ભાઈ કે ભાગ?જુઓ તો કરામત એક જ અક્ષરની છે
ભા પાછળ “ગ” લગાડો કે “ઈ”
વાત વિચાર કરવાની છે.
આજકાલ સમાજના મોટેભાગનાં ઘરો બે ભાગમાં વહેચાઈ ગયા છે. ભાઈ અને ભાગ.બાળપણમાં મમ્મી અને પપ્પા પોતાના બાળકોને ચોકલેટ, ફળ કે અન્ય વસ્તુઓ વહેંચીને, એકબીજા સાથે share કરીને ખાવાનું શીખવતા. ધીમે ધીમે હાસ્ય વહેંચ્યું, દુઃખ વહેંચ્યું, એકબીજા સાથે પ્રેમથી મોટા થયેલા બે ભાઈ બહેનો આજકાલ “ભાગ” માટે પોતાના અમૂલ્ય સંબંધને રૂપિયાનાં હાથે વેચી રહ્યા છે ત્યારે એ જોઈને ખરેખર દુઃખ થાય છે. સરકારે કાયદો બનાવ્યો કે પિતાની સંપતિમાં બહેનોનો સરખો હિસ્સો રહેશે. સારી જ વાત છે. ખોટું પણ નથી. આ કાયદો એ બહેનોને ખૂબ જ ફાયદો કરાવી ગઈ જેની દાનત હંમેશાં પિતાની મિલકત પર જ હતી. જેમના માટે મા – બાપ ગૌણ અને મિલકત પહેલા સ્થાને હતી એ બહેનોએ આ મેસેજને સૌથી વઘારે મીડિયા મારફતે ચગાવ્યો અને બીજી બહેનોને પણ ઉશ્કેરી. ભાગ લો છો એમાં કશુ જ ખોટું નથી. પણ ભલા માણસ, ભાગ લેવા પહેલાં એ તો જુઓ કે આખી જિંદગી પિતા પાસેથી કેટકેટલું લીધું. સમય મળે તો વિચાર જરૂર કરજો. પોતાનું ઘર બાંધ્યું, પોતાનાં છોકરાઓ ભણાવ્યા, તેમના લગ્ન પ્રસંગે મોટા મોટા મામેરા કરાવ્યા, તેમને ધંધામાં સેટ કર્યા, માંદગી અને મરણના તમામ ખર્ચ પોતાના પિતાનાં રૂપિયે જે બહેનોએ કર્યા હોય એને હજુ ભાગ જોઈએ? અડધું બટકું રોટલી ખાઈને ધરાયેલ કૂતરો પણ બાકીની રોટલી બીજાં કૂતરા માટે છોડી દે છે, તો તમે તો માણસ છો. શું ભાઈનાં દીકરા દીકરી માટે કશું ના છોડશો? આખી જિંદગી પિતાને પાવડો લઈને જે દીકરીઓ ઊજળતી રહી એમને શું પોતાની જાત પ્રત્યે ધૃણા ના થતી હોય? જે રૂપિયા પિતા પાસેથી અત્યાર સુધી ઘર બાંધવા, ભણાવવા ગણાવવા, ધંધામાં રોકવા, મામેરામાં, દવામાં, માંદગીમાં, મરણમાં જે કંઈ રકમ વાપરી છે એ શું મિલકતમાંથી બાદ કરશો ખરા? યાદ રાખો, ભાગ તો મળી જ જશે પણ ભગવાન રાજી ના રહે.
