લ્યુકેમિયા – 05 હિંમતથી સામનો

સિતારાને ઝટકો વાગ્યો પણ તેણે મારી વાતને સિરિયસ ન લીધી અને પૂછ્યું,

“શું કહ્યું?”

“તું જેને લકવો સમજી રહી છે, એ લકવો નથી. આપણા અમારને લ્યુકેમિયા છે એટલે કે બ્લડ કેન્સર છે…..” મેં ફરીવાર હિંમત કરીને કહ્યું.

ફરીવાર એ જ શબ્દો મારા મોઢેથી સાંભળીને સિતારાને ગુસ્સો આવ્યો ને મારા ગાલ ઉપર એક જોરદાર તમાચો ઝીંકી દીધો. તમાચાની ગુંજ આખી હોસ્પિટલમાં ગુંજી ઉઠી. તેને મારો કોલર પકડી લીધો અને ખૂબજ ગુસ્સા સાથે બોલી,

“તમને તમારા દીકરા વિશે આવા શબ્દો વાપરતા શરમ નથી આવતી? કેટલી આસાનીથી તમે કહી દીધું કે આપણા દીકરા અમારને બ્લડ કેન્સર છે. એનો ચહેરો શુષ્ક પડી ગયો છે, એને ક્યાંક ક્યાંક તાવ પણ આવે છે, એનો મતલબ એ નથી કે તમે આપણા દીકરા વિશે ગમે તે કહેશો. આપણો દીકરો એકદમ સ્વસ્થ છે, તેને કશું જ થયું નથી. બ્લડ કેન્સર હોય તો લોહી કાળું પડી જાય, મારી દૂરની માસીના દીકરાને હતું. એ તો એકદમ કાળો કાળો થઈ ગયો હતો. આપણો અમાર તો હજુ ધોળો જ છે. જે કહો એ સમજી વિચારીને કહો, આપણા દીકરાને એવી કોઈ બીમારી નથી.”

સિતારાના શબ્દો ઈશ્વર કરે કે સાચા નીકળે! મનમાંથી તો એ જ પ્રાર્થના નીકળી રહી હતી. પણ કેમ કરી એને સમજાવું કે અમારને રિપોર્ટમાં તો બ્લડ કેન્સર જ આવ્યું છે. મેં હળવેકથી એના બે હાથ પકડ્યા, એના હાથ મારા કોલરથી છોડાવીને એને આલિંગનમાં ભરી લીધી અને ખૂબ જ વ્હાલથી એના માથામાં હાથ ફેરવવા લાગ્યો. તે હજુપણ મારી પર ગુસ્સે હતી એટલે મારા આલિંગનમાંથી બહાર આવી ગઈ.

એક નર્સ આવીને અમારને લેબમાં લઈ ગઈ. સિતારાનું ધ્યાન તેની તરફ નહોતું. મેં આંખના ઈશારેથી અમારને અંદર લઈ જવાની પરવાનગી આપી. સિતારાને સમજાવવા માટે હું ફરી તેની પાસે ગયો અને તેના હાથ મારા હાથમાં ખૂબ જ પ્રેમથી મેં લીધા અને કહ્યું,

“સિતારા, હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તું જે સમજી રહી છે એ સાચું હોય અને રિપોર્ટમાં જે આવ્યું છે એ ખોટું હોય! મને પણ માન્યામાં નથી આવી રહ્યું કે આપણા દીકરા અમારને બ્લડ કેન્સરની બીમારી છે.”

“તમે વારંવાર એક વાત કરીશો અને હું માની લઈશ કે મારા દીકરાને કેન્સર છે. તમે પણ ખોટા છો અને તમને જેણે આપણા દીકરાની બીમારી વિશે કહ્યું છે એ પણ ખોટો છે.” સિતારા ફરી ગુસ્સા સાથે બોલી.

“ડૉક્ટર ઈશાને પણ એ જ કહ્યું છે, જે રિપોર્ટમાં આવ્યું છે. સિતારા સચ્ચાઈનો તું જેટલી જલ્દી સ્વીકાર કરે એટલું આપણી માટે સારું છે.” મેં ખૂબ પ્રેમથી કહ્યું.

“ખરેખરમાં આપણા દીકરા અમારને બ્લડ કેન્સર છે?”

હું એના પ્રશ્નના જવાબમાં ખાલી માથું હલાવી શક્યો. એને કંઈ વધારે કહી ના શક્યો. હવે એનું મન સચ્ચાઈનો સ્વીકાર કરવા લાગ્યું હતું અને તેના બે હાથ તેના મોં ઉપર આવી ગયા. હાથ માથામાં લઈ જઈને તેના વાળને નોચવા લાગી અને નીચે બેસી ગઈ. જોરદાર ચીસ પાડી, એની ચીસ આખી હોસ્પિટલમાં ગુંજી ઉઠી અને તે ચોધાર આંસુએ રડતાં રડતાં બોલી,

“હે ઈશ્વર, અમારા એવા તો શું પાપ હત કે તેની સજા તે અમારા દીકરાને આપી? મને તો માન્યામાં નથી આવી રહ્યું કે મારા દીકરાને આટલી મોટી બીમારી છે… હે ઈશ્વર…..”

તે તેનો ખોળો ફેલાવીને રડી રહી હતી. મેં જેટલી આસાનીથી તેને અમારની બીમારી વિશે જણાવ્યું હતું એટલી આસાનીથી તે સમજી શકે એમ નહોતી. તેને હજુ બીમારી વિશે ખબર પડી તો એનું રીએકશન આટલું ભયંકર હતું, તો એને જ્યારે ખર્ચ વિશે ખબર પડશે ત્યારે શું થશે? હું આવા અનેક વિચારોમાં ડૂબી ગયો.

સિતારા રડી રહી હતી પણ હું પાછા પગે પાછળ પાછળ ચાલી રહ્યો હતો ને દીવાલ આવી ત્યાં હું બેસી ગયો. મારું શરીર કાંપવા લાગ્યું. એટલામાં ડૉક્ટર ઈશાન મારી પાસે આવ્યા અને મને હાથ આપીને ઊભો કર્યો. મારો હાથ પકડીને મને એમની કેબિનમાં લઈ ગયા અને પાણી આપ્યું. બેલ વગાડીને નર્સને અંદર બોલાવી અને કહ્યું,

“મિસ્ટર શિવની ધર્મ પત્ની સિતારાને અંદર લઇ આવો.”

“ઓકે ડૉકટર..” નર્સ આટલું કહીને સિતારાને લેવા માટે બહાર ચાલી ગઈ.

ડૉક્ટર ઈશાને મારા ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, “મિસ્ટર શિવ, હું તમારી હાલત સમજી શકું છું. એકના એક સંતાનની આવી બીમારી વિશે જાણીને ધક્કો વાગી શકે છે પણ તમારે હિંમત રાખવી પડશે.”

મારી આંખો વહી રહી હતી. આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. ડૉકટર ઈશાન હિંમત કરવાનું કહી રહ્યા હતા પણ 3-5 કરોડની હિંમત કેવી રીતે કરવી? 3 300-500 વાપરતાં પહેલાં એક હજાર વખત વિચાર કરવા પડે છે અને 3-5 કરોડ લાવવા ક્યાંથી? આ વાતો મનમાં વંટોળ બનીને જોરજોરથી ફૂંકાઈ રહી હતી. ડૉકટર ઈશાન ફરી બોલ્યા,

“મિસ્ટર શિવ, હું જે કહી રહ્યો છું એ તમે સાંભળી રહ્યા છો ને?”

મને તો એમનો અવાજ સંભળાવવાનો સંપૂર્ણ રીતે બંધ થઈ ચૂક્યો હતો. તેમણે મને હલાવ્યો અને બોલ્યા,

“મિસ્ટર શિવ”

“હં…”

“હું તમારી હાલત સમજી શકું છું. એકના એક સંતાનની આવી બીમારી વિશે જાણીને ધક્કો લાગી શકે છે પણ તમારે હિંમત રાખવી પડશે.”

