લ્યુકેમિયા – 21 ડૉકટર ઈશાનની ગેમ
સિતારાનું સ્વપ્ન જાણીને મને ખૂબ દર્દ થઈ રહ્યું હતું. તે જાણતી પણ નહોતી કે હું છેલ્લા બે દિવસથી દારૂ પી રહ્યો હતો. તેમ છતાં પણ સિતારાને એવાં સ્વપ્ન આવી રહ્યાં હતાં. સિતારા ખૂબજ ભાવુક થઈ રહી હતી અને તેના સ્વપ્ન વિશે જાણીને મને તો ઝટકો લાગ્યો હતો. એની વાતોમાંની એક વાત મારા મનમાં ગુંજવા લાગી,
‘આપને દારુની એવી ખરાબ લત લાગી કે આપ રાત-દિવસ ત્યાં દારૂબાર પર રહેવા લાગ્યા અને અમારને જ્યારે પણ જરૂર પડી ત્યારે આપ એની પાસે નહોતા. એક દિવસ અમારની તબિયત એટલી ખરાબ થઈ કે તેને લોહીની ઉલટીઓ થઈ અને તે બેભાન થઈ ગયો. અમને તમારી જરૂરત હતી પણ આપ અમારી મદદ કરવા માટે નહોતા.’
‘અમને તમારી જરૂરત હતી પણ આપ અમારી મદદ કરવા માટે નહોતા.’
‘અમને તમારી જરૂરત હતી પણ આપ અમારી મદદ કરવા માટે નહોતા.’
આમ વારંવાર એકના એક શબ્દો મારા કાનમાં ગુંજવા લાગ્યા ને મારા હાથમાંથી ફોન સરકીને નીચે પડી ગયો. સિતારા હેલ્લો, હેલ્લો કરતી રહી પણ મારું મન તો એકજ વાત પર અટકેલું હતું,
‘આપને દારૂની એવી ખરાબ લત લાગી કે આપ રાત-દિવસ ત્યાં દારૂબાર પર રહેવા લાગ્યા અને અમારને જ્યારે પણ જરૂર પડી ત્યારે આપ એની પાસે નહોતા. એક દિવસ અમારની તબિયત એટલી ખરાબ થઈ કે તેને લોહીની ઉલટીઓ થઈ અને તે બેભાન થઈ ગયો. અમને તમારી જરૂરત હતી પણ આપ અમારી મદદ કરવા માટે નહોતા.’
આ બધા શબ્દોને હું સહન કરી શકતો નહોતો! એટલામાં દરવાજે કોઈએ નોક કર્યું. હું ડરી ગયો. મગજ પરનો ભાર હવે દ્રશ્યમાન થયો. બે હાથે માથું પકડીને દરવાજા પાસે ગયો અને દરવાજો ખોલ્યો. સામે ડૉક્ટર ઈશાનને જોઈને,
‘આટલી વહેલી સવારે તમે?’
‘શિવભાઈ, હજુ ઊંઘમાં છો કે શું? બપોરના બે વાગવા આવ્યા છે અને તમને હજુ સવાર લાગે છે?’
ઘડિયાળ તરફ નજર કરતાં,
‘ઓહ! બપોરના બે વાગી ગયા. મને તો અંદાઝ જ નથી.’
મારો ચહેરો જોઈને કંઇક વિચારતા હોય એ રીતે પૂછવા લાગ્યા, ‘તમે ઠીક લાગી રહ્યા નથી! તમને કંઈ થઈ રહ્યું તો નથી ને?:
‘ના બસ બધું બરાબર છે. ખાલી થોડો મગજ પર ભાર છે.’
‘કેમ શું થયું! (થોડીકવાર રોકાઈને) અરે મારે આ પ્રશ્ન જ ન પૂછવો જોઈએ. હું સારી રીતે જાણું છું કે તમને કેટલું બધું ટેન્શન છે. એ ટેન્શનને લીધે માઈગ્રેન તો થવાનો જ ને!’
‘મને જે ભાર છે એ માઈગ્રેનનો નથી.’
‘તો….’
‘ડૉકટર ઈશાન, આપને સમગ્ર વાત કહું પણ મને વચન આપો કે તમે આ વાત કોઈને નહીં કહો. સિતારાને તો ક્યારેય પણ નહિ!’
‘એવી તો શું વાત છે?’
‘પહેલાં તમે મને વચન આપો કે તમે આ વાત કોઈને નહિ કહો અને સિતારાને તો ભુલથી પણ જાણ ન થવી જોઈએ કે હું ખોટી લતે ચઢી ગયો છું.’
