શ્રી ગણેશાય નમઃ

The cosmic connection સ્વરાભય ભાગ ૧

તાપીના તટથી રેતીના રણની ગાથા.. અભય અને સ્વરા પ્રોજેક્ટ માટે જેસલમેર જાય છે અને ત્યાં બનતી ચિત્ર વિચિત્ર ઘટનાઓથી એકબીજાના અસ્તિત્વને જાણે છે. પોતાના પૂર્વજોનો ગ્રંથ અને કટારે અભય અને સ્વરાને એકબીજાથી નજીક લાવી દે છે. નફરત થી પ્રેમ સુધીની સફર.. પ્રેમ, કરાર પુનર્જન્મની અદભુત ગાથા એટલે The cosmic connection સ્વરાભય..

************

સ્વરાના મમ્મી-પપ્પા સડક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. પોસ્ટમોર્ટમ થયા પછી તેઓ મૃતદેહને હોસ્પિટલથી ઘરે લઈ લાવ્યા. આ સમયે તેનો પરિવાર શૌકાતુર બન્યો હતો. અચાનક, સ્વરાની નજર આરવ પર પડી. તે આરવને નાના બાળકની જેમ  ભેટી પડી. માબાપના મૃત્યુ પછી સ્વરાને તેનો જ સહારો હતો. એ ખૂબ રડી રહી હતી. આરવે સાંત્વના આપવાને બદલે મૂર્તિ બની ઊભો હતો. સ્વરાને પોતાનાથી દૂર કરતા કહ્યું: “સ્વરા, મને ખબર છે કે તારા પરિવાર પર ઓચિંતુ દુઃખ આવી પડ્યું છે. પણ મારે તને કંઈ કહેવું છે. જો હું અત્યારે નહીં કહીશ તો કદાચ  મોડું થઈ જશે.

શું કહેવું છે?

મને નથી ખબર કે આ સાંભળીને તું શું વિચારશે? કદાચ આ સાંભળીને તારા પગ નીચેથી જમીન ખસી જશે! પણ હું મજબૂર છું.

તેણે પોતાનાં આંસુ લૂછતાં પુછ્યું, “મને કંઈ સમજાયું નહીં. તું શું કહેવા માંગે છે?”

એ જ કે હું ગોળગોળ વાતો કરી તને ભ્રમણામાં રાખવા માંગતો નથી. હું તારી સાથે સગાઈ તોડવા માંગુ છું.

તે ધ્રુજતા સ્વરે બોલી, “શું…શું…શું કહ્યું તે? તું મારી સાથે સગાઇ તોડવા માંગે છે! પણ કેમ? આપણે તો જન્મોજનમ સાથે રહેવાની વાત કરી હતી.  તું મને અધવચ્ચે છોડીને કેમ જવા માંગે છે?  આપણા લગ્નની તારીખ ગયા મહિને જ નક્કી કરી હતી. બે મહિના પછી લગ્ન લેવાના છે અને તારે સગાઈ તોડવી છે. શું મારાથી કોઈ ભુલ થઈ? એવી તે તારી શું મજબૂરી છે કે તારે લગ્ન નથી કરવા? મમ્મી પપ્પાએ પણ સાથ છોડી દીધો અને હવે તું પણ…!

સ્વરા, પ્લીઝ ટ્રાઇ ટુ અંદરસ્ટેન્ડ. મારી મજબૂરી છે.

એવી તે શું મજબૂરી છે કે તારે લગ્ન નથી કરવા?

આ સાંભળીને દાદીએ કહ્યું: “આરવકુમાર, તમે દુઃખમાં સાથ છોડવાની વાત કરો છો? તમે નાદાની કેવી રીતે કરી શકો? સમજી વિચારીને વાત કરો. પરિસ્થિતિને થોડો સમય આપો. તમે તો સ્વરાને પ્રેમ કરો છો ને! દિલનાં સંબંઘ આસાનીથી તૂટતાં નથી.

હા…દાદી, હું સ્વરાને પ્રેમ કરું છું. પણ હું એની સાથે તમારા આખા પરિવારને નહીં અપનાવી શકું. હું આખી જિંદગી ઉપાધિ વેઠવા માંગતો નથી. મારા મમ્મી પપ્પાનો નિર્ણય છે કે હું પ્રિયા સાથે લગ્ન કરી લઉં. આ મારો છેલ્લો નિર્ણય છે.

