લ્યુકેમિયા – 11 અમારનો પ્રશ્ન
સિતારા અમારના નામથી ઘરે રોકાવા તૈયાર થઈ ગઈ. મારી આંખોમાં જોવા લાગી અને બોલી,
“અમાર મને આવતાં, ઘરમાં નહીં જુએ તો હેરાન હેરાન થઈ જશે. આખા ઘરમાં મને શોધ્યા કરશે. આજ સુધી મારા દીકરાથી એક મિનિટ પણ હું દૂર રહી નથી….”
સિતારા આટલું કહેતાં ફરી મારી પાસે બેસી ગઈ. અમારી બંનેની નજર દરવાજા તરફ જ હતી. અમે બંને અમારા દીકરા અમારની રાહ જોઈ રહ્યાં હતાં. દરવાજા આગળ પ્રકાશ દેખાયો અને અમે બંને ઊભાં થઇને દરવાજા પાસે પહોંચી ગયાં.
કાર સડસડાટ અમારા દરવાજા આગળથી નીકળી ગઈ. તે ડૉકટર ઈશાનની કાર નહોતી. અમારા બંનેનું મોં પડી ગયું. ઘડિયાળમાં જોયું તો નવ વાગવા આવ્યા હતા. હજુ સુધી ડૉક્ટર ઈશાન આવ્યા નહોતા એટલે મારો તો ડર વધવા લાગ્યો. મનમાં જેવા-તેવા વિચાર આવવા લાગ્યા અને હું બોલી પડ્યો,
“સિતારા, જરાય ચિંતા ન કરતી. ડૉક્ટર ઈશાન આપણા દીકરા અમારને લઈને આવતા હશે.”
“મને ડૉક્ટર ઈશાન પર વિશ્વાસ છે, મને તો આપણા દીકરા અમારની ચિંતા જ નથી.” સિતારાએ ખૂબ આત્મવિશ્વાસથી મને કહ્યું.
તેનો જવાબ સાંભળીને હું એક સમય માટે તો ચોંકી ગયો. મને સમજાઈ રહ્યું નહોતું કે આ બદલાવ કઈ રીતે આવ્યો? જે સિતારાને ડૉક્ટર ઈશાન પર જરાય પણ વિશ્વાસ નહોતો, એ આજે ખૂબ જ નિશ્ચિત હતી. ઉપરથી એમ કહી રહી હતી કે તેને ડૉક્ટર ઈશાન ઉપર ખૂબ જ વિશ્વાસ છે. ખરેખર મને આ વાત જાણીને ખુશી થઈ રહી હતી, કેમકે હવે મારી સાથે સિતારાને પણ ડૉક્ટર ઈશાન પર વિશ્વાસ હતો.
એટલામાં ડૉક્ટર ઈશાનની કાર આવી. દરવાજા પાસે આવીને ઊભી રહી. રાતના 10:00 વાગી ગયા હતા. અમે હજુ સુધી દરવાજા ઉપર જ ઊભાં હતાં. કારનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર ઈશાન અંદરથી નીચે ઉતર્યા. તે સીધા ચાલીને અમારી પાસે આવ્યા. તેમની મુખાકૃતિ બરાબર ન લાગી એટલે મારા અને સિતારાની અંદર એક ડરે જન્મ લીધો અને મેં પૂછ્યું,
“અમાર ક્યાં છે?”
તે કંઈ બોલે તેની પહેલાં જ સિતારા બોલી, “મારો દીકરો ઠીક તો છે ને? તમારી પર વિશ્વાસ નહોતો કરવો જોઈતો.”
અમારા પ્રશ્ન સાંભળીને ડૉક્ટર ઈશાન બોલ્યા, “રિલેક્સ, બધું ઠીક છે. મારે એક ઇમરજન્સી આવી ગઈ હતી. એટલે મોડું થયું.”
જેવી જ એમની વાત પૂરી થઈ કે તરત જ સિતારાએ પ્રશ્ન કર્યો, “એ બધું ઠીક છે પણ મારો દીકરો ક્યાં છે?”
“અમાર મારી કારમાં સૂઈ ગયો છે. તે અંદર સૂતો છે.”
