ખુશીનાં હસ્તાક્ષર
આમ જોઈએ તો સુખનું સરનામું હોય કે દુઃખનો દસ્તાવેજ હોય, તેનાં પર આપણા પોતાના જ હસ્તાક્ષર હોય છે. આવા જ હસ્તાક્ષર રૂહાની તેની જિંદગીમાં કરી બેઠી. અઢાર વર્ષની ઉંમરે એક ખોટાં નિર્ણયને લીધે એની જિંદગીની વસંત પાનખરમાં પરિણમી.
એક તરફ પોતાની સાત મહિનાની દીકરી રુહીને પોતાની મમ્મીને સોંપી એ બી.એડ કરવા આણંદ ગઈ અને બીજી તરફ એનો પતિ નવલ દારૂની લતે ચઢવા લાગ્યો. બી.એડ કરી જેવી તે આણંદથી પરત આવી કે તેનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. પતિની દારુની લત જોર પકડી રહી હતી. કહેવાય છે ને કે વ્યસનના વમળમાં ફસાયેલ માણસ આખા પરિવારને બરબાદ કરી નાંખે છે. દારુની સાથે સાથે જુગાર જોડાયો અને રૂહાનીની બે પાંદડે થવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. સાસુ સસરાનો ખાસ કોઈ જ સહારો નહીં. ઉપરથી તેઓ પણ નવલનાં આ વ્યાભિચાર માટે રૂહાનીને જ જવાબદાર માનતા.
ભગવાનનું કરવું કે રૂહાનીને એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. શાળાનાં પગાર અને ટ્યુશન કરાવી એ પોતે ઘર ચલાવતી. દીકરીને ભણાવતી તો બીજી તરફ રૂહાનીને શારીરિક માનસિક ત્રાસ આપી નવલ તેની પાસેથી રૂપિયા કઢાવી લેતો. રૂપિયા ના આપે તો ગંદી ગાળો અને ઢોરમાર પણ મારતો. ક્યારેક ઝનૂની બની રૂહાનીના ગળા પર ચપ્પુ મૂકી દેતો તો ક્યારેક આખી રાત રૂહાનીને માર મારી તેનાં કપડા લઈ લેતો જેથી તે કોઈની મદદ માંગવા રુમ બહાર ના જઈ શકે.
ઘણાં વર્ષો સુધી આમ જ ચાલ્યું. પતિથી ત્રાસી, કંટાળીને તે પોતાની મમ્મીને ત્યાં આવી જતી તો નવલ ત્યાં આવીને પણ તેમને હેરાન કરતો. ધીમે ધીમે નવલ દેવામાં ડૂબવા લાગ્યો અને પોતાનાં દેવા ચૂકવવા એ રૂહાની પર પોતાનાં અત્યાચાર વધારવા લાગ્યો. બીજી તરફ દીકરી મોટી થઈ રહી હતી. પણ નવલની સુધરવાની કોઈ જ શક્યતા ના હતી. પતિનાં શારીરિક અને માનસિક શોષણથી કંટાળી આખરે હારીને રૂહાનીએ એક દિવસ પોતાની જિંદગી સાથેનો કરારભંગ કર્યો.
“હવે જીવવું જ નથી. આવી જિંદગી કરતાં તો મોત સારું. ક્યાં સુધી પોતાની જિંદગીને આમ જ ઢસડવાની? ફ્કત નવલનાં મોજશોખ માટે?મારી જિંદગી મારી છે તો નિર્ણયો પણ મારા જ હશે. ભૂલ મારી છે તો પ્રતિકાર પણ મારો જ હશે. અને હા, ભૂલ કરી છે તો જરૂરી નથી કે હું એ એક ભૂલ માટે જનમટીપની સજા ભોગવું. મારી ભૂલને હું જ સુધારી શકું. તેથી મારે કોઈને પણ સ્પષ્ટતા આપવાની જરૂર નથી. હું માનું છું કે સ્પષ્ટતા એવા લોકોને આપવી જોઈએ કે જે મને અને મારી પરિસ્થિતિને સમજી શકે. બીજા લોકોની નજરમાં મારે સારા કે સાચા નથી બનવું પણ હા, હું મારા પોતાના લોકો અને ખુદ સ્વની નજરમાં સારી અને સાચી હોવ એ મારા માટે અગત્યનું છે. બીજા લોકો શું વિચારશે એ વિચારીને આટલાં વર્ષો બગાડયા પણ હવે નહીં. મારા બગાડેલા વર્ષો તો હું જિંદગી પાસેથી પાછી ના માંગી શકું પણ જિંદગીના આવનારા વર્ષોને તો હું મનભરીને જીવી શકું.”
એક તરફ ચાળીસની ઉંમર, જીવનની સેકન્ડ ઈનિંગની તૈયારી,દીકરીની જવાબદારી અને ઝીરો બેંક બેલેન્સ સાથે રૂહાની એ એક મક્કમ નિર્ધાર કર્યો અને જિંદગીને અલવિદા કરવાની તૈયારી કરી લીધી. “ક્યાં તો મરીશ, ક્યાં તો જીવીશ, પણ નવલ સાથે તો નહીં જ, નવલ માટે પણ નહીં”. અને આજે રૂહાની શાંતિથી ખુશી ખુશી પોતાની દીકરી સાથે નિરાંતે, મનભરીને જીવે છે. પોતાની જિંદગીનાં દસ્તાવેજ પર એણે ખુશીનાં હસ્તાક્ષર કર્યા છે.
—————
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment