શરીરની રોમ રોમ આજે ચમકારા લઈ રહી હોય એમ મારો જીવ ઉપરનીચે થઈ રહ્યો હતો. શરીર વગર તાવે ઘંટારવની જેમ કંપી રહ્યું હતું. એકલો હું જ નહિ! મારી પત્ની સિતારા પણ એટલી જ ગભરાયેલી હતી. મારી અને એની આંખોએ બે દિવસથી પલકારો પણ લીધો નહોતો. આંખો રડમસ હોવા છતાં પણ એક આંસુ બહાર આવે, એની પહેલાં જ શરીરના તાપથી ત્યાંજ બળીને ધુમાડામાં રૂપાંતર થઈ જતું હતું.

આંખોની અસહ્ય પીડા તરફ અમારું ધ્યાન જ નહોતું. અમારા ઉપર ધગધગતા લાવાનો વરસાદ થાય તો પણ અમને અહેસાસ ન થાય એવું અમારા ઘરનું વાતાવરણ થઈ ગયું હતું.

બે દિવસ પહેલાં..

છેલ્લા કેટલાક સમયથી અમારને હળવો તાવ રહેતો હતો એટલે બે ત્રણ વખત ડૉકટરની મુલાકાત લીધી પણ તબિયતમાં કોઈ સુધાર ન આવતાં અમારના બધા રિપોર્ટ ડૉક્ટરે કરાવવાની સલાહ આપી હતી. એમની સલાહ પ્રમાણે અમે રિપોર્ટ કરાવીને ઘરે આવી ગયાં હતાં. 

આજનો દિવસ

બે દિવસ સુખ-શાંતિ વીતી ગયા. પહેલાં તો એટલો ડર નહોતો પણ જ્યારે રિપોર્ટ માટે હૉસ્પિટલથી ફોન આવ્યો ત્યારે સામેથી અવાજ આવ્યો,

‘તમારા દીકરાના બધાજ રિપોર્ટ આવી ગયા છે અને જેમ બને એમ જલદીથી ડૉક્ટર સાહેબે તમને હોસ્પિટલ આવવાનું કહ્યું છે.’

‘કોઈ સિરિયસ વાત છે?’ મેં તૂટક તૂટક અવાજે પ્રશ્ન કર્યો.

‘હા, ડૉક્ટરના ચહેરા ઉપરથી અને તેમના અવાજમાં રહેલી નરમાશ જોઈને તો એવું જ લાગે છે, કે વાત કંઇક સિરિયસ છે.’

નર્સના શબ્દો સાંભળીને મારા હાથમાંથી ફોન સરકવા માટે તૈયાર હતો પણ એટલામાં મારી નજર મારી પત્ની સિતારા ઉપર પડી, તેની આંખો એક પલકારો પણ લઈ રહી નહોતી. તેના કાન પણ મારી તરફ ખેંચાયેલા હતા, જાણે તે એક નાની આહ સુદ્ધાં મિસ કરવા માગતી નહોતી. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું કેમકે તે પહેલાંથી જ જાણી ગઈ હતી કે હોસ્પિટલમાંથી ફોન હતો. મેં આંખના ઈશારેથી બધું બરાબર છે એવો ઈશારો કર્યો એટલે એના જીવને થોડી ટાઢક થઈ હોય એવું એને જોઈને લાગ્યું. મારું ધ્યાન તો સિતારા તરફ જ હતું પણ ફોનમાંથી અવાજ આવ્યા કરતા હતા, ‘હેલ્લો… હેલો મિસ્ટર શિવ!’ પણ એ અવાજ તરફ તો મારું ધ્યાન જ નહોતું.

એટલામાં સામેથી અમાર આવતો દેખાયો અને જે ફોન મારા હાથમાંથી સરકવા માટે તૈયાર હતો, તેને જોતાં જ સરકી ગયો. આ જોઈને સિતારા કંઇક ઉચિત નથી એવું સમજી અને ઊભી થઈને અમારા દીકરા અમાર તરફ ભાગી. તેને બાથમાં ભીડીને તેને વ્હાલ કરવા લાગી.

