લ્યુકેમિયા – 16 સિતારા અને ડૉક્ટર ઈશાનનું રેકોર્ડિંગ

મારી આંખ સીધી મારા બેડરૂમમાં ખુલી, ઉઠીને જોયું તો હું મારા બેડરૂમમાં હતો. મગજ પર હળવો ભાર હતો. ઉઠતાંની સાથે જ સિતારા નામની બૂમો પાડવા લાગ્યો,

“સિતારા, મારું માથું દર્દ કરી રહ્યું છે, જલદી માથાભારની ગોળી લાવ.”

મને કોઈ જવાબ મળ્યો નહિ. ફરી મેં બૂમ મારી, “સિતારા…… સિતારા…. ક્યાં છે?”

કોઈ જવાબ નહિ! હજુ સુધી રાત્રે ઘટેલી ઘટના મને યાદ નહોતી. મારું ધ્યાન એ દિશામાં જઈ રહ્યું જ નહોતું. બાજુમાં લીંબુ સરબત મૂકેલો હતો, જે જોઈને મેં ગ્લાસ ઉઠાવી લીધું. એની નીચે એક ચિઠ્ઠી હતી, મને લાગ્યું કે આ ચિઠ્ઠી સિતારાએ લખીને મૂકી હશે. એટલે મેં ચીઠ્ઠી વાંચતાં પહેલાં લીંબુ શરબત પીવાનું વધારે જરૂરી સમજ્યું અને હું પી ગયો.

લીંબુ શરબત પીધા પછી થોડું સારું લાગવા લાગ્યું. એજ સમયે મને ચિઠ્ઠી ધ્યાનમાં આવી. હવે થોડો રિલેક્સ હતો એટલે મેં ચિઠ્ઠી ઉઠાવીને વાંચવાનું જરૂરી સમજ્યું ને ઉઠાવતાં જ વાંચવા લાગ્યો. મને એમ હતું કે આ ચિઠ્ઠી સિતારાએ લખી હશે પણ હકીકતમાં આ ચિઠ્ઠી કોઈક રોહિત શર્માએ લખી હતી. હું વિચારમાં પડી ગયો, કેમકે હું તો કોઈ રોહિત શર્માને જાણતો જ નહોતો અને મને એના વિશે કંઈ યાદ પણ નહોતું. મેં મારા મગજને થોડો વિરામ આપવાનું નક્કી કરીને વિચારવાનું બંધ કર્યું અને ચિઠ્ઠી વાંચવા લાગ્યો,

“પ્રિય મિત્ર શિવ,

શાયદ આ ચિઠ્ઠી વાંચતાં વાંચતાં તું ગુસ્સે હોઈશ! કેમકે હું તને એક એવી જગ્યાએ લઈ ગયો, જ્યાં જવું તને ક્યારેય પસંદ નહોતું, તેમ છતાં પણ હું તને ત્યાં લઈ ગયો.”

મગજ પર હજુ ભાર હતો. તેના શબ્દો વાંચીને મન પાછું વિચારે ચડી ગયું અને હું વિચારવા લાગ્યો,

“આ કોણ છે? હું ક્યાં જવા નહોતો તૈયાર અને આ મને ક્યાં લઇ ગયો હતો? મને કેમ કશું યાદ આવી રહ્યું નથી.”

આવા તો કેટકેટલાય વિચાર મારા મગજમાં ફરવા લાગ્યા હતા. હજુ શાયદ હું નશામાં હતો એટલે મને કંઇ યાદ આવી રહ્યું નહોતું. મેં પાછી ચીઠ્ઠી હાથમાં લીધી અને વાંચવા લાગ્યો,

“તને માથું દર્દ કરતું હશે. ટેબલ પર લીંબુ શરબત મૂકીને જાઉં છું, પી લેજે. સારું લાગશે! જો એ કર્યા પછી પણ મગજ પર ભાર હોય તો ટેબલ પર મેડિસિન પણ મૂકેલી છે, એ લઈ લેજે. તને ઘણું સારું લાગશે.”

મેં જોયું તો ટેબલ પર મેડિસિન મૂકેલી હતી. જેની પર મેં નજર કરી અને એ લેવાનું મને ઠીક લાગ્યું એટલે ફટાફટ મેં દવાની ગોળી લઈ લીધી અને પાછો થોડો રિલેક્સ થવા લાગ્યો. પણ આ દરમિયાન મારા મનમાં પ્રશ્ન ઊઠયો,

“સિતારા ક્યાં છે? મારા આટલી વખત બોલાવવા છતાં પણ તે ક્યાં છે?”

