે એ બધાંને નજરે પડે છે પણ દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી હોય જ છે.જે કોઈને દેખાય છે તો કોઈને નહી, કોઈ છુપાવે છે તો કોઈ બતાવે છે.તું તો તારા નામ પ્રમાણે અનોખી છે જે છે એ સામે જ છે.

તારું મારાં જીવનમાં આવવું એ મારી ખુશનસીબી છે જે દિવસે મને અફસોસ થશે તો એ વાતનો હશે કે હું તારા જીવનમાં છું.અનોખી, હું તને મારી આંખોથી પુરી દુનિયા બતાવીશ,તું મારી આંખોથી જો અનોખી.બસ એક વાત યાદ રાખજે કે, દુનિયા તારા કરતાં સુંદર નથી.

અનોખીને આજે પેહલીવાર પોતે આંખે નથી જોઈ શકતી એ વાત પર અફસોસ થાય છે, કે પોતાની પાસે આટલા સારા વિચારો ધરાવતો વ્યક્તિ છે અને પોતે એને જોઈ નથી શકતી.પણ બીજી જ ક્ષણે ભગવાનનો આભાર માને છે, અને મનોમન કહે  છે કે હૈ પ્રભુ જોયા તો મેં તમને પણ નથી છતાં તમારામાં શ્રદ્ધા છે, અને એટલેજ કહું છું કે દુનિયા મારાથી સુંદર છે કે નહી નથી ખબર પણ મારાં માટે તારા અને કિરણમાં કોઈ ફરક નથી.

અને ભીની આંખો અને મોઢા પર સ્મિત સાથે કિરણનો હાથ પોતાનાં હાથમા લે છે અને એની વાતની મૂક મંજૂરી આપતી હોય તેમ પ્રેમથી તેનાં ખભે માથું રાખી દે છે. અનોખી પણ આજે ગણગણએ  છે,

“યે ઇશ્ક હૈ યા ઈબાદત જો કિયા,
રબ તુજમેં તું હૈ રબમેં ઓ પિયા. “

કિરણ તેની હા ને વગર કહે સમજી જાય છે, તેનાં કપાળ પર હળવું ચુંબન કરે છે અને આ સુંદર સાંજ બંન્ને માટે એક યાદગાર પળ બની જાય છે અને બંન્ને લગ્નનું સપનું આંખોમાં લઇ હળવા સ્મિત સાથે કાલે મળવાના ઈરાદાથી છુટા પડે છે.

                      એક દિવસ કિરણ રાબેતા મુજબ પોતાની કંપનીમાં પોતાનું કામ કરી રહ્યો હોય છે ત્યાં અચાનક તેને ચક્કર આવવા લાગે છે અને મગજ ભમવા માંડે છે.આવું તેને પેહલા પણ ઘણીવાર થઈ ચૂક્યું હોય છે પણ તે તેને સામાન્ય બાબત ગણી ધ્યાનમાં લેતો નથી.અને એ બેદરકારી આજે મોટું સ્વરૂપ લે છે.અને તે બેહોશીની હાલતમાં જમીન પર ઢળી પડે છે.તેના સહકર્મચારીઓ તેને હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડે છે.ડોક્ટરને તપાસ કરતાં હાલત વધું ગંભીર જણાય છે તેથી તે સંપૂર્ણ બોડી ચેકઅપ ની સલાહ આપે છે.બીજે દિવસે કિરણનું બોડી ચેકઅપ થાય છે.રિપોર્ટ આવતા કિરણ પર જાણે આભ તૂટી પડ્યું.એક તરફ માતા અને બીજી તરફ અનોખી અને ઉપરથી આ જીવલેણ બીમારી.હા, કિરણને મગજનું કૅન્સર છે.ડોક્ટરના કેહવા પ્રમાણે તે છેલ્લા સ્ટેજમાં છે.કિરણ પાસે હવે વધારે સમય નથી.

