લ્યુકેમિયા – 25 ચિંતામાં વધારો

હું અને સિતારા પરત ઘરે આવી ગયાં. ઘરે આવ્યાં એટલે સવારના પાંચ વાગ્યા હતા. ઉંઘ ઘણી આવતી હતી પણ તણાવને લીધે એ પણ ઊડી ગઈ. અમારને રૂમમાં સુવડાવી આવ્યો ને પછી સોફા પર સિતારા પાસે બેઠો. સિતારા તેનાં આંસુ પહેલાં જ રોકી બેઠી હતી, હવે તેની પાસે રડવા માટે આંસુ જ નહોતાં. મેં તેને આલિંગનમાં ભરી લીધી પણ એ એક લાકડા જેમ જ મારી સાથે વ્યવહાર કરી રહી હતી. તેની આંખો એક પલકારો પણ લેવા માટે તૈયાર નહોતી. એની હાલત હું બરાબર સમજી શકતો હતો એટલે એના માથામાં હાથ ફેરવતાં કહ્યું,

‘સિતારા, તારી મનોસ્થિતિ હું સમજી શકું છું. હું જાણું છું કે તું તારા ભાઈ મનનને…..’

‘બસ એટલે જ રોકાઈ જજો… આગળ એકપણ શબ્દ ન બોલતા.’ આગળ કંઈ બોલવાની પહેલાં જ એને મને રોકી લીધો. ‘મારો હવે કોઈ ભાઈ નથી.’ આટલું કહેતાં તે ઊભી થઈને રસોડામાં ચાલી ગઈ.

તેની પાછળ પાછળ હું રસોડામાં પહોંચ્યો અને કહ્યું, ‘હું જાણું છું કે તેનાથી ભૂલ થઈ છે. પણ એ બધું પાછું મેળવવા માટે કોશિશ કરવાનો છે.’

‘તો એની કોશિશથી શું થઈ જવાનું? મારા પિતાએ જે મહેનતથી ધન-સંપત્તિ વસાવી હતી, જે જુગારની લતમાં એ હારી ગયો. એ ધન-સંપત્તિ પાછી આવવાની છે? શું ફરી પાછો એ બધું કમાઈને મારા પિતાની દુખતી આત્માને શાંતિ આપી શકવાનો છે?’

મારી પાસે તેના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો એટલે તેની સામે જોતાં કહ્યું, ‘હું તારી તકલીફ સમજી શકું છું પણ ઉગ્ર થઈને આટલો મોટો ફેસલો કરવો? તે જરાય પણ યોગ્ય નથી.’

‘અમારના બાપુ, તમને લાગે છે કે આ મારો ગુસ્સો છે? ગુસ્સો પોતાના લોકો પર કરાય! હવે આ વ્યક્તિ સાથે મારે કોઈ સંબંધ નથી. મારો ગુસ્સો તમારી પર નીકળે એની પહેલાં તમે એની વાત બંધ કરી દો. એનાથી વધારે જરૂરી આપણા જીવનમાં ઘણી ચિંતાઓ છે, એની વાત કરો.’

થોડા સમય માટે તો હું ભૂલી જ ગયો હતો કે મનન સિવાય પણ ઘણા એવા ટેન્શન હતાં જેના વિશે અત્યારે વિચાર કરવાની જરૂર હતી. મને એજ પળે અમારનો વિચાર આવ્યો ને સિતારા બોલી,

‘અમારના બાપુ, અત્યારે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. જેનું કોઈ સમાધાન નથી. આપણને એક જગ્યાએથી અમારના ઈલાજ માટે પૈસા મળવાની ઉમ્મીદ હતી પણ ત્યાંનો જુગારી એ ઉમ્મીદને પણ હારી ગયો. હવે આપણે પૈસા ક્યાંથી લાવીશું? અમારના બાપુ ક્યાંક આપણે……’

સિતારા આગળ કોઈ અશુભ વાત કરે એની પહેલાં જ મેં એનું મોઢું હાથ વડે દબાવી દીધું અને કહ્યું,

‘સિતારા, એવું ન બોલ કે જેને બોલ્યા પછી પસ્તાવું પડે. સમસ્યા આટલી નથી! આપણે માત્ર બે-અઢી કરોડની વ્યવસ્થા નથી કરવાની. આપણે ચાર કરોડની વ્યવસ્થા કરવાની છે.’

આ સાંભળીને સિતારા આશ્ચર્યમાં મૂકાઈ ગઈ. તેના હોંશ ઉડી ગયા. તે વિચારમાં પડી ગઈ ને ઉતાવળી થતાં તેણે મારા કૉલર પકડી લીધા અને પૂછવા લાગી, ‘અમારના ઈલાજનો ખર્ચ એનાથી વધારે આવવાનો છે? પણ કેમ!’