આરવકુમાર, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી સાથે અન્યાય નહીં કરો. સમાજમાં અમારી બદનામી થશે. આ મુશ્કેલ સમયે પોતાનાં લોકો સાથ આપે છે અને તમે હાથ છોડી જવા માંગો છો. સ્વરા વિશે તો વિચારો.

હું સમજી વિચારીને જ વાત કરું છું. આમ, હાથ જોડી ઈમોશનલી બ્લેકમેલ નહીં કરો.

આ સંભાળીને સ્વરાએ આરવને બધાની સામે એક તમાચો માર્યો. પછી, પોતાના હાથમાંથી સગાઈની વીંટી તેના પર જોરથી ફેંકી કહ્યું: “સારુ થયુ લગ્ન પહેલાં જ તારી અને તારા માબાપની ઓકાત સામે આવી ગઈ. જો લગ્ન પછી ખબર પડતે તો અનર્થ થઈ જતે. મારુ ભવિષ્ય બચાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર. આ મારો પરિવાર છે અને હું મારા પરિવારને સંભાળી શકું છું. મારી દાદી કોઈ અજાણી વ્યક્તિને કરગરે એ મને મંજૂર નથી. તું અહીંથી જઈ શકે છે. મને તારી દયા કે હમદર્દી જોઈતી નથી. આજથી તારો ને મારો રસ્તો જુદો છે.”

આરવ નફ્ફટ થઈને જમીન પર પડેલી વીંટી લઈને ત્યાંથી જતો રહ્યો.

આ જોઈ તેની નાની બહેન આંચલ અને દાદી સ્વરાને ભેટી રડી પડ્યા. આજે સ્વરા સાથે એક નહીં બે દુર્ઘટના બની. પહેલા એના મમ્મી પપ્પા અને થોડી જ ક્ષણોમાં એના પ્રેમનું મૃત્યુ થયુ.

દાદીએ ચિંતા વ્યકત કરતાં કહ્યું: “હવે શું થશે? આરવ, દુઃખના સમયે અધવચ્ચે છોડી જશે! એવું તો સપને પણ વિચાર્યું ન હતું.”

સ્વરાએ દાદીના આંસુ લૂછતાં કહ્યું: “જે થયુ એ સારું થયું. જે થશે એ પણ સારું જ થશે. ગણતરીના સંબંધોમાં એક સંબંઘ ઓછો થયો. હિંમત રાખીને પોતાના માબાપની અંતિમ વિધિ કરી. દુઃખની નાજુક ઘડીમાં એની સગાઈ પણ તૂટી ગઈ. જેની સાથે આજીવન રહેવાના સોનેરી સપના સજાવતી હતી. એ સ્વરાના દરેક સપના તૂટીને ચૂર ચૂર થઈ ગયા હતા. પોતાના મંગ્યતરને એક પળમાં બદલાતા જોઈને દુનિયા પરથી તેનો વિશ્વાસ ઉઠી ગયો હતો. ધરની બધી જવાબદારીઓ સ્વરાને માથે આવી ગઈ. દાદીની દવાથી લઈને તેના નાના ભાઈ ભવ્યાના ભણતરની બધી જવાબદારીઓ તેની ઉપર આવી ગઈ. આથી તેણે ભણવાનું છોડી નોકરી કરવાનો નિર્ણય કર્યો.”

આ ઘટનાનાં બે મહિના પછી..

તેણે અભય એમ્પાયરમાં પર્સનલ સેક્રેટરીની જોબ માટે એપ્લાય કર્યું હતું. સદભાગ્યથી તેને જોબ મળી હતી. આમ, સ્વરા પોતાના પરિવારની મુખ્યા બની. પરિવારના ભરણ પોષણ માટે થઈ ભણવાનું છોડી દીધું. પરિવાર માટે મન મોટું રાખી પોતાનાં આંસુને હાસ્યમાં છુપાવી દીધા. પ્રેમ પરથી તો એનો ભરોસો ઉઠી ગયો હતો. છતાં પોતાના પરિવારને નિઃસ્વાર્થ ભાવે ચાહતી હતી. માબાપના મૃત્યુ પછી, એનાં માટે એની નાની બહેન આંચલ અને બાર વર્ષનો ભવ્ય અને દાદી જ સર્વસ્વ હતા. સ્વરા ખૂબ જ પ્રતિભાશાળી, હોશિયાર અને જવાબદાર છોકરી હતી અને સાથે સાથે સાદગી એનું ઘરેણું હતું.