આ સાંભળીને ડૉક્ટર ઈશાનનું રીએકશન સારું નહોતું. તેમનો ચહેરો જોઈને તો લાગતું હતું કે તે સમજી ગયા હતા પણ તે પૂછવા લાગ્યા,
‘તમને પહેલાંથી જ પીવાની આદત છે?’
‘ના…. હું ક્યારેય નથી પીતો!’
‘તો… શેની લત લાગી છે?’
‘તમે મને વચન આપો કે તમે કોઈને આ વાત નહિ કહો.’
‘ઠીક છે શિવભાઈ, હું તમને વચન આપું છું. બોલો હવે શું કહેવા માંગો છો?’
હવે મારું મન ડૉક્ટર ઈશાન સાથે વાત કરવા તૈયાર હતું. મેં વાતની શરૂઆત કરતાં કહ્યું,
‘જુઓ, મને ખોટો ન સમજતા પણ તમને જણાવું કે આજથી પહેલાં ક્યારેય મેં ડ્રીંક કર્યું નથી. પરમ દિવસે જ્યારે હું હોસ્પિટલમાંથી નીકળ્યો ત્યારે મારી હાલત જરાય પણ બરાબર ન હતી. હું પૂરી રીતે ભાગી ગયો હતો. મારું મનમગજ જરાય પણ મારા કહ્યામાં નહોતું અને હૃદય પર એટલો જ ભાર હતો. એ દરમિયાન મારી રોહિત સાથે મુલાકાત થઈ ને તેને મારી સમસ્યા જાણવાની કોશિશ કરી પણ મેં જણાવી નહિ! જેથી એ એટલું તો સમજી ગયો કે હું ખૂબ મોટી સમસ્યામાં છું અને કંઈક છુપાવી રહ્યો છું. બસ એટલે મને એ સમસ્યામાંથી બહાર કાઢવા માટે અડ્ડા પર લઈ ગયો. હું ડ્રીંક કરવા માગતો નહોતો પણ મારાથી પ્રથમ વખત થઈ ગયું. ત્યારબાદ રોહિત આવીને મને ઘરે મૂકી ગયો. બીજે દિવસે સિતારા અને તેના ભાઈ મનનની વાતચીત સાંભળી. જે સાંભળ્યા બાદ મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કોઈની અંદર આટલી પણ નફરત હોઈ શકે! મનનને તો મારા દીકરા અમારના મૃત્યુથી પણ કોઈ ફરક પડતો નથી. બસ પછી વધારે આગળ સાંભળી ના શક્યો. મને ખરાબ ખરાબ વિચારો આવવા લાગ્યા અને હું ફરીવાર એ જગ્યાએ પહોંચી ગયો. મને રોહિત ત્યાં મળ્યો અને એને મને દારૂ પીતાં રોકવાની ઘણી કોશિશ કરી પણ મારું દર્દ એટલું વધારે હતું કે હું એની વાત સાંભળી ના શક્યો અને દારૂ પીધા વગર રહી પણ ના શક્યો. એ પછી મને તે ઘરે મૂકી ગયો અને તમે નહીં માનો મને એટલું ખરાબ સ્વપ્ન આવ્યું કે હું શું કહું તમને….’
ડૉક્ટર ઈશાન મારી વાત સાંભળીને સ્તબ્ધ બની ગયા. મને પૂછવા લાગ્યા,
‘એવું તો શું સ્વપ્ન આવ્યું?’
મેં મારું આખું સ્વપ્ન ડૉક્ટર ઈશાનને કહી દીધું. તે તો ખૂબ દુઃખી થઈ ગયા. ત્યારબાદ મેં કહ્યું,
‘ડૉક્ટર ઈશાન, આ વાત આટલે જ પૂર્ણ થતી નથી. સિતારાને શમણું આવ્યું કે હું દારૂ પીવા લાગ્યો છું. હું દારૂની લતે ચડી ગયો છું અને જરૂરિયાતના સમયે હું મારા દીકરા કે મારી પત્નીના કામમાં નથી આવી શકતો. ડૉક્ટર ઈશાન મારી પત્ની સિતારાને આ કેવી રીતે ખબર પડી હશે?’
મારો પ્રશ્ન સાંભળીને ડૉક્ટર ઈશાન હસવા લાગ્યા. તેમને હસતા જોઈને મને ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો.
‘ઈશાન, માન્યું કે મેં મૂર્ખામી કરી છે પણ આ રીતે મારી પર હસ તો નહિ!’
‘શિવભાઈ, તમારી પર હસુ નહીં તો શું કરું?’
