આ જગતમાં જો કોઈ વસ્તુનો અંત નથી, તો એ છે ઈચ્છાઓ. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ ઈચ્છાઓ સાથે જીવે છે. જ્યાં એક ઈચ્છા પૂરી થાય છે ત્યાં બીજી ઇચ્છા ઉત્પન્ન થાય છે. તમે બધું રોકી શકો, પણ તમારા અંતરમનમા રહેલી ઈચ્છાઓ પર ક્યારેય કાબૂ લાવી શકતા નથી. એવું બને કે તમે કદાચ તેને વ્યક્ત ન કરો અથવા પૂરી ન કરી શકો, પણ તેને રોકી શકવી શક્ય નથી.

આ ઈચ્છાઓ પર કાબૂ મેળવવાનો એકમાત્ર રસ્તો છે “આધ્યાત્મિક અનુભવ”. જ્યારે માણસને સાચું જ્ઞાન મળે કે તે ભક્તિ તરફ વળે છે, ત્યારે એને બધું નિરર્થક લાગવા લાગે છે. ધીરે ધીરે તેની ઈચ્છાઓ શાંત થઈ જાય છે, અને તે એક ઉચ્ચ મોક્ષના સ્તરે પહોંચે છે, જ્યાં અંદરની દરેક ઈચ્છા સંપૂર્ણ શૂન્ય થઈ જાય છે.

પરંતુ, જો દરેક વ્યક્તિ એ તરફ પ્રયાણ કરે તો આ સમાજ વ્યવસ્થા કદી ચાલે નહીં. ઘણી વખત તો ઈચ્છાઓ જ જીવવા માટેનું બળ પૂરૂં કરે છે. કુદરતે જ  આપણી રચના એવી કરી છે, ને  મોહ-માયા થી તો દેવતા પણ બાકાત નથી. એટલે જ શ્રી રામ માટે માતા સીતાનું મોહ, શ્રી કૃષ્ણ માટે રાધાનું પ્રેમ, અને મહાદેવ માટે માતા પાર્વતીનું આકર્ષણ જોવા મળે છે.

આપણા જીવનમાં “ઈચ્છાઓનું આકાશ” છે, જેમાં નાની-નાની ઈચ્છાઓ ચમકતા તારલાંની જેમ ચમકે છે. ભલે સવારનો સૂર્ય ઊગે ત્યારે આ તારલાં દેખાવા બંધ થઈ જાય, પણ જ્યારે રાત પડે છે, આ તારલાં ફરીથી ચમકવા લાગે છે નવી ઈચ્છાઓ સાથે. આ જ રીતે જીવનચક્ર સતત ચાલતું રહે છે.

તો, દરેક વ્યક્તિના જીવનમાં પોતાના “ઈચ્છાઓના આકાશ”માં તારલાં આમ જ ચમકતાં રહે. સુખના સૂર્યનો ઉદય થાય અને દરેક ઈચ્છા પૂરી થાય, એવી શુભેચ્છાઓ સાથે મારી વંદનાં.

લેખિકા: સુચી રાવલ

Leave a comment