The cosmic connection સ્વરાભય ભાગ ૭

એવામાં જોરદાર અવાજ સંભળાયો અભય અને દાદી દોડીને બહાર આવ્યાં. જોયું તો અભયની મમ્મી દાદર પરથી નીચે પડી ગયા હતા. એટલુ જ નહીં તેઓ બેહોશ પણ થયા હતા અને માથેથી લોહી પણ નીકળતું હતું. દાદીના પેટમાં ફાળ પડી ને યશોદા વહુ કરીને દાદી ત્યાં ને ત્યાં બેસી ગયા.

દાદી, તમે પોતાને સંભાળો. હું મમ્મીને દવાખાને લઈ જાઉં છું. પછી, ગભરાઈને બૂમો પાડતા અભયે કહ્યું, “રામુકાકા.. રામુકાકા જલ્દીથી ગાડી કાઢો. મમ્મી દાદરેથી પડી ગયા છે. ફાટફાટ ડો પરમના દવાખાને જવું પડશે.”

દીકરા, હું પણ આવું છું. થોડીવારમાં તેઓ દવાખાને પહોંચી ગયા. માથા પર ડ્રેસિંગ કરી તાત્કાલિક સારવાર કરી.

ડો. પરમે કહ્યું, “મને લાગે છે કે કદાચ પ્રેશર વધવાને કારણે ચક્કર આવ્યાં હશે અને તેઓ દાદરેથી પડી ગયા હશે!” આશુતોષ હોસ્પીટલમાં ઈમરજન્સી ભર્તી થઈ જાઓ. આપણે એમના એકસરે કઢાવી જોઈ લઈએ કે બીજે ક્યાંક અંધરૂની ચોટ તો નથી લાગીને!

‘કંઈ ગભરાવા જેવું નથી ને!’

રિપોર્ટ આવી જાય પછી ખબર પડે.  તમે એક્સ રે રિપોર્ટ કઢાવો. જો થોડી વારમાં હોશ આવી જાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

હોસ્પિટલમાં દાખલ થતા જ એમને હોશ આવ્યો અને અભય અને દાદીના શ્વાસમાં શ્વાસ આવ્યો.

“થારો લાખ લાખ આભાર માનું કે યશોદા વહુ એકદમ ઠીક છે.” દાદીએ ભગવાનને બે હાથ જોડી કહ્યું .

અભયે એની મમ્મીનું માથું ચૂમી કહ્યું, “તમે તો જીવ કાઢી લીધો હતો. તમને કંઈ થઈ જતે તો હું ખુદને માફ નહીં કરી શકતે.

જીવ જાય તારા દુશ્મનનો. હું તારા લગ્ન જોયા વગર નથી જવાની. હું ઇચ્છુ છું કે તું અનિકા સાથે લગ્ન કરી લે અને આ વખતે અમે કોઈ નાટક કર્યું નથી.

મમ્મી, હું લગ્ન કરીશ. પણ અનિકા સાથે નહીં.  હું હાલ જ લગ્ન કરી લઉં એવી જીદ નહીં કરો.

તારા મનમાં બીજુ કોઇ છે. તારી પસંદ પણ અમને ગમશે. “એ કોણ છે?”

તમને એ ખબર જ છે કે મારી પસંદ મધુ હતી.  જે લાગણી એના માટે હતી હવે એ કોઇ બીજા માટે નહીં આવે. કારણકે મારા મનમાં લાગણીની પરિભાષા બદલાઈ ગઈ છે.

“ક્યાં સુધી યાદ રાખીશ?”

‘કદાચ, મારી છેલ્લી શ્વાસ સુઘી. મમ્મી, હું એને નહીં ભુલી શકું. મધુની સાથે જે કંઈ થયું એ મારા કારણે જ થયું છે.’

એ બધુ તું ભુલી જા. મારું મન કહે છે તારા જીવનને મહેકાવા કોઈ ને કોઈ જરૂર આવશે. એના આવતા તારા દિલનો ખાલીપો પૂરાઈ જશે. પહેલાં વરસાદની જેમ એ તારા જીવનને મહેકાવી દેશે. એના પગરવ થતા તારા હ્રદયની લાગણીઓ ફરીથી ધબકી ઉઠસે. જ્યાંથી ઝખ્મ મળ્યુ છે ત્યાં જ મલમ પણ મળશે.

