લ્યુકેમિયા – 19 દુઃખની મોસમ
ડૉકટર ઈશાનની વાત પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું બેધ્યાન થઈને એમને સાંભળવાની કોશિશ કરી રહ્યો હતો. એ જે કંઈપણ બોલી રહ્યા હતા તે મને સંભળાઈ નહોતું રહ્યું. હું મારા કાનમાં આંગળી નાખીને હલાવી રહ્યો હતો, જેથી એ જે કહી રહ્યા હતા એ હું સાંભળી શકું! પણ કાનમાં બહેરાશ આવી ગયું હોય એમ બધું સુન્ન થઈ ગયું હતું.
ડૉક્ટર ઈશાને મારો હાથ પકડીને હલાવ્યો, ત્યારે હું એ પરિસ્થિતિમાં સજાગ થયો અને આસપાસ જોયું તો સિતારા લમણે હાથ દઈને બેઠી હતી. જાણે એ બધું ભૂલી બેઠી હોય એવું એને જોઈને લાગતું હતું. મને કંઈ વધારે સમજાયું નહિ! બેડ પર જોયું તો અમાર બેજાન થઈને પડ્યો હતો. તેના ચહેરા ઉપરથી ડૉક્ટર ઈશાને લોહી સાફ કરી દીધું પણ હજુ જમીન અને દીવાલો પર લોહી ખરડાયેલું હતું.
આ બધું મને કંઈ સારું થયાનો સંકેત આપી રહ્યું નહોતું. હું કંઇક ભૂલી રહ્યો હોઉં એવું મહેસુસ થવા લાગ્યું. મેં ડૉક્ટર ઈશાનને રડતા જોયા અને પૂછ્યું,
‘ઈશાન, કેમ રડી રહ્યો છે? શું થયું છે તમને?’
‘તને બધી ખબર તો છે શિવ! તેમ છતાં તું ફરી કેમ પૂછી રહ્યો છું?’
‘મને બધી ખબર છે? મને કંઈ ખબર નથી. શું થયું છે? સિતારા કેમ આ રીતે બેઠી છે? અમાર પણ બેજાન થઈને પડ્યો છે. આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજાઈ રહ્યું નથી.’
મારી હાલત ડૉક્ટર ઈશાન સમજી ગયા હતા. સ્ટ્રેસને લીધે મારું મગજ અમુક વાતો ભૂલી ગયું હતું. એટલે એમને મારો હાથ પકડ્યો અને કહ્યું,
‘શિવ, તને વધારે પડતા સ્ટ્રેસને લીધે ડિસોસિએટીવ સ્મૃતિ ભ્રંશ અથવા સાયકોજેનિક સ્મૃતિ ભ્રંશ થયો છે.’
એમની એક પણ વાત મને સમજાઈ નહિ એટલે મેં પ્રશ્ન કર્યો,
‘મને શું થયું? તમે કહ્યું એ મને જરાય સમજાયું નહિ!’
‘સાંભળ શિવ, અમારના મૃત્યુ વિશે જાણીને તને વધારે પડતો સ્ટ્રેસ આવી ગયો. જેને લીધે તારો ડિસોસિએટીવ સ્મૃતિ ભ્રંશ થયો છે, જેને આપણે અન્ય શબ્દોમાં સાયકોજેનિક સ્મૃતિ ભ્રંશ કહી શકીએ. જેમાં કોઈક એવી ઘટના કે શબ્દો દ્વારા શારીરિક મગજને ઇજા થાય છે. જેમાં માનસિક આઘાત અથવા તાણને કારણે યાદશક્તિ ગુમાવવાનું જોખમ ઊભું થાય છે. યાદશક્તિ ગુમાવવી એ ચોક્કસ ઘટનાઓ ભૂલી જવાથી લઈને વ્યક્તિના જીવનના સમગ્ર ભાગો ગુમાવવા સુધીની હોઈ શકે છે. શિવ, જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તું એનો સ્વીકાર કરી લે, જેથી આ બીમારી આગળ ન વધે અને તારા જીવનમાં અન્ય મોટી કોઈ સમસ્યા ઊભી ન થાય.’
હું એમની વાત સાંભળી રહ્યો હતો પણ મને કશું સમજાઈ રહ્યું નહોતું. એ શું કહી રહ્યા હતા એ પણ ન સમજાયું! એટલે મેં સીધું અમાર તરફ જોયું અને ડૉકટર ઈશાનને પ્રશ્ન પૂછ્યો,
‘અમાર કેમ બેજાન થઈને પડ્યો છે? એ આ રીતે સુઈ રહ્યો છે કે શું?’
