જિંદગી એ એક એવી પાઠશાળા છે. જેમાં દરેક વ્યક્તિએ દાખલ થવું જ પડે છે અને પ્રથમ પાઠથી શરૂ કરી જિંદગીનાં અંતિમ પડાવ સુધી પાઠ શીખવા પડે છે. વહેતી જિંદગીમાં વચ્ચે વચ્ચે કસોટીઓ આવે છે તેને પણ પાસ કરી પસાર કરવી પડે છે. અહીયા એકજ તફાવત શૈક્ષણિક અને જિંદગીના પાઠમાં હોય છે શૈક્ષણિક કસોટીમાં એકથી વધારે પ્રયત્ન કરવાની તક મળે છે. જ્યારે જીવનની કસોટીમાં તકનો અવકાશ હોતો નથી એ પસાર જ કરવી પડે છે.
ક્યારેક સંબંધો બાંધવા માટે દોરો લેવામાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ. કાચો દોરો લઈ આખી જિંદગી સંબંધરૂપી ગાંઠને બાંધવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ સાથે સાથે અભિમાનથી બીજાને વાણી વર્તનથી દુઃખ પણ પહોંચાડતા હોઈએ છીએ. વાતો તો એવી કરીએ કે કર્મનાં ફળતો બધાએ ભોગવવા પડે. આવી સૂફીયાણી વાતો સાથે જ જિંદગી સતત દોડતી હોય છે. સુખની શોધમાં, સુખનું સરનામું શોધવા માટે જેટલા સંબંધો હોય તેને ઉથલાવી ઉથલાવીને તેમાં સુખનું સરનામું શોધીએ છીએ. એ ભૂલી જઈએ છીએ કે જિંદગીનાં ખેતરમાં પણ વિચારો, ઈર્ષ્યા, અભિમાનના નકામા છોડ ઉગતા હોય છે તેનું સમયે સમયે નિંદામણ કરી પ્રેમનું,સહદયતાનું ખાતર નાખવું પડે છે. તો જ જિંદગી જીવવા જેવી લાગશે.
ઘણી વખત જિંદગીને જીવવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે. જુદાજુદા વિચારોનાં દિવડા પ્રગટાવવામાં અને તુક્કાઓના ઉંજણ પુરવામાં આવે છે. જુદાજુદા ઉંજણવાળા દિવડા જુદાજુદા પ્રકાશને ફેલાવે છે પછી તેમાંથી સાચા પ્રકાશને શોધવા માટે ગડમથલ ઉભી થાય અને વિચારો સાચી દિશામાંથી ભટકી જાય છે. ભલે દગો પરિસ્થિતિએ કર્યો હોય પણ બદનામ તો કિસ્મત થાય છે. દોષ કિસ્મતનો આવે, પણ ત્યારે એ ન સમજાય કે ખોટી શાનના ધજાગરા ઉડે ત્યારે આવું થાય એ સ્વાભાવિક છે. છતાં સમાજમાં આવા અનેક દાખલાઓ આપણને જોવા મળે છે. જો, કે, કાળક્રમે જેમ પ્રકૃતિ પરિવર્તનશીલ છે અને બદલાતી રહે છે એમ જીવન જીવવાની વિચારધારા અને આયામ બદલાતા રહે છે.
જિંદગી જો પરિવર્તનશીલ હશે તો જીવન જીવવાની બહુ મજા આવશે એ કોઈપણ જાતની શંકા વગરની વાત છે.
જિંદગીની રફતારને બાજની ઉડાન જેવી તેજ બનાવવી પડે છે. જેવી રીતે બાજની ઉડાન ઉંચી હોય છે પણ અવાજ વગરની હોય છે એટલે જ ઉંચે આકાશમાં શાનથી ઉડે છે. જિંદગીની ઉડાન પણ બાજ જેવીજ હોવી જોઈએ અવાજ વગરની અને તો જ દિલનો અવાજ સંભળાશે કે જિંદગી જીવવાનું સુખનું સરનામું તો તારી પાસે છે… બહાર શોધવાની શી જરૂર છે.
નરેન્દ્ર ત્રિવેદી..
ભાવનગર (ગુજરાત)
Leave a comment