નવલિકા ~ ‘લક્ષ્મી’ મારું અભિમાન – (ભાગ 2)
જયારે કોઈ સ્ત્રી જીદ પર આવી જાય છે ત્યારે કંઈપણ અશક્યને શક્ય બનાવવાની તાકાત ધરાવે છે. એમાં પણ જયારે કોઈ માઁ પોતાનાં બાળક માટે મક્કમ બની જાય ત્યારે ખુદ ભગવાન પણ તેનો સાથ આપે છે.
સુખી કંઈપણ વિચાર કર્યા વગર ઘરની બહાર તો નીકળી ગઈ હતી. પણ, એને ખુદનેજ ખબર નહોતી કે એ કયાં જશે? પોતાના ઘરે જવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. કેમકે, એ ગમેતેમ કરીને પાછી એને વાસુદેવના ઘરે જ મૂકી આવત.
રાત પડવાની તૈયારી હતી. સુખી ફૂટપાથ પર નાની લક્ષ્મીને લઈને બેઠી હતી. આજુબાજુ જમવાની લારી પરથી જમવાનું માંગી લાવી દીકરીને જમાડ્યું.જયારે એજ દીકરીએ પ્રેમથી એમ કીધું કે,
લે મમ્મી, તું પણ ખાઈ લે.કોળિયો ધરતા બોલી રહેલી લક્ષ્મી જાણે બધું સમજી ગઈ હોય એમ કહી રહી હતી.
લક્ષ્મીની આંખોના ભાવ જોઈને સુખીમાં જાણે નવું જોમ આવી ગયું. રાત એજ ફૂટપાથ પર વિતાવી. દિવસ થતાં આગળ ચાલતા ચાલતા એક મંદિર દેખાતા બંન્ને ત્યાં જ બેસી ગયાં. મંદિરની સામે એક રોડ બનતો હતો, ત્યાં કલર કામ જેવું ચાલતું હોય એવું લાગતા સુખી કામની આશાએ લક્ષ્મીને મંદિરમાંજ બેસાડી ત્યાં ગઈ. સુખીને કલર કરવાનું નાનું કામ મળી ગયું. મંદિરમાં રેહતાં અને સુખી સામે રોડ ઉપર કલરકામ કરી આવી રોજના પૈસા મેળવી લેતી. એમ થોડાં દિવસ ચાલ્યું. અંતે કામ પૂરું થઈ ગયું.
સુખીએ પૈસા આપી રહેલાં શેઠને આશાભરી નજર નાંખી પૂછ્યું.: શેઠ, હવે બીજે કયાં કામ ચાલુ થશે? હું કરીશ?
એ તો નક્કી નાં હોય બેન. બીજો ઓર્ડર છે પણ, હજી વાર છે. શેઠે જવાબ આપ્યો.
સુખી નિરાશ થઈ ગઈ. તેનાં ચેહરાની લાચારી જાણે એ શેઠે વાંચી લીધી હોય તેમ એણે કહ્યું.
બાંગ્લાના કામ ફાવશે?
હા શેઠ…. કરી લઈશ. સુખીની આંખોમાં જાણે ચમક આવી ગઈ.
ઠીક છે. તારું ઘર કયાં છે?
આ મંદિર…
ઓહ, સમજી ગયો. બંગલા અહીંથી થોડાં દૂર છે. તું અહીં રહીશ તો નહિં ફાવે. એક કામ કર, થોડાં દિવસ મારાં ઘરનાં કમ્પાઉન્ડમાં ઓરડી છે ત્યાં રહીલે. પછી હું બીજે વ્યવસ્થા કરી આપીશ. પણ, હા કામ તારે જાતે શોધવા પડશે. મારાં ઘરનું કામ પાક્કું.
સુખી ભણેલી તો હતી નહિં. એટલે મોટાં કામની આશા પણ નહોતી. એણે તો જાણે મંદિરમાં બેઠેલી મૂર્તિનો ભગવાન એ શેઠમાં જ દેખાયો. એણે હા પાડી દીધી. અને શરૂ થઈ સુખી અને લક્ષમીની નવી જીવનસફર.
