લ્યુકેમિયા ભાગ – 03 – દુઃખને પાર

ડૉકટર આગળની વાત કરવા માટે તેમનું મોં ખોલે તેની પહેલાં સિતારા ખૂબ જ ગુસ્સા સાથે બોલી,

‘તમને ડૉક્ટર કોને બનાવ્યા? મારો દીકરો એકદમ ઠીક છે. અને તમે લકવો કહી રહ્યા છો!’

તેની સમજ પ્રમાણે તેનો ગુસ્સો બરાબર હતો. ડૉકટર પણ તેની હાલત સમજી શકતા હતા એટલે તેની વાતના બદલામાં તે એટલું જ બોલ્યો, ‘અમાર એકદમ ઠીક છે, તમે અને અમાર બહાર જઈને રાહ જુઓ. હું શિવને અમાર માટે મેડિસન લખીને મોકલું છું.’

સિતારા બને એટલી જલ્દી ડૉકટરની કેબિન છોડવા માગતી હતી એટલે અમારનો હાથ પકડીને બને એટલી જલ્દી બહાર નીકળી ગઈ. હવે ડૉકટર અને હું બંને કેબિનમાં એકલા હતા. હું તેમની તરફ જોઈ રહ્યો હતો. હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું ને આંખ ફાટી જાય એમ હતી. મન કરી રહ્યું હતું કે કાશ! ડૉકટર મને પણ સિતારાની જેમ બહાર મોકલી દે. પણ એવું શક્ય નહોતું.

આંખો ડૉકટરના ચહેરા તરફ તાકી રહી હતી. કાન તેમના મુખમાંથી ખરાબ સમાચાર નીકળે એ સાંભળવા તત્પર હતા. હાથ એકબીજાને કસીને પકડી બેઠા હતા, જાણે તેઓ પ્રાર્થના કરી રહ્યા હોય કે આજે કોઈ ખરાબ સમાચાર ન મળે! શરીર ખુરશી ઉપર બેઠું હતું પણ જાણે ધગ-ધગતા અંગરાઓમાં જકડાઈ ગયું હોય એમ અશક્ત થઈને બળી રહ્યું હતું. પગ તો ઉઠવા માટે સજ્જ હતા. કોઈ એવા સમાચાર મળે એની પહેલાં ભાગવા તૈયાર હતા. આ બધા વચ્ચે એક અવાજ સંભળાયો,

“મિસ્ટર શિવ!”

“હં…… મને કંઈ કહ્યું?”

“તમે ઠીક છો?”

“હા….”

“લો…. આ… પાણી પીવો.”

મારા ધ્રુજતા હાથ ગ્લાસ તરફ આગળ વધ્યા. બંને હાથે પાણી ભરેલો ગ્લાસ પકડ્યો. હાથ ધીરે ધીરે પોતાના મુખ તરફ લાવી રહ્યો હતો. હાથની ધ્રુજારીને લીધે સરખી રીતે પાણી પણ ન પી શક્યો અને કપડાં ઉપર ઢળવા લાગ્યું. ડૉકટર મારી મનોસ્થિતિ સમજી ગયા એટલે બોલ્યા,

“મિસ્ટર શિવ, મને આપ ઠીક લાગી રહ્યા નથી.”

“હા……”

“તો આપ ઘરે જઈને રેસ્ટ કરો. તમને જયારે બેટર લાગે ત્યારે આપણે વાત કરીશું.”

આટલું સાંભળતાં તો હું ઊભો થઈ ગયો અને કંઈપણ બોલ્યા વગર ડૉકટરની કેબિન છોડવા લાગ્યો. કેબિનના દરવાજા પાસે પહોંચ્યો અને વિચાર આવ્યો, ‘અમુક સમય પછી પણ ખરાબ સમાચાર સાંભળવાના જ છે, ત્યાં સુધી વિચારી વિચારીને મરી જઈશ કે અમારને શું થયું છે? એના કરતાં અત્યારે જાણી લઉં કે અમારને શું થયું છે!’ આ વિચાર સાથે જ દરવાજાથી પરત ફર્યો અને ફરી સીટ ઉપર આવીને બેઠો.

“ડૉકટર ઈશાન, તમારે જે કહેવું હોય એ કહી શકો છો. લ્યુકેમિયા એટલે શું? મને આ વિષયમાં વધારે કંઈ ખબર નથી પણ તમારી મુખાકૃતિ જોઈને સમજાઈ રહ્યું છે કે વાત કંઇક સિરિયસ છે.”