‘ના ખર્ચ એટલો જ આવશે. ડૉક્ટર ઈશાન જણાવી રહ્યા હતા કે તેમની હોસ્પિટલમાં જે સ્ટાફ નોકરી કરે છે, એમના માથે એમના પરિવારની જવાબદારી છે. સ્ટાફના લોકોએ ખૂબ મહેનત કરીને પૈસા જમા કર્યા છે. જો આપણે એમની પાસેથી એમની જમાપંજી લઈશું તો એમની પાસે કશું જ નહીં રહે. જો એકાએક એમને એવી જરૂરત ઊભી થઈ, તો એમની પાસે કોઈ બચત નહીં હોય અને એ આપણી પાસેથી મદદની અપેક્ષા રાખશે પણ આપણે એમની કોઈ મદદ નહીં કરી શકીએ.’

આ સાંભળીને સિતારા ખૂબજ ગભરાઈ ગઈ અને બોલી પડી, ‘જો મનને જુગારમાં બધું ઉડાવી ન દીધું હોત તો આજે આપણે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર ન પડત! હું મનનને જીવનમાં ક્યારેય માફ નહીં કરું! એના લીધે મારા પિતાએ આપેલા આશીર્વાદ તો મેં ગુમાવ્યા છે અને એના લીધે જો અમારને કંઈ થઈ જશે તો હું એનો જીવ લઈ લઈશ.’

આટલું કહેતાં તો તેનાં આટલા સમયથી રોકેલ આંસુ વહેવા લાગ્યાં, તે ખુદને ક્યારનીય રોકી રહી હતી પણ હવે તેનાથી હેન્ડલ થાય એમ નહોતું એટલે તે ફૂટી કૂટીને રડી રહી હતી. હું તેને સાંભળવાની કોશિશ કરી રહ્યો હતો પણ તે આજે રોકાવવા માટે તૈયાર જ નહોતી. તે રડતાં રડતાં એટલું બોલી,

‘આપણી જિંદગીનું એકમાત્ર પુષ્પ આપણો દીકરો અમાર છે, જો એજ મૂર્જાઈ જશે તો હું પણ નહિ જીવી શકું!’

આ સાંભળીને તો મારા હોંશ ઉડી ગયા. મને સમજાઈ રહ્યું નહોતું કે હું એને શું જવાબ આપું. એટલામાં ડૉક્ટર ઈશાનનો કૉલ આવ્યો. હું ફોન ઉપાડવા માટે બહાર ગયો,

‘હેલ્લો…’

‘શિવભાઈ પૈસાની કોઈ વ્યવસ્થા થઈ?’

‘નહિ! એકપણ રૂપિયાની વ્યવસ્થા નથી થઈ.’ હું ભાવુક થતાં બોલ્યો.

‘હવે ચિંતા કરવાની જરૂર નથી. મેં એક રસ્તો વિચાર્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે પૈસાની વ્યવસ્થા થઈ જશે.’

આ સાંભળીને મારામાં પણ એક ઉમ્મીદ જાગી અને કહ્યું, ‘બસ ઈશ્વર કરે કે તમે જે કંઈપણ વિચાર્યું છે, એ આપણા અમારનો જીવ બચાવી લે..’

‘ઠીક છે શિવભાઈ.. તમે ૧૧ વાગ્યે હોસ્પિટલ આવી જાઓ.’

‘કોઈ સિરિયસ વાત છે?’

‘ના… ના…. તમે આવું કંઇજ ન વિચારો.. હવે બધું સરખું અને યોગ્ય થશે!’

દિલને થોડી ટાઢક વળી. આંખોમાં એક ઉમ્મીદની રોશનીએ જન્મ લીધો. ફોન મુકીને સિતારા પાસે ગયો. હજુપણ તેની આંખોમાં આંસુ હતાં. તેની પાસે જઈને બેઠો. તેનાં આંસુ લૂછ્યાં અને કહ્યું,

‘સિતારા, મારી વાત ધ્યાનથી સાંભળ. ડૉક્ટર ઈશાને આપણને હોસ્પિટલ બોલાવ્યાં છે.’

‘કેમ અચાનક?’ એને આશ્ચર્યથી પૂછ્યું.

‘એ અમારના ઈલાજ માટે કોઈક વ્યવસ્થા કરવાના છે.’

‘સાચ્ચે?’ આટલું પૂછતાં સિતારાના મૂર્જયેલા ચહેરા પર થોડી ખુશી દેખાઈ.

