લ્યુકેમિયા 17 – દારુબાર
સિતારા એકાએક આગળ બોલતાં રોકાઈ ગઈ. ડૉક્ટર ઈશાન તરત પૂછવા લાગ્યા, “પણ શું? શિવ સાથે તમારા ભાઈએ જ તમારાં લગ્ન કરાવ્યાં છે ને? અને શિવભાઈ જેવો પતિ તમને અન્ય કોઈ થોડો મળી શકે!”
તેમના પ્રશ્નએ મને કોઈ નવાઈમાં નહોતો મૂક્યો, સિતારાનો જવાબ તો હું પહેલાંથી જાણતો હતો. તે જવાબ આપતાં બોલી,
“મારા ભાઈએ મારાં લગ્ન માટે ખૂબ કરિયાવર ભેગુ કર્યું હતું, મારી માટે ખૂબ મોટાં શમણાં સજાવ્યાં હતાં પણ મેં અમાર તરફ જોયું, મને શિવ સાથે પ્રેમ થયો અને અમાર માટે મેં એની મા બનવાનું નક્કી કર્યું. મેં શિવ સાથે ચોરી છુપે લગ્ન કરી લીધાં.”
“ઓહ…. કોઈ અન્યના દીકરા માટે આટલું મોટું બલિદાન?” ડૉક્ટર ઈશાને ચોંકતાં પૂછ્યું.
“આ તો કંઈ નથી, હું અમાર માટે મારો જીવ પણ આપી શકું!”
“ખરેખર ધન્ય છો આપ ભાભી… લગ્ન પછી શું થયું?”
“હું શિવ અને અમારા દીકરા અમાર સાથે મારા ભાઈને ત્યાં ગઈ અને અમારા લગ્ન વિશે જણાવ્યું પણ તેને અમારા લગ્નનો અસ્વીકાર કર્યો. તેને મારા અને શિવના લગ્નથી કોઈ વાંધો નહોતો પણ એને ક્યારેય એ મંજૂર નહોતું કે હું એક દિકરાના બાપથી લગ્ન કરું અને મા બનવાની ખુશીથી વંચિત રહું..”
સિતારાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. ડૉક્ટર ઈશાન પૂછવા લાગ્યા, ‘માફ કરશો ભાભી પણ તમારા મા બનવામાં કોઈ સમસ્યા છે?’
ત્યારે સિતારાનું રીએકશન હું આલેખી શકતો હતો. થોડા સમય માટે તો એ રેકોર્ડિંગમાં નીરવ શાંતિ પ્રસરાઈ રહી. હું અંદાઝ લગાવી શકતો હતો કે સિતારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો કેટલો મુશ્કેલ હતો. તે હિંમત કરીને બોલી,
‘લગ્ન પહેલાં જ ઈશ્વરે મને મા બનવાની ખુશી આપી દીધી હતી. અમાર જેવો ગુણવાન દીકરો છે તો અન્ય સંતાન લાવવાની મારી ઇરછા નહોતી અને અમારના બાપુ એ માટે તૈયાર પણ નહોતા. એટલે અમે બંનેએ આ વિચાર જ માંડી વાળ્યો.’
તેના જવાબે તો મારી રુહ કંપાવી દીધી. મારી આંખો આંસુઓથી તરબતર થઈ ગઈ. રેકોર્ડિંગ પણ પૂર્ણ થઈ ગયું હતું. સિતારા એટલી ભોળી હતી કે તે આ બધી વાતો કાપવી ભૂલી ગઈ. મને તો હવે એ ચિંતા થઈ રહી હતી કે એનો ભાઈ એની સાથે કેવો વર્તાવ કરશે? મારું હૃદય તો કંપી ઉઠયું હતું. સિતારાની વાતો મગજમાં ભમવા લાગી,
‘લગ્ન પહેલાં જ ઈશ્વરે મને મા બનવાની ખુશી આપી દીધી હતી. અમાર જેવો ગુણવાન દીકરો છે તો અન્ય સંતાન લાવવાની મારી ઇરછા નહોતી અને અમારના બાપુ એ માટે તૈયાર પણ નહોતા. એટલે અમે બંનેએ આ વિચાર જ માંડી વાળ્યો.’
