ઋણાનું બંધન ( ભાગ -1 )
                   
                      એક ખુશનુમા સાંજ હતી ઠંડો વાયરો વાયી રહ્યો હતો અને એક આલીશાન ઘરમાં ગોરમહારાજના મંત્રો શાંત વાતાવરણમાં સાફ સાફ કાને પડી રહ્યાં હતાં. લગ્ન સાદાયીથી લેવાના હોવાથી નજીકનાં 20 માણસોની હાજરી માં  જ લગ્ન ગોઠવાયા હતાં. બધાં જ ફેરા ફરી રહેલાં સરીતા અને અમરને માટે ખુશ હતાં અને સૌનું ધ્યાન તેમનાં પર જ કેન્દ્રીત હતું પણ સરીતા અને અમરનું ધ્યાન તેમનાં લગ્ન કરતાં વધારે બધાંથી દૂર ગુમસૂમ બેઠેલી નિશા પર હતું. વર-વધૂ પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો ત્યાં નિશાની આંખો નારાજગીથી ભીની થઈ રહી હતી. કેમકે, લગ્ન નિશાના કોઈ મિત્ર કે ભાઈ -બહેનનાં નહીં પણ નિશાના પિતાનાં થઈ રહ્યા હતાં. આમાં 15 વર્ષની બાળકી નિશાનો પણ કોઈ વાંક ન હતો. તે તેની જગ્યાએ બરાબર હતી, તે પોતાની માતાની જગ્યા કોઈને આપવા માંગતી ન હતી. તેને એમ લાગતું હતું કે પપ્પા પોતાનાં સ્વાર્થ માટે લગ્ન કરી રહ્યાં છે અને એમાં દાદા-દાદી તો તેમનો સાથ આપી જ રહ્યાં છે પણ નાનીમા પણ સરિતાને પોતાની સાવકી માઁ બનાવવા માટે તેમનો સાથ આપી રહ્યાં છે.


                   સરિતા, અમર અને નિશાનાં મનની આ બધી ગૂંચવડો વચ્ચે લગ્ન સંપન્ન થાય છે. વર-વધૂ હાજર રહેલાં બધાં સગાવ્હાલાઓને પગે લાગવા લાગે છે અને છેલ્લે નિશાને મળવા માટે તેની પાસે આવે છે. નિશા સરિતાની સામે તો નથી જોતી પણ પોતાનાં પપ્પાની સામે ગુસ્સા ભરેલી નજરે જોઈને કાંઈ પણ બોલ્યા વગર પોતાનાં રૂમમાં ચાલી જાય છે. સરિતા અને અમર નારાજ નિશાને જતી જોઈ રહે છે. સરિતા અમરને આશ્વાસન આપતાં કહે છે, થોડો સમય જવા દો બધું ઠીક થઈ જશે.

બધાં સગા-સબંધીઓ જમી કરીને, નવા જોડાને શુભેચ્છાઓ પાઠવીને, અશોકભાઈ અને વસુબહેનને મળીને વિદાય લે છે.સરિતા થોડી ચિંતિત જણાતી હોય છે કેમકે, નિશા કંઈપણ જમ્યા કર્યા વગર ઉપર જતી રહી હતી, અને હજી સુધી નીચે પાછી પણ આવી નહોતી.તેથી તે લીલાબેનને તેનાં રૂમમાં જવા માટે કહે છે.


                    સરિતાનાં કહેવાથી નિશાના નાની લીલાબહેન નિશાને મનાવવા માટે તેનાં રૂમમાં જમવાની થાળી લઈને જાય છે.નિશા મોઢું ફુલાવીને બેઠી હોય છે, દરવાજો ખુલતાં જ તેને ખ્યાલ આવી જાય છે કે નાની જ હશે.નાની અને નિશાનો રૂમ એક જ હોય છે.નાની મને ભૂખ નથી તમે જમીને સૂઈ જાઓ.
અરે, મારી લાડલી ભૂખી હોય અને મને ઊંઘ કેવી રીતે આવે, નાનીની વાત સાંભળતા જ નિશા છણકો કરીને બોલે છે,

નિશા:
           આટલીજ ફિકર હતી લાડલીની તો લગ્ન માટે  ‘ હા ‘ કેમ પાડી?  મારી નહિ તો જે આ દુનિયામાં નથી એ લાડલીની તો ફિકર કરવી હતી, તેનું સ્થાન તમે બીજી કોઈ સ્ત્રીને કેવી રીતે આપી શકો?

લીલાબેન:
               જો, બેટા, મારે તો હવે જીવવાનું હતું એટલું  જીવી લીધું હવે હરીઇચ્છા મુજબ બાકીનું જીવન  કાઢવાનું, પણ અમર પાસે તો હજી આખી જિંદગી પડી છે હજી એની ઉંમર જ ક્યાં છે? હું એને તો એનું જીવન જીવવામાં વિક્ષેપ ના કરી શકું ને  બેટા.જે થવાનું હતું એ તો થઈ ગયું, માંયાની બીમારીએ એનો ભોગ લીધો એનું દુઃખ છે પણ, જીવન તો જીવવું પડશેને.

નિશા:         
          પણ, નાની હજી મમ્મીને ગુજરી ગયા 3 મહિના માંડ થયાં છે ત્યાં આ લગ્ન, અને તમને પપ્પાની ખુશી દેખાય છે મારાં જીવનની ખુશી નથી દેખાતી?

લીલાબેન:
                જો બેટા, અમરનાં લગ્ન કરવાં પાછળનું એક કારણ તું પણ છે. હું, તારાં દાદા અશોકભાઈ અને દાદી વસુબેન હવે ખર્યું પાન કહેવાઈએ.તારે હજી દુનિયા જોવાની જ બાકી છે અને જીવનમાં ઘણું બધું શીખવાનું, સમજવાનું બાકી છે. બેટા, અને એમાં તારે કોઈની સલાહ સૂચન, શીખ અને સમજણની જરૂર પડશે અને સાચી સમજણ અને કેળવણી તને તારાં માતાપિતા થી વિશેષ આ દુનિયામાં કોઈ નહીં આપી શકે, તેમનાં ઠપકામાં પણ પ્રેમ હશે.જીદગીં જીવવાની સાચી અને સારી રીત માઁ બાપ જ શીખવે છે બેટા, એજ લાડપ્રેમની સાથે પોતાનાં સંતાનમાં સંસ્કારો અને થોડી દુનિયાદારીનું સિંચન કરે છે.અને વાતોંમાંને વાતોમાં ક્યારે થાળીમાંથી જમવાનું પૂરું થઈ ગયું એનું ભાન ખુદ નિશાને પણ ન રહ્યું.

નિશા:
          માઁ-બાપ? નાની, માઁ નું સ્થાન હું સરિતાને કયારેય નહીં આપી શકું.મારી માઁ માંયા છે અને એજ રહેશે.સરિતા મારાં માટે માત્ર મારાં પિતાની પત્ની જ છે એને હું મારી માતા ક્યારેય નહીં બનવા દઉં.

              પોતાનો પક્ષ જણાવતી અને ગુસ્સમાં બોલતી નિશાને લીલાબેન સમજાવવનો અને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય છે. અને આ બધો જ નજારો રૂમની બહાર દરવાજા પાસે ઉભેલી સરિતા જોતી હોય છે અને વાર્તાલાપ સાંભળતી હોય છે.

ચાલીસીએ પહોંચેલી સરિતા આજે પણ પોતાની ઘાટીલી કાયાને કારણે ત્રીસની આસપાસની વધૂ જેવી જ સજ્જ લાગી રહી હોય છે.શિક્ષિકા હોવાનાં કારણે બાળકો સાથે કેમ વર્તન કરવું અને તેમનાં બાળમાનસને કળી શકાશે કે કેમ તે સારી રીતે જાણતી હતી. પણ નિશાનો પ્રશ્ન તેને વધુ મૂંઝવણ ભર્યો લાગી રહ્યો હતો.સરિતા માટે નિશાની માતા બનવું
તો સરળ હતું પણ માતા તરીકે તેનાં મનમાં સ્થાન જમાવવું એટલું જ કઠિન હતું.ભીની આંખો સાથે ઉભેલી સરિતા નિશા સામે જોઈ વિચારતી હતી કે, નિશાને પોતાની દિકરી કેવી રીતે બનાવવી, ત્યાંજ અમર આવીને સરિતા ને ખભે હાથ મૂકે છે બંન્ને એકબીજાની સામે જુએ છે અને વગર કાંઈ કહે વાત સમજી ગયા હોય એમ પોતાનાં રૂમ તરફ  ચાલવાં લાગે છે.

