લ્યુકેમિયા – 08 અમારનો રિપોર્ટ
સવારની મીઠી પરોઢ ઉગી નીકળી. ચારે તરફ થતો પક્ષીઓનો અવાજ મારી અર્ધ નિંદ્રાને ખલેલ પહોંચાડી રહ્યો હતો. બરાબર આંખો ખોલીને સફાળો ઊભો થયો અને આમ-તેમ જોઈને સીધો ઘરમાં ભાગ્યો. મારા રૂમમાં ગયો અને જોયું તો ત્યાં સિતારા નહોતી.
ભાગીને સીધો અમારના રૂમમાં આવ્યો. જોયું તો સિતારા અમારનું માથું તેના ખોળામાં લઈને ખુલ્લી આંખે દીવાલ ઉપર ટીંગાડેલી ઘડિયાળ જોઈ રહી હતી. એને જોઈને સાફ તેની હાલતનો અંદાજો લગાવી શકાતો હતો, એ પણ સમજાઈ રહ્યું હતું કે તે આખી રાતમાં સૂઈ નથી. હું તેની પાસે ગયો અને બોલ્યો,
“સિતારા…..”
તે એની દુનિયામાં ખોવાયેલી હતી. તેણે મારો અવાજ સાંભળીને અણસૂનો કરી દીધો અથવા તેને મારો અવાજ સંભળાઈ રહ્યો નહોતો. તે બસ એમ જ દિવાલ પર ટિંગાળેલી ઘડિયાળના કાંટા તરફ જોઈ રહી હતી.
મેં તેના હાથ પર હાથ મૂક્યો પણ તેને અણસાર ન આવ્યો! એક સમય માટે તો હું એક ધબકાર ચૂકી ગયો, એવું લાગ્યું કે ‘સિતારાનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે.’
ખુદને શાંત કરીને ફરી સિતારાના હાથ પર હાથ મૂક્યો. આ વખતે તેને હળવું રીએકશન આપ્યું અને મેં તેને થોડી હલાવી અને તે થોડી ધ્યાનમાં આવી અને મારી સામે ચોંકીને જોવા લાગી. અમાર હજુ સૂઈ રહ્યો હતો. તેની તરફ જોયું અને બોલી,
“અવાજ ન કરતા… અમાર હજુ હમણાં જ સૂતો છે. એની ઊંઘમાં ખલેલ પડશે…”
“પણ એને જગાડવો પડશે! દસ વાગવા આવ્યા છે.”
“હા તો.. હજુ દસ જ વાગ્યા છે ને આપણે કાલે સવારે અગિયાર વાગ્યે જવાનું છે. હજુ તો આખી રાત પડી છે. આજે હું અમાર સાથે તેના રૂમમાં જ સુઈશ. તમે જઈને આપણા રૂમમાં સૂઈ જાઓ…”
સિતારા હજી દિવસને રાત સમજી રહી હતી. આખી રાત બેધ્યાન રહેવાને લીધે તે સંજોગને સમજી રહી નહોતી. પરિસ્થિતિનું તેને કોઈ ભાન નહોતું. મેં તેનો હાથ ધીરજથી પકડ્યો અને બોલ્યો,
“સિતારા, સવારના દસ વાગ્યા છે. થોડાક સમય પછી આપણે અમારના રિપોર્ટ માટે હોસ્પિટલ જવું પડશે..” હું ખૂબ ધીરજથી આટલું બોલ્યો.
તે એકદમ ઊભી થતાં બોલી, “આપણા પણ લોહીના રિપોર્ટ કરાવવાના છે, ત્યારે તો આપણે આપણા દીકરાને બચાવી શકીશું…”
“હા… આપણા પણ રિપોર્ટ કરાવવાના છે. તું હવે અમારને ઉઠાડ અને એને તૈયાર કરી દે…”
“અમારના બાપુ આજે એ સ્કૂલ નહિ પણ હોસ્પિટલ જવાનો છે….. (તે રડવા લાગી) રોજ કેટલા વ્હાલથી મારા લાડકવાયાને તૈયાર કરીને સ્કૂલ મોકલતી હતી. એ મોટો થઈને ડૉકટર બનવા માગે છે, અમારના બાપુ શું તેનું આ સપનું પૂરું થશે?” તે રડતી રડતી મારા આલિંગનમાં ભરાઈ ગઈ.
