હમણાં એક વીડિયો જોયો, જે મારા ખ્યાલ મુજબ સુરતનો હતો. વીડિયોમાં પોલીસની ગુંડાગર્દી જોવા મળી, જેમાં પોલીસ એક ગરીબ દ્રાક્ષ વેચનાર ફેરિયાને  રસ્તા ઉપરથી દૂર કરવાની જગ્યાએ તેની સાથે અભદ્ર વ્યવહાર કરી રહી હતી. અહીં જ તેમની ગુંડાગર્દી ન અટકી. એ ફેરિયાની દ્રાક્ષ ભરેલી લારી પણ છીનવી લીધી! એ એમને કગરતો રહ્યો, એની રોજગારીને બચાવવા માટે પોલીસની માર પણ ખમતો રહ્યો પણ વિચાર્યું છે કરી કે પોલીસે તેની સાથે આવું શા માટે કર્યું?

કારણ એ છે કે ત્યાંથી હપ્તા ન મળે! ગરીબ બેસહારા માણસ તેમની વિરૂદ્ધ અવાજ ન ઉઠાવી શકે પણ કોઈકે તો આ લોકોને હકીકત દેખાડવી પડશે!

ગુજરાતમાં દારૂ બંધી છે પણ લાયસન્સ સાથે તમે ખુલ્લેઆમ દારૂ વહેચી શકો! ચાલો લાયસન્સનું છોડો પણ લાયસન્સ વગર હપ્તા આપીને ખુલ્લેઆમ દારૂ વહેચી શકો! લગ્ન પ્રસંગે દારૂની પેટીએ પેટીઓ ઉતરે તો પણ અવાજ ઉઠાવવા વાળું કોઈ નહિ! દારૂ માનવીને પીવે ને દ્રાક્ષ માનવીને સ્વસ્થ રાખે તો પણ તેની બેકદરી અને દારૂની…. કહેવાની જરૂર નથી…

ભાઈ આ અન્યાય શા માટે? બધા કાયદા ગરીબો માટે જ છે? ક્યાં સુધી આમ ફ્રૂટ સેલ કરતાં ફેરિયા, શાકભાજી સેલ કરતાં ફેરિયા કે ફૂટપાટ પર બે ટંકનું જમવાનું મળી રહે એ માટે ટાઢ, ગરમી, વરસાદ, તડકા-છાંયડાની પરવા કર્યા વગર ખુદના પરિવાર માટે જે-તે જરૂરી વસ્તુઓ સેલ કરતાં ફેરિયાઓને ક્યાં સુધી હેરાન કરવામાં આવશે?

આ લોકોને એટલા માટે હેરાન કરવામાં આવે છે કેમકે તે લોકો ગરીબ છે. તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની તેમની શક્તિ નથી. તેમની પાસે નગરપાલિકાને ભાડું આપવા માટે પૈસા નથી! એટલે નગરપાલિકા અને પોલીસ તંત્રને તેમની સાથે ગમે-તેમ વ્યવહાર કરવાની છૂટ મળી ગઈ છે.

પણ આ ખોટું છે હું આનો ખુલ્લેઆમ વિરોધ કરું છું અને લોકશાહી દેશના લોકોએ આનો વિરોધ કરવો જોઈએ…. એવું ન વિચારતા કે આપણે પૈસે ટકે સુખી છીએ પણ એક વખત એ દ્રાક્ષ વેચનારની જગ્યાએ ખુદને મૂકીને કલ્પના કરજો કે હૃદય ઉપર કેવા પથ્થર પડે છે, જ્યારે આપણી આજીવિકા સાથે કોઈ ચેડાં કરે છે….

એકવાર વિચારજો જરૂર…..

નોંધ – વીડિયોમાં જે દેખાયું એની પર આ લખાણ છે.

#શિવ

Leave a comment