લ્યુકેમિયા

02 – દુઃખની મધ્યમાં

હોસ્પિટલમાં પગ મૂકતાંની સાથે જ મારું હૃદય ટ્રેનની ગતિએ ધબકારામાં ડૂબી ગયું. ધક-ધક ધકધકનો અવાજ મારા કાનમાં ગુંજવા લાગ્યો. એક એક ડગલું જાણે ધગધગતા અંગારા ઉપર મૂકતો હોઉં એમ અસહ્ય પીડાના જોરે પગ આગળ ઉપાડી રહ્યો હતો. મનમાં ઘણું બધું એક સામટું ચાલ્યા કરતું હતું પણ અશુભ સમાચાર શું મળવાના હતા, એના વિચારો જ જીવને હચમચાવી દેતા હતા.

લાઇફ સેવર હોસ્પિટલની દરેક દિવાલ ઉપર જિંદગીની જંગ દ્રશ્યમાન થઈ રહી હતી. તેની ઉપર લગાવેલી એક એક ફ્રેમ જોઈને જિંદગી પુનઃ મળવાની રોશની અને બીજી તરફ તેને દાવ ઉપર લગાડવાનો ડર! બંને એક સામટા નજર આગળ ભમવા લાગ્યા હતા.

અમારનો સુંવાળો હાથ મારા હાથમાંથી જાણે ધીરે ધીરે છૂટી રહ્યો હોય એવો ભાસ થયો. ભાસની સાથે જ તેની તરફ જોઈને તેને મજબૂતાઈથી પકડી લીધો. સિતારા મારી આ હરકતને જોઈ રહી પણ કશુજ બોલી નહિ! તેની આંખમાં આંખ પરોવવાની હિંમત મારામાં નહોતી, એટલે વારંવાર તેનાથી આંખ મેળવવાથી બચવાના પ્રયાસ કરી રહ્યો હતો.

અમારના હાથમાં આજે જરૂરથી વધારે ગરમાહટ હતી, જે હવે મને વધારે ડરાવવા લાગી હતી. સિતારા મારી પાસે આવી અને બોલી,

‘ડૉકટરનું કેબિન આવી ગયું છે અને આપણો નંબર પણ આવી ગયો છે.’

‘શું! આપણો નંબર પણ આવી ગયો?’ મેં તૂટક તૂટક અવાજમાં પૂછ્યું.

જાણે મારા અવાજમાં રહેલી નમીને સિતારા પારખી ગઈ હોય એમ, ‘આપણો અમાર બરાબર તો છે ને? કોઈ સિરિયસ વાત તો નથી ને!’

એને હવે કેવી રીતે જવાબ આપુ એ મને સમજાઈ રહ્યું નહોતું. બસ હું ચૂપ રહ્યો. જાણે એને મારી ચુપી ભાખી લીધી હોય એમ બોલી, ‘મને હવે ડર લાગી રહ્યો છે. તમે કંઈક તો બોલો!’

‘શેનો ડર લાગી રહ્યો છે? ડર લાગવા જેવું કશું જ નથી. તું ખોટી ડરી રહી છે અને મને પણ ડરાવી રહી છે. તું યાર થોડીક વાર ચૂપ બેસને.’ આજે મારા અવાજમાં તીખાશ હતી. જે સાંભળીને હવે સિતારા બોલ્યા વગર રહી ન શકી, ‘તમે નક્કી મારાથી કંઈક છુપાવી રહ્યા છો.’

‘અને તને એવું કેમ લાગે છે?’ આ વખત પણ મારો તૂટક અવાજ જ નીકળ્યો.

‘એની ખાતરી તમારો તૂટક અવાજ આપી રહ્યો છે. તમે કહી રહ્યા છો કે બધું બરાબર છે. તેમ છતાં પણ તમારો આ તૂટક અવાજ કેમ નીકળી રહ્યો છે? આજ સુધી તમે ક્યારેય મારી સાથે આવા તીખાશ ભર્યા અવાજમાં વાત કરી નથી! તો આજે આટલી સખ્તાઈથી વાત કરવાનો અર્થ શું છે?’

તેના આ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો. હું કંઈ બોલું એની પહેલાં બેલ વાગ્યો. નર્સ મારી પાસે આવી અને બોલી,

‘મિસ્ટર ચૌધરી, તમને ડૉકટર ઈશાન અંદર બોલાવી રહ્યા છે.’

