‘ચ’ ચકલીનો ‘ચ’
મને તો વળી કોણ ન ઓળખે? હું ભલે દેખાવમાં નાની પણ બાળક જ્યારે ગુજરાતી ભાષા શીખવાની શરૂ કરે ત્યારે “ચ ચકલીનો ચ” એમ શીખે. ચ શીખતા શીખતા એ મારી ઓળખ કેળવે. મમ્મી આંગણામાં ઉડતી ચકલીને બતાવે. ત્યાંથી બાળકનાં જીવનમાં મારી આગવી ઓળખ ઊભી થાય. દાદી આંગણામાં ચણ નાખે ત્યાંથી હું મારું પેટ ભરું.
પણ મારી કરુણતા તો જુઓ હવે આ બાળકો English medium ની સ્કૂલમાં ભણવા જાય એટલે પેલો “ચ ચકલીનો ચ” વાળી મારી ઓળખ એ કેળવી ના શકે. એટલું તો ઠીક, આ સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં જ્યાં લોકો ફ્લેટમાં રહેવા માંડ્યા ત્યાં મારા માટે ચણ પણ કોણ મૂકે?
તમારા મોબાઈલ ફોનમાં ભલે તમે પક્ષીઓના મધુર અવાજની રિંગટોન રાખો પણ ભલા માણસ, ક્યારેક અમારો અવાજ સાંભળવાની પણ કોશિશ તો કરજો અને એ પણ ન કરી શકો તો કંઈ નહીં, અમારો અવાજ સદંતર બંધ ન થઈ જાય એટલી કોશિશ જરૂર કરજો તો જે પણ બાળક ગુજરાતી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જાય તે “ચ” ચકલીનો “ચ ” અને ચકલીને ઓળખી શકે.
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment