લ્યુકેમિયા – 18 અમારનું મૃત્યુ

પેલો મારી વાત સમજી ન શક્યો પણ એ મારું દર્દ સમજી શકતો હતો એટલે જવાબમાં એટલું બોલ્યો, ‘શિવ, મને નથી ખબર કે તું કઈ સમસ્યાથી પીડાઈ રહ્યો છે પણ એટલું જરૂર કહી શકું છું કે ઉપરવાળા પરમાત્મા પર વિશ્વાસ રાખ, એ બધું ઠીક કરશે.’

તેની વાત મને રાહત આપી રહી હતી પણ વારંવાર એકનાએક જ વાત મારા મગજમાં ભમી રહી હતી, ‘મેં સિતારા સાથે ખૂબ ખોટું કર્યું છે, એની જિંદગી પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. મારા લીધે એ પોતાના બધા સંબંધ ગુમાવી બેઠી છે અને ઉપરથી એ માસૂમ પર મેં મારા દીકરાની જવાબદારી નાખી દીધી છે. દરેકનું મા બનવાનું સ્વપ્ન હોય છે, એ સ્વપ્ન જ મેં એની પાસેથી છીનવી લીધું…’

આ વિચાર સાથે હું ખૂબજ હતપ્રત થઈ ગયો. રોહિત મારી તરફ જ જોઈ રહ્યો હતો ને એકાએક બોલી પડ્યો, ‘શિવ, તારી સમસ્યા શું છે એ તો તું જણાવીશ તો જ ખબર પડશે પણ તને જોઈને એવું લાગી રહ્યું છે કે કોઈક વાત તને અંદર જ કોરીને ખાઈ રહી છે.’

આ સાંભળીને મારાથી રહેવાયું નહિ અને કહ્યું, ‘રોહિત, હું તને બધું જણાવીશ પણ એની પહેલાં કાલવાળી શરાબ મારી માટે લઈ આવ. એ પીધા પછી મારું દિમાગ થોડું શાંત થશે અને હું તને મારી સમસ્યા જણાવી શકીશ.”

આ સાંભળીને તે ચોંકી ગયો. મારી સમસ્યાએ સમજી શકતો હતો એટલે તે મારી માટે શરાબ લઈ આવ્યો અને એક ગ્લાસમાં આપતાં બોલ્યો,

‘શિવ, આજે એક પેકથી વધારે નહીં!’

‘ઠીક છે.’ આટલું કહેતાં મેં એના હાથમાંથી ગ્લાસ છીનવી લીધું અને ઘટાઘટ પી ગયો.

નશો ધીરે ધીરે મારી પર હાવી થવા લાગ્યો. હું એમાં ડૂબવા લાગ્યો. થોડા સમય પહેલાં મેં શરાબ પીધી પણ હવે મને લાગી રહ્યું ‘તું કે શરાબ હવે મને પી રહી છે. મેં શરાબની બોટલ લેવા હાથ લંબાવ્યો પણ રોહિતે એ દૂર કરી દીધી અને બોલ્યો,

‘શિવ, તારી મનોદશા હું સમજી શકું છું. એ નથી જાણતો કે તારી તકલીફ શું છે પણ એ મને સમજાઈ રહ્યું છે કે તારી સમસ્યા તને એટલી તકલીફ આપી રહી છે કે જેને લીધે તું અહીં છે. શિવ, જો તારી ઇચ્છા હોય તો તું મને તારી સમસ્યા જણાવી શકે છે.’

આ સાંભળીને મને એક સમય માટે થયું કે હું મારી સમસ્યા, મારી તકલીફ એને જણાવી દઉં પણ મારી અંતરાત્મા મને રોકી રહી હતી પણ રોહિતને મારી તકલીફ જણાવવા માંગતો હતો,

‘રોહિત, કાલથી પહેલાં હું તને જાણતો પણ નહોતો! પણ બે દિવસમાં મારી તક્લીફમાં ભાગીદાર બની મને થોડો હળવો કર્યો છે. ગઈકાલે તું મને અહીં દારૂબારમાં લઈને ન આવ્યો હોત તો મારું મગજ વિચારી વિચારીને ફાટી જતું ને હું મારા વિચારોના વમળમાં ડૂબીને મરી જતો.’