મારું ધ્યાન નહોતું એટલે નર્સની વાત બરાબર સાંભળી ન શક્યો. સિતારા મારા હાથ ઉપર હાથ મૂકતાં બોલી, ‘શિવ, તમે કેમ આટલા બધા ચિંતિત થઈ રહ્યા છો? બધું એકદમ બરાબર છે. તમે શા માટે ચિંતા કરી રહ્યા છો?’

તેના હાથના સ્પર્શને લીધે હું ફરી પાછો સજીવન થયો ને બોલી પડ્યો, ‘કહ્યું તો ખરા કે બધું બરાબર છે.’

‘હા, એ તો મને ખ્યાલ છે. ડૉકટર ઈશાન આપણને અંદર બોલાવી રહ્યા છે.’

‘આપણો નંબર આવી ગયો?’

‘હા! નર્સ તમને કહીને ગઈ છે.’

‘ક્યારે?’

‘હમણાં એક મિનિટ પહેલાં.’

‘હા તો આપણે અહીં કેમ બેસી રહ્યાં છીએ? ચાલો અંદર….’ છેલ્લે આટલું બોલતાં હું અટકી ગયો.

નાખુશ નજરે અમાર તરફ જોયું. એણે મને હળવું સ્મિત આપ્યું. હું ન ઇચ્છવા છતાં પણ એની તરફ જોઈને હળવું હોઠમાં હસ્યો. હાથ નીચે રહી જ ન શક્યો. એના માથા પર મૂકીને ખૂબ વ્હાલથી ફેરવ્યો. અંતરમન ચીખીચીખીને કહી રહ્યું હતું, ‘ઈશ્વર તારી ઉંમર હજાર વર્ષની કરે. નર્સે જે ખરાબ સમચારની વાત કરી હતી, એ સમાચાર સારા સમાચારમાં બદલાઈ જાય.’

હિંમત કરીને ઊભો થયો. અમારનો હાથ હાથમાં પકડ્યો અને ખૂબ જ પ્રેમથી તેને પકડીને ચાલ્યો. ડૉકટર ઈશાનનું કેબિન વધારે દૂર નહોતું. માત્ર ત્રણ-ચાર કદમની દુરી હતી. તેમ છતાં કેબિન સુધી પહોંચવામાં બે મિનિટ લગાડી દીધી. કેબિનનો દરવાજો ખોલવાની હિંમત નહોતી. સિતારાએ દરવાજો ખુલ્લો કર્યો.

સામે ડૉકટર દેખાયા; અંદર જવા માટે તો પગ ઉપડે એમ નહોતા, તેમ છતાં પણ ડૉકટરની ખુરશીના પાછળ લાગેલા ફોટાએ મારી હિંમત વધારી. ફોટામાં ડૉકટર યમરાજ પાસેથી બાળકનો જીવ બચાવીને પાછા લાવી રહ્યા હતા એવું સુંદર ચિત્ર ટિંગાળેલું હતું.

આજે મને ડૉકટર ઈશાનમાં પણ ભગવાન દેખાવા લાગ્યા હતા. હિંમત કરીને કેબિનની અંદર આવ્યો અને ડૉકટર ઈશાન કંઈ બોલે તેની પહેલાં જ ખુરશીમાં બેસી ગયો. ડૉકટર ઈશાન તરફ આંખો કરીને જોઈ રહ્યો એટલે તે બોલ્યા,

‘મિસ્ટર શિવ ચૌધરી, અમારના રિપોર્ટ આવી ગયા છે.’

‘રિપોર્ટ એકદમ નોર્મલ જ હશે!’ સિતારા બોલી પડી.

ડૉકટર ઈશાને આંખોથી ઈશારો કરીને મને પ્રશ્ન કર્યો, ‘નર્સે તમને જણાવ્યું નહોતું કે તમારાં પત્નીને ઘરે રહેવા દેજો.’

મેં પણ સામે ઈશારો કરીને પૂછ્યું, ‘કોઈ સિરિયસ વાત છે?’

‘વાત તો સિરિયસ છે. એટલે જ નર્સ પાસે કહેડાવ્યું હતું કે તમારાં પત્નીને સાથે ન લાવતા.’

