લ્યુકેમિયા – 24 મનનની આર્થિક હાલત
મનન એકાએક બોલતા રોકાઈ ગયો. સિતારાનો જીવ ઉપર-નીચે થવા લાગ્યો. વાત કરતા સમયે તેના ચહેરા પર ગુસ્સો અને લાગણી એક સામટી હતી, એ બંને હવે દૂર થઈને ચિંતામાં બદલાઈ હતી. જે જોઈને મને અને સિતારાને સમજાઈ ગયું કે મનન કંઇક તો છુપાવી રહ્યો હતો. મારો તેને કંઈ પૂછવાનો અધિકાર નહોતો એટલે સિતારાએ જ પૂછ્યું,
‘મેં તો તને એ જ દિવસે માફ કરી દીધી હોત, પણ એ દિવસે તું મારા ઉમરોઠ પર આંસુ સારીને ગઈ હતી. આનો અર્થ શું છે? તું કહેવા શું માગે છે?’
મનન પહેલાં તો કંઈ બોલ્યો નહીં. એટલે સિતારાએ ફરી કહ્યું, ‘મનંત તને મારા સમ છે, તું જે કંઈપણ છુપાવી રહ્યો હોય એ મને જણાવ.’
‘સિતારા, તું મને તારી કસમ ન આપ. હું તને મારી તકલીફ જણાવીશ તો તું પણ દુઃખી થઈ જઈશ.’
‘ભાઈ, પોતાનાઓ શા માટે હોય છે! તકલીફમાં સાથ આપવા માટે અને આપણા દુઃખમાં દુઃખી થવા માટે. બોલ, તું શું કહી રહ્યો હતો?’
‘મેં તો તને એ જ દિવસે માફ કરી દીધી હોત, પણ એ દિવસે તું મારા ઉમરોઠ પર આંસુ સારીને ગઈ હતી. તે દિવસથી મારી પડતી શરૂ થઈ. આપણા પિતાશ્રીએ ભેગી કરેલી અબજોની સંપત્તિ મેં જુગારની લતમાં લૂંટાવી દીધી. મારી સાથે જે કંઈપણ થયું એની માટે હું તને દોશી માની રહ્યો હતો. મને તો અંદાજ પણ નહોતો કે મેં જે ખોયું છે, એ મારી ભૂલોને લીધે ખોયુ છે. અને હા તું આજ સવારથી વિચારી રહી છે ને કે અમાર સાથે મારી દોસ્તી કેવી રીતે થઈ? તો સાંભળ…..’
હું અને સિતારા બંને જાણવા ઉત્સુક હતાં પણ જેટલાં જાણવા ઉત્સુક હતાં એટલાં જ મનનના જુગાર રમવાની આદત પર દુઃખી પણ હતાં. સિતારા તેની પાસે ગઈ, તેના આંસુ લૂછતાં બોલી,
‘તું અમાર વિશે કંઈક કહી રહ્યો હતો. તું તો એને નફરત કરી રહ્યો હતો અને એની સાથે દોસ્તી કેવી રીતે થઈ?’
‘સિતારા, મને અમારથી કોઈ નફરત નહોતી. બસ એનાથી થોડો નારાજ હતો. મને એ વાત ચૂબી રહી હતી કે અમાર અને તેના પિતાએ મારી પાસેથી તને છીનવી લીધી પણ હું ખોટો હતો. તે નવો સંબંધ બાંધ્યો હતો પણ આપણો ભાઈ-બહેનનો સંબંધ એમ જ અકબંધ હતો. ગઈકાલ રાતે અમાર હિંચકમાં હિંચી રહ્યો હતો એટલે હું તેની પાસે ગયો અને મને જોતાં જ એ ડરવા લાગ્યો.’
‘પછી?’
(
‘એ મને જોતા બોલ્યો, ‘મામા અમે કાલે સવારે ચાલ્યાં જઈશું. તમે મમ્મી પર વધારે ગુસ્સો ન કરો.’ આ સાંભળીને હું એની પાસે બેસી ગયો. ધીરેથી એનો હાથ પકડ્યો અને કહ્યું,
‘હું નહીં કરું તારી મમ્મી પર ગુસ્સો પણ મને એ જણાવ કે તારા પપ્પા ક્યારેય તારી મમ્મી પર ગુસ્સો કરે છે?’ મને ખબર છે કે આ પ્રશ્ન મારે અમારને ન પૂછવો જોઈએ પણ એક ભાઈનો પ્રેમ આ પૂછતાં મને રોકી ના શક્યો.’)
સિતારાએ પૂછ્યું, ‘તો અમારનો શું જવાબ હતો?’
