પ્રકાંડ વિદ્વાન : અષ્ટાવક્ર
અષ્ટાવક્ર એવા પ્રકાંડ વિદ્વાન હતા કે માતાના ગર્ભમાં હોવા છતા પોતાના પિતાશ્રી “કહોડ” ને અશુદ્ધ વેદપાઠ કરવા બદલ ટોકી દીધા હતા, જેના કારણે ક્રોધિત થઈ પિતાએ તેમને આઠ સ્થાનો પર વક્ર (વેંકાયેલા) થવાનો શ્રાપ આપી દીધો હતો.
પૌરાણિક કથા
અષ્ટાવક્ર અદ્વૈત વેદાંતના મહત્વપૂર્ણ ગ્રંથ “અષ્ટાવક્ર ગીતા” ના ઋષિ છે. “અષ્ટાવક્ર ગીતા” અદ્વૈત વેદાંતનો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે.
‘અષ્ટાવક્ર’ નો અર્થ થાય છે “આઠ સ્થળેથી વાંકો થયેલો”.
કહેવામાં આવે છે કે અષ્ટાવક્રનું શરીર આઠ જગ્યાએથી વાંકડું હતું.
ઋષિ ઉદ્દાલકના પુત્રનું નામ શ્વેતકેતુ હતું. ઉદ્દાલકના શિષ્યનું નામ કહોડ હતું. ઉદ્દાલકે કહોડને સંપૂર્ણ વેદોનું જ્ઞાન આપ્યા બાદ પોતાની રૂપવતી અને ગુણવતી પુત્રી સુજાતાનું લગ્ન કહોડ સાથે કરાવ્યું. થોડા સમય પછી સુજાતા ગર્ભવતી બની.
એક દિવસ કહોડ વેદપાઠ કરતા હતા ત્યારે ગર્ભસ્થ બાળક (અષ્ટાવક્ર) એ જણાવ્યું કે પિતાશ્રી, તમે વેદોમાં ભૂલથી પાઠ કરી રહ્યા છો. આ સાંભળી કહોડ ક્રોધિત થઈ ગયા અને કહ્યું: “તું ગર્ભમાં રહીને પણ મને ટોકી રહ્યો છે, તેથી તું આઠ સ્થળે વાંકડો થઈ જઈશ!”
હઠાત કહોડ એક દિવસ રાજા જનકના દરબારમાં પહોંચ્યા. ત્યાં શાસ્ત્રાર્થમાં તેમને બંદીથી પરાજય મળ્યો અને હાર્યા પછી તેમને જળમાં ડૂબાડી દેવામાં આવ્યા.
આ ઘટના બાદ અષ્ટાવક્રનો જન્મ થયો. પિતા ન હોવાથી અષ્ટાવક્ર પોતાના નાણા ઉદ્દાલકને પિતા સમાન માનતા અને શ્વેતકેતુને ભાઈ ગણતા. એક દિવસ જ્યારે અષ્ટાવક્ર ઉદ્દાલકની ગોદમાં હતા ત્યારે શ્વેતકેતુ એ તેમને ગોદમાંથી દૂર ઠેલતા કહેલું કે, “હટી જા, આ ગોદ તારી નથી.”
આ સાંભળીને અષ્ટાવક્ર દુઃખી થયા અને માતાજી પાસે જઈ પિતાની વિગતો જાણવી માંગી. માતાએ તેમને બધું સાચું કહી આપ્યું.
માતાનું સત્ય સાંભળી અષ્ટાવક્ર પોતાના મામા શ્વેતકેતુ સાથે રાજા જનકના યજ્ઞશાળા પહોંચ્યા શાસ્ત્રાર્થ માટે. દ્વારપાલોએ તેમને રોક્યા અને કહ્યું કે બાળકોને પ્રવેશ ના હોવો જોઈએ.
આ સાંભળી અષ્ટાવક્ર બોલ્યા: “માત્ર વયથી કે વાળ સફેદ થતાં કોઈ મહાન નથી બનતો; વેદોના જ્ઞાન અને બુદ્ધિપ્રગટિથી જ મહાન બનાય છે.”
આ રીતે તેઓ રાજા જનકની સભામાં પહોંચ્યા અને બંદીને શાસ્ત્રાર્થ માટે લલકાર્યું.
રાજા જનકે તેમની પરીક્ષા લેતાં પુછ્યું: “એવો કયો પુરુષ છે જેને ત્રીસ અવયવ, બાર અંશ, ચોવીસ પર્વ અને ત્રણસો સાઠ અક્ષરવાળી વસ્તુનું જ્ઞાન છે?”
અષ્ટાવક્રે તરત જવાબ આપ્યો: “રાજન! વર્ષ એક એવું છે જેમાં ચોવીસ પક્ષો છે, છ ઋતુઓ છે, બાર મહિના છે અને ત્રણસો સાઠ દિવસ છે.”
અષ્ટાવક્રના સચોટ જવાબથી પ્રસન્ન થઈ રાજા જનકે તેમને બંદી સાથે શાસ્ત્રાર્થની મંજૂરી આપી.
બંદી અને અષ્ટાવક્ર વચ્ચેનું શાસ્ત્રાર્થ ઘણા મજેદાર પ્રશ્ન-જવાબ સાથે ચાલી રહ્યું:
બંદી: એક સૂર્ય આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે.
અષ્ટાવક્ર: ઈન્દ્ર અને અગ્નિ બે દેવ છે; નારદ અને પર્વત બે દેવર્ષિ છે.
બંદી: યજ્ઞ ત્રણ કાળમાં થાય છે.
અષ્ટાવક્ર: આશ્રમ ચાર છે, વર્ણ ચાર છે, દિશાઓ ચાર છે.
અને આમ એક પછી એક વાર્તાલાપ વધતો રહ્યો.
અંતે, બંદી શ્લોકની પંક્તિ ભૂલી ગયો અને અષ્ટાવક્ર એ શ્લોક પૂર્ણ કર્યો.
શાસ્ત્રાર્થમાં બંદીની હાર થતાં અષ્ટાવક્રએ કહ્યું: “હવે તેને પણ જળમાં ડૂબાડી દો.”
ત્યારે બંદીએ કહ્યું કે તે વરૂણ દેવનો પુત્ર છે અને તેણે તમામ હારેલા બ્રાહ્મણોને પોતાના પિતા પાસે મોકલ્યા છે. થોડા સમયમાં બધા બ્રાહ્મણો પાછા આવ્યા, જેમાં અષ્ટાવક્રના પિતા કહોડ પણ હતા.
અષ્ટાવક્રએ પિતાને પ્રણામ કર્યું. પિતાએ આશીર્વાદ આપતા કહ્યું કે: “પુત્ર, સમંગા નદીમાં સ્નાન કરજે, તું મારા શ્રાપથી મુક્ત થઈ જશે.”
અષ્ટાવક્રે સમંગા નદીમાં સ્નાન કર્યું અને તેમના બધા વાંકડા અંગ સીધા થઈ ગયા.
આવી છે અમારી મહાન અને દિવ્ય સનાતન સંસ્કૃતિ!
✍️ સૂચિતા રાવલ
Leave a comment