લ્યુકેમિયા – 23 મનન સાથે મુલાકાત
ડૉક્ટર ઈશાનની વાત હું ધ્યાન દઈને સાંભળી રહ્યો હતો પણ મારું મનોમગજ જરાય પણ કામ કરી રહ્યું નહોતું. જે ડૉક્ટર ઈશાન આર્થિક રીતે અમારી મદદ કરવાના હતા એ હવે એમ કહી રહ્યા હતા કે દરેક રકમ આપણે ભેગી કરવી પડશે. તેમના આ શબ્દો સાંભળીને મારું હૃદય એક સમય માટે તો ધબકારો ચૂકી ગયું. મારામાં હિંમત નહોતી તેમ છતાં પણ મેં પૂછી લીધું,
‘ઈશાન, આપ તો કહી રહ્યા હતા કે બેથી અઢી કરોડની મદદ આપ કરશો અને હવે આપ કહી રહ્યા છો કે કોઈની જમાપુંજીનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ. અમારી પાસે લાખ રૂપિયા પણ નથી, તો અમે અન્ય પૈસા ક્યાંથી લાવીશું? તમે કેમ પીછેહટ કરી રહ્યા છો?’
મારો પ્રશ્ન સાંભળીને ડૉક્ટર ઈશાન મારા પર હસવા લાગ્યા. આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ કોઈ માણસ હસી શકે! એ મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. મને તેમની પર ગુસ્સો આવી રહ્યો હતો. મનોમન એવા વિચાર આવી રહ્યા હતા કે ‘ડૉક્ટર થઈને પણ આમનામાં જરાય સિરિયસનેસ નથી.’ તે મારા ચહેરાની મુખાકૃતિ જોઈને સમજી ગયા હતા કે મારા મનમાં શું ચાલી રહ્યું હતું. તે તેમનું હાસ્ય કંટ્રોલ કરતાં બોલ્યા,
‘મારી પાસે જે સેવિંગ છે એ હું અમાર માટે ખર્ચવાનો છું. એની માટે હું તમને ના નથી કહી રહ્યો. પણ મારો જે સ્ટાફ છે એમણે ઘણી મહેનત કરી છે, થોડા પૈસા જોડવા માટે. હું એમ કહી રહ્યો છું કે એમની પાસેથી આપણે પૈસા ન લેવા જોઈએ. હું એકલો જ રહું છું, ડૉક્ટર પણ છું, મારા એવા કોઈ ખરાબ ખર્ચા નથી. મને કોઈ વસ્તુનું વ્યસન નથી. સાંજે ખીચડી, દૂધ અને રોટલો ભલો. એટલે મારે હાલ સેવિંગની કોઈ જરૂર નથી. ભગવાને આપેલું બધું છે પણ મારી હોસ્પિટલમાં જે લોકો નોકરી કરે છે, એમના ઘર પરિવાર છે. જેની જવાબદારી એમના માથે છે. આપણે લોકો પાસેથી પૈસા લઈને અમારનો તો ઈલાજ કરાવી દઈશું પણ જ્યારે એમના પરિવારને કશીક જરૂર પડશે ત્યારે આપણી પાસે કોઈ સેવિંગ નહીં હોય! જેથી આપણે એમની મદદ કરી શકીશું નહિ. શિવભાઈ તમને મારી વાત ખોટી લાગશે પણ આપણે કોઈનું ફેવર ત્યારે જ લેવું જોઈએ, જ્યારે આપણામાં દમ હોય કે આપણે એથી વિશેષ એમની માટે કરી શકીએ.’
તેમના આ શબ્દો સાંભળીને તો હું ઉપરથી નીચે સુધી હલી ગયો. કેમકે મેં આ તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું કોઈની જમાપુંજી લઈને કોઈ અન્યની મદદ તો નહીં જ કરી શકું! મારો કામ-ધંધો પણ એટલો સારો તો નહોતો ચાલી રહ્યો, કે હું કોઈની મદદ કરી શકું. તેમની વાત મને બરાબર સમજાઈ ગઈ એટલે મેં કહ્યું,
‘ઈશાન, તમે એકદમ બરાબર કહી રહ્યા છો. એ લોકોની કમાણી પર જ એમનાં ઘર ચાલે છે, આપણે તો એમની પાસેથી એમની કમાણી લઈ લઈશું તો એમની પાસે કશું નહીં વધે! હું નથી ઇચ્છતો કે કોઈ એટલું લાચાર બની જાય કે માણસાઈ દેખાડવા ખાતર તે પોતાનું બધું ગુમાવી બેસે. આપણે કોઈ બીજો રસ્તો શોધીશું.’
મારા આ શબ્દો સાંભળીને ડૉક્ટર ઈશાન ભાવુક થઈ ગયા અને મને આલિંગનમાં ભરતાં બોલ્યા, ‘આપણી પાસે સિતારા ભાભીનો ભાઈ મનન એક ઉમ્મીદ બનીને આવ્યો છે, તેની પાસે અજબ રૂપિયા છે. તે ચાર-પાંચ કરોડ તો આસાનીથી આપી શકે એમ છે. આપ નાગપુર જઈને પ્રયાસ કરો.’
‘હું હમણાં જ નાગપુર જવા માટે રવાના થઈ રહ્યો છું. ઈશ્વર કરે કે મનન માની જાય.’
આટલું કહેતા મેં ડૉક્ટર ઈશાનને આલિંગનમાંથી થોડા દૂર કર્યા અને કહ્યું, ‘હવે ઈશાન, આપ હોસ્પિટલ જાવ, હું નાગપુર માટે નીકળું છું.’
‘શિવભાઈ, કોઈપણ જરૂરત હોય તો મને ફોન કરજો. હું તરત તેની સગવડ કરી દઈશ.’
‘ઠીક છે મારા ભાઈ..’
ડૉક્ટર ઈશાન હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા. મેં મારો જરૂરી સામાન એક થેલામાં પેક કરી લીધો. ટેબલ પર મૂકેલ લીંબુ શરબત પી લીધો. નીચે રોહિતની એક ચિઠ્ઠી હતી. જેમાં તેણે ડૉક્ટર ઈશાને કહ્યું એ જ બધું લખેલું હતું. તે વાંચ્યા બાદ મેં તેને એક મેસેજ કર્યો,
‘થેન્ક્યુ સો મચ રોહિત, જો તું ન હોત તો મારું શું થાત! આપણી આ દોસ્તી જીવનભર કાયમ રહેશે.’
ત્યારબાદ હું નાગપુર જવા માટે રવાના થયો. સાતેક કલાક પછી હું નાગપુર બસ સ્ટેન્ડ પર ઉતર્યો. ત્યાં ઉતર્યા પછી ટેક્સી કરીને મનનના ઘરે પહોંચ્યો. ડોરબેલ વગાડી, ત્યારે મનનના ચપરાસીએ દરવાજો ખોલ્યો. સામે મનન અમાર સાથે રમી રહ્યો હતો. મને જોતાં જ ઊભો થઈ ગયો ને બોલ્યો,
‘તું અહીં શા માટે આવ્યો છે? તને અહીં આવવાનો અધિકાર કોને આપ્યો?’
‘જો મનન, મને ખ્યાલ છે કે તને નથી ગમ્યું કે મેં તારી બહેન સાથે લગ્ન કર્યાં પણ એને એકવાર પૂછી જો, છેલ્લા 12 વર્ષમાં એકપણ દિવસ મેં એને તારી કમી મહેસૂસ થવા દીધી છે.’
આ સાંભળીને મનન વધારે ગુસ્સે ભરાયો અને બોલ્યો, ‘હું અને સિતારા બંને નાનપણથી એ રીતે મોટાં થયાં છીએ, જેમ આગિયા સાથે તેની લાઈટ જોડાયેલી છે. જેમ શરીર સાથે આત્મા જોડાયેલી છે, એમ અમે ભાઈબહેન એકબીજા સાથે જોડાયેલાં હતાં. સિતારા માટે મેં આખી દુનિયાની ખુશીઓ લાવવાની નક્કી કરી હતી પણ તારા લીધે મારે મારી બહેન સાથે સંબંધ તોડવો પડ્યો. માત્ર તારા લીધે મારે મારી બહેન સિતારાથી દૂર થવું પડ્યું. માત્ર તારા લીધે મારી બહેનને વગર મા બને અમારની મા બનવું પડ્યું. રૂપિયામાં રમતી રાજકુમારી આજે તારા ઘરની નોકરાણી બનીને બેઠી છે.’