મેં મોબાઇલ ઉઠાવ્યો અને જોયું તો બપોરનો એક વાગ્યો હતો. આટલા મોડે સુધી હું ક્યારેય સૂતો નથી, તેમ છતાં આજે કેમ આટલું સૂયો એ મને ખ્યાલ જ નહોતો. મેં મોબાઇલમાં જોયું તો સિતારાના 78 મિસકૉલ અને 50 મેસેજ હતા. જે જોઈને પહેલાં તો હું ગભરાઈ ગયો.

થોડા કલાકો માટે હું બધાં દુઃખ અને તકલીફ ભૂલી ગયો. મને અમારની બીમારી પણ યાદ નહોતી. ગઈ રાત્રે મેં શું હરકત કરી હતી એ પણ મને યાદ નહોતી. બધું મૂકીને મેં સૌથી પહેલાં સિતારાના મેસેજ વાંચ્યા,

“અમારના બાપુ, ક્યાં છો?”

“અમારના બાપુ, કેમ આપ અમારો કૉલ ઉઠાવી રહ્યા નથી?”

“મને હવે ઘણી ચિંતા થવા લાગી છે, આપ મારો ફોન પણ નથી ઉઠાવી રહ્યા અને મારા મેસેજના જવાબ પણ નથી આપી રહ્યા.”

“અમારના બાપુ, બપોરની સાંજ થઈ ગઈ છે પણ હજુ સુધી તમે મારો એક કૉલ ઉઠાવ્યો નથી. આપ ક્યાં છો?”

“રાતના ૧૦:૦૦ વાગ્યા છે પણ હજુ સુધી તમે તમારો મોબાઇલ જોયો નથી? બધું ઠીક તો છે ને?”

“સવારના 4:00 વાગ્યા છે અને એક કલાકમાં હું નાગપુર પહોંચી જઈશ. અમાર પણ મારી સાથે છે, તમારા ગયા પછી મારી ડૉક્ટર ઈશાન સાથે વાત થઈ હતી, જે વાત મેં રેકોર્ડ કરી લીધી છે. તેનો ઓડિયો હું તમને મોકલી રહી છું તમે સાંભળી લેજો.”

એના આ મેસેજ પરથી મને તેની પર ગુસ્સો આવી રહ્યો હતો. કેમકે તે બેઇજ્જત થવા માટે તેના પિયર નાગપુર પહોંચી ગઈ હતી. મેં એને સાફ સાફ મનાઈ કરી હતી પણ તે અમાર માટે ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ મેં ઓડિયો પ્લે કર્યો, જે ડૉક્ટર ઈશાનની કેબિનમાં રેકોર્ડ થયેલો હતો, જેમાં સિતારાએ પૂછ્યું,

“અમારું લોહી તો અમારથી મેચ થયું પણ એની અમે કોઈ મદદ નહીં કરી શકીએ. તમારા જણાવ્યા અનુસાર ઘણા ડોનર છે, પણ એ આપણને ક્યારે મળશે?”

ત્યારે ડૉક્ટર ઈશાને જણાવ્યું, “સિતારાભાભી, હું એક વિશેષ વાત જણાવવાનો હતો પણ એની પહેલાં શિવભાઈ અહીંથી ચાલ્યા ગયા. મેં મારા બોનમેરોનું સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે મોકલ્યું છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે મારો બોનમેરો અમાર સાથે મેચ થઈ જશે. જો એવું બનશે તો આપણે અન્ય કોઈ ડોનર શોધવાની જરૂર નહીં પડે!”

ડૉક્ટર ઈશાનના આ શબ્દો સાંભળીને મારી આંખો ભરાઈ આવી. ખરેખર તે અમારા પરિવાર માટે ભગવાન સમાન સાબિત થઈ રહ્યા હતા. મને તો માન્યામાં જ નહોતું આવી રહ્યું કે કોઈ અજનબી પણ આટલો પોતાનો હોઈ શકે! મેં ખુદની જાતને સંભાળી અને આગળ રેકોર્ડિંગ સાંભળવાનું ચાલુ રાખ્યું,

સિતારા રડતી હતી અને એની વાતમાં રડવાનો અહેસાસ હતો, “ડૉક્ટર ઈશાન, તમારા આ ઉપકાર અમે કેવી રીતે ઉતારી શકીશું? આટલું તો કોઈ પોતાનું ન કરે એટલું તમે અમારા દીકરા માટે કરી રહ્યા છો. અમને તો લોહીના કેન્સર વિશે વધારે જ્ઞાન પણ નથી અને અમારા દીકરાને સ્વસ્થ કરવા માટે અમારી પાસે પૈસા પણ નથી. ખબર નહીં આગામી સમયમાં શું થશે? અમે અમારા દીકરાને બચાવી શકીશું કે નહીં!”