હું સામે સોફા પર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યો હતો. એટલામાં મારું ધ્યાન ફોન પર ગયું અને જોયું તો હજુ પણ હોસ્પિટલમાંથી ફોન ચાલુ જ હતો. મોબાઇલ નીચેથી ઉઠાવવાની મારી હિંમત નહોતી પણ ધ્રુજતા હાથે મેં મોબાઇલ ઉઠાવ્યો ને જાણે મારા હેલ્લો બોલતાંની સાથે મને બદદુઆ લાગી જશે! એવો મને ભાસ થયો અને મેં માત્ર સિસકારો કર્યો. સામેથી અવાજ આવ્યો,

‘મિસ્ટર ચૌધરી તમે લાઈન પર છો?’

ન ઇરછાવા છતાંપણ હું હા બોલ્યો. સામેથી કહેવામાં આવ્યું, ‘હોસ્પિટલ તમે એકલા જ આવજો! તમારી પત્ની ખૂબ નરમ હૃદયના છે, તો એમને ઘરે જ રાખજો. આવું ડૉકટર ઈશાને કહ્યું છે.’

હું કંઈ સમજી ન શક્યો. બસ અમાર અને સિતારાને જોઈ રહ્યો. આ બધામાં મારા મોબાઇલમાં એક નોટિફિકેશન આવી અને તેને જોતાં મને જાણ થઈ કે ‘આજે તો અમારનો પંદરમો જન્મદિવસ છે.’ આજે અમારો દીકરો પંદર વર્ષનો થઈ ગયો હતો. દર વર્ષે અમે તેનો જન્મદિવસ ધૂમધામથી મનાવતાં પણ આ વર્ષે તો અમને તેનો જન્મદિવસ સુદ્ધાં યાદ નહોતો. આ બધા વિચારો પર માટી વાળતો હોઉં એમ સફાળો ઊભો થઈ ગયો અને સિતારા પાસે જતાં બોલ્યો,

‘હું થોડી વારમાં આવું છું.’

સિતારા એકદમ ઊભી થઈ અને બોલી, ‘ક્યાં જાઓ છો?’

‘બહાર થોડું કામ છે, હમણાં પાછો આવું છું.’

‘પણ આજે તો અમારના રિપોર્ટ આવવાના હતા. તમને હમણાં હોસ્પિટલમાંથી જ ફોન આવ્યો હતો ને?’

સમજાઈ રહ્યું નહોતું કે સિતારાને શું જવાબ આપું! જવાબ આપ્યા વગર ચાલે એમ પણ નહોતું. હું એવું કરી શકતો હતો કે તેના પ્રશ્નને ટાળી દઉં પણ તે મને આટલી આસાનીથી છોડવાની નહોતી એટલે હું બોલ્યો,

‘હા! ફોન હોસ્પિટલથી જ હતો. બધું બરાબર છે એટલે હું એકલો જઉં છું, રિપોર્ટ લઈને પાછો આવી જઈશ.’

મેં મારા આવાજને એકદમ મક્કમ રાખ્યો પણ સિતારા છેલ્લા બાર વર્ષોથી મારી સાથે હતી. અમારાં પ્રેમ લગ્ન હતાં અને તે અમારની જન્મ આપનારી મા નહોતી. મારી પહેલી પત્ની અમારને જન્મ આપ્યાના બે વર્ષ પછી ગુજરી ગઈ હતી. એકલા હાથે અમારનો ઉછેર કરવો સંભવ નહોતો એટલે સિતારા સાથે બીજાં લગ્ન કર્યાં હતાં.

સિતારાને અપનાવવામાં અમારને ઘણો સમય લાગ્યો પણ તેણીને તેના અંતરમનમાં જગ્યા બનાવી લીધી. આજે તે બંનેને જોતાં કોઈ એમ ન કહી શકે, સિતારા અમારની સગી મા નથી. તે મને પણ ખૂબ સારી રીતે સમજતી હતી એટલે તે બોલી,

‘અમાર, દીકરા અંદરથી મારું પર્સ લઈ આવ ને!’

‘કેમ પર્સ?’

‘હું પણ તમારી સાથે ચાલીશ ને!’

‘તારે આવવાની કોઈ જરૂર નથી, કોઈ એવી ગભરાવા જેવી વાત નથી. એટલે તો અમારને પણ સાથે લઈને નથી જઈ રહ્યો અને તારું ત્યાં કંઈ કામ પણ નથી.’

‘હું અમારની મા છું અને તમારાથી વધારે ત્યાં મારું કામ છે અને કોઈ ગભરાવા જેવી વાત નથી તો ડોક્ટર કહી દેશે અને હું સાંભળી લઈશ. મારા જીવને ટાઢક તો ત્યારે જ થશે ને!’

