“સ્ત્રીઓ”


પેટમાં બચ્ચું લઈને મજૂરીકામ કરતી સ્ત્રીથી લઈને ઘરનું હૃદય બનીને ફરતી કે ઓફિસ જોબ કરતી દરેક સ્ત્રીને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ.
બાળપણમાં માતા પિતાની ઈચ્છા પ્રમાણે, લગ્ન પછી સાસરિયાઓની ઈચ્છા પ્રમાણે અને ત્યારબાદ પોતાનાં સંતાનોની ઈચ્છા પ્રમાણે દરેક પરિસ્થિતિમાં ઢળી જતી સ્ત્રી કયાંક ને કયાંક પોતાની ઈચ્છાઓને પોતાનાં લોકો માટે પોતાનાં હૃદયમાં ધરબી નાંખે છે.
રસોઈ પરિવારનાં સભ્યોની પસંદની, કપડાં પતિની પસંદનાં, હરવા ફરવાનું પતિ કે બાળકોની પસંદગીની જગ્યા પર. ના તો પોતાની કોઈ ઈચ્છા કે ના તો પોતાની કોઈ પસંદગી. બસ, આંખો બંધ કરીને પરિવાર માટે, પરિવારનાં સ્વાસ્થ્ય માટે, પરિવારની ખુશી માટે 24*7 કામ કરનાર એક વ્યક્તિ.
ઘણી જગ્યાએ તો એને નથી ખબર પતિના ફોનનો પાસવર્ડ કે નથી ખબર atm કાર્ડનો પિન નંબર. નથી ખબર કે ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કે નથી ખબર સાચી સેલરી. એ ઘરનું હૃદય તો ખરી, પણ બસ કહેવા પૂરતી.
બાળપણમાં મહેંદી મૂકાવી, સૂકાઈ જાય ત્યાં સુધી એને દિલથી સાચવતી છોકરી લગ્ન પછી પોતાનાં પરિવાર માટે ઉતાવળે મહેંદી કાઢી નાંખતી થઈ જાય છે. બાળપણમાં પગમાં ઝાંઝર પહેરી રુમઝુમ કરનારી લગ્ન પછી એ ઝાંઝરરુપી બેડીની જવાબદારી સમજતી અને ઉપાડતી થઈ જાય છે. જરા નાના સરખા ધા કે ઉઝરડા પર આખું ઘર માથે ઉપાડી લેતી એ લગ્ન પછી પતિ દ્વારા મારવામાં આવતાં ઢોર મારને ચૂપચાપ સહન કરી લોકોની સામે હસતે મોઢે વાતો કરતી થઈ જાય છે. ના તો બધા સામે રડવાની છૂટ કે ના તો કોઈને કહેવાની છૂટ. બાથરૂમમાં રડીને , મોઢું ધોઈને બહાર નકલી હાસ્ય સાથે એવો તો અભિનય કરવાની ટેવ એ હસ્તગત કરી લે છે કે લોકો અસલી કે નક્લીનો ભેદ પણ નથી પારખી શકતાં.
ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે પરિવારનાં કોઈ પણ આર્થિક નુકસાનમાં એક સ્ત્રી પોતાના જીવ પર આવીને આખા કુટુંબની જવાબદારી ઉઠાવે છે, પણ કમનસીબી એ છે કે આખું કુટુંબ મળીને પણ એક સ્ત્રીનાં માનસિક સ્વાસ્થ્યની જવાબદારી નથી ઉઠાવી શકતું. એમ જોઈએ તો એને કોઈ એક દિવસની શુભેચ્છાઓની જરૂર નથી. શુભેચ્છાઓ આપવા કરતા થોડી કદર જ કરી લો.

રેશ્મા પટેલ “રેશમ”
સુરત

Leave a comment