બંન્ને રૂમમાં આવે છે અમર રૂમનું બારણું બંધ કરે છે અને મૌન તોડતાં બોલે છે…

અમર:
          ( સરિતાનાં આંસુ લૂછતાં ) વેલકમ ટૂ યોર ન્યૂ રૂમ માય વાઈફ. ફાઈનલી હવે, આ રૂમ આપડો છે.તો તારે અહીં જે ફેરફાર કરવો હોય તે તું કરી શકે છે, પણ મેહરબાની કરીને ટીચરજી, ફેરફાર બાબતે જાણ કરવાં વિનંતી.

સરિતા:
            (હસીને )શું તું પણ અમર, આટલી સિરિયસ વાતો વચ્ચે પણ તને મજાક સૂઝે છે? નિશાની હાલત વિશે તો વિચાર કર.

અમર:
           જો સુરુ, વાતને તો આપણે જેટલી સિરિયસ બનાવીશું તે એટલી ગંભીર લાગશે.આપણે સરળ રહીશુ તો વાતાવરણ આપોઆપ સરળ થઈ જશે.

અને રહી વાત નિશાની તો થોડાં દિવસો આમ રહેશે, કદાચ મહિનાઓ સુધી, અને કદાચ વર્ષ પણ નીકળી જાય.કેમકે, જ્યાં સુધી હું નિશાને જાણું છું ત્યાં સુધી તે એની માતાની જેમ જેટલી સુંદર છે તેટલીજ જિદ્દી પણ છે.

મારી અને માયાની વચ્ચે ક્યારેય પતિ પત્ની જેવાં સંબધો નથી રહ્યાં પણ અમે ખુબ જ સારા મિત્રો હતાં, મનની દરેક વાત એક-બીજાને કરતાં હતાં, અને અમે અમારા સબંધની અસર કયારેય નિશાના ઉછેર પર પડવા દીધી નથી, એને માતા-પિતાનો પ્રેમ એકસાથે અને સપ્રમાણમાં આપવામાં કોઈ કચાશ રાખી નથી.મેં હંમેશા એની સાથે એક પિતા કરતાં પણ વધારે એક મૈત્રિક સબંધ રાખવાનો પ્રયત્ન કર્યો છે અને એટલેજ તે મને પિતા તરીકેનો પ્રેમ અને માન તો આપે છે પણ સાથે જ એક મિત્ર તરીકેનો હક્ક પણ ધરાવે છે.


( સરિતા શાંત મને આટલા સમજદાર વ્યક્તિ, મિત્ર, પતિ, વફાદાર પ્રેમી અને પિતા ન હોવા છતાં એક અદ્ભૂત પિતાને સાંભળી રહી અને નિહાળી રહી.)

પોતાને નિહાળી રહેલી પોતાની પૂર્વ પ્રેમિકા અને પોતાની પત્ની ને કપાળ પર હળવું ચુંબન કરે છે, અને પોતાની વાત આગળ વધારતાં કહે છે કે, સરિતા હું તારાં આ લગ્ન કરવાં પાછળનાં હેતુ અને માયાને આપેલા વચન બાબતે તને માન આપું છું, તારો આદર કરું છું, અને દરેક બાબતમાં તારી સાથે જ છું, આપડે નિશાને કોઈ બાબતે કોઈ અન્યાય નહીં થવા દઈએ,નિશા તારાથી અત્યારે નારાજ છે કેમકે, તે સાચી વાતથી અજાણ છે, એને જ્યારે ખબર પડશે ત્યારે એ પણ તને લાગણીભરી નજરથી જ જોશે, પણ ત્યાં સુધી  એને જરાં પણ ઓછું ન આવે તેનું પૂર્ણપણે ધ્યાન રાખીશું, આપડે સાથે હોઈશું તો બધું જ સરળતાથી પાર પડી જશે, ગમે તેવો કપરો સમય પણ સુખમય ઘડીમાં ફેરવયી જશે, બસ તું તારાં ચેહરા પરનું હાસ્ય ન ગુમાવીશ, તારાં આંખમાં આંસુ જોઇશ તો મારો જીવ જશે.