હું સિતારાને કંઈ કહી શકું એમ પણ નહોતો! કેમ કે તે મારી રગરગ જાણતી હતી. તેનો ચહેરો જોઈને તો સ્પષ્ટ મને સમજાતું હતું કે તે મારા ચહેરાની ખુશી પાછળ રહેલ દર્દને જાણી ગઈ હતી. તે મારી સાથે હોસ્પિટલ આવવા માટે જીદ્દ કરી રહી હતી. હું તેની જીદ્દ આગળ ઝૂક્યો અને બોલ્યો,

‘ઠીક છે, તું મારી સાથે ચાલી શકે છે.’

હું તેને સાથે લઈને ચાલ્યો. અમાર પણ અમારી સાથે જ હતો. કાર ડ્રાઇવ કરવાની હિંમત નહોતી એટલે ટેક્સી બોલાવી લીધી હતી. ટેક્સી જોઈને સિતારા પૂછવા લાગી,

‘આપણી કારને કંઈ થયું છે?’

‘ના, કંઈ નથી થયું, એ તો બરાબર છે.’

‘તો ટેક્સી શા માટે બોલાવી છે?’

‘કાલે રાત્રે સુવામાં એવું આવ્યું છે, થોડો ખભો દુખાઈ રહ્યો છે.’ મનમાં ચાલતા વમળને છુપાવવા વધુ એકવખત ખોટું બોલ્યો.

‘તો મને કહ્યું કેમ નહીં! હું માલીશ કરી દેતી. તો અત્યાર સુધી સારું થઈ જતું.’

‘અરે એટલો બધો દુખાવો નથી. આપણે સવારના થોડા અપસેટ હતાં. એટલે મેં તને જણાવ્યું નહીં!’

તે આગળ કંઈ બોલે તેની પહેલાં ટેક્સી ડ્રાઇવર બોલી પડ્યો, ‘સર તમારે જવાનું છે કે નહીં? મારે બીજો પણ ઓર્ડર છે. તમને હોસ્પિટલ છોડીને મારે ત્યાં જવાનું છે. લેટ થઈ જશે તો મારી રેટિંગ ડાઉન થશે.’

અમે અમારી વાતો સમેટીને ટેક્સીમાં બેઠાં. મન કરી રહ્યું હતું કે સમય અહીં જ રોકાઈ જા. અમારે હોસ્પિટલ રિપોર્ટ લેવા માટે જવું જ ન પડે! ડૉકટર અમારા લાડલા અમાર વિશે એવી કોઈ વાત ન જણાવે, જે જાણીને અમને જીવતાં જીવ મોત આંખો આગળ દ્ર્શ્ય થાય!

ટેક્સી આગળ વધી રહી હતી ને હોસ્પિટલ નજીક આવી રહી હતી. એટલામાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો. બાજુમાં સિતારા બેઠેલી હતી એટલે ફોન ઉપાડવાની હિંમત નહોતી. તેમ છતાં પણ હિંમત કરીને ફોન ઉઠાવ્યો પણ છેલ્લી રીંગ હોવાને લીધે ઉપાડતાં જ કટ થઈ ગયો.

સિતારા મારી તરફ જોઈ રહી હતી પણ મેં એની તરફ જરાય ધ્યાન ન આપ્યું. હું મોં ફેરવીને બારી બહાર જોઈ રહ્યો. ફોનમાં નર્સે જણાવી દીધું હતું કે કોઈક સિરિયસ વાત છે પણ હું મનમાં એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ‘મારા અમારને કશું ના હોય! નર્સે મને ભૂલથી ફોન કરી દીધો હશે! તે કોઈક બીજાને કરતી હશે અને મને લાગી ગયો હશે! લાવને એક વખત નંબર ચેક કરી લઉં, ક્યાંક કોઈકનો રોંગ નંબર હશે! મારો અમાર તો એકદમ ઠીક છે, એને જોઈને તો બધું ઠીક લાગે છે. નક્કી એ રોંગ નંબર હશે!’ આવા તો કેટકેટલાય વિચાર મારા મનમાં આવીને ચાલ્યા ગયા પણ મારી ભ્રમણા હજુપણ સજીવન હતી.

