લ્યુકેમિયા – 09 સેકન્ડ સ્ટેજની ભીતર
ડૉક્ટર ઈશાન ઊભા થયા. અમારી બંનેની વચ્ચે ટેબલ પર આવીને બેઠા. મેજ પર રાખેલો પાણી ભરેલો ગ્લાસ ઉઠાવીને ગઢગઢ કરતા પી ગયા. તેમને જોઈને હું સમજી ગયો કે ‘તે કંઇક સિરિયસ વાત કરવા જઈ રહ્યા છે. જેની માટે ખુદને તૈયાર કરી રહ્યા છે.’
હું ચૂપચાપ એમની સામે જોઈ રહ્યો. હાથ વડે ખુરશી મજબૂત પકડી દીધી. નશો ફૂલવા લાગી, આખું શરીર એસી ઓન હોવા છતાં ગરમીમાં બળવા લાગ્યું. પરસેવાની રેલમછેલ ઊઠી. શરીર કાંપવા લાગ્યું. આંખોમાં ફરી પાછી એજ અસહ્ય પીડા થવા લાગી. જેને લીધે આંસુઓ વહેવા લાગ્યાં. નાકમાંથી પાણી છૂટવા લાગ્યું. શરીર ઠંડું પડવા લાગ્યું, બીપી પણ ઉપર નીચે થવા લાગ્યું. શરીર ગતિમાં ધ્રુજવા લાગ્યું, જેને લીધે ખુરશી હલવાનો અવાજ આવવા લાગ્યો.
ડૉકટર ઈશાનનું ધ્યાન મારી તરફ ગયું. મને જોઈને એ સમજી ગયા કે જો એક મિનિટ મોડું થયું તો મને લકવો મારી જશે. એ ફટાફટ ખુરશી ઉપરથી ઊભા થયા અને બૂમો પાડવા લાગ્યાં,
“નર્સ જીયા, કબીરા, માણેક જલદી મારી કેબિનમાં આવો.”
મને આંખે અંધારાં આવવા લાગ્યાં હતાં. એ વચ્ચે એમનો જાડો જાડો અવાજ સંભળાઈ રહ્યો હતો. નર્સ જીયા, કબીરા અને માણેક દોડીને આવ્યાં. મને ખુરશીમાંથી ડૉકટર ઈશાન અને માણેક દ્વારા ઉપાડવામાં આવ્યો. સિતારા આ બધું જોઈ રહી હતી. કેવી રીતે રીએક્ટ કરવું એ તેને શાયદ સમજાઈ રહ્યું નહોતું. તે મારી તરફ જોઈ રહી હતી.
ડૉક્ટર ઈશાન દ્વારા મારો ઈલાજ શરૂ કરવામાં આવ્યો. હું તેમની તરફ જોઈ રહ્યો હતો. તેમના દ્વારા મારા માથામાં હાથ ફેરવવામાં આવ્યો અને મને એટલું જ કહ્યું,
“મિસ્ટર શિવ, આપ ચિંતા ન કરો. અમારને બચાવવાની જવાબદારી હું લઉં છું. આપ એના ઈલાજ વિશે કંઈ ન વિચારો. બધું સારું થઈ જશે! તમે મારી વાત સાંભળી રહ્યા છો ને?”
ડૉક્ટર ઈશાન ખરેખરમાં અમારા પરિવાર માટે ઈશ્વર બનીને આવ્યા હતા. તેમનો અવાજ તૂટક તૂટક સંભળાઈ રહ્યો હતો પણ એમની ભાવના હું એમના તૂટક તૂટક અવાજમાં સમજી રહ્યો હતો. મેં મારો આત્મવિશ્વાસ વધાર્યો અને ડૉકટર ઈશાનનો હાથ ખૂબજ ઉમ્મીદ સાથે પકડી લીધો. ડૉકટર ઈશાને મારી આંખમાં જોયું અને ઈશારો કર્યો, ‘બધું ઠીક થઈ જશે! આપ ચિંતા ન કરો.’ બસ આટલા ઈશારા પછી મને તેમના દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું ને હું બેહોશ થઈ ગયો.
સિતારા હજુ ખુરશી ઉપર બેઠેલી હતી. તેનું મોં ખૂલેલું હતું. ડૉક્ટર ઈશાન મારો ઈલાજ કર્યા પછી તેની પાસે ગયા અને બોલ્યા,
“ભાભી, મિસ્ટર શિવ એકદમ ઠીક છે. આપ એમની ચિંતા ન કરો.”
