કાશ
“ના, ના… હું લગ્ન કરીશ તો ફ્કત રાજ સાથે જ, નહીંતર મરી જઈશ.”અપરિપક્વ ઉંમરમાં રોશનીએ પોતાનો નિર્ણય પોતાનાં પરિવારજનોને જણાવી દીધો. “પણ બેટા, રાજ તારે લાયક નથી. વળી બેટા, ક્યાં આપણો ભણેલો ગણેલો પરિવાર અને ક્યાં એમનો …” રોશનીની બાએ તેને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. “બેટા, રોશની, એક વખત વિચારી લે બેટા, અમે તારા શુભચિંતકો છીએ. તારું સારું ખોટું વિચારી શકીએ છીએ, બેટા. ઉતાવળે અવિચારી પગલું ના ભર બેટા.”- તેનાં મોટા પપ્પાએ તેને સમજાવી જોઈ પણ, પત્થર પર પાણી. અઢાર વર્ષની નાની ઉંમરે લીધેલો એક નિણર્ય તેનાં જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે એ પ્રેમમાં અંધ બનેલી રોશનીને ત્યારે થોડી ખબર હતી!
રાજ સાથેનાં લગ્ન તો એને મન પોતાનાં પ્રેમની જીત હતી પણ લગ્નનાં 3 વર્ષમાં જ રોશનીને પોતાની ભૂલનો વારંવાર અહેસાસ થતો. એક તરફ રૂપિયાનાં મોહમાં અંધ બનેલાં ધૃતરાષ્ટ્ર જેવાં સસરા અને દીકરાના પ્રેમમાં અંધ બનેલી ગાંધારી જેવી સાસુ, વળી વ્યસન અને વ્યાભિચારમાં ગળાડૂબ રહેતો પતિ રોશનીને દરરોજ પોતાનાં જીવનની ગંભીર ભૂલનો અને ખોટા નિર્ણયનો અહેસાસ કરાવતા. દરરોજ રોશનીને પોતાનાં નિણર્ય પર પસ્તાવો થતો. એ રોજ જ પોતાને કહેતી “કાશ, ત્યારે બા અને મોટા પપ્પાની વાત માની લીધી હોત… કાશ જીવનનો આ નિર્ણય ના લીધો હોત… કાશ… બંધ આંખે પ્રેમ કરવાને બદલે, ઉઘાડી આંખે વ્યકિતને પારખ્યો હોત… કાશ…” આવા કેટલાય “કાશ”નાં નિસાસા એની આંખેથી વહી જતાં…
–––––––
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment