શીર્ષક:– દાવપેચ
    

“દાવપેચ” આ શબ્દ કશે સાંભળ્યો લાગે છે, પણ ક્યાં સાંભળ્યો છે ?થોડું મનોમંથન કરતાં યાદ આવ્યું કે આ શબ્દ રામાયણમાં સાંભળ્યો છે માતા  કૈકેયી એ પુત્રપ્રેમમાં અંધ બનીને રાજા દશરથ પાસે શ્રી રામનાં રાજ્યાભિષેકની આગલી રાત્રે પોતાના બે વરદાનો માગ્યાં હતાં શું એને દાવપેચ ના કહેવાય! લંકાના રાજા રાવણે સાધુવેશ ધારણ કરીને છળ કપટથી સીતા માતાનું હરણ કર્યું. શું એને દાવપેચ ના કહેવાય?વાલી અને સુગ્રીવની લડાઈમાં જે બન્યું એને દાવપેચ ના કહેવાય!
     પછી વિચાર્યું આ શબ્દ મહાભારતમાં સાંભળ્યો છે. મામા કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વાસુદેવને કારાવાસ  આપી પોતાના મૃત્યુને પોતાનાથી દૂર કરવાનનું ષડયંત્ર રચ્યું એ પણ દાવપેચ જ હતો ને! હજી આગળ જોઈએ તો હસ્તિનાપુરનો ભાગ પોતાના પાંડવ ભાઈઓને આપવો ના પડે એ માટે ધૃત રમવાથી લઈને, લક્ષાગૃહની આગ કે પછી અભિમન્યુ વધ દાવપેચ નહીં તો બીજું શું હતું? અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના માટે કર્ણનો વધ, દુર્યોધનનો વધ પણ દાવપેચનાં જ ઉદાહરણ હતું.ગુરુ દ્રોણાચાર્યને “અશ્વત્થામા હણાયો” એમ કહેવું પણ એક પ્રકારનો દાવપેચ જ હતો.
     આમ જોઈએ તો આ દાવપેચ ત્યારથી લઈને આજ દિન સુધી દરેકેદરેકની જિંદગીમાં ક્યાંકને ક્યાંક જોવા મળે જ છે.દરેકેદરેક દાવપેચમાં આપણે જેમને પોતાના માનીએ છીએ એ આપણા પોતાના જ લોકો આપણી સાથે દાવપેચ રમીને, આપણી લાગણીને છેતરીને કે કચડીને પોતપોતાનું કામ કઢાવી લે છે. શું આ દાવપેચ વગર પ્રેમથી, લાગણીથી, ભાઈચારાથી  અને શાંતિથી ના રહી શકાય? દ્વંદ્વ સમાસ ધરાવતો આ શબ્દ આપણા જીવનનાં દરેક દ્વંદ્વ પાછળ છુપાયેલો છે જેનાં મૂળમાં લોભ, મોહ, સ્વાર્થ જેવાં તત્વો રહેલા હોય છે. આનાથી દૂર રહીને જેટલું કર્મનાં સિદ્ધાંતને વળગીને આગળ વધીશું એટલું જ દાવપેચથી દૂર રહી ઉત્તમ જીવન જીવી શકીશું.
————-
રેશ્મા પટેલ “રેશમ”
સુરત

Leave a comment