શેઠની મદદથી થોડાં વખતમાં સુખીને ચાલીમાં રહેવા માટે નાનું એવું ઘર મળી ગયું. અને બંગળાઓમાં કામ પણ મળી ગયું.
સુખી જ્યાં કામ કરવાં જાય ત્યાં લક્ષ્મીને સાથે જ લઈ જતી. મોટાં મોટાં બંગલાઓમાં છોકરાઓ રમકડાં અને ભણવાના ચોપડાઓ ફેલાવીને રાખતાં. લક્ષ્મી એ ફેલાયેલા રમકડાં કરતાં વધુ એ ચોપડાઓને એવી રીતે ગોઠવતી જાણે કોઈ વ્યક્તિ પ્રત્યેનો વાત્સલ્યભાવ હોય. સુખી તેનો ભણતર પ્રત્યેનો લગાવ પારખી ગઈ.
સમયને જતા વાર નથી લાગતી. લક્ષ્મી પણ મોટી થતી જતી હતી. સુખીએ તેનો દાખલો સ્કૂલમાં કરાવ્યો અને પોતે વધુને વધુ મેહનત કરવાં લાગી. સીવણકામ આવડતું હોવાથી સીવણ પણ ચાલુ કર્યું. લક્ષ્મીને ધગસપૂર્વક ભણતી જોઈને. સુખીને સંતોષ થતો. પિતા, પતિ, ઘર, દીકરો કાંઈજ ખોવાનો તેને અફસોસ નહોતો. લક્ષ્મી જ તેની દુનિયા હતી.
જીવનરૂપી ડાયરીમાં સમય નામના પાનાં પલટવા લાગ્યા. સુખી અને લક્ષ્મી બંન્ને પોતપોતાની રીતે મેહનત કરતી અને પોતાનો શ્રેય આપતી. લક્ષ્મી પણ માને મદદ કરતી. ભણવામાં પણ હોંશિયાર હોવાથી ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ પણ મળી.
મેહનતા ફળ સ્વરૂપે લક્ષમીની આંખોમાં ચમકતું ડોકટર બનવાનું સપનું હકીકત બની ગયું. સુખીની ખુશીનો કોઈ પાર નહોતો. ખરું સુખ તો આજે એને મળ્યું હતું. જયારે દુનિયા પોતાની વ્હાલસોઈ દીકરીને ડોક્ટર લક્ષ્મી સુરેખા રાજપૂત કેહતા.
લક્ષમીએ પોતાની માતાને નોકરીનો ઓર્ડર હાથમાં પકડાવતા કહ્યું.
મમ્મી હવે, તારે કામ કરવાની જરૂર નથી. મને શહેરની મોટી હોસ્પિટલમાં ડોક્ટર તરીકેની નોકરી મળી ગઈ છે. એની આસપાસ જ આપણે ઘર શોધી લઈશું.
પણ, બેટાં હું ત્યાં ઘરે બેસીને એકલા એકલા શું કરીશ?
આરામ માઁ…. બધું કરવામાં તે એજ નથી કર્યું.
મારાં માટે તે જે કર્યું છે એનું ઋણ તો હું ક્યારેય નહિં ચૂકવી શકું. અને મારે ચૂકવવું પણ નથી, કેમકે, મારે દરેક જન્મમાં તું જ માઁનાં રૂપમાં જોઈએ છે.
બંન્ને બાજુ સપ્રમાણ પ્રેમની અશ્રુધારા વહી રહી.