સરિતા:
            (અમરના મોઢે હાથ રાખતાં )આજના દિવસે તો આવું ન બોલ, આપણે હંમેશા સાથે જ રહીશું.

અમર:
          તું હવે ફ્રેશ થઈ જા, હું મહારાજને કહીને આપણું જમવાનું અહીં જ મંગાવી લઉં છું અને બા-બાપુજી અને લીલામાં જમ્યા કે નહીં તે જોતો આવું.

(આટલું કહીને અમર નીચે આવે છે અને સરિતા ફ્રેશ થવા બાથરૂમમાં જાય છે)

સરિતા ફ્રેશ થઈને, કપડાં બદલીને બહાર આવે છે અને અરીસા સામે ઉભી રહીને વાળ સરખા કરવાં લાગે છે અને પોતાને જોતાં વિચારમાં પડી જાય છે કે, પોતે માયા કરતાં સુંદર નહીં હોવા છતાં, અમરની પત્નીનું સ્થાન તો બખૂબી મેળવી લીધું છે, પણ શું તે નિશાની માતાનું સ્થાન મેળવી શકશે? પોતાના માટેનો  સાવકીમાતાનો સિક્કો નિશાના મગજમાંથી ભૂંસી શકશે? માયાને આપેલું વચન પાળી શકશે? આબધી મગજમાં ચાલતી ગડમથલ વચ્ચે એક ખારા પ્રશ્ન રૂપી આંસુ પોતાની પાસે જ ખુદ જવાબ માંગતી હોય એમ શ્યામવર્ણ છતાં ઘાટીલાં અને ભરાવદાર ચેહરા પર ચમકી ઉઠે છે.

(અમર બારણું ખોલીને અંદર આવે છે, અને કહે છે, સુરુ,  ફ્રેશ થઈ ગઈ, નાઇસ, લુકિંગ બ્યુટીફૂલ… )

સરિતા:
            (આંસુ લૂછતાં) આવી ગયો, બા-બાપુજી જમ્યા, લીલામાં અને નિશા સૂઈ ગયાને?

અમર:
          બા-બાપુજી જમે છે, લીલામાં હમણાંજ જ જમીને રૂમમાં ગયા અને નિશા સૂઈ ગઈ છે.
 
તું આ આંસુ કોનાથી છુપાવે છે? મારાથી? તો તું મારી વાત નહીં માને એમને.
સરિતા:
            નાં નાં અમર એ તો બસ એમજ થોડાં વિચારો આવી ગયા બસ બીજું કાંઈ નહીં.

અમર:
          જો સુરુ, આજે આપડી મધુરજની છે, કાયદેસરથી આપડે એને માનવીએ કે નહીં તે આપડી વાત છે, પણ આ સમયની આપડે ખુબ રાહ જોઈ હતી, અને આશા પણ છોડી દીધી હતી, પણ આજે કુદરત મેહરબાન થઈ છે અને આપડા નસીબમાં જો આ સોનેરી પળ આવી છે તો એને મન ભરીને માણી લેવી જોઈએ, બધી ચિંતા છોડીને સારી-સારી વાતો કરીને તેને પસાર કરવી જોઈએ.

(આટલું કહીને અમર ફ્રેશ થવા બાથરૂમમાં જાય છે)

સરિતા મનોમન વિચારે છે કે, અમર સાચું જ કહી રહ્યો છે, આ દિવસ અને રાત એ બંન્ને માટે સોનાનાં જ હતાં.એને તે યાદગાર બનાવી દેશે અને મનની ડાયરીમાં કેદ કરી દેશે.અને એકલી એકલી જ મનોમન મલકાવા લાગે છે.
(રૂમનું બારણું ખખડે છે, માહારાજજી હશે એમ વિચારીને સરિતા બારણું ખોલવા જાય છે).
   
                                                      ક્રમશ:
                                              (વધુ આવતાં અંકે )
પ્રિય વાચક મિત્રો, આગળ શુ થશે અમર, સરિતા અને નિશાના જીવનમાં? શું છે સરિતા અને અમરનો ભૂતકાળ? જાણવા માટે જુઓ આગળનો ભાગ.વાંચન જારી રાખો….અભિપ્રાય જરુથી આપશો…..      
                                                    તન્વી શુક્લ

                              
         

Leave a comment