“બાળકનાં સર્વાંગી વિકાસમાં માતાપિતાનું યોગદાન અને ફરજ.”
“બાળકનો સર્વાંગી વિકાસ”
બાળકના જન્મ સાથેજ અનેક મુદ્દાઓ ઉપસ્થિત થતા હોય છે. આપણા વડવાઓ કહેતા કે બાળકોને મોટા કરવા એટલે `પથ્થર પકવવા જેવું કામ છે.` એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે બાળકના જન્મથી માતા-પિતા તો બની જવાય છે પણ એ પૂરતું નથી. બાળક સાથે સંકળાયેલી જવાબદારીઓ પણ સમજાવી અને અમલમાં મુકવી પડે છે. અત્યારે સમાજમાં એવા ઘણા દાખલા જોવા મળે છે કે કોઈપણ જાતની યોજના વગર માતા-પિતા બની ગયા પછી સારી રીતે જવાબદારી નિભાવી શકતા નથી અને પરિણામે એ લોકો માટે બાળક બોજારૂપ બની જાય છે. માતા-પિતાની અણઘણતાનો ભોગ બાળક બને છે, પરિણામે બાળકનું બાળપણ અને પ્રગતિ બંને ટલ્લે ચડી જાય છે. બાળક પછી પોતાની રીતે આગળ વધે અને ક્યારેક સમાજને માટે દુષણ બની જાય છે. આ પરિસ્થિતિ ઉભી કરવામાં સોશિયલ મીડિયાનો પણ સિંહ ફાળો છે. ક્યારેક સોશિયલ મીડિયાનો અતિરેક પણ માતા-પિતાને ગેરમાર્ગે દોરી જાય છે. મનમાં ગેરસમજણ ઉભી કરે છે.
બાળકના શારીરિક વિકાસ માટે શરૂઆતથી ધ્યાન આપવું જરૂરી અને મહત્વનું છે કારણ કે બાળકમાં પ્રતિકારક શક્તિનો વિકાસ થઇ રહ્યો હોય છે, જો એ સમયે બાળકની શારીરિક રચના અને ફરિયાદ પર ધ્યાન ન આપવામાં આવે તો એ આગળ જતા મોટા શારીરિક પ્રશ્નો ઉભા કરે છે જે પરિણામે બાળકના સર્વાંગી વિકાસ પર અસર કરે છે. દરેક બાળક્નું શારીરિક બંધારણ અને જરૂરિયાત અલગ અલગ હોય છે. અહીયા માતાનો રોલ અગત્યનો હોય છે. બાળક ગર્ભાધારથીજ માતા સાથે લોહી, શારીરિક અને આત્મીયબંધનથી બંધાયેલું હોય છે એટલે માતા બાળક સાથે જેટલું વધું આત્મીય બંધન જાળવી રાખશે એટલો સારો શારીરિક,માનસિક વિકાસ બાળકનો થશે અને એક તંદુરસ્ત બાળક આગળ જતા એક તંદુરસ્ત યુવાન અને નાગરિક બનશે.
આપણા સમાજ શાસ્ત્રીઓ કહે છે કે બાળક જે કઈ શીખે છે, જે કઈ વર્તન કરે છે, એ ઘરના વાતાવરણમાંથી ગ્રહણ કરીને અમલમાં મુકે છે. તેના માટે તો તેનાથી મોટા, જે વર્તન કરે કે કાર્ય કરે એ અનુકરણીય છે એમ એ માને છે અને તે પ્રમાણે અનુકરણ કરે છે. બાળકના બૌધિક વિકાસનો આધાર ઘરનું વાતાવરણ અને તેને માતા-પિતા કે ઘરના સદસ્યો કેટલો સમય આપે છે તેની પર આધારિત હોય છે. અત્યારે તો વિજ્ઞાન પણ કહે છે કે આપણા મસ્તિસ્કમાં અખૂટ શક્તિ ભરેલી છે. બાળકની પ્રાથમિકતા તેને માતા-પિતા, દાદા-દાદી કે ઘરના સદસ્યો તરફથી મળતો સમય છે. બાળકને રમકડાંથી રમવું વધારે ગમે છે. એ તેના માટે એક આનંદ આપતું સાધન છે, પણ જો તેની પાસે રમકડાંનો ઢગલો કરી દેવામાં આવશે તો એ દ્વિધા અનુભવશે અને રમકડાં પ્રત્યે લગાવ નહી જાગે. બાળકને રમકડાં પ્રત્યે લગાવ ત્યારે જ વધે જયારે કોઈ તેની સાથે રમીને તેને પ્રોત્સાહિત કરે. આ માટે તેની સાથે રમકડાંથી રમવું