“મિસ્ટર શિવ, હું જે કહેવા જઈ રહ્યો છું; એ સાંભળીને તમારા હૃદયની ધડકનો હદથી વધારે ઝડપે ધડકી શકે છે. તમારું માઈન્ડ કામ કરવાનું બંધ કરી શકે છે. મેં તમને જણાવી તો દીધું છે કે તમારા દીકરાને લ્યુકેમિયા છે પણ ખરેખર લ્યુકેમિયા શું છે, એ જાણીને તમને ધક્કો લાગી શકે છે.”

“ડૉકટર ઈશાન, કોઈ ગંભીર બીમારી છે?” એકદમ નરમાશથી મેં પૂછી લીધું.

“જી હાં…” ડૉકટરે મારા બે હાથ ઉપર એમના હાથ મૂકીને ખૂબજ સહજતાથી જવાબ આપ્યો.

“શું……?” એક શબ્દ બોલતાં મેં ૧૦ સેકન્ડ જેટલો સમય લગાડી દીધો.

“અમારને બ્લડ કેન્સર છે…..”

ડૉકટરના મુખમાંથી નીકળેલા આ શબ્દો જાણે પહાડોની ઊંડી ખીણમાં ફેંકાયા હોય એમ ડૉકટરની કેબિનની અંદર ચારેતરફ ગુંજ બનીને ગુંજી ઉઠ્યા.

“અમારને બ્લડ કેન્સર છે….. અમારને બ્લડ કેન્સર છે….. અમારને બ્લડ કેન્સર છે….. અમારને બ્લડ કેન્સર છે….. અમારને બ્લડ કેન્સર છે….. અમારને બ્લડ કેન્સર છે…..”

જેમાં હું ખોવાઈ ગયો. ડૉકટર ઈશાન તેમની ચેર ઉપરથી ઊભા થયા અને મારી પાસે આવ્યા. મારા ખભા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા,

“મિસ્ટર શિવ, જરાય પણ ગભરાવાની જરૂર નથી. બધી સુવિધાઓ અત્યારે અવેલેબલ છે.”

“ડૉકટર, ખર્ચો કેટલો થશે?”

“3-5 કરોડ અને ઇલાજ માટે અમેરિકા જવું પડશે….”

આ સાંભળીને તો પગ નીચેથી છટક કરતી ધરતી સરકી ગઈ. ખુરશીમાંથી નીચે પડી જાઉં એવું થઈ રહ્યું હતું. આંખો પહોળી ને પહોળી રહી ગઈ, મોં ખુલ્લું હતું ને શરીરમાંથી જાણે આત્મા નીકળી ગઈ હોય એમ હું સુન્ન પડી ગયો.

ડૉકટર ઈશાન મારી તરફ જોઈ રહ્યા હતા. એમના ચશ્મા ટેબલ ઉપર મૂકતાં મને હલાવવાની કોશિશ કરી રહ્યા હતા. એમના હાથથી મને પાણી પીવડાવ્યું અને બોલ્યા,

“ચિંતા ન કરો…. બધું સારું થઈ જશે…”

જાણે કોઈ રોબોટિક અવાજ મારા કાનમાં પડી રહ્યો હોય એવું દૂર દૂરથી મને મહેસૂસ થઈ રહ્યું હતું. ડૉકટર ઈશાન સતત મને હલાવી રહ્યા હતા. હું એકદમ ઝબક્યો. જાણે કોઈ અજાણ્યા વાતાવરણમાં આવી ગયો હોઉં, બધું ભાન ભૂલી ગયો હોઉં, આંખોનાં મોતી અંદર જ બાળીને બેઠો હોઉં એમ બોલી ઊઠયો,

“આપ કોણ?”

“હું ડૉકટર ઈશાન, આપ મારી હોસ્પિટલમાં છો.”

“કેમ?”

હું હજુ અસ્તવ્યસ્ત અવસ્થામાં હતો. ડૉકટર ઈશાન દ્વારા મારી ઉપર સ્પ્રે કરવામાં આવ્યો. હું થોડો સજાગ થયો.

“ડૉકટર ઈશાન, કેટલો ખર્ચો કહ્યો?”

“મિસ્ટર શિવ, 3-5 કરોડ અને ઇલાજ માટે અમેરિકા જવું પડશે….”