એની વાત સાંભળીને હું કશુજ બોલી ન શક્યો. હજુ તો આંસુ આંખમાં સુકાયાં નહોતાં ને તેની વાતોએ ફરી મન ચગડોળે ચડાવી દીધું. તેની વાતનો શું જવાબ આપવો એ મને પણ સમજાઈ રહ્યું નહોતું. બસ તેને આલિંગનમાંથી બહાર કરતાં કહ્યું,
“બધું સારું થશે! તું ચિંતા ન કર. આપણા અમારને ઉઠાડીને જમાડી દે. પછી આપણે હોસ્પિટલ જવા માટે રવાના થઈશું.”
હું એટલું કહીને બહાર નીકળી ગયો. સિતારાની આંખોમાં જોવાની હિંમત ન કરી. તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને અમારા રૂમમાં આવી ગયો. વોશરૂમમાં ચાલ્યો ગયો અને જઈને શાવર ચાલુ કર્યો અને વહેતી પાણીની બુદોમાં મારા આંસુઓનો સહેલાબ વહી ગયો… બહાર સિતારા આવી અને બોલી,
“અમારના બાપુ, અમે બંને તૈયાર થઈ ચૂક્યાં છીએ. તમારાં કપડાં કાઢીને ખાટલા પર મૂક્યાં છે.”
મેં મારો અવાજ ઠીક કરવાની કોશિશ કરતાં કહ્યું, “હા….”
તે બહાર ચાલી ગઈ અને ડાઇનિંગ ટેબલ પર અમારી રાહ જોવા લાગી. રાહ જોતાં જોતાં એને સાદ કર્યો,
“અમારના બાપુ….”
“આવ્યો….” દર્પણમાં જોઈને મેં મારી આંખો લૂછી અને હાલ ઠીક કરતાં તેમની પાસે જઈને બેઠો.
સિતારા અને અમાર સાથે નજર મિલાવવાની હિંમત નહોતી. હળબળીમાં ડિશમાં પૌંઆ લઈને નાસ્તો કરવા લાગ્યો. સિતારાએ પણ મને નાસ્તો કરતો જોઈને થોડોક નાસ્તો કર્યો. હું જાણતો હતો કે જો હું નાસ્તો કરવાની ના કહીશ તો સિતારા પણ નાસ્તો નહિ કરે! ગઈ કાલ સવારથી અમે ભૂખ્યા હતાં અને સિતારાની તબિયત પણ નરમગરમ હતી એટલે હૃદય પર પથ્થર મૂકીને નાસ્તો કરી લીધો.
નાસ્તો કર્યા બાદ ટેક્ષી બોલાવી લીધી અને હોસ્પિટલ પહોચ્યાં. ગઈ કાલ સવાર સુધી અમે બીમારીથી પરિચિત નહોતાં પણ આજે બીમારીથી પરિચિત હતાં. અમારના રિપોર્ટ આવવાના હતા, એની ઘણી ચિંતા હતી. લોબીમાં બેઠા બેઠા પગ હલાવી રહ્યો હતો. હાથની આંગળીઓ હાથમાં નાખીને મછડી રહ્યો હતો. સિતારાની પણ આવી જ હાલત હતી. નર્સ બહાર આવી અને બોલી,
“મિસ્ટર શિવ, અમારને લઈને ડૉકટર ઈશાનની કેબિનમાં જાઓ..”
“ઠીક છે..”
અમાર તરફ જોયું અને તેના વાળમાં હાથ ફેરવ્યો. તેની દ્વારા ખૂબજ આહ્લાદક સ્મિત કરવામાં આવ્યું. જે જોઈને થોડીવાર માટે તો હું અને સિતારા એની બીમારી વિશે પણ ભૂલી ગયાં. નર્સ ફરી બોલાવવા આવી,
“આપ આવી રહ્યા છો કે નેકસ્ટ પેશન્ટને લઉં?”
“ના… ના…. અમે આવી રહ્યાં છીએ…” સિતારા બોલી પડી.
અમારનો હાથ પકડીને ડૉક્ટર ઈશાનની કેબીનમાં લઈ આવ્યો. અંદર આવીને બેઠાં અને પછી ડૉક્ટર ઈશાન હાથમાં રિપોર્ટ લઈને વાંચી રહ્યા હતા. હું અને સિતારા તેમના ચહેરા તરફ ખૂબજ ધ્યાનથી જોઈ રહ્યાં હતાં. તે કંઈ બોલે તેની અમે રાહ જોઈ રહ્યાં હતાં. ડૉક્ટર ઈશાને રિપોર્ટ ટેબલ પર મુક્યા અને અમાર સામે જોઈને બોલ્યા,
“દોસ્ત, ત્યાં શું કરે છે? અહીં મારી પાસેની ચેર પર આવીને બેસી જા…”
અમાર માત્ર એક દિવસમાં ડૉક્ટર ઈશાન સાથે ખૂબજ હળીમળી ગયો હતો. તેને તેમની સંગત ખૂબજ ગમી હતી એટલે મારા ખોળામાંથી ઊભો થઈને તેમની પાસે દોડીને ચાલ્યો ગયો. તેમની સાથે રમવા લાગ્યો. થોડાક સમય સુધી તે રમ્યા અને પછી ડૉક્ટર ઈશાન બોલ્યા,
“જીજ્ઞા, અમારનું બ્લડ સેમ્પલ લઈને મને આપો.”
