જીવનમાં દરેક સુખ દરેકને મળતું નથી. ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ સમાધાન કરવું પડે છે અને ત્યારે જ જીવન આગળ વધી શકે છે. જે ન મળે કે ન મળી શકે એવું છતાં ફક્ત એક અશક્ય ઈચ્છા ખાતર તમે તેની પાછળ પડ્યા રહો, તો એ તમારા જીવનની સૌથી મોટી મૂર્ખામી છે. કારણ કે તમે ફક્ત ઝાંઝવાના જળ પાછળ દોડી રહ્યા છો.
એટલું જ નહીં, પણ તે પામવા માટે તમે જે તમારી પાસે છે એનું મહત્વ ભૂલી જાવ છો. પરિણામે એ થાય છે કે ન તો તમે મનગમતું મેળવી શકો, ન તો આપેલા વસ્તુ કે વ્યક્તિનું કદર કરી શકો, અને અંતે બંને ગુમાવવાનો વારો આવે છે.
દરેક વ્યક્તિને પોતાની ચાહત હોય છે, મનગમતું મેળવવાની. પરંતુ એ મનગમતું જો તમે કોઈ બીજાની ખુશી છીનવીને અથવા બીજાની ઈચ્છા અને અરમાનોને બલી ચઢાવીને મેળવો, તો એમાં આનંદની ક્ષણમાત્ર પણ અનુભવાય નહીં.
ઈશ્વરે તમને જે કઈ આપ્યું છે, એ તમારા કર્મ અને ભાગ્ય અનુસાર આપ્યું છે. જો ભગવાને પણ પોતાનું કર્મ અને ભાગ્ય ભોગવ્યું છે, તો આપણે તો ફક્ત સામાન્ય મનુષ્ય છીએ.
આધુનિક જીવનમાં લોકો ફક્ત સોશિયલ મીડિયા પર દેખાવતી આભાસી દુનિયા જોઈને પોતાનું જીવન બીજાઓ સાથે સરખાવતા રહે છે અને દુ:ખી રહે છે. નવાઈની વાત એ છે કે તે ન માત્ર પોતાનું જીવન બગાડે છે, પરંતુ પોતાના બાળકોને પણ આ આભાસી દુનિયા હાથમાં આપી તેમનું બચપણ અને જીવન બન્ને દાવ પર લગાડી દે છે.
અત્યારના સમયમાં દરેક વ્યક્તિએ આ સમજવું ખુબ જ જરૂરી છે કે જીવન આપણે જીવવાનું છે આપણા માટે, બીજાઓને દેખાડવા માટે નહિ. માટે આનંદથી જીવો, પણ તેનો દેખાડો ન કરો.
Leave a comment