લ્યુકેમિયા – 04 – સિતારાનો સચ્ચાઈથી સામનો

ડૉક્ટર ઈશાનની કેબીનમાંથી જેવો બહાર આવ્યો કે મારી નજર સીધી સિતારા સાથે રમતા મારા દીકરા અમાર પર પડી. મારો ચહેરો એકદમ સફેદ પડી ગયો હતો, જાણે વર્ષોથી ખીલ્યો જ ના હોય એમ મૂર્જાઈ ગયો હતો.

નજર સામે અમારને જોઈને આંખો પૂરી રીતે ભીંજાઈ ગઈ, રોકવા છતાં તે વહેવા લાગી. એકાએક સિતારાની નજર મારી ઉપર પડી. હું પાછળ તરફ ફરી ગયો અને મેં મારી ભીની આંખોને લૂછી લીધી. હૃદયમાં અસહ્ય પીડા થઈ રહી હતી, એવું લાગતું હતું કે હમણાં જ મારું હૃદય એની ઉપર જ હુમલો કરી દેશે!

મન કરી રહ્યું હતું કે ધરતી ખુલી જાય તો અંદર જ સમાઈ જાઉં પણ હિંમત કરી, બે મુઠ્ઠી વાળી, હાથની આંગળીના ટેરવે ફરી આંખો લૂછી. એટલામાં સિતારા ઊભી થઈને મારી પાસે આવી. ખભા ઉપર હાથ મૂક્યો ને પૂછવા લાગી,

“તમે ઠીક છો?”

પહેલાં તો હું ચોંક્યો પણ પછી મેં વિવેક સાથે જવાબ આપ્યો, “હા બધું એકદમ ઠીક છે..”

મારા અવાજમાં ક્યાંક નર્માસ હતી. જે સિતારા જાણી ગઈ પણ તેણે ફરી એ જ પ્રશ્ન કર્યો, “શિવ, આપ ઠીક છો?”

“કહ્યું તો ખરા, કે બધું એકદમ ઠીક છે. એકના એક પ્રશ્ન વારંવાર પૂછવાથી જવાબ બદલાઈ જવાનો નથી.” મેં ગુસ્સાથી જવાબ આપ્યો.

સિતારાએ મારા જુકેલા ચહેરાને એના બે હાથ વડે ઉપર કર્યો. મારી આંખોમાં થઈ રહેલી પીડાને લીધે આંખો લાલ થઇ ગઈ હતી. જે તેણે જોઈ લીધી અને ફરી પૂછ્યું, “બધું બરાબર છે પણ તમે બરાબર નથી. ફરીવાર પૂછું છું, બોલો આપ ઠીક છો?”

“ના… હું ઠીક નથી.” એકવાર તો મનમાં બબડી પડ્યો પણ સિતારાની આંખમાં એક આશ જોઈને હું એ સમયે તો કંઈ વિચારી ન શક્યો ને એકજ ઝટકે બોલી પડ્યો, “બધું બરાબર છે અને હા હું પણ બરાબર છું.”

મારી વાત ઉપર સિતારાને વિશ્વાસ કરવાનું મન નહોતું થઈ રહ્યું પણ તે કશું બોલી નહિ. હું અમાર પાસે ગયો અને તેની તરફ હાથ લંબાવતાં એટલું જ બોલી શક્યો,

“ચાલ અમાર!”

“ઘરે જઈશું ને પપ્પા હવે? મારે આજે સ્કુલ પણ બગડી છે.”

એ માસુમના પ્રશ્નોના જવાબમાં શું કહું એ મને સમજાઈ રહ્યું નહોતું. હું ચૂપચાપ એની માસુમ આંખોમાં જોઈ રહ્યો. મેં એનો હાથ પકડ્યો અને કહ્યું,


“બેટા, તારા થોડાક રિપોર્ટ કરાવવાના છે. રિપોર્ટ કરાવ્યા પછી તું નિરાંતે સ્કૂલ જજે.”

“અમાર એકદમ ઠીક છે, એ ડૉક્ટરના કહ્યા પ્રમાણે પૈસાનું પાણી ના કરો..” સિતારા એક જ ઝાટકે ગુસ્સાથી બોલી.