આ વાત સાંભળીને રોહિતે મારા હાથ પર હાથ મૂક્યો ને કહ્યું, ‘મેં ભૂલ કરી છે, મારે તારી સાથે આમ ન કરવું જોઈતું હતું!’

‘કેમ! તે શું કર્યું?’

ત્યારે રોહિતે જણાવ્યું, ‘તું નશો કરતો નથી અને હું તને દારૂબારમાં નશો કરવા લઈ આવ્યો છું. મને ખબર છે કે દારૂ પીધા પછી એની લત લાગી જાય છે. જો હું કાલે તને અહીં ન લાવ્યો હોત તો આજે તું અહીં ન હોત!’

રોહિત મારી તકલીફ સમજીને ખૂબ લો ફીલ કરી રહ્યો હતો. જવાબમાં મેં એટલું જ કહ્યું, ‘રોહિત, તું તો માત્ર આંગળી ચિંધ્યાનું પુન છે.’

‘મતલબ?’

‘તને નથી ખબર કે હું કેવી સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છું! છેલ્લા થોડાક દિવસોથી હું ઘણું ભોગવી રહ્યો છું. હું એવી તકલીફમાંથી પસાર થઈ રહ્યો છું કે હું કોઈને કહી પણ શકતો નથી અને સહન કરી પણ શકતો નથી. રોહિત, દારૂનો નશો કર્યા પછી અમુક સમય માટે હું મારી તકલીફો ભૂલી જાઉં છું, લાંબા સમય સુધી મને મારી તકલીફ યાદ જ રહેતી નથી. મન અમુક સમય વિચારોમાંથી વિરામ લે છે. જો તું મને અહીં ન લાવ્યો હોત તો હું વિચારીવિચારીને મરી જાત.’

‘શિવ, તું તારી સમસ્યા મારી સાથે શેર કરવા નથી માગતો એ હું સમજી શકું છું. જ્યારે તને મારી પર વિશ્વાસ આવી જાય, ત્યારે તું મને તારી સમસ્યા જણાવજે. ત્યાં સુધી તું ઘરે જઈને આરામ કર અને મને એક વચન આપ..’

‘કેવું વચન?’

‘તું યાર હવે અહીં ન આવ બસ…’

રોહિતની સમસ્યા હું સમજી શકતો હતો. એના મગજ પર એક બોજ આવી ગયો હતો, જે મને દેખાઈ રહ્યો હતો. મેં કહ્યું, ‘રોહિત, યાર તું મને ન રોક! હું વધારે નહીં પીવું, માત્ર એક પેક જ લગાવિશ..’

રોહિત વધારે કંઈ બોલી ન શક્યો, બસ એટલું કહ્યું, ‘ચાલ હવે હું તને ઘરે છોડી દઉં છું.’

હું જવા માટે તૈયાર નહોતો પણ એ મારો હાથ પકડીને મને બહાર લઈ આવ્યો. મને ઘરે ડ્રોપ કરતાં એટલું બોલ્યો,

‘શિવ, કોઈપણ સમસ્યા હોય તો તું નિશ્ચિત થઈને મારી સાથે શેર કરી શકે છે. મારાથી બનતી તમામ મદદ હું કરીશ.’

એની વાત સાંભળીને એક વખત માટે તો મન થયું કે એની પાસેથી બાકીના બે કરોડ માગી લઉં પણ દારૂબાર પાસે બેસી રહેનાર પાસે એટલા રૂપિયા ક્યાંથી હોય? આ વિચાર માત્રથી હું ચૂપ રહ્યો. બાય કહીને અંદર આવી ગયો ને બેડ પર પડ્યો એવો જ સૂઈ ગયો.