તેની વાતના જવાબમાં હું ઘણું કહી શકતો હતો પણ હું કંઈ બોલું એની પહેલાં સિતારા બોલી,
‘મનન, તું જે કહી રહ્યો છે એમાં કોઈ પણ સચ્ચાઈ નથી. હું એ ઘરની નોકરાણી નહીં પણ રાણી અને રાજમાતા છું. માન્યું કે અમારના પિતા પાસે પૈસા નથી પણ એ ખૂબ સ્વમાની વ્યક્તિ છે. મેં અનેક વખત કહ્યું કે હું બહાર જઈને નોકરી કરું અને થોડું કમાઉં પણ આજ દિન સુધી એમને મને ઘર બહાર નીકળી કરવા માટે પગ મૂકવા દીધો. તારા લાડ પ્યારમાં હું જરાય ભણી શકી નથી. આટલો પૈસો હોવા છતાં તે મારી દરેક જીદ્દ પુરી કરી. મેં ભણવા જવાની મનાઈ કરી તો તે એ પણ જીદ્દ પુરી કરી. મને તો ક્યારેય ખબર પણ નથી પડી કે જિંદગી કોને કહેવાય પણ જ્યારે હું અમારના બાપુના સંપર્કમાં આવી ત્યારે મને ખબર પડી કે સંઘર્ષ કોને કહેવાય. જિંદગી કેવી રીતે જીવાય. હું હતી આપણા ઘરની રાજકુમારી પણ કોઈ અન્યના ઘરની રાણી કે રાજમાતા કેવી રીતે બનવું એ મને શિવના ઘરે જઈને સમજાયું. મારા પિયરમાં કોઈ દુઃખ નહોતું એટલે મને તો ખબર પણ નહોતી કે દુઃખ કોને કહેવાય પણ શિવના ઘરે જઈને મને એ પણ ખબર પડી કે દુઃખ કોને કહેવાય અને એમાંથી બહાર કેવી રીતે અવાય. ભાઈ તું જે માણસને ગલત સમજી રહ્યો છે ને એ માણસ મારી કરતાં હજાર ગણો શ્રેષ્ઠ છે. તે સારી રીતે જાણતો હતો કે તે મારી સાથે ગમે તેવું વર્તન કરશે તો મારી પડખે ઉભું રહેનાર કોઈ નથી પણ તેણે એવું ક્યારેય કર્યું નથી. જે માણસને તું ખોટો સમજીને તારી બહેનની જિંદગી બરબાદ થવાના મહેણાં આપી રહ્યો છે ને એજ માણસ તારી બહેન માટે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ પાત્ર છે. અમારી મજબૂરી છે કે અમે અહીં છીએ.’
મેં સિતારાનું આ રૂપ ક્યારેય નહોતું જોયું. દુનિયામાં સૌથી વધારે પ્રેમ તે એના ભાઈને કરતી હતી. આજ સુધી ક્યારેય એને એના ભાઈ સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. આજે તે સિતારા ઊંચા અવાજે તેના ભાઈને મારા ગુણ ગણાવી રહી હતી. મનન તો સિતારા સામે જોતો જ રહ્યો અને તેના પગમાં બેસીને બોલ્યો,
‘સિતારા, તને તો ખ્યાલ પણ નથી કે તારા ગયા પછી મેં શું ભોગવ્યું છે. મમ્મી-પપ્પાના ગયાં પછી તું જ હતી જે મારો સહારો હતી. હું તને જોઈને મારાં બધાં દુઃખ ભૂલી જતો. તને જોઈને મારું મન હંમેશાં હરખાઈ જતું. તારા ગયા પછી તારા ભાઈ પાસે પૈસા તો છે પણ એનું પોતાનું કહેવા માટે કોઈ નહોતું. તારા ઉછેરમાં હું એટલો વ્યસ્ત થઈ ગયો કે મેં લગ્ન કરવાનું પણ ન વિચાર્યું. આજે મારી ઉંમર થઈ ગઈ છે અને હું એકલો છું. સિતારા હું તારાથી એટલા માટે નારાજ નથી કે તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં પણ મને દુઃખ એ વાતનું છે કે મારી ના હોવા છતાં પણ તે લગ્ન કર્યાં અને મને એમાં આમંત્રણ પણ ન આપ્યું! હું તને ત્યારથી લઈને અત્યાર સુધી ગલત લાગ્યો છું પણ મારી જગ્યાએ તું ખુદને રાખીને એક વખત વિચાર કર કે જો મેં તારી સાથે આવું કર્યું હોત તો? મેં તો તને એ જ દિવસે માફ કરી દીધી હતી, જે દિવસે તું મારા ઉમરોઠ પર આંસુ સારીને ગઈ હતી.’
ક્રમશ…..

Leave a comment