સિતારા જોઈ ન લે એવી રીતે મેં મારો ફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને નંબર ચેક કરવા લાગ્યો. જોયું તો એ નંબર લાઇફ સેવર હોસ્પિટલના નામથી મારા મોબાઇલમાં સેવ જ હતો. જોઈને ખૂબજ આઘાત લાગ્યો પણ હજુ મનમાં એક ઉમ્મીદ હતી ‘નર્સે ભૂલથી મને ફોન કરી દીધો છે. એ કોઈક બીજાને કરતી હશે! આજકાલ એમનું કામમાં ધ્યાન જ ક્યાં હોય છે. બધી નઠારી છે, કામ કરતાં જોર આવે છે!’ હજુ તો વિચારોના વમળમાં હું અટવાયેલો જ હતો કે અમારે મારા હાથ ઉપર હાથ મૂક્યો ને બોલ્યો,

“પપ્પા, ક્યાં ખોવાયા છો?”

તેના આ પ્રશ્ન સાથે હું ઝબકીને વિચારોમાંથી બહાર આવ્યો. વિચારોમાં મને તો અહેસાસ પણ નહોતો કે હોસ્પિટલ આવી ગઈ અને મને ધ્યાન જ ન રહ્યું. સિતારા મારી તરફ જોઈ રહી હતી, તેની આંખમાં આંખ પરોવવાની હિંમત આજે નહોતી. હું તેની તરફ જોયા વગર જ અમારનો હાથ પકડીને નીચે ઉતરી ગયો. સિતારા ફાઇલ અને અન્ય સામાન લઈને મારી પાછળ પાછળ આવી. મેં એક વખત પણ પાછળ ફરીને તેની તરફ જોયું નહોતું. બસ અમારનો એ માસૂમ પ્રશ્ન મનમાં ફરી રહ્યો હતો. ‘પપ્પા, ક્યાં ખોવાયા છો?’ હવે એ માસૂમને કેવી રીતે કહેવું કે ‘તારા પપ્પા આજે જીવન મરણની સ્થિતિમાં અટવાયા છે, એટલા બધા ખરાબ ખરાબ વિચારો આવે છે કે તેમાં જ ખોવાયા છે.’

અમાર અમારો એકના એક દીકરો હતો. સિતારાએ એની મા બનવામાં કોઈ કચાસ રાખી નહોતી. મેં તેની સાથે બીજાં લગ્ન પણ એ શરતે કર્યાં હતાં કે અમે બીજું સંતાન નહિ કરીએ અને તે અમારની મા બનીને રહેશે! તે ભણેલી નહોતી ને હું ગુજરાતીમાં ગ્રેજ્યુએટ થયો હતો. તે ક્યાંયથી મારા લાયક નહોતી પણ હા! તેનો ચહેરો અને સ્વભાવ મારા કરતાં ક્યાંય વધારે સુંદર હતો. તેનો સ્વભાવ જોઈને જ મને તેનાથી પ્રેમ થયો હતો.

સિતારા બધું સમજી રહી હતી. તે ઉતાવળા પગે ચાલી અને મારો હાથ તેના હાથમાં પકડતાં બોલી, ‘તમે કેમ આટલું બધા ગભરાઈ રહ્યા છો? બધું એકદમ બરાબર છે, એવું તમે તો કહ્યું હતું.’

ન ઇચ્છવા છતાં પણ હું ખોટું બોલવા માટે તૈયાર હતો. તેનો હાથ છોડાવતાં બોલ્યો, ‘હું ક્યાં ગભરાયેલો છું? મને જરાય પણ ડર લાગતો નથી. હું તો એકદમ બરાબર છું અને હા, ડૉકટર આગળ શાંત રહેજે.’

‘હું ક્યાં કંઈ બોલી જ છું?’

તેના આ પ્રશ્નનો મેં કોઈ જવાબ ન આપ્યો અને એટલામાં લાઇફ સેવર હોસ્પિટલનો એન્ટરસ્ ગેટ આવ્યો. તેને પાર કરવા માટે મારો પગ ઉપડતો નહોતો. હાથ ધ્રુજવા લાગ્યા એટલે અમાર પૂછવા લાગ્યો, ‘પપ્પા, તમને શું થઈ રહ્યું છે?’

આ માસૂમના પ્રશ્નનો શું જવાબ આપવો! એટલામાં આંખમાં એક આંસુની બુંદ છલકાવાની તૈયારીમાં હતી પણ અમારનો હાથ પકડીને મેં ઉતાવળમાં પગ ઉપાડીને હોસ્પિટલમાં એન્ટ્રી કરી..

ક્રમશ……

Leave a comment