લ્યુકેમિયા – 22 સમયે સદ્દબુદ્ધી આવી
ડૉક્ટર ઈશાનની વાત સાંભળીને તો હું સ્તબ્ધ થઈ ગયો. મને તો માન્યામાં જ નહોતું આવતું કે આવી રીતે પણ કોઈને સદમાર્ગે લાવી શકાય. ડૉક્ટર ઈશાન તેમની વાત આગળ વધારતા બોલ્યા,
‘શિવભાઈ, એ જ વિચારો છો ને કોઈ તમારી માટે આટલું કઈ રીતે કરી શકે! તો મેં તમને ભાઈ માન્યા છે અને જો તમે રસ્તો ભટકતા હોવ ને તો તમને યોગ્ય રસ્તે લાવવા એ મારી નૈતિક ફરજ બને છે. શિવભાઈ, તમે એટલું વિચારો કે જે તમે સ્વપ્નમાં જોયું એ સત્ય બની ગયું હોત તો! જે સિતારા ભાભીએ તમને કહ્યું એવું થાય તો! આ તો બધી મેં પેદા કરેલી ભ્રમણા હતી પણ જો ટેન્શનથી બચવા માટે તમે દારૂ પીવાનો રસ્તો પસંદ કરતા રહેશો તો જે તમારી ભ્રમણા છે એને સત્ય બનતાં વાર નહીં લાગે. બસ તમને એક જ વાત કહું છું, આપણા પરિવારનો તમે મોંભો છો અને જો એ મોંભો જ ડગી જશે તો આપણો આખો પરિવાર તૂટીને વિખરાઈ જશે. તમે સમજદાર છો, તમને સમજાવવા માટે મારે હવે બીજું કશું કરવાની જરૂર નથી.’
ડૉક્ટર ઈશાનની વાત હું બરાબર સમજી શકતો હતો. મારું મગજ પણ એ દિશામાં જ વિચાર કરવા લાગ્યું હતું. જે ભ્રમણા ડૉક્ટર ઈશાને મારા મગજમાં પેદા કરી હતી, એ હવે મારું મગજ પેદા કરવા લાગ્યું હતું. આ બધા વિચારો વચ્ચે મારું મગજ એક વાત નક્કી કરી ચૂક્યું હતું અને એ વાત મેં ડૉક્ટર ઈશાનને જણાવતાં કહ્યું,
‘ઈશાન, મને માફ કરી દો. હું એટલા ટેન્શનમાં આવી ગયો હતો કે તેને ભૂલાવવા માટે મેં એવો રસ્તો પસંદ કર્યો જેની ઉપર ચાલવું બળતા અંગારા પર ચાલવા બરાબર છે. જે દારૂમાં મારા ટેન્શનને ગોળીને હું પી રહ્યો હતો, એ દારૂ મને પી રહ્યો હતો. આ ચક્કરમાં હું એ તો ભૂલી ગયો કે મારા દીકરાને સ્વસ્થ કરવા માટે બે થી અઢી કરોડની જરૂર છે. હું એ ભૂલી ગયો હતો કે અઢીથી ત્રણ કરોડ જેવી વ્યવસ્થા તમે અને હોસ્પિટલના અન્ય મિત્રોએ કરી છે પણ બાપ હોવાના નાતે હું એ ભૂલી ગયો હતો કે મારી પણ કોઈ મારા દીકરા માટે ફરજ બને છે. સિતારા એકલી એના ભાઈ પાસે ગઈ. તે જાણતી હતી કે એનો ભાઈ એને ક્યારેય પણ સન્માન નહીં આપે! તેમ છતાં તે ત્યાં ગઈ અને અમારા દીકરાને બચાવવા માટે એ એકલી જ પ્રયાસ કરી રહી છે. આ બધામાં ક્યાંય હું દૂર દૂર સુધી નથી. કેમકે હું તો દારૂના અડ્ડા પર બેસીને દારૂ પીવામાં વ્યસ્ત હતો. મારુ દુઃખ, મારી તકલીફ, અહીં બધું મારું છે પણ જો મેં સિતારા સાથે અમારું દુઃખ, અમારી તકલીફ એમ સમજ્યું હોત તો આજે હું સિતારા સાથે હોત. સિતારા એકલી એના ભાઈ પાસે ન ગઈ હોત! એની સાથે હું ગયો હોત! એની સાથે જઈને મેં પણ એના ભાઈને મનાવવાની કોશિશ કરી હોત! પણ મેં શું કર્યું? દારૂના અડ્ડા પર બેસીને દારૂમાં ટેન્શન ગોળીને પીવા લાગ્યો. જો મને યોગ્ય સમયે રોકવામાં ન આવ્યો હોત તો ટેન્શનના નામે હું દારૂ પીતો રહેતો અને જરૂરિયાતના સમયે હું મારા દીકરા કે મારી પત્ની સાથે ન રહી શકતો.’