‘તમે આરામ કરો. મારી ચિંતા નહીં કરો.’

“મા-દિકરા મને ભુલી ગયા કે શું? હું પણ અહીં  જ છું.” દાદીએ મીઠો ઠપકો આપતાં કહ્યું.

દુનિયા માટે અભય અકડું હતો. પણ પોતાનાં પરિવાર માટે નરમ મીણ જેવો હતો. દરેક વ્યક્તિનો ભૂતકાળ હોય જે વર્તમાન પર હાવી થઈને માણસનું જીવન બદલી દે છે. બસ, ભૂતકાળને ભૂલવા એના શોખને પ્રોફેશન બનાવી કામમાં વ્યસ્ત રહેતો. ભૂતકાળ ભૂલવો ક્યાં સહેલો હોય છે?

આરવના શબ્દો સ્વરાને ખૂંચી રહ્યા હતા. એ કારણે તેણે પણ ઉંઘ આવતી નહોતી. એ બાલ્કનીમાં ઉભી ઉભી આકાશમાં જોઈ રહી હતી. દાદીની નજર સ્વરા પર પડી. તેથી તેઓ પણ બાલ્કનીમાં ગયા. સ્વરાનાં ખભા પર હાથ મૂકીને કહ્યું, “ઉંઘ નથી આવતી! રાતના બે વાગ્યા છે. શું વિચારે છે?”

‘દાદી, મમ્મી પપ્પાની યાદ આવે છે. મને ભગવાનથી ફરિયાદ છે કે માબાપનો છાંયો કેમ છીનવી લીધો? અમે નાના હતા ત્યારે તમે કહેતા હતા કે દાદા આકાશમાં તારા બની ગયા છે. તો શું મમ્મી પપ્પા પણ તારો બની ગયા હશે?

‘શું થયું? તને કોઈ ટેન્શન છે! આજે કેમ આવી વાતો કરે છે?’

એ દાદીને ભેટી પડી. રડતા રડતા બોલી, ‘દાદી આજે આરવ પણ અભય સરની સગાઈમાં આવ્યો હતો.’

તેણે કંઈ કહ્યું!

“હા, તે મને આજે પણ પ્રેમ કરે છે અને દુનિયાથી છુપાવીને મારી સાથે સંબંઘ રાખવા માંગે છે.”

“એની એટલી હિંમત કે તારા માટે આવું વિચારે! કાલે સવારે હું ફોન કરી કહી દઇશ કે તારાથી દુર રહે.”

એની કોઈ જરૂર નથી. કારણકે આજે ત્યાં મારો ખૂબ તમાશો બન્યો છે. અભય સરને ખબર પડી એટલે આરવને ત્યાંથી ધકકો મારી બહાર કાઢી મૂક્યો અને એમણે અનીકા સાથે સગાઈ કરવાની પણ ના પાડી.

ભલું થાય અભય સરનું…

મારા કારણે એમની સગાઈ અટકી ગઈ. એના  ઘરમાં બધા મારા માટે શું વિચારશે?

તું તારી જાતને શું કામ દોષ આપે છે? એવું પણ બને કે અભય સરને અનીકા સાથે સગાઈ નહીં કરવી હોય! તું તારે શાંતિથી સૂઈ જા.

“હા, થોડીવાર પછી સૂઈ જાઉં છું. તમે સુઈ જાઓ.”

દાદીએ સ્વરાનો હાથ પકડ્યો અને બાલ્કનીનો દરવાજો બંધ કર્યો. તું નાની હતી તો તને વાર્તા સાંભળવાનું ખૂબ જ ગમતું હતું. ચાલ તને વાર્તા સંભળાવું.

“દાદી, હવે હું મોટી થઈ ગઈ છું.”

“પણ, મારે માટે તો હંમેશા નાની જ રહેશે.”

