પ્રતિભાવ એ એક એવો શબ્દ છે જે બધાંને ગમે અને તે જાણવાની ઉત્કંઠા, ઇન્તેજારી રહે. પ્રતિભાવએ બીજું કંઈક નથી પણ સામેની વ્યક્તિનો આપણી વાત માટેનો પ્રત્યાઘાત છે. આપણી વાતની કેટલી અસર થઈ, આપણી વાતનું કેટલું મહત્વ છે કે આપણા પ્રત્યેની સામેની વ્યક્તિની વિચારધારા કેવી છે એ જાણવા માટેનો એક શાબ્દિકભાવ છે, શબ્દસમૂહ છે.
પ્રતિભાવ સારો,મધ્યમ કે નબળો પણ હોઈ શકે છે. સારા પ્રતિભાવ વિશે આપણે નજીવું વિચારીશું અને પ્રતિભાવ આપનાર પ્રત્યે તુરતજ આભારની લાગણી અનુભવીશું. શું! કામ,કારણ કે પ્રતિભાવ આપણે ધારતાં હતા એવોજ છે કે આપણી વિચારસરણીને અનુરૂપ છે. આપણને ગમે તેવો છે. એટલે તેના માટે અહોભાવની લાગણીથી વિશે નહીં વિચારીએ. સારા પ્રતિભાવ પ્રત્યેની વાત ત્યાં પૂરી થઈ જશે.
મધ્યમ હશે તો આપણને થોડુંક નહીં ગમે. વિચારશું કે કદાચ તેને મારી વાત નહી સમજાઈ હોય કે પછી એમજ પ્રતિભાવ આપવા પૂરતો આપી દીધો હશે. જે હોય તે તેને મારી વાત સમજાણી કે ન સમજાણી મારી વાતની નોંધ તો તેણે લીધી એમ વિચારી આગળ તેને આપેલ પ્રતિભાવ માટેનું તથ્ય નહીં શોધીએ, કે મધ્યમ પ્રતિભાવ આપવાનું કારણ શું હશે?
પણ જો નબળો પ્રતિભાવ હશે. કંઈક વાંધા વચકા કે ભૂલ દોષ સાથેનો પ્રતિભાવ હશે તો આપણું મન તેના વિશે વિચારવાનું ચાલુ કરી દેશે. મારી કૃતિમાં શું ભૂલ હશે? તેણે આવો પ્રતિભાવ કેમ આપ્યો હશે? દરેક સમયે તે આવોજ પ્રતિભાવ કેમ આપે છે, વગેરે, વગેરે. આ બાબત ઉપર મન દોડવા લાગશે અને આપણે સહજ રીતે પ્રતિભાવ નહીં સ્વીકારી શકીએ કારણ કે તે આપણી ધારણા વિરુદ્ધનો પ્રતિભાવ છે. આપણું મન ન સ્વીકારે એવો પ્રતિભાવ છે. આપણને ન ગમે તેવો પ્રતિભાવ છે.
પ્રતિભાવ,હકારાત્મક કે નકારાત્મક ગમે તે હોઈ શકે છે. હકારાત્મક પ્રતિભાવ આપણને ગમે એટલે આપણે તેમાં ઊંડા નથી ઉતરતાં પણ હકીકતમાં તો તેના વિશે પણ વિચારવું પડે કે આપેલ પ્રતિભાવ ખરેખર મારી વાતની સાચી મુલવણી કરીને આપ્યો છે કે પછી મને સારું લગાડવા માટેનો આ પ્રતિભાવ છે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિને ધ્યાનમાં રાખીને પ્રતિભાવ આપવામાં આવતા હોય છે વાત ગમે તે હોય.
જો નકારાત્મક પ્રતિભાવ હોય તો તે સ્વીકાર્ય ન હોવા છતાં સારી વાત છે કે નકારાત્મક પ્રતિભાવ આપનારે આપણી વાત પૂરેપૂરી વાંચી છે. સમજી છે. નકારાત્મક પ્રતિભાવ આપનાર બહુ ઓછા મળશે એટલે નકારાત્મક પ્રતિભાવ ન ગમે છતાં આવકાર્ય છે. તેમાં તેના તથ્ય સુધી જવું પડે કે નકારાત્મક પ્રતિભાવ આપનાર શું! કહેવા માગે છે.એ શું! માર્ગદર્શન કરવા માંગે છે. કોઈપણ બાબતનો સાચો માર્ગદર્શક તો એજ છે.
અંતમાં સકારાત્મક કે નકારાત્મક પ્રતિભાવ દરેકે આપવો જ જોઈએ પણ એ તટસ્થ મનથી હોવો જોઈએ એવું મારુ મંતવ્ય છે. કારણ કે કોઈપણ વાત કે કંઈ કહેવાના હેતુ પાછળ દરેકની પોતાની મુલવણીની અપેક્ષા હોય છે. પ્રતિભાવ માટેની રાહ હોય છે. ખરું કહો તો પ્રતિભાવ એ કોઈ પણ કાર્યની ઉંજણ શક્તિ છે જે જરૂરી છે. પ્રતિભાવ શબ્દ ભલે નાનો લાગે પણ તેની કાર્યશક્તિ અપાર છે. અને સર્વ હેતુ માટે ઉર્જા સમાન છે.
નરેન્દ્ર ત્રિવેદી….
Nkt7848@gmail.com મોબ.9429234243
Leave a comment