એમની વાત પૂરી થાય એ પહેલાં હું અને સિતારા તેમની કાર પાસે પહોંચી ગયાં અને અમારને મેં તેડી લીધો. સિતારા તેના ગાલ ઉપર ચુંબન કરવા લાગી એટલે તેની આંખો ખુલી ગઈ અને તે પૂછવા લાગ્યો,
“મમ્મી-પપ્પા, તમે મને બે દિવસથી કેમ હોસ્પિટલમાં છોડીને ચાલ્યા આવો છો? મને કંઈ થયું છે કે શું?”
તેના આ પ્રશ્નએ અમારી રુહ કંપાવી દીધી. તે આગળ બોલ્યો, “વારંવાર મારું લોહી લેવાય છે. મને ખૂબજ ડર લાગે છે. ઇન્જેક્શનની સોય જેવી જ અંદર જાય છે કે તે આખું મારા લોહીથી ભરાઈ જાય છે. આમ મારું બધું લોહી લેશે તો હું મરી નહિ જાઉં?”
તેના આ બીજા પ્રશ્નએ તો જીવતાંજીવ અમારા શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય એટલું હૃદય પર દબાણ કર્યું. સિતારા દોડીને અંદર ચાલી ગઈ. મેં ડૉક્ટર ઈશાનને કહ્યું,
“આપ, બેકયાર્ડમાં બેસો. હું અમારને અંદર સુવડાવીને આવું છે.”
“શિવ, આઇ એમ સો ટાયડ! આપણે આવતી કાલે મળીએ?”
“નહિ…. બસ થોડો સમય લઈશ. મારે આપની સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે.”
“ઓકે, ઠીક છે પણ આપ જલદી આવી જજો.”
“હા, બસ દસ મિનિટ… હું તમારી માટે જમવાની વ્યવસ્થા કરાવું છું.”
ડૉક્ટર ઈશાન ના કહેવા માગતા હતા પણ એ કંઈ બોલે એ પહેલાં જ હું બોલ્યો, “તમારી ના નથી સાંભળવાનો હું… જમીને જ જવાનું છું.”
“સારું… ઠીક છે પણ જલદી કરજો. હું એક ડૉક્ટર છું, ગમે ત્યારે ઇમરજન્સીમાં દોડવું પડે..”
“હા… તમારો બહુ સમય નહિ લઉં!”
“ઓકે… હું આપનો બહાર વેઇટ કરું છું.”
“બસ આવ્યો….”
આટલું કહેતાં ડૉક્ટર ઈશાનને બેસાડીને હું અંદર આવી ગયો. અંદર આવ્યા બાદ જોયું તો સિતારા એક ખૂણામાં બેસીને રડી રહી હતી. અમાર ઊંઘમાં હતો એટલે હું એને એના રૂમમાં સુવડાવીને પરત આવ્યો. સિતારા હજુ પણ રડી રહી હતી. તેની પાસે આવીને બેઠો અને તેના ખભાને હાથથી હલાવતાં બોલ્યો,
“સિતારા.”
હું આગળ બોલું તેની પહેલાં તેણે મને આલિંગનમાં ભરી લીધો અને કહ્યું, “અમારના બાપુ, આપણા અમારને આ બીમારી શા માટે થઈ? મારા કોઈ પાપની સજા આપણા દીકરાને મળી રહી છે?”
હું કંઈ બોલું એની પહેલાં તો મારી આંખો ધડધડ વહેવા લાગી. ખુદને શાંત કરતાં કહ્યું,
“અમાર ભૂખ્યો સૂઈ ગયો છે અને ડૉક્ટર ઈશાન બહાર મારી રાહ જોઈ રહ્યા છે. તું અમાર અને ડૉક્ટર ઈશાન માટે જમવાનું બનાવ.”
સિતારા એ જાણતાં જ ઊભી થઈ ગઈ કે એનો દીકરો ભૂખ્યો હતો. તે તરત જ બોલી,
“તમે ડૉક્ટર ઈશાન પાસે જઈને બેસો. હું ફટાફટ જમવાનું બનાવી દઉં છું.”
“હમ….”
