શીર્ષક:- તું જ તારો દીવો થા..
___________________
આપણે બધાં જ સામાજિક પ્રાણી છે. સમાજ સાથે જન્મજાત એવાં તો જોડાઈ જઈએ છીએ કે મૃત્યુ સુઘી આપણે એ સમાજની બે આંખની શરમ રાખીયે છે. હા, એ વાત ભલે અલગ છે કે આપણા દુઃખમાં, આપણી તકલીફોમાં કે આપણી સમસ્યાઓમાં સમાજ માત્ર મૂકપ્રેક્ષક બની રહે છે અથવા તો તમારા દુઃખ, તકલીફો કે પ્રશ્નોને માખણ લગાવી તેને ચારે બાજુ ફેલાવનાર પ્રસારક. પરંતું આપણો ઉછેર જ એવી રીતે થાય છે કે આપણે બાળપણથી જ હંમેશા પરવશ નિર્ણયો લેતાં શીખી જઈએ છીએ. આપણને હંમેશા આપણી પસંદગી માટે સતત અન્ય લોકોનો અભિપ્રાય જરુરી કે મહત્વનો બની રહે છે.  ખાસ કરીને સ્ત્રીઓ આ વિષયમાં વધારે તકલીફ ભોગવે છે.બીજાને ગમે એવું બોલવાનું એ તો ઠીક મારા ભાઈ પણ અન્યને ભાવે એવું ખાવાનું, બીજાની પસંદગીનાં કપડાં પહેરવા અને મોટે ભાગે મહત્વના નિર્ણયો માટે પણ અન્ય પર આધાર રાખવો. કેમ? શા માટે? આપણી જિંદગીનાં ભાગ્ય વિધાતા આપણે કેમ નહીં? ક્યાં સુધી અન્ય લોકોનાં અભિપ્રાયોને આધારે આગળ વધીશું? યાદ રાખો જિંદગી આપણી છે તો એની પર સૌથી પહેલો આપણો હક છે, પછી આપણા માતા પિતા અને પરિવારજનોનો. અને ત્યાર પછી સમાજનો. તમારી જિંદગીને તમારે જે મુકામ પર લઈ જવી હોય, જે લક્ષ્ય પાર પાડવું હોય એને લાગતા મહત્વનાં નિર્ણયો જાતે લેતાં શીખી જાવ. હા, જરૂર પડ્યે માતા પિતા કે એકાદ ખાસ મિત્રને તમે તમારાં માર્ગદર્શક બનાવી એમની સલાહ લઈ શકો, પણ દરેકેદરેકને જો તમે પૂછતાં રહેશો તો જેમ ઝાઝા ખલાસી નાવ ડુબાડે તેમ તમારું લક્ષ્ય પણ ડૂબી જશે. તેથી દરેકને પોતાનો તારણહાર ન બનાવતાં સ્વબળે આગળ વધીશું તો જ ધાર્યું પરિણામ લાવી શકીશું. સામે પક્ષે સમાજનાં લોકોને પણ એટલું ચોક્કસ કહીશ કે કોઈક વ્યક્તિ જયારે એકલે હાથે પોતાનાં સપના પૂરા કરવા જહેમત કરતી હોય ત્યારે તેને ગુમરાહ ના કરતાં તેને સલાહને બદલે જો સાથ આપીશું તો સમાજનાં એક વ્યક્તિનાં ઉત્થાનનું પુણ્યકર્મ આપણા ખાતામાં જમા કરાવી શકીશું.

” સલાહ આપો કે ના આપો,
સહકાર જરૂરથી આપજો.
આભ આંબવા મથતી આંખને
પાંખ જરૂરથી આપજો.
ડુબાડવાને બદલે ડૂબતો
બચાવવા હાથ જરૂર આપજો.
લક્ષ્ય જો છે તમારું તો
સાથ અન્યથી ના માંગશો
તારા કુરુક્ષેત્રના પાર્થ અને કૃષ્ણ
તું ખુદ જ જાતને જાણજો.
નથી આવવાના કૃષ્ણ હવે
તું ખુદ જ રસ્તો કાઢજો.”
_______________________
રેશ્મા પટેલ “રેશમ”
સુરત

Leave a comment