લ્યુકેમિયા – 07 આશ્વાસન

સિતારાના એક પ્રશ્નએ ડૉક્ટર ઈશાનના ચહેરા પર રહેલું નૂર ઉડાડી દીધું. અમાર સાથે રમવાનું પણ તે ભૂલી ગયા અને બોલ્યા,

“અમાર, તું ઘરમાં જઈને રમ દીકરા. તારા મમ્મી પપ્પા સાથે જરૂરી વાત કરવી છે.”

“ઠીક છે, અંકલ..” અમાર આટલું કહેતાં અંદર ચાલ્યો ગયો.

ડૉકટર ઈશાન અમારી પાસે આવ્યા અને બોલ્યા, “તમારા બેકયાર્ડમાં બેસવા લાયક જગ્યા છે?”

“હા, કેમ?” મેં પૂછ્યું.

“તો આપણે ત્યાં બેસીને વાત કરીએ?”

“હા, ચાલો…”

મેં સિતારાને ઈશારો કર્યો. એ આગળ ચાલી અને ગાર્ડનમાં બેસવા લાયક જગ્યા કરી. હું અને ડૉકટર ઈશાન ત્યાં બેઠા. સિતારા અંદર પાણી અને ચાની વ્યવસ્થા કરવા માટે ગઈ અને તે પાછી આવી ત્યારે ડૉક્ટરે કહ્યું,

“સિતારાભાભી, તમે પણ અમારી સાથે બેસો..”

સિતારા બેસી ગઈ. અમારા બંનેના ચહેરા એકદમ ઉદાસ હતા. જે જોઈને ડૉક્ટર ઈશાન બોલ્યા, ‘જે સમસ્યા તમારા ઘરમાં આવી છે, એ આજથી પહેલાં ઘણા ઘરોમાં આવી ચૂકી છે, અને આવનાર વર્ષોમાં ઘણા ઘરોમાં આવતી રહેશે! ઘણા લોકોએ લ્યુકેમિયાનો હિંમતથી સામનો કર્યો છે અને ઘણા લોકો આ બીમારી આગળ ઝૂકી ગયા છે અને પોતાના સ્વજનને ગુમાવી બેઠા છે. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે તમે આ બંનેમાંથી શું ઇચ્છી રહ્યા છો?’

ડૉક્ટર ઈશાનના પ્રશ્ને અમને વિચારવા મજબૂર કરી દીધાં. આમ તો કંઈ વિચારવા જેવું હતું જ નહિ! તેમના પ્રશ્નનો એક જ જવાબ હતો, ‘અમે આ બીમારી આગળ હિંમત કરીને અમારા દીકરા અમારને બચાવવા માગીએ છીએ.’ પણ આ જવાબ આપતાં પહેલાં ઘણા વિચારો આવી રહ્યા હતા. હું તો એમાં જ ડૂબેલો હતો. ડૉક્ટર ઈશાનની નજર અમારી પર જ હતી ને સિતારા જવાબ આપતાં બોલી,

‘એમાં શું ઇરછા હોય? અમે તો આ બીમારી સામે લડીને અમારા દીકરા અમારને બચાવવા માગીએ છીએ.. શું કહેવું અમારના બાપુ?’

એની વાત વ્યાજબી હતી. તેની સાથે હું સો ટકા સહેમત હતો પણ ડૉક્ટર ઈશાન દ્વારા જણાવેલ ખર્ચ વિશે પણ વિચારવાનું તો હતું જ! હું વિચારમાં ડૂબેલો હતો ને સિતારાએ મારો હાથ પકડીને મને હલાવ્યો અને બોલી,

‘અમારના બાપુ… બરાબર ને?’

‘હા…’ એથી વિશેષ હું કંઈ બોલી ન શક્યો.

અમારો મત જાણીને ડૉક્ટર ઈશાનને થોડી રાહત થઈ. તે બોલ્યા,

‘ઘણાં એવાં લાચાર માતા-પિતા હોય છે, જે સામાન્ય બીમારી આગળ હારી જાય છે અને હિંમત કરવાની જગ્યાએ પોતાના બાળકને ગુમાવી બેસે છે.’