***

હું અને સિતારા સૂઈ રહ્યાં હતાં એજ સમયે હળવો હળવો અવાજ સંભળાયો. એકાએક મારી આંખ ખુલી ગઈ તો મને અમારનો હળવો હળવો અવાજ સંભળાયો, ‘મમ્મી, પપ્પા… મમ્મી…’

એકાએક બેડમાં ઊભો થઈ ગયો ને આસપાસ જોયું તો અમાર ક્યાંય દેખાઈ રહ્યો નહોતો. મારું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું ને મન મારું જરાય કામ કરી રહ્યું નહોતું. આંખો આંસુથી તરબતર થવા લાગી હતી. અમારનો હળવો હળવો અવાજ આવી રહ્યો હતો,

‘મમ્મી, પપ્પા… મમ્મી… મને કંઇક થઈ રહ્યું છે.’

આ સાંભળીને મારી આંખો ધરધર વહેવા લાગી. સિતારા સૂઈ રહી હતી, એને જગાવી અને જગાવતાં કહ્યું, ‘સિતારા, અમાર આપણને બંનેને બોલાવી રહ્યો છે, ઉઠ જલદી.’

સિતારા ઊંઘમાં બોલી, ‘અમાર સૂઈ ગયો છે, તમે પણ સૂઈ જાઓ.’

‘સિતારા, ઉઠ… આપણા અમારને આપણી જરૂરત છે. સિતારા ઉઠ..’

આ સાંભળીને સિતારા બોલી, ‘તમને કોઈ ભ્રમ થઈ રહ્યો છે. તમે આરામ કરો, હું અમારના રૂમમાં જઈને જોઈ આવું છું.’

સિતારા ઊભી થઈ અને અમારના રૂમમાં ગઈ. ત્યાં જઈને એને ચીસ પાડી, ‘અમાર….’

આ ચીસ સાથે હું તરત દોડીને અમારના રૂમમાં પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો સિતારા તેના ખોળામાં અમારનું માથું લઈને બેઠી હતી. હૃદયના ધબકારા વધી ગયા, તેનો અવાજ મને સંભળાવા લાગ્યો. પગ એક એક ડગ આગળ ભરતાં પણ અચકાઈ રહ્યા હતા અને મનમાં કંઇક અશુભ થયાનું વંટોળ ઉઠયું ‘તું. હું ધીરે ધીરે સિતારા પાસે પહોંચ્યો અને જોયું તો તેના બંને હાથ લોહીથી લથબથ હતા. આજુબાજુ ચારે તરફ લોહી પડેલું હતું. સિતારા સુન્ન થઈ ગઈ હતી, તે કંઈપણ બોલી રહી નહોતી,

‘સ.. સિ…. સિતા……. સિતારા…… અમા….. ર…. ને શું થયું….’

તે હોશમાં જ નહોતી. એના જવાબની રાહ જોવી એના પહેલાં મેં ડૉકટર ઈશાનને કૉલ કર્યો. એ બાજુમાં જ રહેતા હોવાને લીધે ફટાફટ આવી ગયા. મેં અમારને સિતારાના ખોળામાંથી ઉઠાવીને બેડ પર સુવડાવ્યો. તેને તો ભાન જ નહોતું. ડૉક્ટર ઈશાને અમારને તપાસ્યો, એની નાડી તપાસી, એની છાતી પર હળવું દબાણ આપ્યું પણ અમાર કોઈ રિસ્પોન્સ નહોતો આપી રહ્યો. એમને સ્ટેથોસ્કોપ એમના ગળામાંથી કાઢ્યું ને મારાથી રહેવાયું નહિ, મેં ડરતાં ડરતાં પૂછી લીધું,

‘ઈશાન, અમાર ઠીક તો છે ને?’

‘સોરી શિવ, He is No More.’

મને એમની વાત સમજાઈ ગઈ પણ હું માનવા માટે તૈયાર નહોતો. એક તરફ સિતારા એમ જ ત્યાંને ત્યાં બેઠી હતી, મેં એની તરફ નજર કરી અને પછી ડૉકટર ઈશાન તરફ જોયું ને પૂછ્યું,

‘શું કહ્યું આપે?’

‘શિવ, રિલેક્સ પ્લીઝ. મારી વાત ધ્યાન દઈને સાંભળ. અમારને લોહીની ઊલટી થવાને લીધે તે આપણને છોડીને ચાલ્યો ગયો છે. આપણે આપણા ચેમ્પને બચાવી ન શક્યા….’



ક્રમશ…..

Leave a comment