(
‘એ બિચારા માસુમને સત્ય અને અસત્યની ક્યાં ખબર પડે છે? એ બિચારો તો જે છે એ સત્ય જ કહેવાનો હતો. એણે કહ્યું,
‘મામા પહેલાં તો મમ્મી પર પપ્પાએ ક્યારેય ગુસ્સો નથી કર્યો પણ જ્યારથી મને બીમારી થઈ છે ત્યારથી મમ્મી-પપ્પા ખૂબ જ પરેશાન છે. એ લોકો મારી આગળ વાત નથી કરતાં એટલે મને વધારે તો ખબર નથી પણ મારા ઈલાજ માટે ખૂબ પૈસાની જરૂર છે. તે દિવસે મેં મમ્મી-પપ્પાને વાત કરતાં સાંભળ્યાં હતાં. મમ્મી-પપ્પાને કહી રહી હતી કે તે મારા ઈલાજ માટે તમારી મદદ માગશે પણ પપ્પા એની માટે તૈયાર નહોતા. બસ એ દિવસે પહેલી વખત મેં એમની વચ્ચે ઝઘડો જોયો પણ એ ઝઘડાનું કારણ હું હતો. જેને લીધે તે દિવસ-રાત હું ખૂબ રડ્યો. મામા મને એ દિવસે વિચાર આવી રહ્યા હતા કે આના કરતાં હું મરી જાઉં તો મારાં મમ્મી-પપ્પા વચ્ચે મારા લીધે ક્યારેય ઝઘડો નહીં થાય. મામા આજે જ્યારે તમે મમ્મી સાથે ઝઘડી રહ્યા હતા ત્યારે એ ઝઘડો પણ મારા લીધે થયો હતો. મામા મને ખરેખર લાગે છે કે મારે જીવવું ન જોઈએ. જો હું નહિ હોઉં તો મમ્મી સાથે તમારા કોઈનો ઝગડો નહીં થાય!’
સિતારા તું માનીસ નહિ પણ એ સાંભળીને મારી આત્મા નીકળી જાય એટલો મોટો ઝટકો લાગ્યો. જે નાના અમારથી હું નારાજ હતો એ તારી શાંતિ માટે મરવા પણ તૈયાર હતો. ભલે તે અમારને જન્મ નથી આપ્યો પણ તારા સંસ્કારો એમાં છે. જે જોઈને મારી બધી જ નારાજગી દૂર થઈ ગઈ અને અમારે મને અપનાવી લીધો. તું એમ જ વિચારતી હોઈશ ને કે જેને મારે અપનાવવાનો હતો એને મને કેવી રીતે અપનાવી લીધો? તો સાંભળ હું જે નારાજગીના ચક્કરમાં એના વિશે મારા મોઢામાંથી જે-તે શબ્દો નીકળ્યા હતા એ શબ્દો ફરી પાછા મારા લીધે તેના મોઢેથી સાંભળીને હું તો તૂટી ગયો. મેં એને ગળે લગાવી દીધો અને કહ્યું,
‘ભાણીયા, તું આમ મરવાની વાતો ન કરીશ! તારા ઈલાજ માટે હું મારું આ ઘર વેચીને થોડાક પૈસાની મદદ કરીશ. કેમ કે તારા મામા પાસે બીજું કંઈ તો નથી.’
ત્યારે એને મારી પાસેથી વચન લીધું, ‘મામા જો આ બીમારીથી લડતાં મને કંઈ થઈ જશે તો આપ મારી મમ્મીને મારી કમી મહેસૂસ નહીં થવા દો. મમ્મી સાથે ઝઘડો પણ નહીં કરો અને મમ્મીને તમારા ઘરે પણ આવવા દેશો.’ તેના આ શબ્દોએ મને ચીરી નાખ્યો સિતારા….’)
મનન વધારે કંઈ બોલી ન શક્યો. ફૂટીફૂટીને રડવા લાગ્યો. તેનાં આંસુ જોઈને સિતારા પણ ખૂબ રડી રહી હતી. અમારે જે વાતો મનન સાથે કરી હતી એ સાંભળીને મારી હાલત ખૂબજ ગંભીર થઈ ગઈ હતી. મને સમજાઈ રહ્યું નહોતું કે હું અત્યારે શું કરું! સિતારા તેનાં આંસુ લૂછતાં બોલી,
‘આપણા પિતાએ આપણી માટે ખૂબ જ વસાવ્યું હતું, જે બધું તું જુગારમાં ખોઈ બેઠો છે. મનન એમાં મારો પણ ભાગ હતો. એ પણ તું હારી ગયો?’
