લ્યુકેમિયા – 10 સહેલાબ
ડૉક્ટર ઈશનના છેલ્લા શબ્દો ‘જો યોગ્ય સમયે અમારનો ઈલાજ કરવામાં ન આવ્યો તો……’, ‘જો યોગ્ય સમયે અમારનો ઈલાજ કરવામાં ન આવ્યો તો……’, ‘જો યોગ્ય સમયે અમારનો ઈલાજ કરવામાં ન આવ્યો તો……’ આ શબ્દો મારા કાન વીંધી રહ્યા હતા. કાન દબાવીને આ શબ્દોને અણસુના કરવાની કોશિશ કરી પણ શબ્દો તો ઊંડી ખીણમાં ખાબકીને ધાક બનીને અમારા કાનના પડદાઓ સાથે અથડાઈ રહ્યા હતા.
મેં સિતારા તરફ જોયું. એને પણ એના કાન ઉપર હાથ મૂકેલા હતા. જે જોઈને મને સમજાઈ ગયું કે અમારી એક જેવી જ હાલત હતી. મેં તેની આંખમાં જોયું, જે ઘેરા લાલ રંગમાં રંગાઈ ગઈ હતી. મારી આંખોમાં જોતાં જ એ છલકાઈ ગઈ. હું પણ ખુદને રોકી ન શક્યો. આંખો આંસુથી ભીંજાઈ ગઈ.
ડૉકટર ઈશાન અમારી હાલત જોઈને સમજી ગયા. તે અમારી પાસે આવ્યા અને બોલ્યા, “જે હજુ થયું નથી એના વિશે વિચારીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. યોગ્ય સમયે ઈલાજ થઈ જ જશે….”
તેમના શબ્દો સાંભળીને થોડી રાહત થઈ. હૃદયને હળવો આરામ મળ્યો પણ હજુ અમારની બીમારી તો અકબંધ જ હતી. અમારી માનસિક સ્થિતિ અત્યારે અમારો જીવ લઈ રહી હતી. આ બધું છોડીને અહીંથી ચાલ્યા જવાનું મન કરી રહ્યું હતું. ઊભો થયો ને સિતારાનો હાથ પકડી લીધો. બસ એટલું જ બોલ્યો,
“ચાલ સિતારા….”
તે ઊભી થતાં મારી સાથે ચાલવા લાગી. હું તેનો હાથ પકડીને કેબીનની બહાર જવા દરવાજા તરફ આગળ વધી રહ્યો હતો પણ સિતારા ફરી ફરીને પાછળ જોઈ રહી હતી. ડૉક્ટર ઈશાન બોલ્યા,
“હું ઘરે આવીને મળું છું. અમારને અહીં મૂકતા જજો. હું એને આવતાં મારી સાથે લેતો આવીશ.”
હું કંઈ બોલ્યો નહિ ને બહાર આવી ગયો. સિતારા ડૉક્ટર ઈશાનને બોલી, “અમારનું ધ્યાન રાખજો અને એને સમયસર ઘરે મૂકી જજો.”
ત્યારબાદ અમે બંને ઘરે આવી ગયાં. આસપાસમાં અમને આ રીતે હેરાન પરેશાન જોઈને ઘરે ખબર અંતર પૂછવા આવવા લાગ્યાં. અમે એટલાં મજબૂર બની ગયાં હતાં કે અમારની બીમારી વિશે કોઈને જણાવી શકીએ એમ પણ નહોતાં. અમાર લ્યુકેમિયાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો પણ એ દર્દ અમારે એકલાં એ જ રહેવાનું હતું. એક પાડોસીએ પૂછ્યું,
“શિવ, કોઈ ગંભીર વાત છે?”
“ના… કેમ?”
“ગઈકાલ સાંજે મેં જોયું હતું કે આગળની ગલીવાળા ડૉક્ટર ઈશાન તમારા ઘરે આવ્યા હતા. તે આવતાં સાથે અમારને પણ લેતા આવ્યા હતા. આજે પણ અમાર ક્યાંય દેખાઈ રહ્યો નથી.”