આટલું કહેતા કહેતા તો મારાં આંસુ ધારા બનીને વહેવા લાગ્યાં. મારી અંતરાત્મા પણ આજે રડી રહી હતી. મને અહેસાસ થઈ રહ્યો હતો કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી. હું હવે સમજી ગયો હતો અને ડૉક્ટર ઈશાન મને ઉદ્દેશીને બોલ્યા,
‘હું જાણું છું કે મારો મોટોભાઈ ખૂબ જ સમજદાર છે, હવે તેને શું કરવાનું છે એ પણ તે બરાબર રીતે જાણે છે.’
મેં મારાં આંસુ લૂછતાં કહ્યું, ‘હું હમણાં જ નાગપુર માટે રવાના થાઉં છું. ત્યાં જઈને મનનને મનાવવાની કોશિશ કરું છું. જો મનન માની જશે તો અમે બે થી અઢી કરોડની મદદ લઈને પરત ફરીશું. જો તે નહીં માને તો તેના પગ પણ પકડી લઈશ. બસ હવે એટલું જ ઈચ્છું છું કે ભગવાન બધું સારું કરે.’
‘શિવભાઈ, તમને તમારા દરેક કાર્યમાં ઈશ્વર સફળતા અર્પે અને હા બીજી વાત, મારું અને અમારનું બોનમેરો મેચ થઈ ગયું છે. હું તેનો ડોનર બની શકું છું.’
તેમના આ શબ્દો સાંભળીને મારું હૈયું ભરાઈ આવ્યું. ખબર નહીં પણ કેમ ઈશાન પોતાનામાંનો જ લાગી રહ્યો હતો. ઈશાનના રૂપમાં સ્વયં ઈશ્વર અમારી મદદે આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. ઈશાનના રૂપમાં મને પ્રથમ વખત આજે ઈશ્વરનાં દર્શન થયાં હતાં. ડૉક્ટર ઈશાન બોલ્યા,
‘હવે વધારે સમય વ્યર્થ ન કરો. સિતારા ભાભીને ફોન કરો કે તે ત્યાંથી નીકળે નહીં. જો તે નીકળી ગયાં હોય તો તેમને કશું જ કહેવાની જરૂર નથી. ભાભીના ભાઈ મનન સાથે તમારો પણ કંઇક સંબંધ છે. એ નાતે તમે એકલા જઈને એમને મળી આવો.’
‘તમે ઠીક કહી રહ્યા છો ડૉક્ટર ઈશાન. હું એમજ કરું છું.’
મેં ફટાફટ સિતારાને કૉલ કર્યો અને એને જેવો જ કૉલ ઉઠાવ્યો,
‘સિતારા, મને માફ કરી દે..’
‘અમારના બાપુ, આપ શેની માફી માગો છો?’
‘સિતારા, તું ખૂબ સારી રીતે જાણે છે કે હું શેની માટે માફી માગી રહ્યો છું.’
‘અમારના બાપુ, આપને આપની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તો આપે માફી માગવાની કોઈ જરૂર નથી. ભૂલ દરેક વ્યક્તિથી થાય છે. તમને યોગ્ય સમયે તમારી ભૂલ સમજાઈ ગઈ એ જ બહુ મોટી વાત છે. તમારે માફી માગવાની કોઈ જરૂર નથી.’
સિતારા પહેલાંથી જ આવી હતી. તે હંમેશાં મને મારી ભૂલોનો અહેસાસ કરાવતી પણ જો ક્યારેક હું માફી માગું તો એ મને એમ ન કરવા દેતી.
‘સિતારા, હું ઇચ્છતો તો તારી સાથે નાગપુર આવી શકતો હતો પણ મેં એ પણ ન કર્યું. તું જ બધું આપણા દીકરા માટે કરી રહી છે ને હું દારૂના અડ્ડા પર બેઠો બેઠો દારૂ ઢીંચી રહ્યો હતો. માત્ર તું જ આપણા દીકરા માટે કોશિશ કરી રહી છે પણ મેં કશુજ કર્યું નથી.’