‘પણ તમારે હસવું કેમ છે? હું તમને અહીં મારી સમસ્યા જણાવી રહ્યો છું ને તમે મારી પર હસી રહ્યા છો. તમને નથી થતું કે તમે મારી મદદ કરો. હું ફરીવાર એ રસ્તે ન જાઉં એવું કંઈક કરો પણ તમે તો હસી રહ્યા છો.’
‘તો આપને શું લાગી રહ્યું છે? મેં તમારી માટે કંઈ નથી કર્યું?’
‘તમે અમારી માટે ઘણું કર્યું છે પણ હું મારી વાત કરી રહ્યો છું.’
‘તો તમારી માટે છેલ્લા બે દિવસથી હું જે કરી રહ્યો છું, એની તમને જાણ પણ નથી.’
‘કેમ! એવું તો તમે મારી માટે શું કરી રહ્યા છો? જેની મને જાણ પણ નથી.’
‘તો સાંભળો શિવભાઈ, બે દિવસ પહેલાં તમે ઉદાસ થઈને જેવા જ મારી હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે મને સમજાઈ ગયું હતું કે તમે ખૂબ જ માનસિક રીતે ત્રસ્ત થયા હશો. તમારું મન કામ કરી રહ્યું નહીં હોય! કાંતો તમારી તબિયત બગડશે કાંતો તમે વધારે ટેન્શન લેશો અને મેં તમારું બીપી માપ્યું હતું. તે ખૂબ હાઇ હતું. એટલે મને ડર હતો કે ના કરે નારાયણ ને કોઈ રામાયણ ઊભી થઈ જાય! તમને બ્રેઈન સ્ટ્રોક આવવાનો પણ ડર હતો, એટલે મેં મારા મિત્ર રોહિતને તમારી પાછળ મોકલ્યો હતો.’
ડૉક્ટર ઈશાનના મોઢે રોહિતનું નામ સાંભળીને હું શૉક થઈ ગયો.
‘શું કહ્યું! તમારો મિત્ર રોહિત?’
‘હા મારો મિત્ર રોહિત! જે તમને દારૂબાર સુધી લઈ ગયો હતો એ જ મિત્ર રોહિત.’
‘તો દારૂબાર સુધી તમે જ મને લઈ ગયા હતા?’
‘કોઈ ડૉક્ટર મરીજને આવી સલાહ નહીં આપે પણ તમારી જે હાલત હતી એ જોતાં માત્ર આ જ રસ્તો શેષ રહ્યો હતો. મેં જ રોહિતને મેસેજ કરીને કહ્યું હતું કે તમને દારૂબાર લઈ જાય અને ત્યાં જઈને તમને એક બિયર પીવડાવી દે.’
‘તો આ બધું તમારું પ્લાનિંગ હતું?’
‘આ બધું મારું નહીં પણ અમારું પ્લાનિંગ હતું.’
‘મતલબ?’
‘આ પ્લાનિંગમાં મેં સિતારા ભાભીને પણ શામિલ કર્યાં છે.’
‘મતલબ સિતારા પણ જાણતી હતી કે તમે મને દારૂબાર મોકલવાના હતા?’ મેં ખૂબ આશ્ર્ચર્યથી પૂછ્યું.
‘એ સિતારાભાભી જાણતાં નહોતાં પણ જે વસ્તુ અમે એક વખત અમારી રીતે કરાવી હતી એ જ વસ્તુ માટે તમે બીજી વખત દારૂબાર પહોંચી ગયા. એટલું જ નહિ મે બિયર માટે કહેલું હતું ને તમે દારૂબારનો સૌથી સ્ટ્રોંગ દારૂ પી ગયા. ત્યારબાદ રોહિતે તમને ઘરે છોડ્યા અને એ વાત મને સવારે તેને જણાવી. ત્યારબાદ સિતારાભાભી સાથે મળીને મેં આખો પ્લાન બનાવી દીધો. બીજું કે તમને કોઈ સ્વપ્ન આવ્યું નહોતું એ મેં તમારા દિમાગ સાથે રમત કરી હતી. તમારા મનમાં જે હતું એ જ મેં તમને વિઝયુલાઈઝેશનની મદદથી દ્રશ્યમાન કરાવ્યું. ત્યારબાદ મારા પ્લાનને આગળ અંજામ આપતાં સિતારાભાભી પાસે તમને કૉલ કરાવ્યો. પછી તો તમે એમના સ્વપ્ન વિશે જાણો છો. શિવભાઈ દારૂ પીને ભૂલી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. એ માત્ર મગજનો વહેમ હોય છે.’
ક્રમશ….

Leave a comment