“અને મારી દીકરી આસના પણ કહેતી હતી કે અમાર છેલ્લા ચાર દિવસથી સ્કૂલ નથી આવતો.” બાજુવાળા મીનાબહેન બોલ્યાં.
પાડોશીઓ અમાર વિશે પ્રશ્ન પૂછી રહ્યાં હતાં પણ શું જવાબ આપવો એ સમજાઈ રહ્યું નહોતું. કોઈને સચ્ચાઈ જણાવી શકીએ એટલા અમે હિંમતવાન નહોતા અને અમારા દીકરા અમારને કોઈ દયાની નજરે જુએ એ અમને મંજૂર નહોતું. બસ જવાબમાં એટલું જ કહ્યું,
“અમારને સામાન્ય તાવ આવી રહ્યો છે, કાલે રિપોર્ટ કરાવ્યા હતા, અમારે થોડું ઘરે કામ હતું એટલે ડૉક્ટર ઈશાન મારા મિત્ર છે.. એટલે આવતાં સાથે અમારને લેતા આવ્યા..” મેં તૂટક તૂટક શબ્દોમાં કહ્યું.
“બધું ઠીક છે તો સારું છે. ઈશ્વર કરે બધું આમ જ ઠીક રહે.” મીનાબહેન આટલું કહીને ઘરે જતાં રહ્યાં.
હવે હું ને સિતારા એકલાં હતાં. અમારા શરીરની રોમ રોમ આજે ચમકારા લઈ રહી હોય એમ અમારો જીવ ઉપરનીચે થઈ રહ્યો હતો. મારું શરીર વગર તાવે ઘંટારવની જેમ કંપી રહ્યું હતું. મારી પત્ની સિતારા પણ ગભરાયેલી હતી. મારી અને એની આંખોએ બે દિવસથી પલકારો પણ લીધો નહોતો. આંખો રડમસ હોવા છતાં પણ એક આંસુ બહાર આવે, એની પહેલાં જ શરીરના તાપથી ત્યાંજ બળીને ધુમાડામાં રૂપાંતર થઈ જતું હતું.
આંખોની અસહ્ય પીડા તરફ અમારું ધ્યાન જ નહોતું. અમારા ઉપર ધગધગતા લાવાનો વરસાદ થાય તો પણ અમને અહેસાસ ન થાય એવું અમારા ઘરનું વાતાવરણ થઈ ગયું હતું.
સાંજ થવા આવી. હું ઘરની બહાર જઈને બેસી ગયો. સિતારા પણ મારી પાછળ પાછળ બહાર આવી ગઈ. અમે બંને ડૉક્ટર ઈશાન અને અમારની રાહ જોવા લાગ્યાં. સિતારા મારી તરફ જોઈને પૂછવા લાગી,
“હજુ અમારને આવતાં કેટલો સમય લાગશે?”
“આવી જશે!”
“તમે ડૉક્ટર ઈશાનને ફોન કરીને પૂછી જુઓ ને! કે કેટલો સમય લાગશે?”
સિતારા ખૂબ અધીરી થઈ રહી હતી. જો કે અધીરો તો હું પણ થયો હતો. તે મને હળવેથી પૂછવા લાગી,
“અમારના બાપુ…..”
“હા…..”
“ખરેખરમાં ઈલાજ માટે અમેરિકા જવું પડશે?”
“હા, દીકરાને બચાવવો હશે તો અમેરિકા તો જવું જ પડશે!”
“ખરેખરમાં ત્રણથી પાંચ કરોડ ખર્ચો થશે?”
“હા, દિકરાના જીવની એટલી કિંમત તો થશે જ….”
“પણ અમારના બાપુ….. (આંસુમાં તરબોળ થતાં) આપણી પાસે હજાર રૂપિયા નથી તો કરોડો ક્યાંથી લાવીશું?”
“હું પણ એ જ વિચારી રહ્યો છું.”
આટલું કહેતાં એને ભેટી પડ્યો. અને બંને થોડો સમય એકબીજાના આલિંગનમાં રડી પડ્યાં. સિતારાએ એકાએક મને દૂર કર્યો.
“મારો ભાઈ અબજો પતિ છે. હું એને કહીશ તો એ આપણી મદદ અવશ્ય કરશે…” આંસુ લૂછતાં બોલી.