ત્યારે ડૉક્ટર ઈશાન બોલ્યા, ‘મેં તમને કહ્યું હતું ને કે અમારા સેકન્ડ સ્ટેજની નજીક છે.’
‘હા તો…’
‘તો આપણો અમાર સેકન્ડ સ્ટેજમાં પહોંચતાં જ જિંદગીની બેટલ હારી ગયો. આપણો અમાર આપણને છોડીને ચાલ્યો ગયો. આપણે એને બચાવી ન શક્યા..’
આ શબ્દો મને આખેઆખો ચિરી રહ્યા હતા. મને કંઈપણ સમજાઈ રહ્યું નહોતું. હું અમાર પાસે ગયો અને એની પાસે જઈને બેઠો. ડૉક્ટર ઈશાનની વાત પણ મને વિશ્વાસ તો હતો નહિ! એટલે મેં અમારને ઉઠાવવાની કોશિશ કરી,
‘અમાર, ઉઠ દીકરા…’
કોઈ સંકેત ન મળ્યો. મેં અમારનો હાથ પકડીને ઊંચો કર્યો અને જેવો જ છોડ્યો કે તરત જ એ ધડામ દઈને બેડ પર પછડાયો. એનો હાથ પડતાંની સાથે મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું ને મને થયું કે હું એકજ ઝાટકે શરીર છોડી દઈશ. હજુ મને માન્યામાં નહોતું આવતું એટલે મેં મારી કોશિશ ચાલુ રાખી,
‘અમાર, હવે બહુ થયું દીકરા! મસ્તી બંધ કર અને જલ્દી ઊઠ. મને ખબર છે, તે અને તારા ડૉક્ટર અંકલે અમને પરેશાન કરવાનું નક્કી કર્યું છે પણ તમારી આ ગુંડાગર્દી નહિ ચાલે! તમે બંને મને અને સિતારાને હેરાન કરવાનો પ્લાન કરીને બેઠા છો, પણ બંધ કરી દો. હું અને સિતારા માત્ર આ વિચાર આગળ જ હારી ગયાં છીએ! અમારામાં શક્તિ જ નથી. બસ હવે બેટા ઊઠી જા..’
હું આગળ કંઈ બોલી ન શક્યો, મારો ડૂમો બાઝી ગયો. આખો ભરાઈ આવી પણ અમાર ન ઉઠ્યો. મેં ડૉક્ટર ઈશાન તરફ જોયું અને કહ્યું,
‘ઈશાન, તારા મિત્રને સમજાવ ને કે હવે બહુ થયું. અમે માની લીધું કે અમે હારી ગયાં છીએ! હવે મસ્તી બંધ કરો… અમાર…. ઉઠને દીકરા…..’
હવે મારો બાંધ તૂટી ગયો. શમણાં ચકનાચૂર થઈ ગયાં હોય એવો અહેસાસ થયો. ડૉક્ટર ઈશાન હીબકા લેતા બોલ્યા,
‘શિવભાઈ, તમારું મન સહન કરી શકે તેટલું મજબૂત નથી. આપ ખૂબ જ નરમ દિલના છો! અત્યારે યોગ્ય સમય નથી પણ કહ્યા વગર ચાલે એમ પણ નથી. આપણો ચેમ્પ અમારા આપણને છોડીને ચાલ્યો ગયો છે. એ હવે ફરી ક્યારેય મને ક્યારેય નહીં કહે કે ઈશાનકાકા હું મોટો થઈને તમારા જેવો જ ડૉક્ટર બનીશ અને જ્યારે તમે બીમાર પડશો ત્યારે હું પણ તમારા બમ પર ઇન્જેક્શન આપીશ અને તમે પણ મારી જેમ બૂમબરાડા પાડશો ત્યારે તમને મારું દર્દ સમજાશે.’
ડૉક્ટર ઈશાન પણ ખૂબ જોરજોરથી રડવા લાગ્યા. મને તો સમજાઈ રહ્યું નહોતું કે કેવી રીતે રિએકટ કરું? મને સમાયાંજોગનું પણ ભાન નહોતું. મારી આંખો આંસુથી તરબતર હતી. ડૉક્ટર ઈશાન સિતારા પાસે ગયા અને કહ્યું,
‘ભાભી, આપ અમારના અંતિમ દર્શન કરી લો. બ્લડ કેન્સરવાળું બોડી વધારે રાખવું સારું નથી.’