‘સિતારા, આ ઘર સિવાય મારી પાસે કંઈ નથી. તારા ભાગનું પણ હું ખાઈ ગયો.’ આટલું કહેતાં કહેતાં તો મનન ખૂબ ખરાબ રીતે રડવા લાગ્યો. હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો પણ શું કરે! તે સિતારાના પગ પકડતાં બોલ્યો,
‘આપણા પિતાનો આ બંગલો છે મારી પાસે, જેને વેચીને આપણે અમારનો ઈલાજ કરાવીશું. મેં જે કર્યું છે એની કોઈ માફી નથી પણ હા, હવે જે વધ્યું છે એ તને આપવા માગું છું.’
ત્યારે સિતારાએ એક જોરદાર તમાચો એના ગાલ પર ઝીંકી દીધો અને કહ્યું, ‘તને શરમ નથી આવતી? તું પહેલાં જ ઘણું બધું ખરાબ કરી ચૂક્યો છે અને હવે પિતાજીએ વસાવેલો આ બંગલો વેંચીને તું મહાન બનવાની કોશિશ કરી રહ્યો છે? તને ખબર છે પિતાજીએ આ ઘનસંપત્તિ કેવી રીતે ભેગી કરી હતી? તે એમનાં સ્ટ્રગલ જોયાં છે અને તે આટલી આસાનીથી બધું જુગારમાં ઉડાવી દીધું. આજ સુધી તે મારી સાથે બધા સંબંધ તોડી દીધા હતા પણ આજે હું તારી સાથે તમામ સંબંધ તોડું છું.’
સિતારા ખૂબ જ ગુસ્સામાં હતી. મનન તેને આમ ન કરવા માટે કરગરી રહ્યો હતો પણ તે એની એકપણ વાત સાંભળવા માટે તૈયાર નહોતી. તેણે મારી તરફ જોયું અને કહ્યું, ‘અમારના બાપુ, વકીલને કહીને આ ઘર મારા નામે કરાવી દો. નહીં તો આ એને પણ જુગારમાં હારી જશે!’
ત્યારે મનન બોલ્યો, ‘સિતારા, તારી માફી માગવા યોગ્ય તો હું નથી, મેં જે ભૂલ કરી છે એ ભૂલને સુધારી શકું એમ પણ નથી. મેં પહેલાંથી વકીલને આ ઘર તારા નામે કરવા કહી દીધું છે.’
તેના જવાબમાં સિતારા કંઈ ન બોલી. એકાએક તેની નજર ઘરના મંદિર પાસે મૂકેલા એક બોક્સ પર પડી. તે ત્યાં ગઈ અને ખોલીને જોયું તો તેમાં છેલ્લા બાર વર્ષથી મોકલેલી 12 રાખડીઓ હતી. જે હજુ પણ એમને એમ પેક હતી. તે ઉઠાવીને લાઇટરથી સળગાવતાં બોલી,
‘જે સિતારાથી તે છેલ્લા ૧૨ વર્ષ સુધી કોઈ સંબંધ રાખ્યો નથી. તેની મોકલેલી એક રાખડી પણ હાથે બાંધી નથી. એ તમામ રાખડીઓને જલાવતાં હું કસમ ખાઉં છું કે આજથી તારા અને મારા તમામ સંબંધો પૂર્ણ. જે સંબંધ હું મારા જન્મથી આજ દિન સુધી નિભાવતી આવી છું એ સંબંધ હું આજે તોડી રહી છું.’
ત્યારે મનને તેના પગ પકડી લીધા અને કહ્યું, ‘હું જાણું છું કે તું મારાથી ખૂબ જ નારાજ છે પણ હું તને વચન આપું છું કે મેં જે કંઈ પણ ખોયું છે, એ ફરી કમાઈને તને આપીશ.’
ત્યારે સિતારા એટલું જ બોલી, ‘જે દિવસે પિતાજીની જેમ નીતિથી બધું કમાઈ લે એ દિવસે મને તારું મોઢું બતાવજે. ત્યાં સુધી મારો સંપર્ક કરવાની પણ કોશિશ ન કરતો.’
આટલું કહેતાં સિતારા રૂમમાં ગઈ. ત્યાં જઈને સામાન અને અમારને લઈ આવી. મેં એના હાથમાંથી સામાન લઈ લીધો અને એની સાથે ઘરની બહાર જવા લાગ્યો. ત્યારે તે બોલી,
‘તું આ ઘરમાં રહી શકે છે પણ આવનાર પાંચ દિવસમાં આ ઘર મારા નામે થઈને ઓરીજનલ પેપર્સ મારા ઘરે પહોંચી જવાં જોઈએ.’
‘પહોંચી જશે.’ મનન આટલું બોલી શક્યો ને અંદર તેના રૂમમાં ચાલ્યો ગયો.
ક્રમશ……

Leave a comment