નવલિકા – લક્ષ્મી મારું અભિમાન (ભાગ – 1)

નામ તો હતું સુરેખા. પણ, બધાં તેને સુખી કહીને જ બોલાવતા. સુખી માત્ર નામ હતું, પણ જીવનમાં સુખનું વર્ચસ્વ નહોતું. દુઃખ જ જાણે લઈને જન્મી હતી. છતાં સુખીના ચહેરા પર હાસ્યનું લાવણ્ય હંમેશા ચમકતું રહેતું. 1 વર્ષની થઈ ત્યારે માઁ ઘરનાં ચૂલાથી દાઝીને મરી ગઈ. પિતાએ બીજા લગ્ન કર્યા. અપર માઁ એ અપર માઁ જ હોય છે. એ ઈલાએ સાબીત કરી દીધું.

પૈસાની લાલચમાં અને પત્નીની ચડામણીથી નાની ઉંમરમાં જ સુખીના લગ્ન તેનાથી 10 વર્ષ મોટાં અને બીજવર વાસુદેવ સાથે કરી દીધા. અપરમાંના ત્રાસમાંથી છૂટીને સુખી એક શ્રીમંત કુટુંબમાં વાસુદેવની પત્ની બનીને આવી ગઈ. પત્ની તો બની ગઈ પરંતુ, ઘરમાં હુકુમ તો વાસુદેવની માતા રમાદેવીનો જ ચાલતો. લગ્નનાં છ મહિનામાં સુખી ગર્ભવતી બની. ગર્ભાવસ્થા દરમ્યાન તો સુખીનું બરાબર ધ્યાન રખાયું. અસલી રંગ ત્યારે સામે આવ્યો જયારે સુખીએ દીકરીને જન્મ આપ્યો.દીકરી જન્મી છે એ સમાચાર સાંભળીને જ બંન્ને માઁ – દીકરાનાં ચેહરાના હાવભાવ બદલાઈ ગયાં. વાસુદેવ તો એનું મોઢું સુદ્ધા જોવા તૈયાર નહોતો. સુખી પ્રત્યેનું વર્તન પણ બદલાઈ ગયું. સુખી સમજી ગઈ કે, કોઈને દીકરીની કશી પડી નથી. માટે એણે જાતે જ તેનું નામ ‘ લક્ષ્મી ‘ રાખી દીધું. લક્ષ્મી માના પાલવના પડછાયાં રૂપી પ્રેમમાં જ ઉછરવા લાગી. પિતા સામે હોવા છતાં પણ પિતાના પ્રેમથી વંચિત રહેતી.  લક્ષ્મી પોતાની આંખ સામે રડી રહી હોય તો પણ વાસુદેવ બોલાવતો નહીં. રમાદેવી પણ વાતે વાતે મહેણાં માર્યા કરતાં. સુખી આ બધું જ પોતાની નજર સમક્ષ જોતી, પણ કંઈ બોલી શકતી નહીં. લક્ષ્મી હજી તો માંડ દોઢ વર્ષની થઈ ત્યાં તો ફરી મેહરબાની થઈ અને સુખી ગર્ભવતી બની. ફરીથી સુખીની તો કાળજી કરાઈ પણ લક્ષ્મી સાથેના વર્તનમાં કોઈ ફેર નહોતો થયો.એમ ને એમ આઠ મહિના વીત્યા.


સુખી દવાખાને ગઈ હતી અને નાની લક્ષ્મી ઘરે હતી. એને રમાદેવી પાસે ભૂખ લાગતા પોતાની કાલી ભાષામાં ખાવાનું માંગ્યું.
બા……બા…. બા મને ભૂખ લાગી છે.
હા તો…. મેહરબાની કરો છો મારી ઉપર, જીવીને. તારી માં આવશે એટલે આપશે. જા મને મારું કામ કરવાં દે. રમાદેવી બરડ ભાષામાં કહી રહ્યાં.

આવી મીઠી ભાષા તો અતરપીનું કાળજું પણ પીગળાવી દે. પણ રમાદેવી પર તેની કોઈ અસર નાં થઈ. ઉદાસ મને લક્ષ્મી બેસી ગઈ. પણ ભૂખ બહુ લાગી હતી. ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું બનાવીને મૂકેલું હતું. સાથે ફળ પણ પડ્યાં હતાં. લક્ષ્મી જાતે જ ફળ લેવા ગઈ તેમાં ટેબલ ઉપર ગરમ ગરમ પડેલું ખીરનું તપેલું હલવા લાગ્યું. તપેલું લક્ષ્મી પર પડવાની તૈયારી જ હતી ત્યાં સુખી આવી ગઈ. તેણે જોરથી બૂમ પાડી.