“3-5 કરોડ અને ઇલાજ માટે અમેરિકા જવું પડશે?”

“હા… આપણી પાસે હજુ એટલી સક્ષમ મશીનરી નથી, એટલે ઈલાજ માટે ત્યાં જવું પડશે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવો પડશે.”

“બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ! એ વળી શું છે?”

“બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) એ એક એવી પ્રક્રિયા છે, જે બિનઆરોગ્યપ્રદ બોન મેરો કોષોને સ્વસ્થ કોષોથી બદલી નાખે છે. તે ચોક્કસ કેન્સર અને અન્ય રોગોની સારવાર છે, જે લોહી અથવા બોન મેરોને અસર કરે છે.”

“તો આપણે આવા અસ્વસ્થ કોષોને બદલવા માટે સ્વસ્થ કોષ ક્યાંથી લાવીશું?”

“એ તમારા અન્ય સંતાન પાસેથી મળી શકે છે.”

“પણ મારે તો અન્ય કોઈ સંતાન નથી… તો આ કોષો માટે શું કરી શકીએ?” હું ખૂબ જ દુઃખ સાથે બોલ્યો.

“તમે એવું કરી શકો, અન્ય સંતાન માટે કોશિશ કરો.”

“પણ સિતારા અમારની સગી મા નથી. એની સાથે સંતાન કરીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ?” મેં ખૂબ આતુરતાથી પૂછ્યું.

“એના ચાન્સ ખૂબ ઓછા છે, કેમકે જન્મ લેનાર બાળકોનો બોન મેરો મેચ થવો ૧૦૦% શક્ય નથી.”

મારા હૃદય ઉપર પથરો પડ્યો હોય એમ હું હલી ગયો. મારી આંખો જ્વલન જ્વાળાએ સળગી ઊઠી. હૃદય ચિર પીડામાં ગરકાવ થઈ ગયું. આગળ કોઈ પ્રશ્ન કરી શકું એવી હિંમત નહોતી એટલે હું ચૂપ રહ્યો. બસ એક પ્રશ્ન પૂછવાનું મન થયું એટલે પૂછ્યો,

“ડૉકટર, અમારનો જીવ તો બચી જશે ને?”

“એ હું કહી ન શકું પણ જો યોગ્ય સમય ઉપર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો એનો જીવ બચી શકે છે.”

“એ યોગ્ય સમય કેટલો દૂર છે?” મેં ખૂબ ગંભીરતાથી પ્રશ્ન પૂછ્યો.

“ત્રણ મહિના, છ મહિના, બાર મહિના, દોઢ વર્ષ વચ્ચેનો સમય યોગ્ય રહી શકે છે.”

“પણ આમાંથી કેવી રીતે ખબર પડશે કે કયો સમય યોગ્ય છે?” મેં એક જ શ્વાસે પૂછી લીધું.

“એ અમારનો રિપોર્ટ કરતાં ખબર પડશે!”

“પણ આપે રિપોર્ટ તો કરી લીધો છે ને? હજુ કોઈ રિપોર્ટ કરવાનો બાકી છે?”

“હા પણ અન્ય બીજા રિપોર્ટ કરવા પડશે!”

ડૉક્ટર ઈશાનનો અવાજ હજુ પણ ક્યાંક ક્યાંક મને રોબોટિક લાગી રહ્યો હતો. હું વધારે કંઈ વિચારી શકું એવા માઈન્ડ ઓફ સ્ટેટમાં નહોતો. હું ખુરશીમાંથી ઊભો થયો. ડૉકટરે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને હું પાછળ ફરતાં એમને ભેટી પડ્યો. ડૉકટરે મારા માથામાં હાથ ફેરવ્યો અને હું બોલી પડ્યો,

“3-5 કરોડ થશે?”

“હા, એથી વધારે પણ થઈ શકે છે.”

તેમના આ શબ્દોના બદલામાં કહેવા માટે મારી પાસે અન્ય કશુજ નહોતું. હું ચૂપચાપ એમની તરફ જોઈ રહ્યો. એમણે મને કહ્યું,

“અમારને લેબમાં લઈ જાઓ, તેના અન્ય રિપોર્ટ ત્યાં થશે…”

હું માથું હલાવતાં કેબિનની બહાર આવી ગયો….

ક્રમશ…….

Leave a comment