સિતારા ખૂબ રડવા લાગી. થોડો સમય તેના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એમાં ડૉક્ટર ઈશાનનો અવાજ સંભળાયો, “મેં શિવભાઈને મારા મોટાભાઈ માન્યા છે અને તમને મારી બહેન માન્ય છે, એ નાતે તમારા બંને સાથે મારો સંબંધ છે. અમાર મારો ભત્રીજો પણ છે અને મારો ભાણિયો પણ છે. મારાથી જેટલી મદદ થશે એટલી હું મારા અમારની કરીશ, એની માટે હું તમારા પરિવાર પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો! મારું એક કર્તવ્ય છે જે હું નિભાવી રહ્યો છું. લ્યુકેમિયા સામેની લડાઈમાં મારો ભાઈ કે મારી બહેન એકલાં નથી. હું તમારી પડખે ઊભો છું.”

ત્યારે સિતારા થોડી શાંત થઈ. ડૉકટર ઈશાન બોલ્યા, “લે બહેન, થોડું પાણી પી લે..” ત્યારબાદ થોડીવાર શાંતિ સ્થપાઈ અને પછી સિતારા બોલી, “ડૉક્ટર ઈશાન, તમે અમારના ડોનર તો બની રહ્યા છો પણ આ બધી પ્રોસેસ માટે પૈસો ક્યાંથી આવશે? અમારી પાસે તો ગુજરાતમાં ભમવાનો પણ પૈસા નથી, તો અમેરિકા ક્યાંથી જઈશું?”

તેનો પ્રશ્ન સાંભળીને ડૉક્ટર ઈશાન તરત બોલ્યા, “અમેરિકામાં એક એવી હોસ્પિટલ છે, જે ટ્રસ્ટમાં ચાલે છે. મતલબ કે પીડિતોનો અમુક ખર્ચો ટ્રસ્ટ કરે છે અને અમુક ખર્ચો આપણે આપવાનો હોય છે. અમારના ઈલાજમાં ત્રણથી ચાર કરોડ લાગી શકે છે, જેમાંથી બે કરોડ જેટલો ખર્ચો તો ત્યાંનો ટ્રસ્ટ આપી દેશે પણ બાકીના એક-બે કરોડ આપણે ભેગા કરવા પડશે. મારી પાસે 30 લાખ જેવી સેવિંગ છે, ગવર્મેન્ટ પાસેથી પણ 20 એક લાખ મળી જશે, પણ હજુ દોઢ કરોડ જેટલા રૂપિયા જોડવા પડશે, ત્યારે અમારનો ઈલાજ કરાવી શકીશું.”

આ સાંભળીને સીતારા થોડી ખુશ થઈ. આ સાંભળીને મારા દિલને પણ થોડો આરામ મળ્યો. મારું મન થનગની ઉઠયું ને રેકોર્ડિંગમાં સિતારા આગળ બોલી, “મારો ભાઈ અબજોપતિ છે, એની પાસેથી બે કરોડ જેવા મળી શકે છે.”

તેની વાત સાંભળીને ડૉક્ટર ઈશાન તરત બોલ્યા, “તો તો કોઈ સમસ્યા જ નથી. તમારો ભાઈ દોઢ બે કરોડ જેવા આપી દેશે તો અમારનો ઈલાજ આવનાર બે-ત્રણ મહિનામાં થઈ જશે.”

ડૉક્ટર ઈશાનનો કોન્ફિડન્સ જોઈને મને થોડી શાંતિ થઈ. માથું પણ ઉતરી ગયું ને આગળ સિતારાની વાત સાંભળી,

“મારો ભાઈ મને ખૂબ પ્રેમ કરતો હતો અને એ મારા લગ્ન એક એવા વ્યક્તિ સાથે કરાવવા ઇચ્છતો હતો જે મને દુનિયાની બધી જ ખુશીઓ આપી શકે! પણ……”

ક્રમશ……..

Leave a comment