“ડૉક્ટર ઈશાન, કેવી રીતે હિંમત કરું? જ્યારે તમે પહેલી વખત કહ્યું કે મારા દીકરા અમારને બ્લડ કેન્સર છે, ત્યારે આ મનખામાંથી પહેલી વખત આત્મા નીકળી ગઈ ને તરત પાછી ફરી. જ્યારે તમે ખર્ચ વિશે કહ્યું એટલે તો આ આત્માએ મારું શરીર જ છોડી દીધું પણ ૨-૫ સેકન્ડે પરત ફરી. ત્યારબાદ સિતારાને દીકરાની બીમારી વિશે જણાવવાની જરાય પણ હિંમત નહોતી. તેમ છતાં હિંમત કરીને અમારની બીમારી વિશે જણાવ્યું અને એને રડતી જોઈને તો મને થયું કે હંમેશાં માટે આ શરીર છોડી દઉં પણ પછી વિચાર આવ્યો કે હું નહિ હોઉં તો આ બંનેનું શું થશે? ડૉક્ટર ઈશાન હવે તમે જ કહો કે હું કેવી રીતે હિંમત રાખું?”

તે મારી બાજુની ચેર ઉપર બેઠા અને બોલ્યા, “તમારી મનોવેદના હું સમજી શકું છું, મિડલક્લાસ જીવન જીવતા હોઈએ ને કરોડોનો ખર્ચો કરવાનો આવે ત્યારે શું વીતે એ બરાબર સમજી શકું છું. મધ્યમવર્ગીય કુટુંબમાં 100 રૂપિયા પણ ગણતરી કરી કરીને વપરાય છે. ત્યાં હજાર, લાખ નહિ પણ કરોડો ખર્ચવાના આવે ત્યાં આવા જ હાલાત પેદા થઈ શકે છે પણ આ બધા વચ્ચે શિવ હિંમત ખૂબ જ જરૂરી છે, જે તમારે કોઈપણ હાલમાં કરવી જ પડશે. જો તમે હિંમત નહિ રાખો તો તમારો પરિવાર તૂટી જશે. તમારી પત્ની આવવાની છે, તો એમને તમારે હિંમત આપવાની છે.”

ડૉક્ટર ઈશાન દ્વારા જે કહેવામાં આવી રહ્યું હતું એ હું બરાબર સમજી શકતો હતો. સિતારા અંદર આવી. હજુ તેનું રડવાનું તો ચાલુ જ હતું. બે નર્સ તેને પકડીને અંદર લાવી રહી હતી. તેની હાલત ખૂબજ ગંભીર લાગી રહી હતી. એક નર્સ બોલી,

“ડૉકટર, મેમનું બીપી ડ્રોપ થઈ રહ્યું છે. આપ જલ્દીથી એમને ચેક કરો.”

આ સાંભળીને તો હું ચેરમાંથી ઊભો થઈ ગયો. સિતારાને બે હાથે પકડી લીધી અને કહ્યું, “સિતારા તું જરાય પણ ચિંતા ન કર, બધું એકદમ બરાબર છે અને જે બરાબર નહીં હોય એ હું કરી દઈશ. તું જરાય પણ ચિંતા ન કરીશ, આપણો દીકરો અમાર પણ એકદમ ઠીક છે, અને મારાથી થશે એટલી કોશિશ તેને ઠીક રાખવા માટે કરીશ.”

સિતારા ખૂબ જ ગંભીર અને દર્દભર્યા અવાજે બોલી, “આપણા દીકરા અમારને આટલી ગંભીર બીમારી છે, જેના ઈલાજ માટે આપણી પાસે પૂરતા પૈસા પણ નહીં હોય! અમારના બાપુ મને તો ડર લાગી રહ્યો છે કે આપણી પાસે પૈસા નથી અને જો આપણે સમય રહેતાં આપણા દીકરા અમારનો ઈલાજ ન કરાવી શક્યાં તો….”

સિતારાના આ એક પ્રશ્નએ મારી હિંમત તોડી નાખી. ડૉકટર ઈશાન બોલ્યા, “મેમને ત્યાં સ્ટેચર ઉપર સુવડાવી દો.”

નર્સ સિતારાને પકડીને સ્તેચર પાસે લઈ ગઈ અને તેને તેની ઉપર સુવડાવી દીધી….

ક્રમશ…..

Leave a comment