લ્યુકેમિયા – 14 પીડામાં રસ્તો ભટક્યા
ડૉક્ટર ઈશાને અમને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે સવિસ્તાર માહિતી આપી, જે સાંભળીને અમને તો લાગી રહ્યું હતું કે હવે અમારા અમારને કશું જ નહીં થાય! પણ હજુ એક પ્રશ્ન એમ જ અકબંધ હતો. અમાર હજુ પણ બીમાર હતો. હજુ પણ તે મોતના મુખમાં જ ઊભો હતો.
મારાથી રહેવાયું નહીં એટલે મેં પ્રશ્ન કર્યો, “બોનમેરો વિશે તો આપે પૂરતી માહિતી આપી દીધી છે પણ તમે એની પહેલાં કહ્યું કે અમારું બોનમેરો મેચ થયું નથી, તો હવે અમારને કેવી રીતે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીશું?”
મારો પ્રશ્ન સાંભળીને ડૉક્ટર ઈશાને હળવું સ્મિત કર્યું, જે જોઈને મને સારું ન લાગ્યું પણ મેં એમને મહેસૂસ ન થવા દીધું. એ તો મારો ચહેરો જોઈને જ સમજી ગયા હતા કે મને એમની વાતોથી સમસ્યા હતી. જેથી તે જવાબ આપતાં બોલ્યા,
“શિવ તમારી પરેશાની હું સમજી શકું છું પણ તમારું બોનમેરો મેચ નથી થયું એનો મતલબ એ નથી કે દુનિયામાં કોઈનું પણ નહીં થાય!”
તેમના આ શબ્દોએ મને વિચારમાં મૂકી દીધો અને હું તેમની તરફ ટગર ટગર જોવા લાગ્યો. તે તેમની વાતને આગળ ધપાવતા બોલ્યા,
“આ દુનિયામાં ઘણા બોનમેરોના ડોનર છે, જેમાંથી કોઈકના કોઈક સાથે બોનમેરો મેચ થઈ શકે છે. આપણે એ વિશે વધારે ફોકસ કરીએ તો સારું રહેશે.”
મેં તરત જ સામે પ્રશ્ન કરી દીધો, “પણ આપણે ડોનરોને શોધવા માટે ક્યાં જઈશું?”
ત્યારે ડૉક્ટર ઈશાને જવાબ આપ્યો, “મારી પાસે જેટલા સંપર્કો છે એ સંપર્ક સાધીને હું ડોનર શોધવાની કોશિશ કરીશ. હવે બધું ઈશ્વરના હાથમાં છે, જેટલું જલ્દી બને એટલી જલ્દી ડોનર મળી જાય તો સારું….”
“તો જ્યાં સુધી ડોનર નહીં મળે ત્યાં સુધી મારા દીકરાના જીવ ઉપર તલવાર મોત બનીને લટકતી રહેશે?” સિતારાએ ખૂબ ભાવુક થઈને પૂછ્યું.
મારી અને સિતારાની હાલત એક જેવી હતી. અમે બંનેને વધારે કંઈ સમજાઈ રહ્યું નહોતું. અત્યારના હાલાત જોઈને અમે બંને એટલાં મજબૂર થઈ ગયાં હતાં. મને તો લાગી રહ્યું હતું કે હવે અમારને બચાવવાનો કોઈ રસ્તો અમારી પાસે બચ્યો નહોતો. ડૉકટર ઈશાનને મેં એટલું જ કહ્યું,
“આપ આપના સંપર્કથી ડોનર શોધવાની કોશિશ કરો…. હવે વધારે ચર્ચા મારું મન કરી શકે એમ નથી…”
“અત્યારે તમે ઘરે જાવ…. હું મારા સંપર્કથી કોશિશ કરું છું. જેવી જ ડોનરની વ્યવસ્થા થાય છે એવો હું તમને ઘરે આવીને મળું છું.”
“આભાર…” આટલું કહીને મેં ડૉક્ટર ઈશાનની કેબિન છોડી દીધી.
ડૉકટર ઈશાન મને જતો જોઈ રહ્યા. હજુ સિતારા એમની કેબિનમાં હતી ને મેં હોસ્પિટલ છોડી દીધી. એ બંને વચ્ચે પછી શું વાત થઈ એ મને કંઇજ ખબર નથી. હું માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો. મનમાં વારંવાર ડૉક્ટર ઈશાનના શબ્દો ગુંજવા લાગ્યા હતા,
“અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે….. અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે….. અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે….. અમારને લ્યુકેમિયા છે, તમારું બ્લડ મેચ થઈ ગયું છે પણ બોનમેરો મેચ થતો નથી. એટલે આપણે નવો ડોનર શોધવો પડશે…..”
વારંવાર એકના એક શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. તેમના આ શબ્દોથી હું એકદમ પરેશાન થઈ ચૂક્યો હતો. મારી હિંમત દમ તોડી ચૂકી હતી. હું રસ્તા વચ્ચે જ કાન દબાવીને બેસી ગયો,
“નહિ…. નહિ….. નહિ…. ચૂપ… ચૂપ….. ચૂપ….. બંધ કરો….. હવે મારા કાન થાકી ગયા છે અને હું પણ…. બંધ….. કરો…”
બોલતાં બોલતાં હું જોરદાર રડવા લાગ્યો. આવતાં જતાં લોકો અમને જોઈ રહ્યાં હતાં. અમુક તો મારી પાસે આવ્યાં અને એમાંથી એક નવયુવકે મારી તરફ એમનો હાથ લંબાવી દીધો અને બોલ્યો,
“તમારા જીવનમાં ખૂબ મુશ્કેલી હોય એવું લાગે છે… તમે ઠીક છો?”
હું એનો હાથ પકડીને ઊભો થયો. એ મને લઈને ચાલવા લાગ્યો. એના પ્રશ્નનો જવાબ આપતાં મેં કહ્યું, “તમને મારા જીવનમાં મુશ્કેલી હોય એવું લાગી રહ્યું છે અને તમે બીજો એક પ્રશ્ન પણ પૂછી રહ્યા છો કે હું ઠીક છું! તો બંને પ્રશ્નનો એક જ જવાબ છે, હું જરાય પણ ઠીક નથી.”
તે સાંભળીને પેલાએ વિચિત્ર સ્મિત આપ્યું. આજથી પહેલાં મેં એને જોયો નહોતો પણ એના મુખમાંથી અજીબ દુર્ગંધ આવી રહી હતી. જેના લીધે હું અમારી વચ્ચે અંતર બનાવવા લાગ્યો. એ બોલ્યો,
“મેં જે તમને પ્રશ્ન પૂછ્યો એ તમે સમજી નથી શક્યા. મારો કહેવાનો અર્થ એ હતો કે જો તમે તકલીફમાં હોય તો તમે ઠીક થવા માગો છો?”
ફરી તેનો વિચિત્ર પ્રશ્ન સાંભળીને હું મુજવણમાં મુકાઈ ગયો. તેણે મારી તરફ હાથ લંબાવ્યો અને બોલ્યો,
“તમે ખૂબ મોટી તકલીફમાં છો એ તમારો ચહેરો જોઈને જ હું સમજી શકું છું પણ આ તકલીફમાંથી રાહત મેળવવા માટે મારી પાસે એક રસ્તો છે.”
“કેવો રસ્તો?” મેં તરત જ પ્રશ્ન પૂછી લીધો..
“જુઓ, હું નથી જાણતો કે તમારી પરેશાની શું છે પણ હું થોડા સમય માટે એને તમારાથી અડધી કરી શકું છું.”
તેના આ શબ્દો સાંભળીને હું થોડા સમય માટે ચોંકી ગયો. કેમ કે હું જાણતો જ નહોતો કે પરેશાનીને થોડા સમય માટે ખુદથી દૂર કરી શકાતી હતી. તે સાંભળીને હું બોલી પડ્યો,
“હું ખૂબ મોટી સમસ્યામાં છું, એ સમસ્યા વિશે આપને નહીં જણાવી શકું પણ આપ મારી માટે અજનબી છો અને મારી તકલીફને ભાખી ગયા છો, આપણો કોઈ સંબંધ નથી તેમ છતાં પણ તમે મારી સમસ્યાને દૂર કરવા માગો છો પણ કંઈ રીતે?”
