વર્ષનો હિસાબ
વર્ષ પુરુ થયું હવે, ચાલને વર્ષનું સરવૈયુ કરીએ,
નફાને હૃદયની તિજોરીમાં બંધ કરી દઈએ,
નુકશાનને હાસ્યના વહેણમાં વહાવી દઈએ,
એકમેકના દુઃખમાં આંસુ એમ જ તો ના સરી પડે ને!?
બસ તો એકબીજાના અવગુણોની ઘાલખાદ્ય લખી દઈએ,
યાદોની ખતવણી કરીને એકમેકના સમયની ખાતાવહી તૈયાર કરીએ,
ગેરસમજની બાદબાકી કરીને સમજણનો વિનિમય કરીએ,
સ્નેહનો સરવાળો અને લાગણીનો ગુણાકાર કરીએ,
મતભેદનો માંડવાળ કરીને થોડી મુલાકાતો જમા રાખીએ,
ભલેને અધૂરો રહે હિસાબ થોડી તારી ને મારી ઉધારી બતાવીએ,
કંઈક આવી જ રીતે નવા વર્ષનો પણ સોદો પાક્કો કરી લઈએ,
વર્ષ પુરુ થયું હવે ચાલને, વર્ષનું સરવૈયું કરીએ.
તન્વી શુક્લ
આભાર 🙏🏻
Leave a comment