દાદીએ માથા પર હાથ ફેરવી. બેડ પર સૂવાનો ઈશારો કર્યો.  એ દાદીને ના પાડી શકી નહીં. દાદીએ વાર્તાની ચાર પાંચ લીટી કીધી ત્યાં તો દાદીને ઉંઘ આવી ગઈ. દાદીને સુતા જોઈને સ્વરાએ દાદીને બ્લેંકેટ ઓઢાળ્યો. માથે હાથ ફેરવીને પડખું ફેરવ્યું. તેની નજર મોબાઈલ ફોન પર પડી. એટલે તેને મોબાઈલ લીધો. મોબાઈલ ગેલેરી ઓપન કરી. આરવની બધી મેમરી ડીલીટ કરી. મોબાઈલમાં એક ફોટો સાચવી રાખ્યો હતો એ પણ ડીલીટ કરી દીધો.

અચાનક એની નજર પ્રોફેસર દાસે મોકલેલ લિંક પર પડી. એને લિંક ઓપન કરી. જેસલમેરના ફોટો જોતાં એની નજર માયાના ફોટો પર પડી. એનો ફોટો જોઈને વિચારોના વમળમાં ફસાવા લાગી ને અચાનક તેની આંખો મીંચાઈ ગઈ.

થોડીવારમાં તેણે ઝાંઝરનો છમ છમ અવાજ સંભળાયો.  માયા તું અહીં…

“તને કેટલી શાંતિથી ઉંઘ આવે છે નહીં!”

“તું અહીં શું કરે છે?”

હું તને એ કહેવા આવી છું કે તું અને સ્વરાજ જલ્દીથી જેસલમેર પધારો.

“સ્વરાજ કોણ છે?”

સ્વરાજ મારો પ્રેમી છે. હું એની યુગો યુગોથી પ્રતિક્ષા કરું છું. કોણ જાણે કેટલાં યુગો પ્રતીક્ષામાં વિતાવ્યા છે! ઠાકુરને કહેજે કટારી લઈને જ આવે.

“કટારી? કંઈ કટારી?”

“તારી ખાનદાની કટારી…

“મને એના વિશે કંઈ ખબર નથી.”

તને બધી ખબર છે. જોજે આ વખતે ભૂલતી નહીં. નહીં તો…

જોર જોરથી એલાર્મ વાગ્યો અને સ્વરા ચોંકીને બેઠી થઈ ગઈ. સપનું હતું. તેણે એલાર્મ બંધ કર્યુ. સીધી કિચનમાં ગઈ. ફટાફટ નાસ્તો બનાવ્યો. તેનાં ભાઈને ઉઠાડી સ્કૂલે જવા તૈયાર કર્યો. પોતાનું ઓફિસનું ટિફિન રેડી કરી આંચલને કહ્યું, “મારે આજે ઓફિસમાં થોડું કામ છે. મને મોડું થશે! તો તું ભવ્યને કોલેજથી વળતા લેતી આવજે.”

“બીજુ કંઈ દી..

“શાંતિથી બાઈક ચલાવજે.”

“બીજુ કંઈ?”

“કોલેજ પહોંચી મેસેજ કરી દેજે.”

“બીજુ કંઈ?”

“જય શ્રીકૃષ્ણ…

દાદી, તમે દવા લઈ લેજો અને સમયસર જમી લેજો.

હા, મારી ઢીંગલી… તું તારું ઘ્યાન રાખજે.

બીજી તરફ અભયને પણ માયાનું સપનું આવ્યું. ને એ ધડામ દઈને સોફા પરથી પડ્યો. પોતાને હોસ્પીટલમાં જોયો. પછી એની મમ્મી તરફ જોયુ. દાદી પણ ઉંઘતા હતા. મનમાં વિચાર્યું કે સપનું હતું. પણ એવું લાગ્યું કે હકીકત છે.  માયાની માયા તો અકળ છે. જે સપનામાં આવે ને હકીકતમાં સોફા પરથી પાડે. તે માથે હાથ ફેરવીને મનમાં હસ્યો. એક ઝલક જોઈ છે માયાની ને આ હાલ છે. હકીકતમાં મળશે તો શું થશે?

ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું.
લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ એન્ડ ફોલો માય પ્રોફાઈલ..
થેન્ક્યુ
રાધે રાધે
જયશ્રી કૃષ્ણ

Leave a comment