લ્યુકેમિયા – 20 ભ્રમ કે ડર?

ડૉકટર ઈશાન થોડાક દિવસોમાં અમારની ખૂબ જ નજીક આવી ગયા હતા. એમની પાસેથી ઉમ્મીદ હું રાખી શકતો હતો. મારા મને માની લીધું હતું કે અમાર હવે આ દુનિયામાં નથી પણ હૃદય માનવા માટે તૈયાર નહોતું. હું કંઈ ન બોલી શક્યો! એમને એમ અમારને સ્નાન કરાવીને બેસી રહ્યો. મારું મગજ કામ નહોતું કરી રહ્યું અને હું બસ મારા દીકરાને જોઈ રહ્યો હતો.

ડૉક્ટર ઈશાને જે નક્કી કર્યું હતું એમ જ કર્યું. અમારને હાથમાં ઉઠાવી લીધો અને કહ્યું,

‘મારા ચેમ્પની ખુશ્બૂને હું હંમેશાં મારી અંદર સમાવી લેવા માગું છું, એ અમને છોડીને ગયો છે પણ મર્યો નથી. મારા ચેમ્પને પર એકપણ ફૂલ ન ચડાવવું, કેમકે એ જીવે છે.’

મને તો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે ડૉક્ટર ઈશાન અમારા દીકરા વિશે કેમ આટલું બધું વિચારી રહ્યા હતા! તેમણે અમારને હાથમાં ઉપાડી લીધો. સિતારાએ રોકકળ એટલી હદે શરૂ કરી કે ડૉકટર ઈશાન રડતાં રડતાં બોલી પડ્યા,

‘શિવભાઈ, આપ ભાભી પાસે રહો. એમની હાલત જોઈને મને ડર લાગી રહ્યો છે કે ક્યાંથી એમને કંઇક થઈ ન જાય!’

ત્યારે હું તો એમની તરફ જોઈ જ રહ્યો. મન ખૂબજ વ્યથિત થઈ રહ્યું હતું. મારાથી રહેવાયું નહીં એટલે હું બોલી પડ્યો, ‘અમાર મારો દીકરો છે, એની અંતિમ ક્રિયા કરવાનો અધિકાર મારો છે. એ મારા સિવાય બીજું કોઈ ના કરી શકે.’

આ સાંભળીને તો સિતારા વધારે રડવા લાગી. તે દોડીને ડૉક્ટર ઈશાન પાસે ગઈ અને તેમના હાથમાંથી અમારને લઈ લીધો અને કહ્યું,

‘તમને મારા દીકરાને સ્વસ્થ કરવાનું કહ્યું હતું પણ તમે તો મારા જીવતા દીકરાની અંતિમ ક્રિયાઓ કરવા લાગ્યા!’

તે અમારને ચૂમવા લાગી અને બોલી, ‘ખબરદાર છે મારા દીકરાને મરેલો જાહેર કર્યો છે તો.. એકપળ પણ સહન નહીં કરી શકો, એવું દર્દ તમને આપીશ.’

ડૉક્ટર ઈશાન પણ અમારી જેમ ખૂબ જ દુઃખી હતા. તે બોલ્યા, ‘ભાભી, હું તમારી હાલત સમજી શકું છું પણ સત્યનો જેટલી જલ્દી સ્વીકાર કરો એટલું તમારી માટે સારું છે. આપણો અમાર આપણને છોડીને ચાલ્યો ગયો છે.’

તે આગળ કશું વધારે બોલે એની પહેલાં સિતારાએ તેમના ગાલ પર એક ઝીંકી દીધી અને બોલી, ‘ખબરદાર ડૉક્ટર ઈશાન, એકપણ શબ્દ મારા દીકરાના વિરુદ્ધમાં કહ્યો છે તો! હું ભૂલી જઈશ કે તમે મારા દીકરા માટે શું શું કર્યું છે! હું એ પણ ભૂલી જઈશ કે તમારી સાથે અમારો શું સંબંધ છે. તો ચૂપ રહેવાનું કહ્યું છે, તો માત્ર ચૂપ જ રહેવું.’

મેં સિતારાનું આવું વર્તન પ્રથમ વખત જોયું હતું. મને તો મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સિતારા આવું પણ કરી શકે! ડૉક્ટર ઈશાન હજુ પણ શૉક હતા. તેમને સિતારાના આ વર્તનની ઉમ્મીદ ન હતી. તે થોડીક વારમાં જ નોર્મલ થઈ ગયા અને બોલ્યા,

‘ભાભી, જે થવાનું હતું એ તો થઈ ગયું છે. હવે આપ એનો જેટલી જલ્દી સ્વીકાર કરી લેશો એટલી જલ્દી સારું છે.’

આ સાંભળીને સિતારા વધારે રોષે ભરાઈ અને ડૉક્ટર ઈશાનને ફરી મારવા માગતી હતી, તેમની પર વાર પણ કર્યો પણ સોસાયટીની કેટલીક મહિલાઓ દ્વારા તેને આમ કરતાં રોકવામાં આવી અને અમારને પાછો તેની પાસેથી ડૉક્ટર ઈશાને લઈ લીધો અને કહ્યું,

‘અંતિમ ક્રિયાનો સમય થઈ ચૂક્યો છે. અમારનું શબ બીમારીથી પીડિત છે. એને વધારે સમય ઘરમાં રાખવું યોગ્ય નથી.’

તેમના આ શબ્દો સાંભળીને એક એક ધબકારો ચુકાઈ જવાય. ઘા મૂકો તો પણ મોત ન આવે! એવી અસહ્ય વેદના થઈ રહી હતી. ડૉક્ટર ઈશાન અમારને લઈને ચાલ્યા. હું અને સિતારા એમને જતાં જોઈ રહ્યાં. સિતારા તો ફૂટી ફૂટીને રડી રહી હતી. અમાર, અમાર નામની બૂમો પાડી રહી હતી. હું તો અમારને જતો જોઈ રહ્યો હતો ને એને રોકવા માગતો હતો. પગ મારા ફ્રીઝ થઈ ગયા હતા, જેથી એ એક કદમ પણ આગળ ઉઠાવી શકતા નહોતાં! આંખો મારી એ તરફ જોઈ રહી હતી. હાથ હવામાં ઉઠેલો હતો ને હવે ડૉક્ટર ઈશાન, અમાર અને ટોળું ત્યાંથી ગાયબ થઈ ગયું. મારી આંખો રડવા માગતી હતી પણ રડી નહોતી શકતી. એકાએક સિતારાએ ચીસ પાડી,

‘અમાર, ઓહ મારા દીકરા……’

આ ચીસ સાથે મારી આંખ ઊઘડી ગઈ. હું ખૂબ ડરેલો હતો. અમારની વિદાયે મારું ચિર ચીરી નાખ્યું. મારી રુહ કંપી ઊઠી. એકાએક બધું મારી આંખો આગળ ભમવા લાગ્યું. ડૉક્ટર ઈશાને જે સમયે બીમારી જાહેર કરી હતી એ સમયથી લઈને અમારના મૃત્યુ સુધીની દરેક ઘટના અને વાતો મારી નજર સમક્ષ ભમી રહી હતી.

મને હજુ સુધી સમજાયું નહોતું કે મેં જે જોયું હતું એ સ્વપ્ન હતું. મને ભ્રમ થયો હતો કે હું ડરી રહ્યો હતો એ મને સમજાઈ રહ્યું જ નહોતું. જેવો જ અમારનો વિચાર આવ્યો કે તરત જ હું ઊભો થઈને તેના રૂમ તરફ ભાગ્યો પણ તે નહોતો. મેં આખું ઘર શોધ્યું પણ ક્યાંય તે દેખાઈ રહ્યો નહોતો. મારું માથું હિલોળે ચઢ્યું હતું ને એજ વખતે મેં સિતારા નામની બૂમો લગાવી પણ કોઈ જવાબ ન મળ્યો. આંખો મારી ખૂબજ ડરમાં હતી. મન મારું વ્યાકુળ થઈ રહ્યું હતું ને એજ સમયે સિતારાનો કૉલ આવ્યો. તેનો કૉલ જોઈને મેં હળબળીમાં ફોન ઉપાડ્યો,

‘હેલ્લો!’

‘હેલ્લો શિવ! મેં ઘણી કોશિશ કરી પણ મારો ભાઈ મનન માન્યો નહિ! એ મારી સાથે સંબંધ રાખવા તૈયાર જ નથી. હું હજુ કોશિશ કરું?’

મને તો હજુ અમારનો જ ડર હતો. એની વાત તો જાણે હું સાંભળવા જ માગતો નહોતો. મેં સીધું એને પૂછી લીધું, ‘અમાર, ક્યાં છે?’

‘આ રહ્યો મારી પાસે.’

‘એની જોડે વાત કરાવ…’

‘હા… કરાવું છું.’

સિતારાએ અમારને ફોન આપ્યો અને કહ્યું, ‘લે તારા પપ્પા સાથે વાત કર.’

અમારે ફોન લેતા કહ્યું, ‘હેલ્લો, પપ્પા. મામા મમ્મી પર ખૂબ જ ગુસ્સો કરતા હતા.’

સિતારાએ એના હાથમાંથી ફોન છીનવી લીધો અને કહ્યું, ‘અમાર, તો એમ જ કહે છે. હું અત્યારે મારા ભાઈના ઘરે જ છું. પણ હમણાં નીકળીશ એટલે સાંજે આવી જઈશ.’

‘તે બધું છોડ અને અમારાને ફોન આપ. મારે એની સાથે વાત કરવી છે.’ હું ખૂબ ઢીલા અવાજે બોલ્યો એટલે તે પૂછવા લાગી,

‘અમારના બાપુ, બધુ ઠીક તો છે ને? તમારો અવાજ કેમ આમ ઉદાસ લાગી રહ્યો છે?’

ત્યારે શું જવાબ આપવો એની વિડંબના ઊભી થઈ. હું થોડોક સમય ચૂપ રહ્યો અને જવાબ આપ્યો, ‘અમાર ઠીક છે તો બધું ઠીક છે.’

ત્યારે સિતારા બોલી, ‘અમરના, બાપુ એક વાત કહું?’

મેં તરતજ પૂછી લીધું, ‘અમાર ઠીક તો છે ને?’

‘હા એ બિલકુલ ઠીક છે પણ મને સ્વપ્ન ખૂબજ ખરાબ આવ્યું છે.’

‘તને પણ?’

‘હા મને પણ! (થોડોક સમય રોકાઈને) તમને પણ કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું છે?’

‘હા.. મને પણ આવ્યું છે.’

જે સાંભળીને સિતારા શૉક થઈ ગઈ. એને પણ સ્વપ્ન આવ્યું હતું એ જાણીને મારો ડર વધી ગયો. મેં પૂછી લીધું,

‘બોલ! તને શું સ્વપ્ન આવ્યું છે?’

‘તમને શું આવ્યું?’

મેં મારા સ્વપ્ન વિશે કહ્યું. સિતારા તે સાંભળીને ડગાઈ ગઈ. એ તો રડવા જ લાગી. એને શાંત કરી અને કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે આવું કોઈ ખરાબ સ્વપ્ન આવે તો આપણા દીકરા અમારની ઉંમર વધશે.’

થોડા સમયમાં સિતારા થોડી રિલેક્સ થઈ અને ત્યારે મેં પૂછ્યું, ‘તે શું સ્વપ્ન જોયું?’

ત્યારે સિતારા બોલી, ‘મેં સ્વપ્નમાં જોયું કે ડૉક્ટર ઈશાને આપણને જણાવ્યું કે અમારને લોહીનું કેન્સર છે. જે જાણીને આપ એટલા ટેન્શનમાં આવી ગયા કે આપ દારુબારમાં પહોંચી ગયા અને ત્યાં જઈને આપ દારુ પીવા લાગ્યા. આપને દારુની એવી ખરાબ લત લાગી કે આપ રાત-દિવસ ત્યાં દારુબારમાં રહેવા લાગ્યા અને અમારને જ્યારે પણ જરૂર પડી ત્યારે આપ એની પાસે નહોતા. એક દિવસ અમારની તબિયત એટલી ખરાબ થઈ કે તેને લોહીની ઉલટીઓ થઈ અને તે બેભાન થઈ ગયો. મને તમારી જરૂરત હતી પણ આપ અમારી મદદ કરવા માટે નહોતા. એ સમયે મને તમારી પર એટલો ગુસ્સો આવ્યો કે તમારી આ દારુ પીવાની આદતે આપણું ઘર બરબાદ કરી દીધું. સમય રહેતાં ડૉક્ટર ઈશાન આવી ગયા અને એમને આપણા દીકરા અમારને બચાવી લીધો. મેં ઈશ્વરનો ખૂબ પાડ માન્યો.’


ક્રમશ….

Leave a comment