આટલું કહીને હું બહાર આવ્યો. બહાર આવીને જોયું તો ડૉક્ટર ઈશાન ખુરશીમાં બેઠા બેઠા તેમના મોબાઇલમાં કંઈક કરી રહ્યા હતા. હું તેમની પાસે ગયો પણ તેમને ખબર ન પડી! મેં જોયું તો એ એમના મોબાઇલમાં અમારનો ફોટો જોઈ રહ્યા હતા અને ખૂબજ ભાવુક પણ થઈ રહ્યા હતા. આ ક્ષણ જોઈને મને ડૉક્ટર ઈશાન માટે માન વધવા લાગ્યું ને હું બોલી પડ્યો,
“અમારથી ખૂબ ગહેરી મિત્રતા થઈ હોય એવું લાગે છે?”
મારો અવાજ સાંભળીને તેમનું ધ્યાન મોબાઇલમાંથી બહાર આવ્યું અને મોબાઇલ સ્કીન ઓફ કરતા બોલ્યા, “અરે હોસ્પિટલમાં અમાર રમી રહ્યો હતો, એટલે મેં એનો આ ફોટો ક્લિક કર્યો. સોરી માફ કરજો…”
હું વિચારમાં પડ્યો કે ડૉક્ટર ઈશાન શેની માફી માગી રહ્યા છે! હું આશ્ચર્ય ભરી નજરે એમની તરફ જોઈ રહ્યો. તે મારી અસમંજસને સમજતાં બોલ્યા,
“હું એટલા માટે સોરી કહી રહ્યો છું, કેમકે મેં તમારી પરવાનગી વગર અમારનો ફોટો ક્લિક કર્યો પણ શિવ બિલિવ મી, અમાર એટલો બધો માસૂમ છે કે કોઈનુપણ દિલ એની ઉપર આવી શકે છે.”
ડૉક્ટર ઈશાનના આ શબ્દો સાંભળીને મારી આંખો ભરાઈ આવી. હું હળવું રડવા લાગ્યો. ડૉક્ટર ઈશાન મારી પાસે આવ્યા અને બોલ્યા,
“હું તમારી તકલીફ સમજી શકું છું, જો બે દિવસમાં હું અમારાથી આટલો પ્રભાવી થયો છું તો આપ તો છેલ્લા ૧૪ વર્ષથી એની સાથે છે. આપની ઉપર શું વિતી રહ્યું છે એ હું બરાબર સમજી શકું છે. મિસ્ટર શિવ પણ આ સમય ભાવુક થઈને બેસવાનો નથી, આ સમય અમારની હિંમત બનીને ઊભા રહેવાનો છે…”
હું થોડીવાર સુધી તો કંઈ જ ન બોલ્યો એટલે તે ફરી બોલ્યા, “શિવભાઈ, હું જે કહી રહ્યો છું એ સમજી રહ્યા છો ને?”
ત્યારે મેં રડતાં એમને આલિંગનમાં ભરી દીધા. ડૉક્ટર ઈશાન મારા વાળમાં હાથ ફેરવવા લાગ્યા અને હું રડતાં બોલ્યો, “ડૉક્ટર ઈશાન, તમારી દરેક વાત મને સમજાઈ રહી છે અને મને જે વાત સમજાતી નથી એ હું કોઈપણ રીતે સમજવાની કોશિશ કરું છું પણ ડૉક્ટર ઈશાન, અહીં વાત મારા દીકરાની જિંદગીની છે, જેને હું જેટલી સમજવાની કોશિશ કરું એટલી વધારે ઉલજતી જાય છે. હું હિંમત કરું તો પણ મારી હિંમત તૂટતી જાય છે. હું કંઈપણ કર્યા વગર રોજ હારી રહ્યો છું.”
મારા શબ્દો સાંભળીને થોડા સમય માટે તો ડૉક્ટર ઈશાન પણ ભાવુક થઈ ગયા. એ મને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ મારી વાતોએ એમને જ મજબૂર કરી દીધા હતા. બસ એ મારી તરફ જોઈને એટલું જ બોલ્યા,
“શિવભાઈ આપ આપની તકલીફમાં એકલા નથી, હું અને મારી આખી ટીમ તમારા difficult સમયમાં તમારી પડખે ઊભાં રહીશું. અમારાથી થશે એટલી આર્થિક સહાય કરવાની પણ કોશિશ કરીશું પણ અમારને એક નવું જીવન આપીને જ રહીશું.”
“ડૉક્ટર….” હું આગળ કંઈ બોલી ન શક્યો.
“માત્ર ઈશાન કહો…. અને ચિંતા ન કરો, હું બધું બરાબર કરી દઈશ…”
ક્રમશ…..

Leave a comment