‘લગ્ન પહેલાં જ ઈશ્વરે મને મા બનવાની ખુશી આપી દીધી હતી. અમાર જેવો ગુણવાન દીકરો છે તો અન્ય સંતાન લાવવાની મારી ઇરછા નહોતી અને અમારના બાપુ એ માટે તૈયાર પણ નહોતા. એટલે અમે બંનેએ આ વિચાર જ માંડી વાળ્યો.’
તેની આ વાતે મને અહેસાસ કરાવ્યો કે મેં એની પાસેથી જિંદગી જ છીનવી લીધી છે. એની જિંદગી છીનવીને મેં અમારને નામ કરી દીધી છે. એની ખુશીયો પર તો મેં ગ્રહણ જ લગાવી દીધું હતું. મને તો અહેસાસ પણ નહોતો કે અજાણતાં હું તેની સાથે કેટલું ખોટું કરી બેઠો હતો. બાર વર્ષ પછી મને અહેસાસ થઈ રહ્યો હતો કે મેં હસતી-ખેલતી સિતારાને શું બનાવી દીધી હતી.
હૃદય પર એટલો ભાર પડી ગયો હતો કે મગજ કંઈ વિચારી શકતું જ નહોતું. એજ સમયે મોબાઇલમાં વોઇસ મેસેજ પડ્યો. જોયું તો સિતારાનો મેસેજ હતો. પ્લે કર્યો,
“હું અને અમાર મારા ભાઈને ઘરે પહોંચી ગયાં છીએ. મને અંદર આવવાનું કહ્યું છે, તો હું અંદર જઈ રહી છું. અમારના બાપુ મને લાગી રહ્યું છે કે બધું ઠીક થઈ જશે!”
એની વાત પૂરી થાય એ પહેલાં પાછળથી એક અવાજ આવ્યો, “તને અંદર કોણે આવવા દીધી? તું અમારી માટે મરી ગઈ છે.”
સિતારાએ એકાએક રેકોર્ડિંગ બંધ કરી દીધું. હું જાણતો હતો કે આ તેના ભાઈનો અવાજ હતો. મને ખૂબ ડર લાગવા લાગ્યો હતો, સિતારા એકદમ નરમ હૃદયની હતી, જો તેનો ભાઈ વધારે કંઈ બોલશે તો તેની તબિયત બગડી શકે એમ હતી એટલે મારાથી રહેવાયું નહીં અને મેં એને કૉલ કરી દીધો. અમારે કૉલ ઉઠાવ્યો અને બોલ્યો,
“પપ્પા, મામા મમ્મીને બહુ બોલી રહ્યા છે. એમને કહોને કે તે મમ્મીને કંઈ ના કહે!”
“અમાર, તારી મમ્મી ક્યાં છે?”
“પપ્પા, એ અને મામા બાજુના રૂમમાં ઝગડો કરી રહ્યાં છે. મને ખૂબ ડર લાગે છે, તમે મામાને સમજાવો ને કે તે મમ્મી સાથે આવું વર્તન ન કરે.”
“અમાર, તું ચિંતા ન કર! હું તારા મામાને સમજાવી દઈશ. તું એમ કર ફોન જઈને તારા મામાના રૂમમાં મૂકીને આવતો રે. કોઈને આપતો નહિ.. કૉલ કટ ન કરતો. ચાલુ જ રાખજે.”
“ઓકે પપ્પા..”
અમાર આટલું કહેતાં તેના મામાના રૂમમાં ફોન મૂકી આવ્યો. હું ઇચ્છતો હતો કે સિતારા અને તેના ભાઈ વચ્ચે શું વાત થાય છે એ સાંભળી શકું એટલે મેં આમ કરાવ્યું. સિતારા રડીરડીને કહી રહી હતી,
‘મનન, તારી પાસે તો રૂપિયા છે, તું અમારની જિંદગી બચાવી શકે છે.’
‘અમારથી મારો કોઈ સંબંધ નથી, ઇન્ફેકટ તારાથી પણ મારો કોઈ સંબંધ નથી. તું અહીં શા માટે આવી છે?’
