લ્યુકેમિયા – 12 ડૉક્ટર ઈશાન
ડૉક્ટર ઈશાન અત્યારે ઈશ્વરથી જુદા નહોતો લાગી રહ્યા! તેમની વાતો સાંભળીને મારા હૃદયને ઘણો આરામ મળી રહ્યો હતો. તેમની તરફ જોઈને મેં કહ્યું,
“ઈશાન, તમને માત્ર ઈશાન કહેવું મને યોગ્ય નથી લાગતું પણ માત્ર ઈશાન કહેવાથી એવું લાગે છે કે આપ અમારા પરિવારના જ સભ્ય છો. આજથી આપ મારા નાના ભાઈ અને મારા દીકરા અમારના કાકા છો. હવે હું આ જંગમાં એકલો નથી, મારો ભાઈ મારી સાથે છે.”
ડૉક્ટર ઈશાનને મેં બહુ મોટું બહુમાન આપી દીધું હોય એવું એ સમયે એમનો ચહેરો જોતાં લાગી રહ્યું હતું. મેં એમને આલિંગનમાં ભરી દીધા. એ સમયે તો તે કંઈ ન બોલ્યા એટલે મેં કહ્યું,
“ઈશાન, તમારી પર કોઈ દબાણ નથી. મેં તમને બહુ મોટા સંબંધમા બાંધી દીધા છે.”
ત્યારે ડૉકટર ઈશાને હળવું સ્મિત કર્યું અને કહ્યું, “નો… નો….. તમે મને રોંગ લઈ રહ્યા છો. ઓલ આર ફાઇન.. બસ હું તો એ વિચારતો હતો કે કોઈ આટલું મોટું સન્માન આટલી જલ્દી કેવી રીતે આપી શકે?”
ત્યારે હળવું સ્મિત કરતાં મેં કહ્યું, “જલદી નહીં પણ આપણો કોઈક ઋણાનુબંધ હશે!”
“હા એ તો છે…. પણ હાલ આપણે અમારને નવું જીવન આપવા વિશે વિચારવાનું છે.”
એ સમયે હું નિઃશબ્દ થઈ ગયો. કેમકે મને સમજાઈ રહ્યું નહોતું કે કોઈ અજાણ્યું કોઈ અજાણ્યા વિશે આટલું કઈ રીતે વિચારી શકે? મને આ અસમંજસમાં જોઈને ડૉક્ટર ઈશાન બોલ્યા,
“આવતી કાલે તમારો અને ભાભીનો રિપોર્ટ આવવાનો છે. એ મેચ થઈ જાય તો આપણે જલદી પ્રોસેસ શરૂ કરી દઈશું.”
તેમના આ શબ્દો સાંભળીને ખૂબ સારું લાગ્યું પણ બદલામાં શું કહું! કંઈ સમજાઈ રહ્યું નહોતું. થોડા સમય માટે બોનમેરો રીપોર્ટની વાત મગજમાંથી નીકળી જ ગઈ હતી પણ હવે યાદ આવતાં એક નવું ટેન્શન મનમાં જન્મ લઈ ચૂક્યું હતું. મન બરાબર કામ કરી રહ્યું નહોતું. મનમાં અનેક વિચારો ચાલવા લાગ્યા અને પૂછી લીધું,
“રિપોર્ટ મેચ તો થઈ જશે ને?”
“એ તો કાલે જ ખબર પડશે!”
“આવતી કાલે રિપોર્ટ આવી જશે?”
“એ નક્કી ન કહી શકું! અમાર અને તમારું બ્લડ સેમ્પલ ચેક કરીને એની ડિટેલ્સ મેઇલ કરી છે. હવે રિપોર્ટ આવી જાય ત્યારે જ ખબર પડે કે બોનમેરો મેચ થયું છે કે નહિ!”
હું ઊંડા વિચારોમાં સરી પડ્યો અને પૂછી લીધું, “જો મેચ નહિ થાય તો શું કરીશું?”
“તો કોઈ અન્યનું મેચ થઈ જશે….” ડૉક્ટર ઈશાન ખૂબજ વિશ્વાસથી બોલ્યા.
આ સાંભળીને મને થોડીવાર માટે રાહત મળી. એજ સમયે સિતારા બહાર આવી અને બોલી,
“ચાલો ડૉક્ટર ઈશાન, જમવાનું થઈ ગયું છે. અમારના બાપુ આપ તેમને લઈને આવો.”