આ બાજુ તે અનોખીને થોડાં દિવસ મળી શકતો નથી.પોતે હવે આ દુનિયામાં વધું સમય નથી એ વાત અનોખીને કેવી રીતે જણાવવી તેવી મુંઝવણ સાથે તે એક દિવસ ‘ગીતાંજલિ “માં અનોખીને મળવા માટે આવે છે.અનોખી એનો અવાજ સાંભળતાની સાથે જ તેને આલિગંન આપવાનાં હેતુથી આગળ વધે છે પણ પાછી તરત પોતાની સ્ત્રી સહજ નારાજગી દર્શાવીને તેને ગુસ્સામાં આટલા દિવસ નહી મળવા બદલ ઠપકો આપે છે.કિરણ પોતાના પર હક્ક કરતી પોતાની પ્રેમિકા ને જોઈ રહે છે, અને પોતાનાં મજાકિયા સ્વભાવથી તેને હસાવીને તેની નારાજગી દૂર કરી દે છે અને એને મનાવી લે છે.
જતાં સમયે તેને મી.ડિસોઝા મળે છે.થોડી ઔપચારિક વાતો દરમ્યાન મી.ડિસોઝા કિરણની મન:સ્થિતિ પામી જાય છે કે તે કાલ્પનિક ખુશ થઈ રહ્યો છે.તેઓ તેને પોતાની ઓફિસમાં લઇ જાય છે અને તેને શાંતિથી વાત કરવા જણાવે છે કિરણ પાસે બીજો કોઈ રસ્તો ન હતો, કોકને તો વાત કહેવી જરૂરી હતી, કિરણ બધી પેટ છૂટી વાત કરે છે.અને સાથે એક પોતાનાં મોટા “રહસ્ય”ની વાત પણ કરે છે અને એક “વચન”લે છે.
હવે, કિરણ ધીમે ધીમે અનોખીને મળવાનું ઓછું અને પછી સંપૂર્ણ બંધ કરે છે.

કિરણ પણ અનોખીને નહી મળીને અને પોતાની વાત નહી  જણાવીને ખુશ નથી.પોતાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થવાનું હોવાથી તે પોતાની માતાને સમજાવીને ગામડે પોતાનાં કાકાના ઘરે મૂકી આવે છે.અને બીજે દિવસે હોસ્પિટલમાં દાખલ થાય છે, એ રાત્રે તે સુઈ નથી શકતો.જિંદગી સામે ઉઠેલાં પ્રશ્નો જેનો કોઈ જવાબ નથી, તેને પોતાની અંગત ડાયરીમાં વર્ણવે છે.અનોખી અને માતા માટેનો અતૂટ પ્રેમ, મુંઝવણ, યાતના, ચાહવા છતાં નહી કહી શકવાની મજબૂરી.આ બધું જ એક ડૂમો બની જાણે મનમાં ભરાયું છે જે કલમ દ્વારા કાગળ પર ઉભરી આવે છે.

આ બાજુ અનોખી પણ કિરણને મળવાના ઘણાં પ્રયત્નો છતાં નહી મળી શકવાથી ચિંતામાં છે, તેનાં સહકર્મચારીઓ અને નજીકનાં મિત્રોને પૂછતાં જાણ થાય છે કે તે ઑફિસના કામથી બહારગામ ગયો છે.તે તેના ઘરે તેની માતાને મળવા જાય છે પણ ત્યાં તાળું વાગેલું હોય છે, આડોશ-પાડોશમાં કોઈને કશી ખબર નથી.તે આશ્રમ પાછી ફરે છે. એ મનોમન વિચારે છે કે, આ બધું શું ચાલી રહ્યું છે? મનના ઘોડાં બંન્ને બાજુ દોડી રહ્યાં છે.

એક બાજુ થાય છે કે, કિરણ બેવફા છે એ પોતાને દગો દઈ ગયો, સફળતા મળ્યા પછી પોતાનો પ્રેમ અને આપેલાં વચનો ભૂલી ગયો.ત્યારે એક બાજુ થાય છે કે, તે કંઈક મોટી મુશ્કેલીમાં છે અને પોતાનાથી કંઈક છુપાવી રહ્યો છે.તેનો જીવ ગભરાવા લાગે છે, હૃદય જાણે જોરથી ધડકવા લાગે છે જ્યારે કિરણનો વિચાર આવે છે.

અનોખી હવે રાત-દિવસ વિમાસણમાં મુકાઈ ગઈ.કિરણ વગર તેને પોતાનાં જીવનમાં ખાલીપો અનુભવાય છે, વારેવારે કિરણનાં જ ભણકારાં સંભળાય છે, તેનું હાસ્ય કાને પડે છે, જાણે તે તેને બોલાવે છે એવો આભાસ થાય છે, તેનો હસતો ચહેરો માનસપટ પર છવાઈ જાય છે પણ કિરણ ક્યાંય નથી.મન જોરથી પોકારી ઉઠે છે કિરણ તું ક્યાં છે? પ્લીઝ આવી જા, પણ એ અવાજ ચાર દીવાલોમાં સમાઈ જઈને આંસુ બની વહી જાય છે.અનોખી જ્યારે પણ અસમંજસમાં મુકાતી ત્યારે તે mi.ડિસોઝા પાસે જતી અને પોતાની મૂંઝવણ કેહતી તે એને સાચો રસ્તો જરૂરથી બતાવતાં.અત્યારે તો મોડી રાત થઈ છે મી.ડિસોઝા સુઈ ગયાં હશે એમ વિચારી તેને સવારે જવાનું ઉચિત લાગ્યું.પણ એ રાત્રે તેણી વિચારોમાં જાગતી રહી.

