લ્યુકેમિયા  – 15 મેરા દિલ માગે મોર

એ જગ્યા અજીબ હોવાની સાથે તેની પર લગાવેલ બોર્ડમાં લખેલું હતું, ‘મેરા દિલ માગે મોર’ જે વાંચીને મને કંઈ સમજાયું નહિ પણ હું એટલું તો સમજી ગયો હતો કે આ જગ્યા મારા જવાને લાયક નહોતી. હું પાછળ જવા ફર્યો પણ રોહિતે મને રોક્યો,

“ક્યાં જાય છે શિવ?”

એના મોઢેથી મારું નામ સાંભળીને મને થોડું અજીબ લાગ્યું, અજીત લાગતાંની સાથે જ મેં એને પૂછી લીધું, “મેં તને હજુ સુધી મારું નામ નથી જણાવ્યું, તો તને મારું નામ ક્યાંથી ખબર?”

પેલો થોડો મૂંઝવણમાં પડ્યો! એનો ચહેરો જોઈને મને સમજાઈ ગયું કે દાળમાં કંઈક કાળું હતું. મેં ફરી એને પ્રશ્ન કર્યો, “તું મને ઓળખે છે?”

“ના… હું આપને ઓળખતો નથી.”

“તો મારું નામ કઈ રીતે ખબર?”

“ઓહ હા, તમે બે દિવસ પહેલાં જ્યારે ડૉક્ટર ઈશાનની કેબિનમાં જઈ રહ્યા હતા એની પહેલાં નર્સ આવી હતી અને એને તમને આ નામથી બોલાવ્યા હતા. એ સમયે હું પણ હોસ્પિટલમાં હતો, બસ એટલે તમારું નામ યાદ છે.”

મને થોડું અજીબ લાગ્યું પણ એ તરત જ બોલ્યો, “તમે ક્યાં જઈ રહ્યા હતા?”

“મને આ જગ્યા ઠીક નથી લાગી રહી એટલે જઈ રહ્યો છું.”

“આટલી સરસ જગ્યા તો છે, તમને શેની સમસ્યા થઈ રહી છે?”

“જગ્યા જોવાથી તો સારી છે પણ મને કંઈ ઠીક નથી લાગી રહી.”

“શિવ, તું મને ખૂબ ચિંતામાં લાગી રહ્યો છે અને હું તમારું દુઃખ ઓછું કરવા માગું છું, મારી સાથે એક વખત અંદર ચાલ અને તારા દુઃખને ધોળીને પી જા.”

“વારંવાર શું પીવાની વાત કરો છો? મને કંઈ સમજાઈ રહ્યું નથી.” મેં ખૂબજ આશ્ચર્ય સાથે પૂછ્યું.

“તું અંદર ચાલ, બધું સમજાઈ જશે.”

એનો વાત કરવાનો અંદાઝ મને જરાય પસંદ આવી રહ્યો નહોતો પણ ખબર નહીં કેમ એની સાથે અંદર જવા માટે મન તલપાપડ થઈ રહ્યું હતું. તેની સાથે અંદર ચાલ્યો આવ્યો. પહેલાં તો ગેટ ઉપર રોક્યો ને થોડા પ્રશ્નો કરવામાં આવ્યા પણ મારી બદલે રોહિતે બધા પ્રશ્નોના જવાબ આપ્યા. ત્યારબાદ અમે બંને અંદર આવી ગયા. અંદર આવીને જોયું તો રંગેબેરંગી લાઈટો, લાઉડસ્પીકર પર વાગતું લાઉડ મ્યુઝિક, નાચી રહેલી યુવતીઓ અને દારૂ બાર જોઈને હું ચમક્યો, ફટાફટ બાર જવા માગતો હતો પણ રોહિત બોલ્યો,

“શિવ, આટલી જલ્દી શું છે? હજુ તો આપણે આવ્યા જ છીએ.”