હું અને ડૉકટર ઈશાન આંખના ઈશારે વાત કરી રહ્યા હતા. જે જોઈને સિતારા બોલી, ‘હવે આંખના ઈશારાઓમાં વાતો પતી ગઈ હોય તો તમે શું વાત કરી રહ્યા છો? એ મને જણાવો. મારો જીવ ખૂબ જ ગભરાઈ રહ્યો છે.’

સિતારાના ચહેરા ઉપર ડર જોઈને હું પણ ગભરાઈ રહ્યો હતો, મેં એના હાથ ઉપર હાથ મૂક્યો. ડૉકટર ઈશાન તેની તરફ જોઈને બોલ્યા,

‘ભાભી, તમે અમારને લઈને બહાર જાઓ. મારે મિસ્ટર ચૌધરી સાથે થોડું કામ છે.’

સિતારા આ સાંભળીને એક જ ઝટકે બોલી પડી, ‘જે પણ કામ હોય એ મારી આગળ કહો.’

ડૉકટર ઈશાને મારી તરફ ઈશારો કર્યો, ‘તમે તમારી પત્નીને સમજાવો અને તેમને બહાર મોકલો.’

સિતારાને બહાર મોકલવાની હિંમત મારામાં નહોતી એટલે હું બોલ્યો, ‘ડૉકટર ઈશાન, તમે સિતારાની આગળ જ કહી દો.’

‘જેવી મિસ્ટર ચૌધરી તમારી ઇચ્છા!’ ડૉકટર ઈશાન ખૂબ જ સહજતાથી બોલ્યા.

તેમની આ સહજતા જોઈને મેં પૂછી લીધું, ‘તમારો ચહેરો જોઈને લાગે છે કે બધું એકદમ બરાબર છે.’

ત્યારે ડૉકટર ઈશાન ખૂબ જ સહજતાથી બોલ્યા, ‘મિસ્ટર ચૌધરી, હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ હૃદય ઉપર પથ્થર મૂકીને છાતી કઠણ કરી લેજો. હું જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી શકે છે.’

‘એવું તો શું કહેવા માગી રહ્યા છો કે મારા પગ નીચેથી જમીન સરકી જશે?’ સિતારા બોલી પડી.

તેમના આ શબ્દો સાંભળીને મારી અંદર એક પણ પ્રશ્ન કરવાની હિંમત નહોતી. હું બસ માસુમ થઈને ડૉકટર તરફ જોઈ રહ્યો. તો બીજા સેકન્ડે અમાર તરફ જોવા લાગ્યો. અમાર પણ ખૂબ જ માસુમ નજરે મારી તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરાની આ માસુમિયત જોઈને મારું હૃદય વધારે ઝડપથી ધડકવા લાગ્યું હતું. મેં ફરી ડૉકટર તરફ જોયું; એ ખૂબજ સહજતાથી બોલ્યા,

‘આપણે જે અમારા રિપોર્ટ કર્યા હતા એ બધા જ રિપોર્ટ આવી ગયા છે. હું જે કહેવા જઈ રહ્યો છું એ તમે ખૂબ જ સહજતાથી સાંભળજો. અમારને લ્યુકેમિયા છે.’

સિતારા આ સાંભળતાની સાથે ખુરશીમાંથી ઊભી થઈ અને અમારના હાથ-પગ મોં ચેક કરવા લાગી અને ચેક કર્યા બાદ બોલી,

‘આને કોઈ જગ્યાએથી લકવો નથી. તો ડોક્ટર ખોટું કેમ બોલી રહ્યા છો? કે રિપોર્ટમાં મારા દીકરાને લકવોમિયા આવ્યો છે.’

ડૉકટર જે કહેવા માગતા હતા એ સિતારા સમજી રહી નહોતી. એની સમજ પ્રમાણે લ્યુકેમિયા એટલે લકવો! મને પણ એ બિમારીનો અર્થ ખબર નહોતો પણ ડૉકટર જે રીતે કહી રહ્યા હતા એનો ભાવ હું પણ સમજી શકતો હતો. મને સમજાઈ રહ્યું હતું કે વાત ખૂબ જ સિરિયસ હતી. એટલે ડૉકટર ઈશાન સ્ટેપ બાય સ્ટેપ જણાવી રહ્યા હતા.

ક્રમશ…..

Leave a comment