એટલામાં ડૉક્ટર ઈશાનનો ફરી ફોન આવ્યો અને બોલ્યા,

‘શિવભાઈ, મારી તરફથી બધું સેટ છે, આપ આપની રીતે તૈયાર રહેશો.’

આ સાંભળીને મને થોડીવાર તો મગજ પર લોડ આવી ગયો. મેં પૂછી લીધું, ‘હું કંઈ સમજ્યો નહિ! આપ શું કહેવા માગો છો?’

‘અરે ભાઈ, સોરી હું તમને કહેવું જ ભૂલી ગયો. હોસ્પિટલ આવતી વખતે તમારી બૅન્ક એકાઉન્ટની પાસબુક લેતા આવજો’

મને પાછો ઝટકો લાગ્યો. હજુપણ કંઈ સમજાઈ રહ્યું નહોતું. મેં ફરી પાછો પ્રશ્ન કર્યો, ‘મારા બૅન્ક એકાઉન્ટની પાસબુક?’

‘હા શિવભાઈ, તમારા જ બૅન્ક એકાઉન્ટની પાસબુક…’

‘શું ઈશાન! ગરીબ સાથે મજાક કરે છે. અહીં બૅન્કમાં ખાતું નથી ને તું પાસબુકની વાત કરે છે.’

મારો જવાબ સાંભળીને ડૉક્ટર ઈશાન એક સમય માટે તો કંઈ બોલી જ ન શક્યા! તે ચૂપ રહ્યાં. થોડા સમય પછી તેમણે કહ્યું,

‘ખરેખર શિવભાઈ? તમારી પાસે કશુજ નથી?’

‘મતલબ?’

‘તમારું બૅન્કમાં કોઈ ખાતું જ નથી?’

‘નથી ભાઈ…’

‘ઠીક છે, તો આવતી વખતે સાથે તમારા ડોક્યુમેન્ટ્સ લેતા આવજો.’

‘ઠીક છે પણ શું શું લેતો આવું?’

‘તમારું બૅન્કમાં નવું એકાઉન્ટ ખોલાવવું પડશે. મારો એક મિત્ર બૅન્કમાં જોબ કરે છે. હું એની સાથે વાત કરી લઉં છું, એ આજે ને આજે જ તમારું ખાતું ખોલી દેશે. નવું એકાઉન્ટ ખોલવા માટે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે લેતા આવજો.’

‘ઠીક છે…’

આટલું કહેતા મેં કૉલ કટ કરી દીધો. મને સમજાઈ રહ્યું નહોતું કે ડૉક્ટર ઈશાન કેમ મારી ફાઇલ મંગાવી રહ્યા હતા? અનેક વાતો મારા મગજમાં ચાલી રહી હતી. એક તરફ સિતારા ખૂબજ ઉદાસ હતી. બીજી તરફ મારી હાલત પણ ઉદાસીમાં ડૂબેલી હતી.

બરાબર ૧૧ ના ટકોરે અમે હોસ્પિટલ પહોંચી ગયા. સિતારા હજુ રડી રહી હતી. અમાર પણ ખૂબ ઉદાસ હતો. રોજ કરતાં આજે વધારે ઉદાસી અમારા જીવનમાં હતી. એટલું જ નહિ હજુ તો હોસ્પિટલમાં પહોચ્યાં કે તરત જ અમારની તબિયત એકદમ બગડી ગઈ. તે મારો અને સિતારાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો ને એકાએક અમારો હાથ છોડીને નીચે જમીન પર પટકાઈને ઊંધો પડ્યો. હું અને સિતારા કંઈ સમજી શકીએ એ પહેલાં તો એ પટકાઈ ચૂક્યો હતો. સિતારાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ,

‘અમાર………’ ચીસ નીકળવાની સાથેજ એ બેહોશ થઈને નીચે પડી ગઈ. મારા હાથ અને પગ થરથર કંપી રહ્યા હતા. મારું મગજ એકદમ સુન્ન પડી ગયું હતું ને કાનમાં એક સન્નાટો છવાઈ ગયો. લાંબી બીપનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. હું કંઈ સાંભળી શકતો નહોતી. મારી તબિયત પણ લથડવા લાગી. આસપાસ બધાં દોડી રહ્યાં હતાં. મારી નજર ધૂંધળી પડી રહી હતી. મને કંઈ સાફ દેખાઈ રહ્યું નહોતું. મારી પાસે કોઈક વ્હાઈટ એપ્રોનમાં આવ્યું અને મારા ખભા પર હાથ મૂકીને મને કંઇક કહી રહ્યું હતું પણ મને કંઇજ સંભળાઈ રહ્યું નહોતું ને મારી આંખ ક્યારે બંધ થઈ ગઈ એ મને ખબર જ ન રહી.

ક્રમશ……

Leave a comment