“મને આવી જગ્યા જરાય પસંદ નથી, હું જઈ રહ્યો છું. ઘરે મારી પત્ની ચિંતામાં તરવરતી હશે.”

“હા પણ થોડો સમય તો રોકાઈ જા…”

“ના… મને જરાય પણ અહીં સારું લાગી રહ્યું નથી.”

“શિવ, તારો ચહેરો તે ક્યારેય મિરરમાં જોયો છે?”

“રોજ જોઉં છું….”

“અત્યારે હાલનો ચહેરો જોયો છે?” એને પ્રશ્ન કર્યો.

એના પ્રશ્નના જવાબમાં આપવા માટે મારી પાસે કોઈ જવાબ નહોતો. બસ હું એની તરફ જોઈ રહ્યો. એ એની વાત આગળ વધારતા બોલ્યો,

“જીવનમાં દુઃખ તો આપણને શોધી જ રહ્યા હોય છે અને આપણને શોધી પણ લે છે. શોધ્યા બાદ આપણને એમના ઈશારે એવા નચાવે છે કે આપણે ઇચ્છીએ તો પણ એમાંથી બહાર આવી શકતા નથી પણ એની એક દવા છે, જે પીતાં જ બધાં દુઃખ બહાર આવી જાય છે.”

તેની વાતો મારા મગજ પર કાબૂ મેળવવા લાગી હતી. એ જ સમયે ડૉક્ટર ઈશાનના શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા,

“અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે….. અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે….. અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે….. અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે…..”

તેમના અવાજની વચ્ચે હું એવો ફસાયો કે ફરી પાછા એજ માઇન્ડ ઓફ સ્ટેજમાં પહોંચી ગયો, જ્યાં થોડા કલાક પહેલાં ડૉક્ટર ઈશાનની કેબિનમાં હતો. રોહિતે આ જોઈને મારો હાથ પકડ્યો અને મને દારૂ બારના ટેબલ પાસે લઈ ગયો. ત્યાં જઈને હું સીટ પર બેસી ગયો અને જોયું તો અલગ અલગ કેટલાય પ્રકારની શરાબની બોટલો મને જોવા મળી. રોહિતે મારી તરફ જોયું અને પૂછ્યું,

“બોલ શિવ, શું પીવાનું પસંદ કરીશ?”

“હું ડ્રીંક નથી કરતો…”

“ઓહ…. સો સેડ….”

હું કંઈ બોલ્યા વગર ચૂપચાપ બેસી રહ્યો. રોહિતે તેની માટે ઓર્ડર કર્યો,

“વન વિસ્કી પ્લીઝ…”

વિસ્કી આવતાં એ ઘટાઘટ પી ગયો અને મારી તરફ જોવા લાગ્યો. મેં મારો મોબાઇલ હાથમાં લીધો અને અમારનો ફોટો જોવા લાગ્યો. તરત જ રોહિતે પૂછ્યું,

“દીકરો મુસીબતમાં છે એટલે તું પરેશાન છે ને?”

“હા… એ અત્યારે ખૂબ ભયંકર બીમારીથી લડી રહ્યો છે. મારી પાસે પૈસા નથી કે એનો ઈલાજ કરાવી શકું. ઈલાજ માટે અમેરિકા જવું પડશે. મને ખૂબ ચિંતા થઈ રહી છે, મારા દીકરાને હું કેવી રીતે બચાવિશ?”

હું રડી પડ્યો. ખુદનાં આંસુ લૂછી શકું એટલી હિંમત નહોતી. એટલામાં અમારના શબ્દો મારા કાનમાં ગુંજવા લાગ્યા,

“મમ્મી-પપ્પા, તમે મને બે દિવસથી કેમ હોસ્પિટલમાં છોડીને ચાલ્યા જાઓ છો? મને કંઈ થયું છે કે શું?વારંવાર મારું લોહી લેવાય છે. મને ખૂબજ ડર લાગે છે. ઇન્જેક્શનની સોય જેવી જ અંદર જાય છે કે તે આખું મારા લોહીથી ભરાઈ જાય છે. આમ મારું બધું લોહી લેશે તો હું મરી નહિ જાઉં? હું મરી તો નહીં જાઉ ને… હું મરી તો નહીં જાઉં ને….”

