નવલિકા – મયુરાગ (ભાગ -6) (અંતિમ ભાગ)
પ્રેમને કયાં કોઈ કરારની જરૂર છે તેને તો બસ બે હૃદયમાં ગુપચુપ રીતે થતાં એકરારની જરૂર છે.રાગીણી અને મયુર સગાઈ પછી સાથે જ કપૂર આઇકોન જતાં અને આવતાં. સાથે જ કામ કરતા. રાગીણી પણ સારી સૂઝબુઝ વાળી આર્કીટેકટ હોય છે. ખૂબ જ ધગસ પૂર્ણ તે કામ કરે છે. સમય જતાં ઘણાં પ્રોજેક્ટ તે સફળ બનાવે છે. પ્રોજેક્ટની સાથે સાથે બંન્ને એકબીજાના હૃદયમાં જગ્યા બનાવવામાં પણ સફળતા મેળવે છે. પ્રેમના અંકુર બંન્ને હૃદયમાં ફૂટ્યા હોય છે બસ પહેલ કરવાની વાર હોય છે. દાદીને પણ બંન્નેના દિલની ભનક આવી ગઈ હોય છે. તેમની ભવિષ્યવાણી સાચી પડવાની દિશા તરફ પગરણ માંડી રહી હોય છે.તો બીજી બાજુ રશ્મિ તેનાં રસ્તામાં કાંટો બનીને આવેલી રાગીણીને કાઢવાની વેતરણમાં હોય છે. તે પોતાનાં જાસુસો દ્વારા રાગીણીનો પૂરો ભૂતકાળ જાણવાની પરોજણ કરે છે. અને તેમાં તેને સફળતા પણ મળે છે. રશ્મિ રાગીણીની માતાને પૈસાની લાલચ આપે છે અને તેની માતા એ લાલચમાં આવી જાય છે. એક દિવસ રાગીણી અને મયુર ઑફિસેથી આવે છે ત્યારે રાગીણીની માતા અને તેનો ભાઈ હાજર હોય છે. તેની માતા રડવાના ખોટાં નાટકો કરે છે અને બધા સામે રાગીણી લગ્નનો મંડપ છોડીને ભાગી નીકળી છે તે વાત જણાવે છે. તેનાં કારણે પોતાને કેટલી તકલીફોમાંથી પસાર થવું પડ્યું છે તે ખોટી કહાની રજુ કરે છે.
રશ્મિ પણ આગળ આવીને રાગીણીની વિરુદ્ધમાં બોલે છે. જે લગ્નન તોડીને ભાગી આવી હતી તે છોકરાને પણ સાથે લઈ આવે છે. પોતાને દગો થયો છે અને પોતે ન્યાય મેળવશે એવો દાવો એ છોકરો કરે છે. કેમકે, તેને પણ પૈસાની લાલચ આપવામાં આવી હોય છે. રાગીણીની માતા રાગીણીને હાથ પકડીને લઈ જ જતી હોય છે ત્યાં મયુર મોટેથી બૂમ પાડે છે.એક મિનિટ તમે આ રીતે મારી થનારી પત્નિને ના લઈ જઈ શકો. જો એની મરજી હોત તો એ અધૂરાં લગ્નમાંથી ભાગી જ ના હોત. હવે તે મારો પ્રેમ છે…….( મયુર અને રાગીણીની આંખો ચાર થાય છે. બંન્ને એકબીજાની આંખો વાંચી લે છે અને ઈશારાથી થોડીક સેંકડોમાં જ અઢળક પ્રેમની વાતોની જાણે આપ લે થઈ જાય છે.)રાગીણી પણ હાથ છોડાવીને મયુરની પાસે દોડી આવે છે.ગભરાશો નહિં બાળકો આ થવું જરૂરી હતું. જેથી કરીને તમારાં બેયના મનમાં છુપાયેલી એકબીજા માટેની લાગણીને દરવાજો મળે અને જે એકબીજાની સામે તમે લાવી શકો…… દાદી પાછળથી આવીને બેયની વચ્ચે ઊભાં રહીને ધીમેકથી કહે છે. બંન્ને જણ એકસાથે દાદીની સામે જુએ છે.આમ શું જુઓ છો? મારી ભવિષ્યવાણી સાચી પડીને….. અને બંન્ને જણ હાસ્ય વેરીને મલકાઈ ઊઠે છે.બા અત્યારે તમે શું ગુસપુસ કરો છો? જે વાત કરવાનો સમય છે તે વાત કરોને. રશ્મિ ગુસ્સામાં બોલી.હા ચોક્કસ રશ્મિ, જે સમય છે તે જ વાત થશે. દાદી રાગીણી સામે ઈશારો કરે છે. રાગીણી પહેલાં રશ્મિની અને પછી પોતાની માતાની પોલ ઉઘાડી પાડે છે. એવી જોરદાર સાબિતી આપે છે કે બંન્ને ખુદ પોતાની ભૂલ સ્વીકારવા મજબુર થઈ જાય છે.રાગીણી પોતાની માતાને માફ કરી દે છે અને પોતાનાં નામે પિતાએ કરેલી સંપત્તિ પોતાનાં નાના ભાઈના નામે કરી દે છે. આ બાજુ રશ્મિ પોતાની ભૂલ પર ભારોભાર પસ્તાવો કરે છે. પોતે રાખેલી મિલકતની લાલચ તે મુકી દે છે. દાદી અને મયુરની હાથ જોડીને માફી માંગે છે.
જોયું મોમ, આખરે પ્રેમ જીતી ગયો ને. હું જાણતો હતો તમારા મનમાં મારા માટે જરા પણ લાગણી નથી. છતાં પિતાજી ખાતર હું તમને નફરતના બદલામાં પણ પ્રેમ જ આપતો હતો. આજે એમનાં આશીર્વાદથી જ બધું હવે સીધી રાહે ચાલ્યું છે.હા સાચી વાત દીકરા….. હવે આગળની વાત પણ કરી લઈએ. તારા અને રાગીણીના લગ્નની વાત….હા દાદી આજે હું બધા સમક્ષ મારા પ્રેમને કબૂલું છું અને સ્વીકારું પણ છું. રાગીણીને મેં જોઈ ત્યારથી તેની સાચી અને સાફ દિલની વાતો મારા દિલમાં ઉતરી ગઈ હતી. પણ એનો પ્રોબ્લેમ સોલ્વ કરીને અહીં એને રાખી તેનો હું કોઈ બીજો ફાયદો ઉઠાવા નહોતો માંગતો. પણ આજે હું એ ક્ષણને ભાગ્યશાળી ગણું છું જયારે રાગીણી મારા જીવનમાં આવી.હું પણ સર… આઈ મીન મયુર. તમે એક અજાણી વ્યક્તિ પર ભરોસો કરીને મારા દિલમાં એક આગવું સ્થાન તો બનાવ્યું જ હતું. પણ ધીમે ધીમે કરતા તમે એ દિલમાં તમારાં માટે પાંગરેલા પ્રેમના હક્કદાર બની ગયા છો. હું તમારી જીવનસાથી બનીને ખુદને નસીબદાર ગણીશ.દાદી મુહર્ત જોવડાવીને બેયની લગ્નની તારીખ નક્કી કરે છે. ફરીથી ધામધૂમ થાય છે. મહેલ સમાન ઘર દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. માંડવામાં મયુર અને રાગીણીના મધૂર પ્રેમ સમો મયુરાગ છેડાય છે અને બંન્ને એક થઈ જાય છે.
(પૂર્ણ )
તન્વી શુક્લ
આભાર 🙏🏻
Leave a comment