પડે, તેના માટે સમય ફાળવવો પડે, અત્યારે દરેક ઘરમાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. કોઈની પાસે બાળક માટે સમય નથી. માતા-પિતા માને છે કે બાળકને જરૂરિયાત રમકડાંની છે તો એ પૂરી કરી દીધી, આ માનસિકતાથી બાળક એકલું અટુલું રમકડાંથી રમવાની ગડમથલ કરે છે અને પછી થાકીને તેમાંથી રસ લેતું બંધ થઇ જાય છે. બાળકના બૌધિક વિકાસ માટેનું આ પ્રથમ પગથિયું છે. અત્યારે જાત જાતની રમતો અને રમકડાં બજારમાં મળે છે. બાળકને રમકડાં કે રમતો સાથે માનસિક કસરત પણ કરવી ગમે છે, પણ, સાથે સાથે એ એમ પણ વિચારતું હોય છે કે તેની રમકડાંથી રમવાની ક્રિયાને કોઈ જોઈ રહ્યું છે કે નહી, ઉત્સાહવર્ધક, પ્રોત્સાહનના શબ્દો બાળકમાં નવી ચેતનાનો સંચાર કરે છે. તેને કઈક નવું કરવાની ઈચ્છા અને પ્રેરણા જાગે છે. અત્યારે ખાટલે મોટી ખોટ એ છે કે આજે બાળકને રમાડવા માટે કોઈને સમય ફાળવવો પાલવતો નથી. પતિ-પત્ની બંને નોકરી કરતા હોય, ઘરે આવીને પોતાના સોશિયલ મીડિયાનાં મિત્રો સાથે એટલા વ્યસ્ત થઇ જતા હોય છે કે બાળકને સમય આપવાની મહત્વની બાબતને અવગણે છે. ધીમે ધીમે બાળક માતા-પિતાથી દૂર થતું જાય છે અને પોતાની રીતે રસ્તો શોધી લેતા શીખે છે જે નકારાત્મક કે હકારાત્મક, કોઈપણ રસ્તો હોય શકે છે. બાળકના બૌધિક વિકાસ માટેનું આ પ્રથમ પગથીયું જ મોટાભાગના માતા-પિતા ચૂકી જતા હોય છે. પહેલાં જયારે સંયુક્ત કુટુંબો હતા ત્યારે આવી પરિસ્થિતિ ભાગ્યેજ ઉભી થતી અને સંસ્કાર ચિંચન સાથે બાળકનો બૌધિક વિકાસ પણ થતો રહેતો. બાળક ક્યારેય એકલું અટુલું ન રહેતું.
બાળકના આધ્યામિક વિકાસ કે સંસ્કાર ગ્રહણમાં ઘરનું વાતાવરણ કેવું છે એ ઉપર આધાર રાખે છે. જો, ઘરમાં પૂજા-પાઠ થતા હોય, ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય, ઈષ્ટદેવની પૂજા-અર્ચના થતી હોય, વડીલોના ચરણસ્પર્શની પ્રથા હોય તો બાળકને શીખવાડવું પડતું નથી એ જાતે જોઈને તેનું અનુકરણ કરતા શીખે છે અને ઘરના વાતાવરણના ઢાંચામાં ઢળી જાય છે. બાળકનો આત્મવિશ્વાસ સાથે ઈશ્વરમાં શ્રધ્ધા પણ વધતી જાય છે, જે તેને ખોટા માર્ગે જતા રોકે છે.
આરોગ્યનો આધાર તમે આહાર કેવો લો છો તેના પર છે. પહેલાંના સમયમાં બહાર જમવાનું પ્રસંગોપાત થતું અને તે પણ રસોઈ ઘરની વ્યક્તિની દેખરેખ નીચે બનતી એટલે રસોઈ શુદ્ધ અને આરોગ્યપ્રદ રહેતી. જયારે આજે ઘર કરતા બહાર જમવાનું ચલન વધતું જોવા મળે છે એટલે સ્વાભાવિક છે કે બાળક પણ નાનપણથી બહારની રસોઈ અને બહારનું જમવાનું વધુ પસંદ કરે જે લાંબે ગાળે બાળકના આરોગ્યને નુકશાન પહોચાડે છે. આ પરિસ્થિતિ ઉભી થવા પાછળનું કારણ સામાજિક દેખાદેખી પણ છે. બાળકના હિત માટે અને સામાજિક રીતે જોવા જઈએ તો આ પરિસ્થિતિ સુધારવી અઘરી છે પણ અશક્ય નથી. આ બાબતે જરૂરી નિર્ણય તો માતા-પિતા જ લઈ શકે.