“સિતારા, તું દીકરાના દુઃખમાં સચ્ચાઈ ભૂલી ગઈ છે. તારો ભાઈ છેલ્લા 12 વર્ષથી તને બોલાવતો નથી. તારું સાદ પણ કરી નાખ્યું છે અને એ તારી મદદ કરશે?”
“આપણા અમાર માટે હું મારા ભાઈના પગે પડી જઈશ. મને વિશ્વાસ છે કે આપણી મદદ જરૂર કરશે. માન્યું કે તે આપણા લગ્નના વિરોધમાં હતો, કેમકે તે પ્રેમ લગ્નના વિરોધમાં છે. ઉપરથી તમે મારી પાસેથી વચન લઈને બેઠા હતા કે અમાર જ આપણું એકમાત્ર સંતાન હશે! આપણે અન્ય કોઈ સંતાન નહીં કરીએ. જેને લીધે વધારે નારાજ છે પણ હું એની બહેન છું. હું બરાબર જાણું છું કે એને કેવી રીતે મનાવવો. મારો ભાઈ ગુસ્સાવાળો છે પણ એ દિલનો બહુ જ સાફ છે. એના ભાણાની આ બીમારી વિશે જાણશે તો એ મદદ કરવાની ના નહીં કહે!”
સિતારા ખૂબ જ વિશ્વાસથી કહી રહી હતી પણ હું બરાબર જાણતો હતો કે એનો ભાઈ એને નફરત કરે છે. એની બહેનના ખરાબ ભવિષ્ય માટે એ અમારને દોષી માને છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે એ અમાર માટે તો કશુજ નહિ કરે! પણ સિતારાને કેવી રીતે સમજાવવી કે તે જેનો વિશ્વાસ કરી રહી છે એ તેને મૃત જાહેર કરી ચૂક્યો છે. હું વિચારોમાં ડૂબેલો હતો અને એ જ સમયે સિતારા ફરી બોલી,
“હું કાલે સવારે જ મારા ભાઈના ઘરે જઈશ. એને અમારની બીમારી વિશે વાત કરીશ. મારો ભાઈ દિલનો ખૂબ જ સાફ છે, એ આપણા દીકરાના ઈલાજ માટે પૈસા જરૂર આપશે. (થોડીવાર રોકાઈને) સંત કબીરે કહ્યું છે “કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.” હું કાલ જવું એના કરતાં અત્યારે જ જાવ છું. એ મદદ કરવા માટે હા કહી દેશે એટલે આપણે નિશ્ચિત થઈ જઈશું. દેશ-વિદેશમાં તેની કંપનીઓ ચાલે છે, તેની દેશ-વિદેશમાં ઘણી ઓળખાણ છે, એ પણ આપણને અજાણ્યા દેશમાં કામે લાગશે. આપણો દીકરો પણ બચી જશે અને મારા ભાઈ સાથેના બગડેલા સંબંધો પણ સુધરી જશે..”
સિતારને તેના ભાઈ પર ઘણો વિશ્વાસ હતો. હું આ વિશ્વાસ તોડવા માગતો નહોતો. હું બરાબર જાણું છું કે સિતારાના તેના ભાઈ સાથે થયેલા ખરાબ સંબંધ માટે હું જ જવાબદાર હતો. સિતારાની વાતો ઉપરથી મને પણ મનમાં એક ઉમ્મીદ જાગી અને હું પણ એની વાતોમાં આવીને એના ભાઈ પાસેથી ઉમ્મીદ કરવા લાગ્યો. સિતારા ઊભી થઈ અને બોલી,
“તમે મારી સાથે આવી રહ્યા છો કે હું એકલી જ જઈને આવું?”
તે અત્યારે જ જવા માગતી હતી પણ મેં તેનો હાથ પકડીને રોકી અને કહ્યું,
“સિતારા, અમાર આવતો હશે! આવતાં જ આખા ઘરમાં તને શોધવા લાગશે. તું અત્યારે તારા ભાઈના ઘરે જઈશ તો હું એને શું જવાબ આપીશ? તું એમ કર પછી ક્યારેક જજે…”
ક્રમશ…….

Leave a comment