નવલિકા ~ નાનકડો વિહાન અને તેની માનવતા

વિહાન કીધું ને તને એકવાર જીદ ના કરીશ. જીદ કરીશ તો ક્યારેય કોઈ ચીજ નહિં અપાવું. તનીષા થાળી પીરસતા પીરસતા બોલી રહી હતી.
ના, મમ્મી તું દર વખતે આવું જ કરે છે. તે કીધું હતું વેકેશન પડશે એટલે તું કહીશ એ અપાવીશ, ને….હવે ફરી જાય છે. જા, મારે નથી ખાવુ. તેર વર્ષનો વિહાન જીદ કરી રહ્યો.
હા, અપાવીશ પણ હજી તો દસ દિવસનું વેકેશન છે ને મોટું વેકેશન તો પડવા દે.
પણ એક વસ્તુ તો અપાવ. ખાલી નવી ક્રિકેટ કીટ અપાવ.
વિડીયો ગેમ પછી અપાવજે…. પ્લીઝ મમ્મી પ્લીઝ…. મારા બધાં ફ્રેન્ડ્સ પાસે ન્યુ ક્રિકેટ કીટ છે. મારી કીટ જૂની થઈ ગઈ છે. બેટથી તો બરાબર બોલને વાગતું પણ નથી. એટલે જ હું પૂરતા રન નથી કરી શકતો. પેડ અને ગ્લોવસ પણ ઘસાઈ ગયા છે. મમ્મી અત્યારે લઈ જા…  ને બજાર મારે સાંજે રમવા જવાનું છે.
ઓકે. સારું ચાલ, જમી લે આપણે જઈએ લેવા. બસ, ખુશ હવે.
વિહાન ખુશ થતાં જમવા બેઠો. પછી બંન્ને મા – દીકરો બજાર જવા નીકળ્યા ત્યાં એક ફેરી વાળીએ કહ્યું. બુન! એક ગ્લાસ પાણી મળશે… ????

અરે, માજી! જતાં જતાં ક્યાં ટોકો છો. હાલ જ દરવાજાને તાળું માર્યું. બજાર જવાનું મોડું થાય છે. આગળ કોઈ ઘરે પી લ્યો ને. કહીને તનીષા ચાલવા લાગી.
વિહાન એ તાપમાં તપીને સુકાઈ ગયેલાં વૃદ્ધ માજીને મેલીઘેલી સાડીથી પરસેવો લૂછતાં જોઈ રહ્યો. માજી નિરાશ થઈને ચાલવા લાગ્યાં.
વિહાન…. વિહાન ચાલ તો.
આગળ ઘણાં એવાં ફેરી વાળાને રસ્તામાં જોયાં. કોઈ તેમને ઉતરાવતું, ભાવ કરાવતું પણ લેતું નહિં. કોઈ લેતું તો માંડ નફો મળે તેટલા પૈસા આપતું. અનેક આશા લઈને બિચારા ફેરી વાળા આખો દિવસ તાપ, ટાઢ, વરસાદ જોયાં વગર બારેમાસ ધંધો કરવાં ફરતાં. નાના વિહાનના મગજમાં મોટાં વિચારો આવવા લાગ્યાં. અંતે બડબડતા તાપમાં સ્કૂટર ઉપર દુકાને પહોંચ્યા. ક્રિકેટ કિટની દુકાનની બાજુમાં જ માટલાની દુકાન હતી. વિહાનના મગજમાં એક વિચાર વીજળીની જેમ દોડી આવ્યો.
મમ્મી, મારે ક્રિકેટ કીટ નથી લેવી. જૂની કીટ ચાલશે. મારે માટલું લેવું છે.
શું? માટલું? માટલાનું તું શું કરીશ?
મમ્મી, આપણે આ તાપમાં દસ મિનિટનું અંતર સ્કૂટર પર પસાર કરીને આવ્યા તો પણ લાય જેવાં થઈ ગયા. તો વિચાર કર જેઓ આખો દિવસ આ તાપમાં અહીંતહીં ધંધાની આશામાં ફર્યા કરે છે તેમની શી હાલત થતી હશે? એટલે મમ્મી, મારે બે માટલા લેવા છે. એક સોસાયટીની બહાર મુકીશું અને બીજું આપણા ઘરની બહાર મુકીશું. જેથી કોઈ ફેરી વાળાને કોઈની પણ પાસે પાણીની માંગણી ના કરવી પડે. મારે જૂની ક્રિકેટ કીટથી ચાલશે. હું તો એમ જ જીદ કરતો હતો. નવી ક્રિકેટ કિટના મોહમાં. પણ હવે મને સમજાઈ ગયું છે. મારી એ જીદ કરતા કોઈની એક ગ્લાસ પાણીની જરૂરિયાત મોટી છે.
નાના મોંઢે મોટી વાત કરી રહેલાં દીકરાને તનીષા એકીનજરે જોઈ રહી. બંન્ને મા – દીકરો બે માટલા અને સાથે ક્રિકેટ કીટ પણ લઈ આવ્યા. ઘરે આવીને વિહાને ફરી જીદ કરીને ફટાફટ એ માટલા ભરાવડાવ્યા. ત્યાં એ જ માજી ફેરો ફરીને આવ્યા. વિહાને બૂમ પાડી…

બા! લો એક ગ્લાસ પાણી…
માજી અધમણનું પોટલું નીચે મૂકી રસ્તામાં જ બેસી પડ્યાં. એક ગ્લાસ ગટાગટ પાણી પી ને આશીર્વાદ આપતી નજરે ઘડીભર માટલાને તો ઘડીભર નાના વિહાનને જોઈને હસી રહ્યાં.

નાના બાળકના નિર્દોષ મનસમાં ભગવાનનો વાસ હોય છે તે સત્ય છે અને ખરા સમયે જરૂર પડ્યે તે શુદ્ધ વિચારોને સારાં કર્મનું સ્વરૂપ આપીને સર્વત્ર માનવતાની મહેક પ્રસરાવે છે.

પૂર્ણ

તન્વી શુક્લ

આભાર 🙏🏻

Leave a comment