!! લક્ષ્ય નક્કી કરવાનું મહત્ત્વ !!
એક વખતની વાત છે. એક રાજા નિસંતાન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો અને રાજ્યના ઉત્તરાધિકારી માટે ચિંતિત રહેતો હતો. રાજ્યના વારસદાર માટે યોગ્ય વ્યક્તિ શોધવા રાજાએ રાજ્યભરમાં ઢિંઢોરો પીટાવ્યો ,”કાલે સાંજના સમયે જે પણ મને મળવા આવશે, તેને હું મારા રાજ્યનો એક ભાગ આપીશ.”
રાજાના આ નિર્ણયથી મંત્રી ચકિત થયો અને કહ્યું, “મહારાજ, તમને મળવા તો અનેક લોકો આવશે, જો તમે બધાને રાજનો ભાગ આપી દો તો તો આખું રાજ્ય તૂટી જશે. આટલું અવ્યવહારૂ કામ ન કરો.”
રાજાએ મંત્રીને આશ્વાસન આપ્યું અને કહ્યું, “ચિંતા ન કરો, શું થાય છે તે તો જોઈશું.”
નક્કી કરેલા દિવસે રાજમહેલના બાગમાં રાજાએ વિશાળ મેળો યોજાવ્યો. મેળામાં નૃત્ય-ગીત, રસભરેલા વ્યંજન અને માદક પીણા સાથે સરસ માહોલ હતું. લોકોને આનંદ માણવા માટે રમતો પણ રાખવામાં આવી હતી.
જે લોકો રાજાને મળવા આવ્યા હતા, તેમાંના ઘણા નૃત્ય-સંગીતમાં તલીન થઈ ગયા, કેટલાંક સ્ત્રીઓ અને દારૂમાં ખોવાઈ ગયા, કેટલાંક રમતોમાં વ્યસ્ત થઈ ગયા અને કેટલાંક માત્ર ખાવા-ફરવા અને મોજમાં વિલિન થઈ ગયા.
પરંતુ એ બધા વચ્ચે એક વ્યક્તિ એવો હતો જેને આ બધામાં કોઈ રસ નહોતો. એના મનમાં માત્ર એક જ ધ્યેય હતો રાજાને મળવાનું. તે કોઈ તરફ નજર પણ ન ફેરવી, સીધો બાગ પસાર કરીને રાજમહેલના દરવાજે પહોંચી ગયો. ત્યાં બે સશસ્ત્ર રક્ષકો ઊભા હતા, જેણે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પણ તેણે ધ્યાન ન આપ્યું અને તેમને ધક્કો મારીને મહેલમાં પ્રવેશ કરી ગયો.
જેમ તે અંદર પહોંચ્યો, તેને રાજા મળ્યા. રાજાએ હસતાં-હસતાં કહ્યું,
“મારા રાજ્યમાં કોઈ તો એવો મળ્યો જે કોઈ લાલચમાં ફસાયા વગર પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગયો. હું તને માત્ર અડધું નહીં, આખું રાજપાટ આપીશ. તું મારો સાચો ઉત્તરાધિકારી છે .”
શિક્ષા:
સફળતા એને જ મળે છે જે લક્ષ્ય નક્કી કરે છે, એને પામવા માટે અડગ રહે છે, માર્ગમાં આવતી મુશ્કેલીઓથી ડરતો નથી અને નાના મોટા પ્રલોભનોને અવગણી દે છે.
✍🏻 સુચિતા રાવલ
Leave a comment