તેના શબ્દો મારા કાનના પડદા પર અથડાઈ રહ્યા હતા. કાનમાં દર્દ થવા લાગ્યું. હવે મારાથી સહન થાય એમ નહોતું. મેં દારૂબારમાં દારૂની બોટલો તરફ નજર કરી, જોયું તો એક બોટલ પર નજર અટકી. રોયલ સ્ટેજ નામની બોટલ ઉઠાવી લીધી અને જોવા લાગ્યો. રોહિતનું ધ્યાન મારી તરફ ગયું અને એને લાગ્યું કે ખાલી હું આ બોટલ જોઈ રહ્યો છું પણ બોટલનું ઢાંકણું ખોલીને હું ઘટાઘટ પીવા લાગ્યો.

તેને તેની વિસ્કીનું ગ્લાસ નીચે મૂકી દીધું અને ઊભા થતાં મારા હાથમાંથી રોયલ સ્ટેજની બોટલ છીનવી લીધી અને કહ્યું,

“શિવ, તું તો પીતો નથી! તો આટલી હાર્ડ શરાબ કેમ પી રહ્યો છે?”

મને હવે ચડવા લાગી હતી. મગજ ચક્કર ખાઈ રહ્યું હતું. અવાજ પણ નશામાં ધૂત થવા લાગ્યો હતો ને મેં પાછી બોટલ એના હાથમાંથી લેતાં કહ્યું, “તું આજ મને ન રોકીશ.. આજે મને પીવા દે. તે જ કહ્યું ને કે હું મારી બધી તકલીફોને શરાબમાં ગોળીને પી જાઉં, તો મને એમ જ કરવા દે. મને હવે મારું દર્દ સહન નથી થતું, આ રસ્તો પણ અપનાવી લઉં.. તે જે કહ્યું એ સત્ય થઈ જાય અને મારો ગમ શરાબમાં ડૂબકી લઈ હંમેશાં હંમેશાં માટે મારો પીછો છોડી દે…”

આટલું કહેતાં તો ફરી મેં બોટલ ઘટઘટવવાની શરૂ કરી. અડધા ઉપર બોટલ ખાલી કરી દીધી. હવે રોહિતથી રહેવાયું નહીં, એણે મારા હાથમાંથી બોટલ છીનવી લીધી અને કહ્યું,

“બસ કર… હવે ન પીતો… આટલી સ્ટ્રોંગ શરાબ તું પાણી કે સોડા વગર કોરી પી ગયો છે. તારું લીવર ફાટી જશે. તક્લીફને ડૂબાડતાં પહેલાં તારો પરિવાર તારા જવાના ગમમાં ડૂબી જશે… હું તો તને અહીં હળવો કરવા લાવ્યો હતો પણ તે તો દારૂડિયાને શરમાવે એવું કામ કર્યું છે.”

રોહિત નશામાં ધૂત હોવા છતાં પણ તેનો નશો મેં કરેલો નશો જોઈને ઉતરી ગયો. હું વારંવાર તેની પાસેથી બોટલ લેવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેને મને બોટલ આપી જ નહિ. મારી હાલત ખૂબ ખરાબ થવા લાગી હતી. ઊલટી થાય એવું થઈ રહ્યું હતું, ઓડકાર આવી રહ્યા હતા પણ મનમાં માત્ર અમાર અને તેની તકલીફ વંટોળ બનીને ભમી રહી હતી. હું રોહિતને પ્રશ્ન પૂછ્યા વગર રહી ન શક્યો,

“મારો અમાર તો બચી જશે ને….”

આ પ્રશ્ન પૂછતાંની સાથે જ હું બેહોશ થઈ ગયો….

ક્રમશ……

Leave a comment