એ માસૂમને શું કહેવું! હું થોડાક સમય માટે તો એ જ વિચારોમાં રહ્યો. તેણે અમારનો હાથ પકડી લીધો અને લઈને ચાલવા લાગી. મેં એને રોકતાં કહ્યું,

“આપણે અમારના રિપોર્ટ કરાવીને જ જઈશું.”

“પણ અમાર એકદમ ઠીક છે. શેના રિપોર્ટ કરાવવાના છે હજુ?”

“એ તને હું જણાવીશ પણ અત્યારે તું અડચણ ઊભી ન કર..”

“હું અડચણ ઊભી કરી રહી છું? ડૉકટરનું મગજ તો ફરી ગયું છે અને એના વાદે તમારું પણ ચસ્ક્યું લાગે છે.”

માસૂમ સિતારાને કેમ કરીને કહેવું કે એ જે ડૉકટરને મગજ વગરનો કહી રહી છે એ જ અમારા લાડલાને બચાવી શકે છે. કેમ કરીને એને કહેવું કે જે દિકરાની સલામતી માટે એ રોજ પ્રાર્થના કરે છે, એ દીકરો હવે કેટલા દિવસનો મહેમાન છે! કેવી રીતે એને કહેવું કે આ રિપોર્ટ કરાવવા કેટલા જરૂરી છે?

આ બધા પ્રશ્નો વચ્ચે મારું મગજ તો જાણે ચમકારા લઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. મને ખોવાયેલો જોઈને સિતારાએ થોડો હલાવ્યો અને બોલી,

“આમ વારંવાર ક્યાં ખોવાઈ જાવ છો?”

“કશેજ નહિ..”

હું હવે ખોટું બોલવા લાગ્યો હતો, એવો મને અહેસાસ થયો પણ શું કરું! કેવી રીતે કહું કે એના લાડલાને બ્લડ કેન્સર છે. જેની ટ્રીટમેન્ટ માટે આ રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે. એ ખરેખર ખૂબ માસુમ હતી અને આટલો મોટો આઘાત સહી શકે એમ પણ નહોતી એટલે હું એને કશું કહી પણ શકતો નહોતો.

“જે કરાવવું હોય એ જલદી કરાવી દો. મારા અમારનો જમવાનો સમય થયો છે. એ ક્યારનોય ભૂખ્યો છે.”

સિતારા આટલું બોલી કે હું ખુદને રોકી ન શક્યો. એને આલિંગનમાં ભરીને નોધારો થઈને રડવા લાગ્યો. હું એટલું ભયંકર રડી રહ્યો હતો કે મને જોઈને સિતારા અને અમાર પણ એ જ રીતે રડી રહ્યાં હતાં. અમારા રડવાનો અવાજ સંભાળની આસપાસથી ઘણાં દોડી આવ્યાં અને અમારું રુદન જોઈને દરેક દર્દમાં ધકેલાઈ ગયાં. કેટલાંક તો પાસે આવીને અમને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યાં હતાં. એમાંથી એક દાદી બોલ્યાં,

“એવું તો શું થયું છે દીકરા! કે આટલું દર્દનાક રડી રહ્યા છો?”

“બા……” આટલું કહેતાં તો હું એમને આલિંગનમાં ભરીને રડવા લાગ્યો.

એ દાદી મારી માટે અપરિચિત હતાં પણ મને એક માની જેમ વહાલ કરી રહ્યાં હતાં. મારા માથે ખૂબજ વ્હાલથી હાથ ફેરવતાં બોલ્યાં,

“દીકરા, તને શું થયું છે એ તો મને ખબર નથી. તારા દર્દનું શું કારણ છે એ પણ મને ખબર નથી. તું કેમ આટલું રડી રહ્યો છે એ પણ હું જાણતી નથી. મને તારી મા સમજીને તારું દુઃખ જણાવી શકે છે.”