આ સાંભળીને તો મારા શરીરમાંથી આત્મા નીકળી ગઈ. હાથ-પગ પાણી પાણી થઇ ગયાં. સિતારા તો બેધ્યાન જ હતી. ડૉક્ટર ઈશાન એને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. એનુ ધ્યાન પાછું આવ્યું એટલે ડૉક્ટર ઈશાનને ધક્કો મારીને દૂર કર્યા. તે અમાર પાસે દોડી ગઈ અને તેને જગાવવા લાગી,
‘ઉઠ મારા આંખોના જાયા, ઉઠ મારા દીકરા. તારી મા સાચા હૃદયથી તને પુકારે છે. જે ડૉકટર, ઈશાન કહી રહ્યા છે એ ક્યારેય ન થઈ શકે! મારો દીકરો મને ક્યારેય છોડીને ન જઈ શકે….’
અમારને હલાવવાની ઘણી કોશિશ કરી પણ અમાર ઉઠ્યો જ નહિ! ઘણા અખતરા કર્યા, એને હલાવ્યો, એને ગુદગુદી કરી, એને ઉઠાડીને આલિંગનમાં ભર્યો ને બોલી,
‘અમાર, હવે બહુ થયું દીકરા. તારી મામાં હવે શક્તિ વધી નથી. તારી મા હવે સારું ફીલ કરી રહી નથી. અમાર દીકરા તારી આ મસ્તીમાં ક્યાંક તારી માતાનો જીવ ન જતો રહે. બેટા, તારી મા તને છોડીને ચાલી જાય એની પહેલાં ઊઠી જા…’
અમાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નહોતો. સિતારા એને હલાવવાની કોશિશ કરી રહી હતી. તેના હાથ અમારના બે ખભા પર હતા. તે તેના હાલ ચૂમી રહી હતી ને ચહેરો પકડવા જેવા જ હાથ છોડ્યા કે અમારનું શરીર ધબાક કરતું બેડ પર પછડાયું અને સિતારાએ ચીસ પાડી,
‘અમાર……… મારો….. અમાર….. અમારના બાપુ, મારો અમાર…..’
સિતારા તો હોશ ખોઈ બેઠી હતી. તેનો રડવાનો અવાજ આખા રૂમમાં કોહરામ બનીને ગુંજી રહ્યો હતો. હું તો એક ખૂણામાં જઇને ઊભો થઈ ગયો. સિતારા આમ-તેમ દોડીને અમાર માટે વ્યર્થ પ્રયાસ કરી રહી છે. તે કંઈપણ કરીને અમારને જીવતો કરવા માગતી હતી.
થોડા સમયમાં અમાર ઘરમાં આસપાસનાં લોકો ભેગાં થવા લાગ્યાં. કેટલાંક અમાર માટે દુઃખી હતાં, કેટલાંક અમારની બીમારી વિશે વાતો કરી રહ્યાં હતાં. કેટલાંકને કંઈ વધારે ફરક પડી રહ્યો નહોતો. કેટલાંક તો એમજ વાતોમાં લાગ્યાં હતાં. એમાંથી કોઈક કોઈક આવીને અમને દિલાસો આપી રહ્યાં હતાં. કેટલાંક મને શાંત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. ડૉક્ટર ઈશાને તો સામેનો ખૂણો પકડી લીધો હતો. બીજા ખૂણામાં હું ભરાઈને બેઠો હતો.
સિતારા બેડ પર બેઠી બેઠી હજુપણ નિરર્થક પ્રયાસ કરી રહી હતી. કેટલીક મહિલાઓ તેની પાસે ગઈ અને તેને સમજાવીને ઊભી કરી અને કેટલાક પુરુષોએ અમારના શરીરને ઉપાડીને ભોંયચોકા પર મૂક્યું.
હું એ તરફ જ જોઈ રહ્યો હતો. એક-બે જણાં આવ્યાં ને મને ઊભો કર્યો. અમાર પાસે લઈ ગયા અને અંતિમ સ્નાન કરાવ્યા બાદ એનાં કપડાં ચેન્જ કર્યાં. હવે સમય નિકટ આવી ગયો હતો. અમાર ખૂબ નાનો હતો એટલે ડૉક્ટર ઈશાન આવીને બોલ્યા,
‘અમારની અર્થી તૈયાર કરવાની નથી. એ મારા હૃદયના ખૂબ જ કરીબ છે. હું એને મારા હાથમાં ઉઠાવીને લઈ જઈશ. શિવભાઈ ઇચ્છે તો થોડીકવાર હું એમને પણ ઉઠાવવા દઈશ.’
ક્રમશ…….

Leave a comment