સ્વાસ્થ્યલક્ષી બાબત આપણે વિચારી કે જો શુદ્ધ આહાર લેવામાં આવે તો સ્વાસ્થ્ય બગડવાની પરિસ્થિતિ ઉભી થતી નથી. માનસિક વિકાસનો આધાર પણ સારુ સ્વાસ્થ્ય છે. જો, બાળક તંદુરસ્ત હશે તો તેનું મન પણ સ્વસ્થ હશે જે તેને માનસિક વિકાસ માટે પ્રેરણાનું બળ પૂરું પાડશે. બીજું બાળકના માનસિક વિકાસ પર માતા-પિતા વચ્ચેનું લગ્નજીવન કઈ રીતનું છે, કેવું છે, એ મહત્વનું છે. જો, ઘરનું વાતાવરણ લાગણી સભર, એક બીજા પર નૈતિક રીતે આધારિત અને જવાબદારી ભર્યું હશે તો બાળકના મસ્તિસ્કમાં આવતા વિચારો પણ સકારાત્મક અને પ્રેરણાદાયી હશે. જો, ઘરમાં રોજ પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હશે તો તેની અસર બાળક પર નકારાત્મક પડશે. આગળ જતા એ બાળક ઉપદ્રવી બની જશે. બાળકનો ઉછેર અને સર્વાંગી વિકાસ માટે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જે ઘરમાં આદર્શ સ્થિતિ હશે એ ઘરનું બાળક આગળ જતા માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બાળક હશે, જે, તેને ભવિષ્યમાં લેવાના થતા નિર્ણયો પણ આસાનીથી લઈ શકશે.
દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે. રસ-રૂચી અલગ અલગ હોય છે. કોઈ કાર્ય એક બાળક આસાનીથી કરી શકે એ બીજું બાળક ન કરી શકે, તેનો અર્થ એ નથી કે એ બાળકમાં કોઈ ક્ષમતા જ નથી. આવી ભૂલ મોટે ભાગે માતા-પિતા દ્વારા બાળકની ક્ષમતાને સમજવામાં થતી હોય છે. દરેક માતા-પિતા એમ ઈચ્છતા હોય છે કે તેનું બાળક દરેક ક્ષેત્રમાં અવલ્લ જ રહે. દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરે, પછી એ અભ્યાસ હોય, રમત ગમત હોય કે સ્પર્ધાત્મક પરિક્ષાઓ હોય. અહીયા જ સૌથી મોટી ભૂલ થાય છે. બાળકને ક્યાં ક્ષેત્રમાં રસ છે એ તો કોઈ બાળકને પૂછતું જ નથી. માતા-પિતા પોતાની અધુરી રહેલી મહત્વાકાંક્ષા બાળક પાસે પૂરી કરાવવા માંગતા હોય છે, પરિણામે બાળકનું ભવિષ્ય અને માતા-પિતાની અપેક્ષા બંને નિષ્ફળ જાય છે અને દોષનો ટોપલો આવે છે બાળક પર, કે જેનો આમાં કોઈ દોષ નથી. જો, બાળકને મુક્ત મને વિચારવાની તક આપવામાં આવે, તેના પસંદગીના ક્ષેત્રમાં જવાની તક મળે તો સમાજમાં એવા ઘણા દાખલા મળશે કે જેમણે જિંદગીમાં સફળતા મેળવી હોય. આપણે બાળકનું અને બાળકે આપણું મૂલ્ય સમજવું પડે તો જ સફળતાને વરી શકાય છે, સાચી દિશામાં વિકાસ પામી શકાય છે.
આજનો યુગ વિજ્ઞાન આધારિત છે. ટેકનોલોજીનો આવિસ્કાર દરેક ક્ષેત્રમાં થઇ રહ્યો છે એટલે બાળકને નાનપણથી જ વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા શીખવવું પડે. જેમ કુદરત પરિવર્તનશીલ છે તેમ અત્યારનો વૈજ્ઞાનિક યુગ પણ પરિવર્તનશીલ છે. આજની શોધ આવતી કાલે ઓલ્ડ વર્ઝન થઇ જાય છે. આજનું વિજ્ઞાન, માનસિક, શારીરિક, આર્થિક કે બૌધિક વિકાસ, દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યું છે. આગળ જતા એવું પણ બને આજના બાળકને એ. આઈ. સાથે સ્પર્ધા કરવી પડે, તો તેના માટે તૈયાર રહેવું પડે, તૈયાર થવું પડે.