આટલું કહીને તે અંદર ચાલી ગઈ. હું ડૉક્ટર ઈશાન સાથે અંદર ગયો. જ્યાં અમાર પહેલાંથી અમારી રાહ જોતો બેઠો હતો. તેની આગળ જમવાની બધીજ વસ્તુઓ પડી હતી. તેમ છતાં તે ડૉક્ટર ઈશાનની રાહ જોઈ રહ્યો હતો. તેમને જોતાં જ તે ઊભો થઈ ગયો ને તેમની પાસે દોડી આવ્યો,
“ક્યાં હતા અંકલ? મમ્મા એ કહ્યું કે આજે આપ અમારી સાથે ડિનર લેવાના છો.”
“હાય ચેમ્પ…. ભાભી એ એકદમ બરાબર કહ્યું છે. આજે હું મારા ચેમ્પ સાથે ડિનર કરવાનો છું.”
તેમની વાત સાંભળીને અમાર ખુશ થઈ ગયો. ડૉક્ટર ઈશાને તેને ગોદમાં ઉપાડી લીધો અને ખોળામાં બેસાડતાં પૂછવા લાગ્યા,
“ચેમ્પ, તારી મોમે આટલું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે અને તે શરૂઆત નથી કરી! કેમ?”
“ડૉક્ટર અંકલ, હું તમારી વેટ કરી રહ્યો હતો. આપ આવો અને હોસ્પિટલમાં જેમ પહેલો કોળિયો મારા મોંમાં મૂકો છો તેમ મુકો તો સ્વાદ કંઇક અલગ જ આવે છે.”
અમારની લાગણી ડૉક્ટર ઈશાન માટે જાણીને મારી આંખોમાં પાણી આવી ગયું. આંસુ લૂછતાં મેં પૂછ્યું,
“અમાર, તને ભૂખ નથી લાગી? ભૂખ લાગે ત્યારે તો તું કોઈની પણ રાહ જોતો નથી.”
“પપ્પા, ભૂખ તો બહુ લાગી છે પણ ઈશાન અંકલની રાહ જોઈ રહ્યો હતો.”
“તું ભૂખ લાગે ત્યારે કોઈની પણ રાહ જોતો નથી, તો આજે ઈશાન અંકલની રાહ કેમ જોઈ રહ્યો હતો?”
“પપ્પા, ઈશાન અંકલ મને મરતાં બચાવવાના છે…. તો એમની રાહ તો હું જોઈ જ શકું ને.. ને પપ્પા તમને ખબર છે હું છેલ્લા બે દિવસથી ઈશાન અંકલના ટિફિનમાંથી જ જમતો. તમને ખબર છે અંકલ મને એમના હાથે જ ખવડાવતા અને કહેતાં કે ચેમ્પ તું ચિંતા ન કરતો. તારે મોટા થઈને મારી જેમ ડૉક્ટર બનવાનું છે.”
તેના આ શબ્દો સાંભળીને તો હું, સિતારા અને ડૉક્ટર ઈશાન એકબીજા તરફ જોવા લાગ્યાં. હવે અમારી આખરી ઉમ્મીદ ડૉક્ટર ઈશાન જ હતા. જેમને જોઈને ડૉક્ટર ઈશાન બોલ્યા, “ચેમ્પ, તું આટલો ભારે દબાવ ન કર મારી પર… આટલી મોટી જવાબદારી ન આપી દે બેટા… અને તને કોને કહ્યું કે તું મરવાનો છે?”
“મેં મોબાઇલમાં વીડિયો જોયો હતો. મારા જેવડો જ એક છોકરો હતો. એનાં માતા-પિતા એને રોજ હોસ્પિટલ લઈ જતાં. રોજ લોહીનાં સેમ્પલ લેવામાં આવતાં ને છેલ્લે એ મૃત્યુ પામ્યો.”