જાણે મારી મા મને પૂછી રહી હોય એવો અહેસાસ સજીવન થયો અને હું બોલી પડ્યો,

“બા, જે મારી આંખોનો તારો છે, જેની ઉપર આવતી દરેક મુસીબતને હું વહોરી જવા માગું છું. એ આજે એટલી મોટી મુસીબતમાં છે કે તેને હું બચાવી શકું એમ પણ નથી. એને બચાવવાના ઘણા રસ્તા છે પણ મારો રૂપિયાનો રસ્તો બંધ છે. હું એટલો સક્ષમ નથી કે મારા દીકરાની સારવાર પણ કરાવી શકું. બા, મારો દીકરો મોતના દ્વારે ઊભો છે. તેને ત્યાંથી બચાવીને પાછો લાવી શકું એટલો હું અમીર નથી બા…”

હું ખૂબ રડી રહ્યો હતો. હું જે પેલા માજીને કહી રહ્યો હતો એ સિતારા તેના કાન ખોલીને સાંભળી રહી હતી. હવે તેને અંદાજ આવી ગયો હતો કે ખરેખર અમારા કોઈક મોટી મુસીબતમાં હતો. તે તેનાં આંસુ રોકી નહોતી શકતી અને મને પૂછવા લાગી,

“અમારના પપ્પા, એવું તો આપણા અમારને શું થયું છે?”

તેના તૂટક તૂટક અવાજમાં ઘણું દર્દ છુપાયેલું હતું. તેનું દર્દ હું મહેસુસ કરી શકતો હતો. એના પ્રશ્નના જવાબમાં શું કહેવું! એ મને સમજાઈ રહ્યું નહોતું. પેલાં માજી હજુ પણ એક દીકરાની જેમ મને વહાલ કરી રહ્યાં હતાં.

હવે હિંમત કરવાનો સમય આવી ગયો હતો એટલે હું સિતારા તરફ ફર્યો અને તેના બે હાથ હાથમાં પકડતાં બોલ્યા,

“સિતારા, હું જે કહેવા જઈ રહ્યો છું એ ખૂબ જ શાંતિથી સાંભળજે. તારા હૃદય ઉપર પથ્થર મૂકી દેજે, કેમકે મારી વાતનો બોઝ તારું હૃદય ખમી નહીં શકે.”

આ સાંભળીને તે બોલી પડી, “હું પહેલાં જ સમજી ગઈ છું કે વાત ખૂબ જ ગંભીર છે પણ વાત શું છે?”

હવે સિતારાને સચ્ચાઈ જણાવવાનો સમય આવી ગયો હતો. હવે મારે હિંમત કરવાની જ હતી એ મને સમજાઈ ગયું હતું. મેં મનમાં વિચારી લીધું કે આજ નહિ તો કાલ પણ સિતારાને સચ્ચાઈ ખબર પડવાની જ છે! એટલે બધી હિંમત આજે જ જોડી લીધી. એક હાથની મુઠ્ઠી વાળી અને બીજા હાથે પેલા માજીનો હાથ પકડ્યો અને હિંમત જોડીને બોલ્યો,

“સિતારા, આપણા લાડકવાયાને લ્યુકેમિયા છે..”

સિતારા હજુ સુધી પણ લ્યુકેમિયાને લકવો સમજી રહી હતી એટલે તે મારા ઉપર હસવા લાગી અને તેણે ફરી એકવાર અમારના શરીરને ચેક કરી લીધું. ત્યાં ઉભેલ જેને લ્યુકેમિયા વિશે ખબર હતી એ તો સ્તબ્ધ બની ગયા અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા. સિતારા બોલી પડી,

“મારા દીકરાને કોઈ લકવો નથી, તમે પણ ડૉક્ટર પાસે બેસીને તેમની વાતોમાં આવી ગયા છો.”

તેની માસુમિયત મારી આંખોમાં ફરી ચોધાર આંસુ લઈ આવી ને હું બે હાથે તેના ખભા ઉપર મૂકતાં ખૂબજ દુઃખ સાથે બોલ્યો,

“તું જેને લકવો સમજી રહી છે, એ લકવો નથી. આપણા અમારને લ્યુકેમિયા છે એટલે કે બ્લડ કેન્સર છે…..”

ક્રમશ……

Leave a comment