‘મને મારી મમતા ખેંચી લાવી છે, તું તો આટલો કઠોળ ક્યારેય નહોતો! તારા ભાણીયાની તું મદદ ન કરી શકે? મારા દીકરાને હવે તું જ બચાવી શકે છે. એક આખરી ઉમ્મીદ તું જ છે. મહેરબાની કરીને મારા દીકરાને બચાવી લે..’
‘સિતારા, તું ક્યારે સમજીશ? તે માણસે તારી જિંદગી બરબાદ કરી દીધી છે. તારી ઉપર એના દીકરાની જવાબદારી નાખીને તારા જીવનમાંથી બધી ખુશીઓ છીનવી લીધી છે. તું કેમ સમજતી નથી કે એ માણસે તારી જિંદગી બરબાદ કરી દીધી છે.’
‘મનન, તારે જે કહેવું હોય એ કહે પણ મહેરબાની કરીને મને બે કરોડની મદદ કર.. મારા દીકરાની જિંદગી અને મોતનો સવાલ છે.’
‘સિતારા, હું તને કેટલી વખત સમજાવું કે અમાર તારો દીકરો નથી. અમાર શિવ અને સ્નેહાનો દીકરો છે.’
‘મને ખબર છે કે મારો અમાર શિવ અને સ્નેહાનો દીકરો છે પણ એ મમ્મી કહીને મને બોલાવે છે. હું તારો ગુસ્સો સમજી શકું છું એ પણ જાણું છું કે હું તારી માટે મરી ગઈ છું પણ મારા દીકરાએ તો તારું કંઈ બગાડ્યું નથી ને?’
‘સિતારા, તને ખબર છે! તારા અને મારા વચ્ચે કેટલો પ્રેમ હતો? તારા માટે મેં કેટલાં શમણાં સજાવ્યાં હતાં? પણ એ બધાં શમણાં પર તારા ખોટા નિર્ણયને લીધે પાણી ફરી વળ્યુ છે. હું મારી સૌથી લાડલી બહેન ગુમાવી બેઠો છું અને આ બધી સમસ્યાનું કારણ તારો દીકરો અમાર છે. જો સમસ્યા જ નહિ રહે તો બધું ઠીક થઈ જશે.’
મનનનું ઝહેર હું ખમી ન શક્યો! આગળ હું સાંભળી પણ ન શક્યો! મેં કૉલ મૂકી દીધો અને ખૂબ દુઃખી થઈ ગયો. મારાથી દુઃખ સહન નહોતું થતું. ડૉક્ટર ઈશાન અને મનનના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. મારાથી સહન થાય એમ નહોતું એટલે હું દારુબારમાં પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો રોહિત બેઠેલો જ હતો. મને જોઈને મારી પાસે આવ્યો અને બોલ્યો,
‘આજે ફરી પીવાની ઇચ્છા છે?’
‘એવુજ કંઇક સમજ.’
‘પણ તું તો પીતો નથી તો કેમ?’
‘જીવનમાં એટલી બધી ઉથલપાથલ થઈ ગઈ છે કે તે સરખી કરવા માટે પીવો જ પડશે.’
મારો જવાબ સાંભળીને તેના ચહેરા પરનું નુર એકાએક ગાયબ થઈ ગયું અને તે બોલ્યો,
‘શિવ, તું ખુદની સાથે કેમ આમ કરી રહ્યો છે? તું તો શરાબ પીતો નથી અને આજે બીજીવાર તું અહીં આવી ગયો? શિવ, એવું તો શું થયું છે કે તને એ રસ્તે ચાલવા મજબૂર કરી દીધો, જ્યાં તું ક્યારેય ફરકતો પણ નથી..’
હું ખુદને રોકી ન શક્યો! મારી આંખો ભરાઈ આવી. મેં તેને આલિંગનમાં ભરી દીધો અને કહ્યું, ‘હું એક એવી સમસ્યાથી પીડાઈ રહ્યો છું, જે સમસ્યા હું કોઈને કહી શકતો નથી. મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે હું એ સમસ્યામાંથી બહાર નીકળી શકું! હું શું કરીશ….”
ક્રમશ…….

Leave a comment