આજનુ બાળક કાલનો યુવાન છે અને સામાજિક ભવિષ્ય છે. બાળક તરીકે નહી પણ એક નાગરિક તરીકે આજના બાળકનું મુલ્યું બહુ ઉચું અને મહત્વનું છે. સામાજિક સુદ્રઢતા માટે વ્યક્તિ શારીરિક, માનસિક અને બૌધિક રોતે સ્વસ્થ હોવી જરૂરી છે એટલે બાળકનું સામાજિક મુલ્ય સમજીને તેને બાળપણથી એ પ્રમાણે તૈયાર કરવા જોઈએ, સંસ્કારનું સિંચન કરવું જોઈએ. પોતાનું ભવિષ્ય પોતે જ લખી શકે એ રીતે તૈયાર કરવા જોઈએ.
જીવનમાં ધ્યેયનું મૂલ્ય ખૂબ જ મહત્વનું છે. દિશાવિહીન નાવ ક્યારેય મંઝિલે પહોચતી નથી. બાળક માટે યોગ્ય ધ્યેયની, દિશાની પસંદગી કરવી જરૂરી છે જે માતા- પિતા બાળકની ક્ષમતા અને રસના વિષયને ધ્યાનમાં રાખીને કરી શકે છે અને બાળકને ધ્યેય પ્રાપ્તિ માટેના સોપાન તરફ અગ્રેસર કરી શકે છે. ત્યારબાદ ધીરજ રાખીને બાળક જેમ જેમ સમજણ મેળવતું જાય તેમ તેમ દિશાનું સૂચન કરીને તેને તેના લક્ષની, ધ્યેયની જાણ કરી એ તરફ અગ્રેસર કરવું જોઈએ.
બાળઉછેર માટેનું જ્ઞાન કોઈ બુક વાંચીને પૂરેપૂરું નહી મળી શકે. તેના માટેની આદર્શ સ્થિતિ જો કોઈ હોય તો તે ઘર છે. વડીલોનું માર્ગદર્શન છે જેને આપણે કોઠાસૂઝ કહીએ છીએ. જયારે મેડીકલ સાયન્સ આટલું આગળ વધેલું નહોતું ત્યારે પણ દાદીમાંના વૈદાથી સુશ્રુષા થતી હતી. બાળઉછેર માટે પ્રાથમિક જરૂરિયાત છે બાળકની ક્ષમતાને સમજવાની, બાળક સાથે બાળક બનવાની, બાળકની બીજા બાળક સાથે સરખામણી નહી કરવાની. બાળકનું મન કોરી પાટી જેવું હોય છે તેના પર જેવું ચિત્ર દોરીએ, જેવા રંગો પૂરીએ એવું એ ચિત્ર બને એટલે આપણે નક્કી કરવું પડે કે કેવું ચિત્ર જોઈએ છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બાળઉછેર કરીએ તો એક બાળક બધી રીતે વિકસિત તંદુરસ્ત યુવાન અને નાગરિક બની શકે.
આપણી ભારતીય પરંપરા આત્મ સન્માન સાથે શિસ્તબધ જીવનશૈલીની છે. જેમાં નાનપણથી જ બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આદર આપવાનું અને આદર પામવાનું જ્ઞાન આપવામાં આવે છે. ભૂતકાળમાં ગુરુકુળની પરંપરા આ સિધ્ધાંત પર આધારિત હતી. ત્યારે ગુરુનું સ્થાન મોખરાનું સ્થાન ગણાતું અને ગુરુ- શિષ્યના પવિત્ર સંબંધથી જોડાયેલું રહેતું. આજના પરિપેક્ષમાં જોઈએ તો આ પરંપરા જ લુપ્ત થઇ રહી હોય એમ લાગે છે. શિક્ષણ પધ્ધતિમાં આમુલ પરિવર્તન આવી ગયું છે. ગુરુ અને શિષ્ય— શિષ્ય અને ગુરુ વચ્ચેના પવિત્ર સંબંધનો છેદ ઉડી જતો લાગે છે. અહીયા શિક્ષકની ભૂમિકા મહત્વની બની જાય છે. બાળકના સર્વાંગી વિકાસમાં આ પાસું પણ ખૂબજ મહત્વનું છે. તેમાં જરૂરી સુધારા આવશ્યક છે. સમાજશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રી કે શિક્ષણવિદ્દ જ આ દિશામાં દિશા સૂચન કરી શકે, જરૂરી સુધારાઓ કરી શકે.
બાળકના સર્વાંગી વિકાસમાં જો કોઈ મહત્વનો ભાગ હોય તો એ કુટુંબ પ્રથા છે. પહેલાં સંયુક્ત કુટુંબો હતા. દાદા, દાદી, કે નાના નાની બાળકો ને વાર્તા કહેતા. વાર્તામાંથી બાળકો બહાદુરીના, આધ્યાત્મીકતાના, ધાર્મિકતાના, વડીલો પ્રત્યે માન સન્માનના પાઠ શીખતા. ઈસપની અને બીજી બોધ કથાઓમાંથી, મહાપુરુષોના જીવનચરિત્રમાંથી બોધ લઈને તે પ્રમાણેનું ધડતર કરતા. જયારે આજે વિભક્ત કુટુંબો થતા ગયા અને તે પણ એકાકી જીવનમાં પરિવર્તિત થઇ રહ્યાં છે. ટૂંકમાં કહીએ તો સંયુક્ત કુટુંબમાં બાળકનું સર્વાંગી ઘડતર થતું હતું જે આજે વિભાજીત કુટુંબમાં થવું અઘરું થઇ ગયું છે.માતાપિતાનું એકજ સંતાન હોવાથી લાડકોડમાં પોતાની જાતને બીજા કરતાં કંઈક વિશિષ્ટ મને છે અને એટલે ક્યારેક સમાજમાં એકલું અટુલું થઇ જાય છે.આ પરિસ્થિતિ પણ સમાજ માટે હાનીકારક સાબિત થાય છે.આ ઉપરાંત માતાપિતા પણ એકજ સંતાન હોવાથી ઘણી વખત નાની-મોટી ભૂલો અવગણતા હોય છે. જે સરવાળે બાળક માટે તો બાળકને જ નુકશાન કરે છે અને જયારે સમજાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.
બાળકના જન્મથી લઈને બાળકના વિકાસમાં જો કોઈ મહત્વનું પાત્ર હોય તો એ માતા છે. એટલે જ તો કહ્યું છે કે `સો શિક્ષક બરાબર એક માતા.` માતાનું સ્થાન બાળકના જીવનમાં ખૂબ ઉચે હોય છે. પહેલાં માતાને બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી એટલે ફક્ત ને ફક્ત બાળક પર ધ્યાન કેન્દ્રિત રહેતું અને બાળકના વિકાસમાં થતી ભૂલ સુધરી જતી. જયારે આજની માતા પણ વર્કિંગ વુમન બની ગઈ છે એટલે બાળકના વિકાસમાં રહી જતી ક્ષતિઓ આગળ જતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જે આજે સમાજમાં બનતા વિવિધ બનાવોથી તાદૃશ્ય થાય છે. આજે માતાની ભૂમિકા બેવડી બની ગઈ છે, માતા અને વર્કિંગ વુમન. ત્યારે આ સંજોગોમાં પિતાની ભૂમિકા પણ બાળઉછેર માટે મહત્વની બની જાય છે. માતા-પિતા ત્રાજવાના બે પલ્લા બની ગયા છે, જે સમતોલ રહેવા જરૂરી છે. ટૂંકમાં કહીએ તો બાળકના સર્વાંગી વિકાસ માટે જે કઈ અગત્યની બાબત હોય તેને પ્રાધાન્ય આપવું પડે, અને આની શરૂઆત માતા-પિતાએ જ કરવી પડે. એક વખત સમય હાથમાંથી સરકી ગયા પછી થીંગડા મારવા જેવું કાર્ય થાય. બાળ તજજ્ઞ, બાળ માનસશાસ્ત્રીઓ પણ કહે છે કે બાળક પાંચ વર્ષની આયુ સુધી બધું ગ્રહણ જ કરે છે જે તેના મસ્તિષ્કમાં સંગ્રહિત થાય છે. આ સંગ્રહિત માહિતી તેનાં વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. બાળક આ બધું ઘર અને આજુબાજુના વાતાવરણમાંથી મેળવે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શરૂઆતનો તબક્કો બહુજ મહત્વ ધરાવે છે, જો, એ મજબુત હશે, પાયો મજબુત હશે, તો, બાળકનો સર્વાંગી વિકાસ પણ મજબુત હશે.
*નરેન્દ્ર ત્રિવેદી.(ભાવનગર)*
*Mob. 9429234243*
*E. Mail…nkt7848@gmail.com.*
Leave a comment