               વહેલી સવારે અનોખી મી.ડીસોઝાના રૂમમાં પહોંચે છે. ત્યારે તે તો ન હતાં પણ તેમના અંગત મિત્ર મી. મેહતા ત્યાં હોય છે.તે અનોખી ને કહે છે કે mi.ડિસોઝા કોઈ જરૂરી કામથી બહાર ગયાં છે.અનોખીને જરાં અજુગતું લાગે છે કેમકે, મી.ડિસોઝા કોઈ દીવસ આવી રીતે જાણ વગર ગયા ન હતાં.અને મી.મેહતા પણ જાણે કંઈક છુપાવતાં હોય તેમ બઉ વાત નહોતા કરતાં.અનોખીને કાંઈ સમજાતું નથી.

તે ઓફિસની બહાર નીકળે છે ત્યાં ફોનની રિંગ વાગે છે મી.મેહતા વાત ચાલુ કરે છે મી. ડીસોઝાનો ફોન હોય છે વાત પરથી કિરણની વાત હોય તેવું લાગે છે.અનોખી થોભે છે તેને બે ઘડી કાન ઠેરવ્યાં.વાત ગંભીર લગતા તે પાછી રૂમમાં આવે છે.ફોન મુકતાની સાથે જ તે મી.મહેતાને કસમ આપીને વાત જણાવવા કહે છે. અને અનોખીની હાલત જોઈ તે પોતાને રોકી શક્યાં નહી.અને અનોખીને સઘળી હકીકત જણાવે છે.

તેઓ તરતજ  હોસ્પિટલ પહોંચે છે પણ ત્યાં સુધીમાં ઘણીવાર થઈ ચુકી હોય છે, કિરણ આ ફાની દુનિયા છોડીને લાંબી સફરે ચાલી નીકળ્યો હોય હતો  પણ અનોખી માટે અમૂલ્ય ભેટ આપતો ગયો હતો અને તે હતી તેની પોતાની ‘આંખો’ જેનું મી.ડિસોઝા પાસેથી તેણે વચન લીધું હતું.અનોખીને જોતાં જ મી.ડિસોઝા તેને સાંત્વન આપતાં હોય તેમ તેને માથે હાથ મૂકે છે અને એના હાથમા કિરણની ડાયરી આપે છે જેમાં કિરણ જે કહી શક્યો નહતો તે સઘળું લખ્યું હતું.અનોખી કિરણનાં શબને ભેટીને ખુબ રડે છે અને કહે છે, એક હસતાં ચહેરા પાછળ એક દાવા સળગતો હતો જે મારાં પ્રેમને ભરખી ગયો.

                      આજે 10 વર્ષ વીતી ચૂક્યાં છે કિરણ આ દુનિયામાં નથી છતાં અનોખીની મન:સ્મૃતિમાં હજી જીવંત છે, હજી તેની એજ છબી છે.અનોખીએ પોતાની એક શાળા ચાલુ કરી છે.જેમાં તે દિવ્યાંગ અને ગરીબ બાળકોને ભણાવે છે અને તેમને તેમની મંજિલ સુધી પહોંચવામાં સાચી રાહ ચીંધીને મદદરૂપ બને છે.કિરણની માતા અનોખીની સાથે જ રહે છે અને બન્ને અમુક નાજુક સંજોગોમાં એકબીજાને સાથ આપીને સંભાળી લે છે.અનોખીનું સપનું આજે પૂરું થયું છે જે તે કિરણની આંખોથી હકીકતમાં પલટાતાં જોયું છે, અને કિરણની ઈચ્છા પુરી થઈ છે અનોખીને પોતાની આંખોથી દુનિયા બતાવાની.

જ્યારે પણ અનોખી આંખનો પલકારો મારે છે ત્યારે ત્યારે કિરણને યાદ કરે છે કિરણને પોતાની આસપાસ અનુભવે છે.આજ હવે અનોખીની જિંદગી છે જે કિરણની આંખોથી શરૂ થઈ પોતાનાં અંતરઆત્માનાં છેડા સુધી પહોંચે છે જ્યાં માત્ર અંત:સ્ફૂર્ણા છે, સવેંદના છે અને “પ્રેમની સુંદરતા” છે.

          “સુરજ નથી બનવું મારે આસમાનમાં
           તારી આંખોમાં દીવો બની ઝળહળવું છે
            નામના નથી જોઈતી મારે દુનિયામાં,
            તારી યાદોમાં રહુ અકબંધ એ ઘણું છે. “

    પૂર્ણ
તન્વી શુક્લ
         
 

Leave a comment