********

એનાથી વિપરીત અભય વૈભવી કુટુંબથી હતો. પોતાની મનમાની કરતો, સ્વભાવે થોડો સખત અને જીદ્દી હતો. એના પપ્પાના મૃત્યુ પછી અભયે પોતાના ખાનદાની વ્યવસાયને ધગશથી આગળ વધાર્યો હતો. પાંત્રીસ વર્ષની ઉંમર થઈ તો ય કુંવારો હતો. એની સાથે કેટલીય છોકરીઓ લગ્ન કરવા તૈયાર હતી. છતાં એને પસંદ પડે એવી છોકરી આજ સુધી મળી નથી. હંમેશા તેની મમ્મી અને દાદી તેણે લગ્ન કરવા માટે ટકોર કરતા હતા. પણ કોઈને કોઈ બહાને એ લગ્નને ટાળી દેતો.

એક દિવસ દાદી બિમાર પડ્યા. ડોકટરે છેલ્લી ઘડીએ એમની ખુશીઓનું ઘ્યાન રાખવાનું કહ્યું. આ ખબર પડતા એ બધુ કામ છોડી દાદી પાસે જવાનું વિચાર્યું. બ્લુ કલરનું સૂટ વળી, એની તરફ આકર્ષિત કરતી પર્ફ્યુમની સરસ સુગંધ, બોલ્ડ ચાર્મીગ પર્સનાલિટી, ડાબા હાથના કાંડા પર રોલેક્સ ઘડિયાળ, જમણા હાથના કાંડા પર ચાંદીનું કડું, આંખો પર સિલ્વર બ્લેક ઓવેલ ગોગલ્સ અને આઇફોન પર વાત કરતા કરતા એ ઉતાવળો ઓફિસમાંથી બહાર આવી રહ્યો હતો અને સ્વરા નવા પ્રોજેક્ટની વાતચીત કરવા ઓફિસની અંદર આવી રહી હતી. દરવાજો ખોલતાની સાથે બંને અથડાયા અને સ્વરના હાથમાંથી બધા પેપર જમીન પર પડી ગયા. અભયના ખિસ્સામાંથી તેની પેન જમીન પર પડી ગઈ.

અભયને દાદી પાસે જવાનું હતું એટલે ગુસ્સે થઈ કહ્યું: તને સેક્રેટરીની પોસ્ટ કેવી રીતે મળી? કોઈ પણ કામમાં ભલીવાર નથી. પછી , ઝૂકીને પોતાની પેન ખિસ્સામાં મૂકી.

પોતાની ઝાંખપ લૂછી કહ્યું: “સોરી સર, બીજી વખત ઘ્યાન રાખીશ.”

એના આંસુ જોઈ અભયે કહ્યું: આઈ એમ સોરી ટુ… મારે પણ જોઈને  દરવાજો ખોલવો જોઈતો હતો. આ પેપર સમેટી મારા ટેબલ પર મૂકી દેજે. હું આવતી કાલે જોઈ લઈશ. એક વાત યાદ રાખજે, જોબ કરવી હોય તો સ્ટ્રોંગ બનવું પડે.

ઓકે સર… સર, પ્રોફેસર જીતેશનો મેઈલ હતો કે આ તમે આ ડોક્યુમેન્ટ જોઇને એમનો તરત જ સંપર્ક કરવા કીધું છે.

સોરી હું દાદી પાસે જાઉં છું. ઈમરજન્સી હોય તો મને મને પીડીએફ મેઈલ કરી દે. હું ઘરે જોઈ લઈશ.

ઓકે સર…

સાંભળ, આવું બીજી વખત નહીં થાય એનુ ઘ્યાન રાખજે. ઓફિસ રૂમમાં આવતાં પહેલાં ફોન કરી પરમિશન લઈ લેજે અથવા નોક કરીને આવજે.

ઓકે સર…


દાદી બીમાર છે. એટલે હું ઘરે જાઉં છું.

ઓકે સર… ડોન્ટ વરી હું પીડીએફ મેઈલ કરી દઈશ.

આજ સુધી અભયે ઓફિસના કોઈ સ્ટાફ સામે માફી માંગી નહોતી. પણ સ્વરાનાં આંસુ જોઈ અભયનુ મન પીગળી કેમ જતું હતું? સ્વરાને જોઈને એના મનમાં અજીબ કેમ બેચેની થતી હતી?

ક્રમશઃ …

Leave a comment