બીજી વાત પર ધ્યાન દોરું છું, તમારા બધાના ઘરોમાં દીકરીઓ છે, વહુઓ છે. ભવિષ્યમાં તમારી દીકરી પણ જયારે ભાગ માંગશે ત્યારે તમારા ઘરોમાં પણ ભાઈ બહેનો વચ્ચે તકરાર થશે જ. એમનાં સંબંધો પણ બગડશે. ત્યારે કયા ખૂણામાં જઈ આંસુ સારશો? ઈતિહાસ દોહરાય જ છે. પણ હા, જો તમારી દીકરી, તમારા દીકરા પાસે ભાગ ના માંગે ને તો હજાર વખત ભગવાનને Thank you જરૂર કહેજો કે તમારી દીકરી તમારા જેવી નથી. રહી વાત વહુઓની, તો જુઓ વહુઓ જે સાસુ પિયરમાં ભાગ માટે કાવા દાવા કરતી હોય, ષડયંત્રથી માતા પિતાનું બધું સોનું ચાંદી પચાવી પાડતી હોય,પોતાને ક્યાં કંઈ વધારે મળે એ પેતરા રચતી હોય, એ ભવિષ્યમાં પોતાના દીકરાનાં કાન ભરી, તમારી પાસે પણ તમારા ઘરેથી ભાગ મંગાવશે જ.
ભાગ માંગનાર તમામ સ્ત્રીઓની દયનીય હાલત જોઈને ઘણી વખત એવું લાગે કે આ સમાન ભાગનો કાયદો દહેજ પ્રથાથી ખાસ કંઈ અલગ નથી. દહેજ લગ્ન સમયે અપાતું, ઓછું પડે તો સ્ત્રીને ત્રાસ આપીને વધારે માંગણીઓ કર્યા કરવાની ને મિલકતમાં મિલકત વેચાય કે માતા પિતાનું મરણ થાય ત્યારે લીલા લહેર. ફાયદો પતિને.
“સેવા કરે એને મેવા મળે” જે માતા પિતા આવી વાત કરતાં હોય એમણે એ પણ વિચારી લેવું કે મેવા ખાવા માટે તો એમની દીકરીઓ સેવા નથી કરતી ને? અને જ્યાં દીકરીઓનું જ એક હથ્થું શાશન જે ઘરોમાં ચાલ્યું એ ઘરો ખાખ થઈ ગયાં. સમાન ભાગ લીધો હોય એ તમામ બહેનોએ એ રૂપિયામાંથી પોતાની મરણ ક્રિયા માટે પિયરનાં લૂગડાંની પણ વ્યવસ્થા કરી જ લેવી. ભાઈનાં ઘરનાં દાંડા બદલાયા ના હોય ને બહેનને પૂરેપૂરો ભાગ જોઈએ એવી બહેનોને ભાઈનાં ઘરોની ચિંતા ક્યાંથી થાય? મા બાપની સેવાની ફરજ બધા જ સંતાનોની છે તો જયારે ભાઈ/ ભાભી એમની સાથે સારી રીતે રહેતાં હોય, એમની સેવા કરતાં હોય, એમના સ્વાસ્થ્યની કાળજી રાખતા હોય ત્યારે ત્યાં માતા પિતાનો ભાઈ/ભાભી સાથે સુમેળ બન્યો રહે તેવાં પ્રયત્નો કરાય, નહીં કે કાનભંભેરણી કરી ઘરની શાંતિ ભંગ કરી, પોતાનાં ભાગ માટેનું આયોજન થાય.
ભાગ લીધા પછી અમુક બહેનો તો એવી પણ આશા રાખે કે ભાઈ બહેનનાં સંબંધમાં મીઠાશ બની રહે. કેવું વિચિત્ર! મીઠાશ માટે ગળપણ જળવાવવું જરૂરી છે. સંબંધમાં ઝેર નાંખ્યા પછી આવી આશા કેટલી કારગર? ભાઈ એની સ્વ ઈચ્છાએ જે આપે એ લઈ લો. એ તમારો ભાઈ છે, ક્યારેય ઓછું ના આપે. શું તમને તમારા ભાઈ બહેનનાં પ્રેમ પર ભરોસો નથી?
જે બહેનો ભાઈ સાથે રહી એ પરિવારો ટકી ગયાં
જે બહેનો ભાગ સાથે રહી એ પરિવારો તૂટી ગયાં.
રેશ્મા પટેલે “રેશમ”
સુરત
Leave a comment