લક્ષ્મીને તો સુખીએ બચાવી લીધી. પણ દોડવા જતા એ પોતે પડી ગઈ. સુવાવડ કરવી પડી. દીકરો જન્મ્યો પણ, કમનસીબે મૃત જન્મ્યો.નાની, અજાણ, નિર્દોષ લક્ષ્મી ઉપર જાણે પહાડ તૂટી પડ્યો. વાસુદેવ અને રમાદેવીનો કાળો કેર વધુ કારમો થઈ ગયો.

ફરીથી એ જ પરિસ્થિતિ ઉભી થઈ. સુખી પોતાનાં રૂમમાં આરામ કરતી હતી. લક્ષમીએ જમવાનું માંગતા રમાદેવી જાણે ભડકી ઉઠ્યા.

મરી  જવાની હતી. ખાધા વગર…. સહેજ રાહ જોઈ હોત તો…. આજે ઘરનો કુળદિપક જીવતો હોત. વાસુદેવ પણ આવ્યો અને તે પણ માનાં વર્તનમાં સાથ આપવા જોડાયો.

લક્ષ્મીને કાંઈ સમજાતું નહોતું કે બા અને પપ્પા શું બોલી રહ્યાં છે.  એતો બસ બાળસહજ એટલુંજ બોલી.મને બહુ ભૂખ લાગી છે.

વાસુદેવ જાણે બધો ગુસ્સો લક્ષ્મી પર કાઢવાનો હોય એમ ઉભો થતાં બોલ્યો.
મારાં દીકરાને ભરખી ગઈ, અને તને ભૂખ લાગી છે? તને તો…. આજે…..

( એમ કહીને, વાસુદેવ લક્ષ્મી ઉપર હાથ ઉઠવા જ જતો હતો. ત્યાં સુખી જેમ તેમ કરીને પથારીમાંથી ઉભી થઈને આવી. હતી એટલી બધી હિમ્મ્ત ભેગી કરીને પેહલી વાર સુખી ઊંચા અવાજે બોલી. )

( વાસુદેવનો હાથ પકડતા.) ખબરદાર, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે. કયું જોર બતાવી રહ્યાં છો? દીકરો જે નથી તેનો અફસોસ કરો છો? દીકરી જે જન્મી ત્યારથી બાપનાં પ્રેમ માટે તલસી રહી છે એને વ્હાલ તો દૂર, આટલા મોટાં ઘરમાં ખાવાનું સરખું નથી આપી શકતા?
હા, નહિં આપું. એ ઠીકરીને મારાં ઘરમાંથી કાંઈ નહિં મળે. એ ગુન્હેગાર છે.

ગુન્હેગાર કોણ છે ? એનાં માટે જરા આજુ – બાજુ કે પછી પોતાનાં દિલમાં ઝાંકો.

ઓહોહો….. તો માંકડને આંખો આવી છે?  રમાદેવી બોલ્યા.
મારી સામે શું જોઈ રહી છે?

માત્ર જોઈશ નહિં. બોલીશ પણ ખરી. જો તમે તે દિવસે મારી દીકરીને જમવાનું આપ્યું હોત તો આજે મારો દીકરો પણ જીવતો હોત. ખારાં ગુન્હેગાર તમે છો. રમાદેવી…. તમે.

અને વાસુદેવજી, તમને તમારી…. નહિં…. મારી દીકરીની હાય લાગી છે. તમે ક્યારેય દીકરાનું સુખ નહિં પામી શકો અને પામશો તો તે માત્ર નામનું. જેમ તમે લક્ષ્મીને ધૂત્કારો છોને. એમ તમારો જ દીકરો, તમારું લોહી એક દિવસ તમને હડસેલશે. આ એક માઁ બોલી રહી છે.

અરે, ચાલ જા અહીંથી નીકળી જા…. શાપ આપવા વાળી. રમાદેવી સુખીને ધક્કો મારતાં બોલ્યા.

મારે, રેહવું પણ નથી. જ્યાં મારી દીકરીને પ્રેમ ના મળે.
ચાલ, લક્ષ્મી. હજી તારી માઁ જીવતી છે. તાકાત છે એનાં હાથ – બાવળામાં. તારી માઁ તને ખવડાવશે. સુખીની આંખોમાં માની મમતા અને સ્વાભિમાન સાથે છલકી રહ્યું હતું.

સુખી નાનકડી લક્ષ્મીને લઈને ઘરની બહાર એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ઘરની બહાર નીકળી ગઈ.

                                                           ( ક્ર્મશ: )
તન્વી શુક્લ

Leave a comment