ડૉક્ટર આગળ કંઈ બોલે તેની પહેલાં હું બોલી પડ્યો, ‘એ લાચાર માતા-પિતા એટલા માટે બને છે કેમકે તે બાળકને સ્વસ્થ કરવા તો માગે છે પણ તેમની પાસે પૈસા નથી હોતા! તે તેમના બાળકનું સ્વસ્થ ભવિષ્ય ઇચ્છે છે પણ તેમની ઇચ્છાઓ પર પાણી ફેરવવા માટે તેમની ગરીબી તેમની હકીકત બનીને બેઠી હોય છે. ઘણા તો એવા હોય છે કે જે કર્જ લે છે અને કર્જમાં એટલા ડૂબી જાય છે કે બાળકને સ્વસ્થ કરે એની પહેલાં જ પોતાની જિંદગી ટૂંકાવી દે છે. પોતાની પરિસ્થિતિ તેમને લાચાર બનાવે છે. તેમના હાલાત તેમને લાચાર બનાવે છે.’

હું આગળ કંઈ વધારે બોલી ના શક્યો! મારી આંખો આંસુઓમાં તરબોળ થઈ ગઈ. હૃદય હીબકારે ચડ્યું અને સિતારા પણ રડવા લાગી. તેણે મેં ખર્ચ વિશે જણાવ્યું હતું પણ તેમ છતાં તેણે મને પ્રશ્ન કર્યો,

“અમારના બાપુ, અમારના ઈલાજમાં કેટલો ખર્ચ થશે?”

“બે થી પાંચ કરોડ! ઈલાજ કરાવવા માટે અમેરિકા જવું પડશે!” મેં ખૂબ દુઃખી અવાજે જવાબ આપ્યો.

મારો જવાબ સાંભળીને સિતારા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી. તે મારા કોલર પકડીને રડવા લાગી અને રડતાં રડતાં બોલી,

“અમારના બાપુ આપણે ઘરબાર જમીન બધું જ વહેંચી દઈશું તો પણ આપણી પાસે એટલા પૈસા નહિ થાય કે આપણે આપણા દીકરાને ઈલાજ માટે લઈ જઈ શકીએ કે તેનો ઈલાજ કરાવી શકીએ!”

તે નોધારી થઈને રડતી રહી. તેની હાલત જોઈને મારી હિંમત તો તૂટી જ રહી હતી. દિમાગ કામ કરવાનું છોડી ચૂક્યું હતું. આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. અમારા બંનેની હાલત ડૉકટર ઈશાન સમજી શકતા હતા. તે બોલ્યા,

“શિવ, સિતારભાભી, તમે બહુ આગળનું વિચાર કરીને દુઃખી થઈ રહ્યા છો. હાલ સમસ્યા પૈસાની છે જ નહીં! હાલ સમસ્યા અમારા માટે ડોનર શોધવાની છે.”

સિતારા એક જ ઝાટકે બોલી, “ડોનર! એ વળી શું હોય ડૉક્ટર સાહેબ?”

“ડોનર, મતલબ દાતા. જેના દાનથી આપણે અમારનો બોનમેરો ટ્રાન્સફર કરી શકીશું. મતલબ કે ખરાબ બોનમેરોને સ્વસ્થ કોષથી બદલી શકીશું.”

ડૉકટર ઈશાનની વાતો હું થોડી ઘણી સમજી શકતો હતો પણ સિતારાને તો તે વાતો ઉપરથી જઈ રહી હતી. તે વિચારમાં પડી ગઈ અને બોલી,

“ડૉકટર, તમે જે કહી રહ્યા છો એ મને સમજાઈ રહ્યું નથી પણ એટલું સમજાઈ ગયું છે કે અમારનું દૂષિત લોહીને બદલવા માટે તેને સુદ્ધ લોહી આપવાનું છે.”

“હા, એવું જ કંઈક કહી શકાય!” ડૉક્ટરે જવાબ આપ્યો.

“તો હું બોનમેરો ન આપી શકું?”

“આપી શકો, પણ એની માટે ટેસ્ટ કરવા પડે!”

“તો આવતી કાલે મારો અને અમારના પિતાનો બોનમેરો ટેસ્ટ કરી લેજો. અમારો બોનમેરો મેચ થઈ જાય તો દાતા શોધવો ન પડે!” સિતારા ખૂબ વિશ્વાસ સાથે કહી રહી હતી.

હું તો એકદમ ચૂપચાપ તેના અને ડૉકટર વચ્ચે ચાલી રહેલી વાતચીત સાંભળી રહ્યો હતો. ડૉકટર ઈશાન બોલ્યા,

“હવે રાત થવા આવી છે, હું હવે ઘરે જાઉં. કાલે સવારે હોસ્પિટલમાં મુલાકાત થશે.”

મેં ડૉકટર ઈશાનને ઊભા થઈને આલિંગન ભર્યા. મારી આંખોમાં રહેલી અપેક્ષાને ડૉકટર ઈશાને આંખના ઈશારે વધાવી લીધી અને બોલ્યા,

“શિવ, ચિંતા ન કરો ભાઈ; બધું બરાબર થઈ જશે. અમાર અને ભાભીનું ધ્યાન રાખજો.”

આટલું કહેતાં ડૉકટર ઈશાને વિદાય લીધી. હું અને સિતારા લાંબા સમય સુધી ત્યાં જ બેસી રહ્યાં. બંને એકબીજાની પાસે બેઠાં હતાં પણ જાણે હજારો માઈલની દૂરી હોય એવું એકબીજાની ચૂપી ઉપરથી લાગી રહ્યું હતું. અડધો કલાક સુધી તો એમ જ બેઠાં રહ્યાં ને પછી ઊભાં થતાં સિતારા બોલી,

“ચાલો અંદર જઈને આરામ કરો. હું અમારને જમાડી દઉં છું.”

તે આટલું કહેતાં અંદર ચાલી ગઈ. હું હજુ પણ ત્યાં બેઠો હતો. આકાશમાં ટમટમતા એક તારા સાથે ક્યારેક ક્યારેક અમારની મા સમજીને દુઃખી હોઉં એટલે વાત કરી લેતો,

“સ્નેહા, તારા ગયા પછી સિતારાએ અમારનું બહુ ધ્યાન રાખ્યું છે. એને ક્યારેય તારી કમી પડવા દીધી નથી પણ આજે આપણો દીકરો જિંદગી અને મોતની બરોબર વચ્ચે ઊભો છે. જો અમારાથી જરાય ચૂક થઈ તો અમે આપણા દીકરાને હંમેશાં માટે ખોઈ બેસીશું. તું આજે હોત તો આપણે અન્ય સંતાન માટે કોશિશ કરી હોત, આવનાર સંતાનનો બોનમેરો આપણા અમારને બચાવી લેતો. પણ એ રસ્તો આપણી માટે બંધ થઈ ચૂક્યો છે. કાલે હું અને સિતારા ટેસ્ટ કરાવવાનાં છીએ, તું ઈશ્વરની એકદમ નજીક છે; તું એમને પ્રાર્થના કરજે કે અમારા બંનેમાંથી કોઈકનો તો બોનમેરો અમારના બોનમેરો સાથે મેચ થઈ જાય. બસ છેલ્લે એક જ રસ્તો બચ્યો છે અને તેનાથી જ આપણા દીકરાને બચાવી શકાય છે. તારી સાથે ભાવુક થવામાં હું એક વાત તો ભૂલી ગયો કે આપણા દીકરા અમારના કાલે રિપોર્ટ આવવાના છે, જેમાંથી ખબર પડશે કે આપણો દીકરો બ્લડ કેન્સરના કયા સ્ટેજમાં છે. એની પાસે કેટલો સમય છે અને કેટલા સમયમાં એનો ઈલાજ કરાવવો પડશે! તું બીજી એક પણ પ્રાર્થના કરજે કે આપણા દીકરા અમારનો રિપોર્ટ નોર્મલ આવે અને એને આ કશાકની જરૂર ના પડે! તું બીજી એક પ્રાર્થના પણ કરજે જો કશાકની જરૂર પડે તો આપણી ગરીબી એમાં અડચણ ન બને. ઈશ્વરને કહેજે કે મને કોઈ રસ્તો મળી રહે જેમાં હું મહેનત કરીને ઘણા બધા રૂપિયા ભેગા કરી શકું! અને તને વચન આપું છું કે એ રૂપિયામાંથી હું આપણા દીકરા અમારનો ઈલાજ કરાવીશ… અમારની મા હું જે કહી રહ્યો છું એ તું સાંભળી રહી છે ને? તું આટલી પ્રાર્થના કરીશ ને……..”

વધારે આગળ કંઈ બોલી ન શક્યો ને નોધારો થઈને રડવા લાગ્યો. ત્યાં ને ત્યાં આંખ લાગી ગઈ અને સૂઈ ગયો…

ક્રમશ….

Leave a comment