સિતારા હોશમાં હોવા છતાં હોશમાં નહોતી. નર્સ જીયા તેની પાસે ગઈ અને તેને હલાવી. સિતારા વાસ્તવિક સ્થિતિમાં આવતાં જ ચીસ પાડી ઉઠી,
“અમારના બાપુ…..”
આ ચીસ પાડીને સિતારા મારી પાસે દોડી આવી. મારા મૂર્છિત શરીરને હલાવવા લાગી. ડૉક્ટર ઈશાન તેની પાસે દોડી આવ્યા અને બોલ્યા,
“ભાભી, આપ ચિંતા ન કરો. શિવે વધારે પડતો તણાવ અનુભવ્યો હતો. જેને લીધે તેમનું બીપી થોડું ઉપર નીચે થયું. મેં એમને ઘેનનું ઇન્જેક્શન આપ્યું છે, જેથી થોડોક સમય તે તણાવ ન અનુભવે. એમની હાલત જોઈને મને સમજાઈ ગયું છે કે એ છેલ્લી બે રોતોથી ઊંઘ્યા નથી. જેને લીધે એમની આવી હાલત થઈ છે પણ આપ નિશ્ચિત રહો, એમને કલાકમાં હોશ આવી જશે અને પછી તેમને ઘણું સારું લાગશે.”
સિતારા ખૂબ જ ધ્યાનથી એમની વાતો સાંભળી રહી હતી. ડૉક્ટર ઈશાનને બસ એને એટલું જ પૂછ્યું,
“હું હવે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું. તમે મને જણાવો.”
ત્યારે ડૉક્ટર ઈશાન વિચારમાં પડ્યા. એમને પહેરેલ ચશ્મા ઉતર્યા. મેજ પર મૂકેલ લિકવિડનો સ્પે ઉઠાવીને ચશ્માના ગ્લાસ ઉપર છંટ્યો અને પછી ટિસ્યુ દ્વારા ગ્લાસ સાફ કરીને ચશ્મા પહેરી લીધા. ચશ્મા પહેર્યા પછી તેમણે સિતારાને કહ્યું,
“ભાભી, આપ કહી જ રહ્યા છો તો હું આપનાથી કંઈ નહિ છુપાવું.”
સિતારા એમની તરફ જોઈ રહી. ડૉક્ટર ઈશાને બેસવા માટે ઈશારો કર્યો અને તે ખુરશી પર બેસી ગઈ. ડૉક્ટર ઈશાન બોલ્યા,
“ભાભી, તમારી મનોવ્યથા હું સમજી શકું છું પણ અમારની બીમારીનો હિંમતથી સામનો કરવાનો છે. તમારી આ જંગમાં હું તમારી સાથે છું.”
“ડૉક્ટર, આપને હું કેટલા ગલત સમજતી હતી પણ તમે તો અમારા પરિવાર માટે ઈશ્વર બનીને આવ્યા છો. બસ મારા દીકરા અમારને સ્વસ્થ કરી દો..”
સિતારા આટલું કહેતાં નોધારી થઈને રડવા લાગી. ડૉક્ટર ઈશાન દ્વારા તેને પાણી આપ્યું. પાણી પીધા બાદ સિતારા બોલી,
“ડૉક્ટર ઈશાન, હવે આપ મને જણાવો. આપ શું કહી રહ્યા હતા? હું એટલી ભણેલી નથી પણ તમે આસન શબ્દોમાં સમજાવશો તો હું સમજી જઈશ.”
“ભાભી, મને શિવ હિંમતવાન લાગતા હતા પણ અત્યારે એમની હિંમત જરાક ડગી છે પણ ભાભી હું જે કહેવા જઈ રહ્યો છું, એને હિંમત પૂર્વક સાંભળશો.”
“હા ભઈ, બધી હિંમત જ છે.” સિતારા ઉતાવળી થઈને બોલી.
ડૉક્ટર ઈશાનને થોડું સારું ન લાગ્યું પણ સિતારાની અમાર માટેની ચિંતા તે સમજી શકતા હતા એટલે તે બોલ્યા,
“ભાભી, અમારને રક્ત એટલે કે લોહીનું કેન્સર છે. એ તો તમને ખ્યાલ જ છે. અમાર અત્યારે તો પ્રથમ સ્ટેજમાં છે પણ આવનાર દિવસોમાં બીજા સ્ટેજમાં પ્રવેશ કરી લેશે. આ સ્ટેજથી ત્રીજા સ્ટેજમાં પ્રવેશતાં અમુક મહિના લાગશે. ને પછી છેલ્લું સ્ટેજ આવી શકે છે. એટલે એવું કહી શકું કે શ્વેતકણો ઝડપથી ખરાબ થવા લાગશે. જો યોગ્ય સમયે અમારનો ઈલાજ કરવામાં ન આવ્યો તો……”
સિતારા એકજ ધ્યાને આ બધું સાંભળી રહી હતી. તેને સમજાઈ રહ્યું હતું કે અમાર આગામી દિવસોમાં વધારે બીમાર થવાનો છે. તેને કંઈ વિશેષ આમાં ખબર ન્હોતી પડતી એટલે ડૉક્ટર ઈશાન તરફ થોડો સમય તો જોઈ રહી. શું પૂછવું અને શું નહીં! એનું તેને જરાય પણ જ્ઞાન નહોતું. સિતારા ખુરશીમાંથી ઊભી થઈ અને મારી પાસે આવી. તેણે મને હલાવ્યો પણ હું ઘેનમાં હતો. ડૉક્ટર ઈશાન એની પાસે દોડી આવ્યા અને બોલ્યા,
“ભાભી, આપ આ શું કરી રહ્યાં છો?”
“દીકરા પર આટલી મોટી સમસ્યા આવી છે. તેમ છતાં પણ આ જુઓને કેવા લેરથી સૂતા છે…. ઊઠો અમારના બાપુ…”
તે મને હલાવી રહી હતી પણ હું હોશમાં આવી રહ્યો નહોતો. ડૉક્ટર ઈશાન તેને આમ કરતાં રોકવાની કોશિશ કરી રહ્યા હતા પણ તે રોકાઈ રહી ન્હોતી. તે મને સતત હલાવી રહી હતી. એકાએક મેજ પર મૂકેલ પાણી ભરેલા જગ તરફ એનું ધ્યાન ગયું અને એને ઉઠાવીને મારા મોં ઉપર છાંટ્યું અને હું ઝબકીને ઊઠી ગયો. થોડા સમય સુધી તો મને સમજાયું નહિ કે અહીં શું થઈ રહ્યું હતું પણ જેવું જ મને સમજાયું કે તરત જ હું ઊભો થઈ ગયો. ડૉક્ટર ઈશાન બોલ્યા,
“શિવ, સ્ટેચર ઉપર બેસી જાઓ. બધું ઠીક છે.”
હું બેસવા માટે તૈયાર નહોતો પણ ડૉક્ટર ઈશાન દ્વારા બેસાડવામાં આવ્યો. હું થોડીવાર શાંતિથી બેઠો. નર્સ દ્વારા ગ્લુકોઝ આપવામાં આવ્યું. પીવાની જરાય ઇરછા નહોતી પણ ડૉકટર ઈશાન દ્વારા કહેવામાં આવ્યું એટલે મેં પી લીધું. તેમને મારા શરીરની તપાસ કરી અને બોલ્યા,
“હવે બધું નોર્મલ છે.”
હું એજ ક્ષણે ઊભો થઈ ગયો ને પૂછવા લાગ્યો, “ડૉકટર ઈશાન, આપ કહી રહ્યા હતા કે અમાર લ્યુકેમિયાના ફર્સ્ટ સ્ટેજમાં છે. પણ આ શરૂઆત નથી. તો આપના કહેવાનો અર્થ શું હતો?”
ત્યારે તે બોલ્યા, “તમારી તબિયત હજુ હવે સરખી થઈ છે. આપ હજુ સ્ટેબલ નથી.”
“હું એકદમ ઠીક છું. આપ બિન્દાસ થઈને જણાવો.”
ડૉક્ટર ઈશાન બોલ્યા, “ઓકે, ઠીક છે. તો સાંભળો… અમાર અત્યારે તો પ્રથમ સ્ટેજમાં છે પણ આવનાર દિવસોમાં બીજા સ્ટેજમાં પ્રવેશ કરી લેશે. આ સ્ટેજથી ત્રીજા સ્ટેજમાં પ્રવેશતાં અમુક મહિના લાગશે. ને પછી છેલ્લું સ્ટેજ આવી શકે છે. એટલે એવું કહી શકું કે શ્વેતકાકણો ઝડપથી ખરાબ થવા લાગશે. જો યોગ્ય સમયે અમારનો ઈલાજ કરવામાં ન આવ્યો તો……”
ક્રમશ……

Leave a comment