અમારની વાત સાંભળીને અમારા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ચુંક પડે તો પણ અવાજ આવે એમ હતો. મારું અને સિતારાનું શરીર કાંપવા લાગ્યું. અમારી હાલત ખરાબ થાય એ પહેલાં જ ડૉક્ટર ઈશાન બોલ્યા, “ચેમ્પ, એ માત્ર વીડિયો હતો. આ હકીકત છે. એમાં જે થયું એ હકીકતમાં થશે એવું કોઈ પ્રમાણ છે? એ બાળકને કોઈ બીમારી હતી કે એ ખાલી વીડિયો પૂરતું કન્ટેન્ટ હતું. આપણે જાણતા જ નથી. ચેમ્પ, આવા વીડિયો ન જોવા જોઈએ. તે આપણા મગજ સાથે રમે છે અને એ વિચાર કરવા મજબૂર કરી દે છે, જેવું તું અત્યારે વિચારી રહ્યો છે. એટલે આવા કન્ટેન્ટથી દૂર રહેવું જોઈએ. રહી વાત તને બચાવવાની તો એવી નોબત બને ત્યાં સુધી હું નહિ આવવા દઉં….”
ડૉક્ટર ઈશાનની વાત અમને સમજાઈ રહી હતી. અમે એ સાંભળીને મનોમન પસ્તાવો કરવા લાગ્યાં હતાં. અમારના માથામાં હાથ ફેરવતાં ડૉક્ટર ઈશાન બોલ્યા, “ચેમ્પ, તારે મને એક પ્રોમિસ આપવાનું છે.”
“શું ડૉક્ટર અંકલ?”
“તું મોબાઇલમાં આવા કોઈ વીડિયો જોઈને એને સત્ય નહિ માની લે..”
અમાર સ્મિત કરતાં બોલ્યો, “અંકલ, હવે હું કોઈ વીડિયો જ નહિ જોઉં…”
“ચેમ્પ, વિડિયોઝ જોવાની કોઈ ના નથી. તું જો પણ એમાંથી જે શીખવા જેવું હોય એ જ શીખ.”
“ઓકે, ડૉક્ટર અંકલ.”
“ચાલ હવે મારા પેટમાં ઉંદર જંગ કરવા લાગ્યા છે. થોડું એમને ખવડાવી દઈએ..”
એમ કરતાં ડૉક્ટર ઈશાને એક કોળિયો અમારને ખવડાવી દીધો. ડૉકટર ઈશાન અને અમાર વચ્ચેની મૈત્રી જોઈને હું અને સિતારા થોડાં નિશ્ચિત થઈ ગયાં હતાં. આજ ચાર-પાંચ દિવસે અમારા હલકથી કોળિયો નીચે ઉતરી રહ્યો હતો. ડૉક્ટર ઈશાન ડિનર બાદ ચાલ્યા ગયા.
બીજા દિવસે અમે સમયસર હોસ્પિટલ ચાલ્યા ગયા. મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા હતા પણ એના જવાબ મળશે કે નહિ એનો મને કે સિતારાને કોઈ અહેસાસ નહોતો. મનમાં વંટોળ ઉદ્દભવેલું હતું.
ડૉક્ટર ઈશાનના કેબિન પાસે આવીને નોક કર્યું. અંદર ગયાં અને જઈને ચેર ઉપર બેસી ગયાં. સિતારા તો જતાં જ પૂછવા લાગી,
“અમારના લોહી સાથે અમારું લોહી મેચ થયું કે નહિ?”
ત્યારે ડૉક્ટર ઈશાનના જવાબે અમારી ઉદાસી દૂર કરી દીધી, “તમારા બંનેનું બ્લડ A+ છે અને અમારનું બ્લડ પણ A+ છે. બ્લડ મેચ થયું છે.”
તેમના આ શબ્દો સાંભળીને તો અમે ખુશીયો મનાવવા લાગ્યાં. હું અને સિતારા એક સમય માટે તો બધું ભૂલી ગયાં અને સિતારા બોલી,
“અમારના બાપુ, આપણું અને અમારનું લોહી મેચ થઈ ગયું છે. હવે આપણા દીકરા આગળ કોઈ મુસીબત નથી. હવે આપણે જ આપણા દીકરાનો જીવ બચાવી શકીશું.”
“હા સિતારા, આપણો દિકરો હવે એકદમ ઠીક થઈ જશે.”
ખુશીઓ મનાવતાં મેં ડૉક્ટર ઈશાન તરફ જોયું અને કહ્યું, “ઈશાન, અમારા બંનેનું લોહી મેચ થઈ ગયું છે. હવે મારું લોહી લઈને અમારનો બોનમેરો ચેન્જ કરી લો….”
ત્યારે ડૉક્ટર ઈશાને જવાબ આપ્યો, “તમારા બંનેમાંથી કોઈનુંપણ રક્ત આપણે લઈ શકીએ એમ નથી..”
ક્રમશ…..

Leave a comment