ત્યારે તેણે જવાબમાં કહ્યું, “એની માટે તમારે મારી સાથે આવવું પડશે. તમારા જીવનમાં સમસ્યા શું છે એ હું જાણવા માગતો નથી અને હા તમે ખરું કહ્યું કે આપણે અજનબી છીએ પણ એવું સમજી લો કે ઈશ્વરે મને તમારી મદદ કરવા માટે મોકલ્યો છે.”
તેના શબ્દોમાં ગહેરાઈ હતી. ખબર નહીં કેમ પણ મને તેની ઉપર વિશ્વાસ કરવાનું મન કરી રહ્યું હતું.
“ઓકે, હું નહિ પૂછું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ પણ હું તમારું નામ જાણી શકું?” મેં પ્રશ્ન કર્યો.
“રોહિત શર્મા, ક્રિકેટર નહીં..”
તે થોડો મજાકિયા સ્વભાવનો લાગ્યો, તેની વાતોએ મને હસવા માટે મજબૂર કર્યો. વધારે તો ન હસ્યો પણ મારાથી હળવું સ્મિત તો થઈ જ ગયું. જે જોઈને તે બોલ્યો,
“જિંદગી પણ આનું જ નામ છે, થોડીક વારમાં ખુશી અને થોડીક વારમાં ગમ જીવનમાં પથરાયેલો જ રહે છે. તમારા જીવનમાં જે તકલીફ આવી છે, એ ખૂબ જલ્દી દૂર થઈ જશે એવું મને લાગે છે.”
તેની વાતોમાં મને પોતાનાપણું વર્તાવા લાગ્યું. મેં એને આલિંગન કરી દીધું અને બોલ્યો,
“ખરેખર તમે યોગ્ય સમય ઉપર આવ્યા છો, મારે તમારા જેવા જ કોઈકની જરૂર હતી. મને તો એ પણ નથી સમજાતું કે હું ક્યાં જઈને મારા દુખડા રોવું? મનમાં ચાલી રહેલા અનેકો વિચારોને કેવી રીતે રોકું? મારી પીડા ઉપર મલમ કેવી રીતે લગાડું? અને સૌથી મોટી વાત એ છે કે હું બધું ઠીક કરવા માગું છું એને કેવી રીતે કરું?”
“મારી પાસે તમારા આ બધા પ્રશ્નોનો જવાબ નથી પણ એવું અવશ્ય કહીશ કે અત્યારે જે મુશ્કેલી બનીને તમારા મસ્તિષ્ક ઉપર તાંડવ કરી રહ્યું છે એ આવતીકાલે તમારા ઘાનો મલમ બનીને તેને ઠીક કરશે.”
તેના આ શબ્દો સાંભળીને મારું મન હળવું થયું અને મેં કહ્યું, “રોહિત, આમ તો તું મારા કરતા પાંચ-સાત વર્ષ નાનો હશે પણ તું અત્યારે ખૂબ જ સમજદારીની વાતો કરી રહ્યો છે.”
ત્યારે તે હળવું સ્મિત કરતાં બોલ્યો, “મને હજુ પણ નથી ખબર કે તમારા જીવનમાં શું સમસ્યા છે પણ મારા જીવનમાં અનેકો સમસ્યાઓ હતી જેને મેં એક રસ્તાને પસંદ કરીને એમાં ડુબોડી દીધી છે. તમે પણ મારી સાથે ચાલો અને આજે તમારી સમસ્યાઓને પણ એમાં ઘોળી દો..”
તેની વાત મને સમજાઈ નહિ પણ તેની સાથે જવા માટે હું તૈયાર થઈ ગયો અને તેની સાથે એક અજીબ જગ્યાએ પહોંચ્યો….
ક્રમશ…..

Leave a comment