‘અમારના બાપુ, તમે અમારને આ દુનિયામાં લાવીને મને જિંદગીની સૌથી મોટી ભેટ આપી છે. જે ભેટ મારી માટે સૌથી અમૂલ્ય છે. બસ તમે અમારની કસમ ખાઓ કે તમે દારૂને ક્યારેય પણ હાથ નહીં અડાવો.’
સિતારાના વચનના જવાબમાં મેં એટલું જ કહ્યું, ‘મગજ અને દિલની લડાઈ આગળ હું હારી ગયો હતો. એ હારની આગળ હું એ રીતે હાર્યો કે એ રસ્તે ચાલી નીકળ્યો જે રસ્તાને મેં ક્યારેય પણ જોયો નહોતો. એ રસ્તા પર જવાનું વિચાર્યું પણ નહોતું. તું કહી રહી છે એટલે હું અમારની કસમ ખાઈ રહ્યો છું અને તને એક વચન આપી રહ્યો છું કે આ જ પછી હું એ રસ્તે ક્યારેય નહીં જાઉં!’
સિતારા થોડી રિલેક્સ થઈ હોય એમ કહ્યું, ‘અમારના બાપુ, મેં ઘણી કોશિશ કરી પણ મનન પૈસા આપવા માટે તૈયાર ન થયો પણ એક વાત સારી એ થઈ છે કે મનનની અમાર સાથે દોસ્તી થઈ ગઈ છે. અમાર તેનું દિલ જીતવામાં કામયાબ થયો છે. મેં નક્કી કર્યું છે કે આજની રાત હું અહીં જ રોકાઈશ.’
મારે જે જોઈતું હતું એ સિતારાએ સામેથી કહી દીધું. અમારના મામાની અમાર સાથે દોસ્તી થઈ ગઈ હતી, તે જાણીને હું થોડો રિલેક્સ થયો. મેં સિતારાને એટલું કહ્યું, ‘તું કોઈપણ જાતની ચિંતા ન કરતી, બસ આપણે બહુ જલદી મળીએ છીએ. અમારનું ધ્યાન રાખજે.’
ત્યારે સિતારાએ બસ એટલું જ કહ્યું, ‘તમે અમારની જરાય પણ ચિંતા ના કરતા. તે અત્યારે મારા ભાઈ સાથે રમી રહ્યો છે. બીજું કે તમે ત્યાં નહીં જાવ એવી હું આશા રાખું છું.’
‘ક્યારેય નહીં જાઉં એવું હું તને વચન આપું છું.’
આટલું કહેતાં મેં ફોન મૂકી દીધો. ડૉક્ટર અમાર પણ હજુ મારા ઘરે જ હતા, મેં એમને કહ્યું,
‘જો તમે અમારી જિંદગીમાં ન હોત તો, ખબર નહિ અમે આટલી ભયંકર સિચ્યુએશન સાથે કેવી રીતે લડતાં? તમે અમારી જિંદગી એકદમ આસાન બનાવી દીધી છે. તમારો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે.’
‘શિવભાઈ, હું ડૉક્ટર હોવાની પહેલાં એક માણસ છું અને મેં ફક્ત અમાર માટે માણસાઈ દાખવી છે. અમાર જેટલો તમારો દીકરો છે ને એટલો હું એને મારો દીકરો પણ માનું છું. મેં પહેલાં પણ તમને કહ્યું છે, કે મારાથી થતા તમામ પ્રયાસો હું કરીશ પણ એનો મતલબ એ નથી કે આપણે નિશ્ચિત થઈ જઈએ. ઈશ્વરની કૃપાથી હું અમારનો ડોનર બની શકું છું, એ મારું સૌભાગ્ય છે પણ વાત આટલે ખતમ થતી નથી! આપણે આ રિસ્કી ઈલાજ માટે પ્રથમ પૈસા ભેગા કરવા પડશે. અને હું તો એવું ઇચ્છું છું કે આપણે કોઈની જમાપુંજી લઈને આપણા અમારનો ઈલાજ નથી કરાવવો, આપણે કોઈક અન્ય રસ્તો પસંદ કરીને ૪-૫ કરોડ ભેગા કરવા પડશે.’
ક્રમશ……

Leave a comment