વચન

   એમ તો તું અને હું મહદ અંશે સરખા. સરખા શોખ, સરખો મિજાજ અને સરખી રમૂજવૃત્તિ. પણ બંનેના જીવનનો દ્રષ્ટિકોણ અલગ. હું સ્થિર જિંદગીમાં માનનારી અને તું મુક્ત, અસ્થિર. સંબંધોના ઢાંચામાં તું ક્યારેય પણ ફિક્સ ના થઈ શકે. તું ફક્ત મૈત્રી સંબંધો કે પ્રેમસંબધોને જ પ્રાધાન્ય આપે. તું બિલકુલ પવન જેવો. પવનનો સ્પર્શ ફકત એક જ વ્યક્તિ પૂરતો મર્યાદિત ન હોય. એ તો બધાને સ્પર્શે, બધાને ખુશી આપે, બધાને ઠંડક આપે. તારું સાનિધ્ય પણ કંઇક એવું જ. તારા સંપર્કમાં આવનાર દરેક માટે તારો પ્રેમ, તારી દોસ્તી અને તારી લાગણી. તને મુક્તતા જોઈએ અને મને સ્થિરતા. મારી શોધ તારા પર પૂર્ણ થાય છે પણ તારી શોધ મારા પછી પણ નિરંતર આગળ વધતી રહેશે એ હું જાણું છુ. એમ તો તને મુક્ત રાખવાના હું હજારો પ્રયત્ન કરું છુ પણ વચ્ચે એમાં મારો પ્રેમ કે મારો સ્ત્રીસહજ સ્વભાવ દખલગીરી કરી જાય છે. દિવસનાં ચોવીસ કલાકમાં થી લગભગ પાંચેક કલાક આપણે એકબીજાની સાથે વિતાવીએ છીએ બાકીના કલાક તું બિલકુલ મુક્ત જ છે. જિંદગી તારી છે એને તારી રીતે જીવવાની, તું જેમ ઈચ્છે એમ જીવ પણ,પણ એટલી અપેક્ષા જરુર રાખીશ કે મારી ગેરહાજરીમાં જે કંઈ પણ કરે તે સામી છાતીએ કરજે. જ્યારે પણ રસ્તો બદલવાની ઈચ્છા થાય ત્યારે મોં પર કહીને રસ્તો બદલશે તો ગમશે. સામી છાતીએ કરેલો વાર હું ઝીલી જઈશ પણ પીઠ પાછળ વાર ના કરીશ નહીં તો ચોવીસ કલાકમાંથી પાંચ છ કલાકની જિંદગી પણ મૃતઃ પાય બની જશે. સાથે જીવવાનો નિર્ણય આપણા બેનો છે. જ્યારે નિર્ણય બદલવાની ઈચ્છા થાય ત્યારે પણ એકબીજાને સાથ જરુર આપીશું એ મારું વચન છે પણ પરાણે એ સંબંધને ઢસડીને લાચાર ક્યારેય પણ નહીં બનાવીશું.

અનેક ખંજરો ઝીલ્યાં છે પીઠ પર એ જિંદગી,તારા
હવે, રાહ તો એ ખંજરની છે જે શ્વાસ મુક્ત કરે.
————
રેશ્મા પટેલ “રેશમ”
સુરત

Leave a comment