કરમની કરની કહો કે, કુદરતનો જવાબ કહો….. વાસુદેવે સુખીને ઘરમાંથી કાઢી મુક્યા પછી ત્રીજા લગ્ન કર્યા. દીકરો પણ અવતર્યો. પત્ની સંપતીની લાલચી નીકળી અને દીકરો નરાધમ પાક્યો. માં જેમ કેહતી તેમ જ કરતો. તેની પત્ની રમાદેવીને પણ બરાબર પહોંચી વળતી. ઉંમર થતાં તે સવર્ગે સીધાવ્યા. આ બાજુ બંન્ને માં – દીકરાએ મળીને વાસુદેવની બધીજ મિલ્કત પડાવી લીધી અને તેને ગુલામ બનાવી દીધો. વાસુદેવે સામે અવાજ ઉઠાવતા ઘરની બહાર મરવાના વાંકે ધકેલી દીધો.
વિચારોમા રઝળતો વાસુદેવ આમતેમ ભટકવા લાગ્યો, એક કર નીચે આવીને તેનો જાનલેવા અકસ્માત થયો. સંજોગોવસાત તેને એજ હોસ્પીટલમાં દાખલ કરાયો જ્યાં લક્ષ્મી ડોક્ટર તરીકેની ફરજ બજાવતી હતી. નસીબનો ખેલ એવો રચયો કે, લક્ષમીએ જ વાસુદેવનું ઑપરેશન કર્યું. અજાણતા તો અજાણતા…એક દીકરીએ પિતાને જીવનદાન આપ્યું.
દિવસો જતા વાસુદેવ સાજો થઈ ગયો અને એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ઘર તો હતું નહિં તેથી તે દવાખાનાની બહાર જ બેસી રહ્યો. સાંજે ઘરે જતી વખતે લક્ષ્મીની નજર લાચાર વાસુદેવ ઉપર પડી. વાસુદેવે ટૂંકમાં બધી વાત જણાવી. લાગણીશીલ લક્ષ્મી વાસુદેવને પોતાનાં ઘરે લઈ આવી.
મમ્મી…. જરા આવજે તો, એક વાત કરવી છે.
સુખી રૂમની બહાર આવી વાસુદેવને જોતાં જ સ્તબ્ધ થઈ ગઈ. બંન્નેની આંખો મળી. એક બાજુ નારાજગી તો એકબાજુ અફસોસ વહી રહ્યો હતો.
મમ્મી મેં તને વાત કરી હતીને કાલે… હોસ્પિટલમાં એક એક્સીડેન્ટનો કેસ આવ્યો હતો. અને મેં પહેલીવાર મારું ઓપરેશન કર્યું. જે સફળ થયું. તે પેશન્ટ આ જ અંકલ છે.તેમની કહાની ખૂબ દુઃખદ છે. જાણીને હું એમને અહીં લઈ આવી.
આ અંકલ નહિં… તારાં એજ પિતા છે જે તારું મોઢું સુદ્ધાં જોવા માંગતા નહોતા. એમની કહાનીમાં મને કોઈ રસ નથી. એમને કહે, અહીંથી ચાલ્યા જાય.
મને માફ કરીદે, સુખી…. તને અને મારી ફૂલ જેવી દીકરીને ધૂતકર્યા, રસ્તે રઝળતા કર્યા તેનો બદલો આજે મને મળી ગયો છે. હું તમારો ગુન્હેગાર છું. વાસુદેવ પગે પડીને બધી વાત જણાવે છે. માફી માંગે છે.
લક્ષ્મી સુખીને સમજાવે છે.
જોયું…. જે દીકરીને તમે ઠીકરી કેહતા હતાં એ સોનાનો કટકો સાબીત થઈ છે.
હા… અને દીકરાની લાલસાએ મને ભોંય ભેગો કરી દીધો.
લક્ષ્મીના કહેવાથી સુખી વાસુદેવને માફ કરી દે છે અને સાથે રહેવાની સંમતિ આપે છે.
થોડુંક ખોઈને ઘણું બધું મેળવ્યાનો વાસુદેવને એહસાસ થાય છે.
દીકરા – દીકરીની ભેદરેખા ઓળંગો,
નસીબથી જન્મ લે છે ઘરમાં દીકરી,
દીકરી મેળવી ખોવાયેલું ભાગ્ય પણ પાછું મેળવો.
( પૂર્ણ )
તન્વી શુક્લ
આભાર 🙏🏻
Leave a comment