નર્સ જીજ્ઞા અમારનો હાથ પકડીને તેને કેબીનની બહાર લઈ ગઈ. હું, સિતારા અને ડૉક્ટર ઈશાન હવે ત્યાં હતાં. મારાથી પૂછ્યા વગર રહેવાયું નહીં અને પૂછી લીધું,
“ડૉક્ટર ઈશાન, અમારના રિપોર્ટ આવી ગયા છે?”
“હા… આવી ગયા છે.”
“રિપોર્ટ નોર્મલ જ છે ને! ઈશ્વરની કૃપાથી…..”
“ના….. રિપોર્ટ નોર્મલ નથી. અમાર લ્યુકેમિયાના ફર્સ્ટ સ્ટેજમાં છે.”
હું અને સિતારા થોડાં ગભરાયાં. એકબીજા તરફ જોયું અને સિતારા ભોળાભાવે બોલી પડી,
“હજુ તો શરૂઆત છે ને! તમે ઈલાજ કરશો તો પણ અમારો અમાર ઠીક થઈ જશે…”
ત્યારે ડૉક્ટર ઈશાન ઊભા થયા અને બોલ્યા, “આ કોઈ શરૂઆત નથી. અમારને બ્લડ કૅન્સરની શરૂઆત એની માતાના ગર્ભથી જ થઈ ગઈ હતી.”
આ સાંભળીને અમારા હોશ ઉડી ગયા. કંઈ સમજાઈ રહ્યું નહોતું. મન અનેક વિચારો કરી રહ્યું હતું. ફર્સ્ટ સ્ટેજ વિશે જાણીને મનમાં એક ઉમ્મીદ જાગી હતી પણ ડૉકટર ઈશાનનો જવાબ મળતાંની સાથે એ ઉમ્મીદ પણ દબાઈ ગઈ. મારાથી રહેવાયું નહિ અને મેં પૂછી લીધું,
“તો અમાર સ્નેહાના ગર્ભમાંથી જ બ્લડ કેન્સરનો પીડિત બનીને જન્મ્યો હતો?”
“બની શકે…” ડૉકટર ઈશાને જવાબ આપ્યો.
“આપના જણાવ્યા અનુસાર આ બ્લડ કેન્સરનું પ્રથમ સ્ટેજ છે, તો એનો ઉપચાર પણ સહેલો હશે!” મેં ખૂબ આશા સાથે પૂછ્યું.
“મિસ્ટર શિવ, હું તમારી ભાવના સમજી શકું છું પણ હું એક ડૉક્ટર છું અને મારી ફરજ છે કે તમને સચ્ચાઈથી અવગત કરાવવા. તમે મારી વાત ધ્યાનથી સાંભળો… પ્રથમ ચરણ છે, તેમ છતાં ઉપચાર સહેલો નથી. ઉપચાર હેતુ અમેરિકા જવું જ પડશે… આપણા ભારતમાં પણ ઉપચાર કરાવી શકાય છે પણ મારી સલાહ તો એ જ રહેશે કે આપ ત્યાં જઈને ઈલાજ કરાવી આવો.”
“એટલે અમારની હાલત ખૂબ ગંભીર છે?” મેં હળવેથી પૂછ્યું.
“હા પણ અને ના પણ….” ડૉક્ટર ઈશાને ઊભા થતાં કહ્યું.
“તમારા કહેવાનું તાત્પર્ય?”
“અમાર લ્યુકેમિયાના ફર્સ્ટ સ્ટેજમાં છે પણ….” ડૉક્ટર ઈશાન આગળ બોલતાં અટકાઈ ગયા.
“પણ શું ડૉક્ટર?” હું પ્રશ્ન પૂછું એની પહેલાં તો સિતારાએ ઊભી થઈ ગઈ અને આ પ્રશ્ન પૂછી લીધો.
ક્રમશ……

Leave a comment